April 6, 2013

વાંદરાં, વાજાં અને રાજા: કેટલું સારું લગાડવું? ક્યાં સુધી સારું લગાડવું?

ગુજરાતી ભાષા કમાલ છે, લખનારા કમાલતર છે. હમણાં હમણાં વાચકોને ફિલસૂફી વાંચવાનો શોખ ફાટ્યો છે. ત્યાગ કેમ કરવો? જિંદગી શું છે? કેટલાક કૉલમ લેખકો ફૂલટાઈમ સલાહબાજો બની ચૂક્યા છે. વિષયો પણ ભયંકર લઈ આવે છે. દા.ત. : "પૈસો જ જીવનમાં સર્વસ્વ નથી. કેળાં ખાવાથી કૌમાર્ય સચવાશે. લગ્નની સફળતાનો આધાર પ્રેમ છે. માતૃત્વ એક આશીર્વાદ છે વગેરે વગેરે. જે લેખકને છાશ પચતી નથી અને રોજ રાત્રે ત્રણ જાતના જુલાબો લેવા પડે છે એ સલાહ આપે છે તગડા કેમ થવું? અને વર્ષમાં સાડા સાત મહિના શરદીથી છીંકાછીંક કરતાં વાચકો આ લેખકોને વાંચે છે, અને આપણને કહી પણ જાય છે કે શિયાળામાં એરંડિયાનું સેવન ગુણકારી છે." 

હિંદી લેખક પ્રેમચંદની એક વાર્તામાં હતું: એક જવાન સતત બીમાર રહેતો હતો, એ સતત વ્યાયામ વિશેની પત્રિકાઓ વાંચતો રહેતો હતો. ગુજરાતી ભાષામાં ઈંડાં ન ખાવાં જોઈએ એ વિશે દોઢ હજાર લેખો પ્રતિવર્ષ છપાતાં હશે પણ ચા ન પીવી જોઈએ એ વિશે કે ભજિયાં ન ખાવાં જોઈએ એ વિશે વર્ષે દોઢ કૉલમ પણ કોઈ લખતું નથી. પણ હમણાં હમણાં ફિલસૂફી લખવાનો અને વાંચવાનો ઉપદ્રવ વધ્યો છે એ ચોક્કસ છે, ગુજરાતીઓમાં.

એક ઉપલેખક હમણાં મળ્યો હતો, એણે કહ્યું કે એક છાપું કાઢવું છે, કે જેથી લોકોને સારું લાગે. લોકો સાથે સારા સંબંધો રાખી શકાય, લોકોને ખુશ કરી શકાય. મેં પૂછ્યું: લોકોને સારું લગાડવા માટે છાપાના તંત્રી થવું જરૂરી છે? એ સિવાય બીજા પણ ઘણાં સસ્તા રસ્તા છે. છાપાના શેઠને અને શેઠના મિત્ર મહાશેઠને ખુશ કર્યા કરવાથી વાચકો ખુશ થતા નથી અને ફિલસૂફીનો યક્ષપ્રશ્ન એ છે કે કોઈને કેટલું સારું લગાડવું? ક્યાં સુધી સારું લગાડવું? છાપું કાઢ્યા સિવાય પણ સારું લગાડવાના બીજા કેટલા માર્ગો છે? આ પૃથ્વી પરના પૃથ્વીકાય જીવોમાંના એક આપણે માત્ર બધાને ચોવીસે કલાક સારું લગાડ્યા કરીએ એ માટે જ ભગવાને આપણને મોકલ્યા છે? ઉપલેખકે કહ્યું કે, તમે બીજા પણ સસ્તા રસ્તા છે એવું કહ્યું તો સારું લગાડવાના બીજા કયા સસ્તા રસ્તા છે? મેં કહ્યું: હે અંગૂઠાશ્રેષ્ઠ, સાંભળો. આ સારું લગાડવું એ ઉર્દૂમાં જેને નૂરા કુશ્તી કહે છે એવું છે. નૂરા કુશ્તી. એટલે સાચી સાચી દંગલ નહીં, પણ બનાવટી, પ્રયોજિત કુશ્તી. અંગ્રેજીમાં 'શેડો બૉક્સિંગ' છે એવું આમાં ક્યારેય રામને નામે પથરા ડૂબી પણ જાય છે. આમાં સુવ્વરના બચ્ચાંને વરાહપુત્ર કહેવો પડે છે. આમાં રાજા, વાજાં અને વાંદરાં એ ક્રમમાં નહીં પણ પ્રથમ વાંદરા અને પછી વાજાં અને અંતે રાજા એ અવરોહક્રમમાં એમની પ્રશંસા કરવી પડે છે. આમાં પત્રકારત્વ કરતાં ચિત્રકારત્વ અને ચિત્રકારત્વ કરતાં મિત્રકારત્વનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ ભારતવર્ષમાં દરેક અંગૂઠાછાપને સમાન અધિકાર છે એ સનાતન સત્ય છે. છાપાના તંત્રી થયા સિવાય કે છાપું કાઢ્યા સિવાય સારું લગાડવાના કેટલાંક સસ્તા રસ્તા નીચે પ્રમાણે છે:
 • કોઈ 6 વર્ષના છોકરાનું ચિત્ર જોઈને કહેવું કે આના ચિત્રમાં પિકાસો જેવો ટચ છે. પિકાસોમાં આવા જ રંગ અને લાઈનો છે. 
 • કાચી કેરીની સીઝનમાં શેઠાણી માટે છૂંદો કરવા માટે છીણ અને/અથવા મુરબ્બો કરવા કટકી લાવી આપવી. આ સેવા આપનાર એક કટારલેખકની કૉલમો છાપાના શેઠની શેઠાણીને બહુ ગમતી હતી/ગમે છે.
 • આ અક્સીર માર્ગ ન ફાવે તો બે વિકલ્પો છે: (1) રેડી અથાણું જૈન સેન્ટરમાંથી લાવી આપવું (2) ઘેર બનાવેલું અથાણું હોરલિક્સની બૉટલમાં ભરીને આપી આવવું.
 • સૌરાષ્ટ્ર મેલની ટિકિટ લાવી આપતાં પહેલાં કહેવું કે મારો એક ઓળખીતો બુકિંગ પર હતો ખરો. હવે એ છે કે નહીં ખબર નથી. (એક દિવસ પછી કહેવું) આજે સવારે છ વાગે ગયો ત્યારે એણે છેલ્લી ટિકિટ આપી. લગ્નસરા છે, બહુ રસ છે, ઉપરથી ચેકિંગ ચાલી રહ્યું છે...
 • ઘરઘાટી સપ્લાય કરવો.
 • નળ લીક થતો હોય તો પ્લમ્બર લાવી આપવો.
 • લેટેસ્ટ હિંદી ફિલ્મની કેસેટ મૂકી જવી, જોઈને આપજો ને, ઉતાવળ નથી, વીડીઓ લાઈબ્રેરીવાળો આપણો દોસ્ત છે.
 • (જો જાડો માણસ હોય તો) કહેવું કે હમણાં તમારું વજન ઊતર્યું છે અને (જો પાતળો માણસ હોય તો) કહેવું કે હમણાં કંઈક શરીર જામ્યું છે? એ વ્યક્તિ જરા આનાકાની કરે તો સ્પષ્ટ કહેવું: તમને એ ખબર ન પડે, પણ હું તમને ઘણા દિવસે જોઉં છું ને! ચોક્કસ તમારું વજન ઘટ્યું છે (અથવા વધ્યું છે). 
 • તારું શર્ટ સરસ છે! ક્યાંથી લીધું? (સામેવાળો એડ્રેસ કહે, પછી) આ તો 300-400 રૂપિયાનું જરૂર હશે! (સામેવાળો 185નો ભાવ કહે, પછી) ઓહ મેન ! ડોન્ટ ટેલ મી!.... સાલા, દુકાનદારને ઠગી લીધો તેં તો!
 • શેઠાણીની બાલ્કનીમાં છોડ જોઈને કહેવું: તમારે ત્યાં આટલાં ઊંચા પ્લાન્ટ થાય છે? મારે ત્યાં તો તડકો જ નથી એટલે પ્લાન્ટ ઊગતા જ નથી! શેઠાણી કહેશે: આ તો આર્ટિફિશીઅલ પ્લાન્ટ્સ છે. એટલે તમારે આંખો ફાડીને ચમકવાનું: ઓહ ગોડ !.... કોણ કહેશે, આ આર્ટિફિશિઅલ છે?
 • છરીને ધાર ઊતરાવી આપવી, કારણ કે શેઠાણીની સાસુને શાક કાપવામાં એ જ છરી ફાવે છે અને ધાર ઉતારનારો આજકાલ દેખાતો નથી.
 • શેઠ જૈન હોય તો ઉપવાસ કે એકાસણું, શેઠ વૈષ્ણવ હોય તો ફરાળી ઉપવાસ કરવો. શેઠ જરા રંગીન મિજાજના હોય તો વાઈનની બૉટલ લઈને ભેટ આપવી જે વ્હીસ્કીની બૉટલ કરતાં સસ્તી પડશે.
 • શેઠની દીકરીનું કૂતરું બીમાર પડે તો આળસ કર્યા વિના પહોંચી જવું અને કહેવું કે આ તરફથી નીકળ્યો હતો. હમણાં કંઈ તબિયત ઠીક નથી, એવો નિર્દોષ પ્રશ્ન પૂછીને વાત કૂતરા તરફ લાવવી કે જેથી શેઠની દીકરી કૂતરાની વાત કરશે. એ વખતે રસપૂર્વક કહેતા જવાનું કે તિબેટન પુડલના વાળ આંખો પર આવે તો એમની તબિયત સારી રહે છે... તમે એને ચૉકલેટ ન આપશો. એનાથી આવા સિલ્કના વાળ થઈ જશે.... નવડાવો છો કેટલીવાર આને? અઠવાડિયે એક વાર? દસબાર દિવસે એકવાર નવડાવો. (તમારે કૂતરાં વિશેની પૂરી વાતનો કબજો લઈ લેવાનો છે). ઈમ્પોર્ટેડ ડૉગ ફૂડ બહુ નહીં આપો. જૂનો સ્ટૉક હોય છે ને બહેન, એટલે આને બિચારાને ડાઈજેસ્ટ થતો નથી (કૂતરાને હાથમાં લઈને પંપાળો, પુઅર થીંગ કહીને દબાવીને બચ્ચીઓ ભરી લો) અને એક જૂની કહેવત હંમેશા યાદ રાખો: કાજી મરે ત્યારે ન જાઓ તો ચાલે પણ કાજીની કૂતરી મરી જાય તો જવું જ. (કારણ કે કાજી મૂઓ હજી જીવે છે અને એનાથી સંબંધ રાખવાનો છે!) 
સારા સંબંધો રાખવા માટે છાપામાં કૉલમો લખવાની જરૂર નથી, છાપું કાઢવાની જરૂર નથી, તંત્રી બનવાની તો જરૂર નથી જ. ઉપપ્રશ્ન એ છે કે જીવનમાં કેટલા મીઠા, મધુર, મિષ્ટભાષી થવું? સ્વાદશાસ્ત્રમાં પ્રમાણ બહારની મીઠાશને જ કડવાશ કહે છે... 

(પુસ્તક: યથાક્રમ) 

No comments:

Post a Comment