April 4, 2013

આગથી ફક્ત કાગળ બળી જાય છે, કવિતા બળી જતી નથી

એક પ્રસિદ્ધ દંતકથા છે: મહાન ચીની ધર્મયાત્રી હ્યુ એન ત્સાંગ હિન્દુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મગ્રંથો લઈને એના શિષ્યો સાથે એક જહાજમાં ચીન પાછો જઈ રહ્યો હતો. આ ધર્મગ્રંથો એણે પૂરા દેશમાં પરિભ્રમણ કરીને મેળવ્યા હતા. માર્ગમાં સમુદ્રમાં તોફાન ઊઠ્યું અને જહાજ ડોલી ગયું. નાખુદાએ સૂચન કર્યું કે જો જહાજ બચાવવું હશે તો વજન ઓછું કરવું પડશે. નકામી વસ્તુઓ સમુદ્રમાં ફેંકી દેવી પડશે કે જેથી જહાજનું સંતુલન રહે. એક પ્રશ્ન થઈ ગયો: વજનદાર ગ્રંથો ફેંકી દેવા જોઈએ? વજન તો ઓછું કરવું જ પડશે, નહિ તો જહાજ ડૂબી જશે. હ્યુ એન ત્સાંગે ગ્રંથો ફેંકવાની તૈયારી બતાવી, પણ ગ્રંથો અમૂલ્ય હતા, ધર્મ પ્રચારાર્થે ચીનમાં લઈ જવાતા હતા. શિષ્યો એક પછી એક તોફાની સમુદ્રમાં કૂદતા ગયા અને ખોવાતા ગયા. જહાજ, ગ્રંથો સાથે બચી ગયું, ચીન સલામત પહોંચી ગયું અને ચીન બૌદ્ધ બન્યું.

અમર શબ્દ શું છે? સાહિત્ય સાથે અમર શબ્દ વપરાય છે. મધ્ય એશિયાના રાજા શામિલને પૂછવામાં આવ્યું: ઈમામ, તમે સઈદ આરાકાનીનાં કાવ્યો નદીમાં શા માટે ફેંકાવી દીધાં? રાજાએ કહ્યું: સાચાં કાવ્યો નદીમાં ડૂબે નહિ, એ તો લોકોનાં દિલોમાં જીવે છે. જે કાગળ પર એ લખાયાં છે એ કાગળ જેટલાં જ જો એ ક્ષણભંગુર છે તો એ કાવ્યોને જીવતાં રહેવાનો પણ અધિકાર નથી.

કઈ કૃતિઓ જીવે છે એ પ્રશ્નનો ઉત્તર સાહિત્યની જેમ જ ઈતિહાસ પાસેથી પણ મેળવવો પડશે. અબુલ ફઝલની આઈને-અકબરી એ કાળનો રેકર્ડ છે. આઈ ન શબ્દનો મૂળ અર્થ થાય છે "કાયદો", અને આજે પણ બંગાળી ભાષામાં એ શબ્દ આ જ અર્થમાં સચવાઈ રહ્યો છે. આઈને-અકબરી, કહેવાય છે કે, લખાઈ રહી પછી એકાએક અડધી બળી ગઈ. એ જમાનામાં પહોળાં પાનાંઓ પર લખાતું હતું એટલે ઉપરથી અડધા પાના સુધીનું લખાણ રહ્યું અને નીચેનું અડધું તારાજ થઈ ગયું. અબુલ ફજલે એની સ્મૃતિ પર ફરીથી એ અડધાં પાનાં લખ્યાં અને આઈને-અકબરી ઈતિહાસગ્રંથ તરીકે આપણી પાસે હયાત છે.

વૈજ્ઞાનિક ન્યૂટનનો પ્રસંગ ગઈ પેઢીના ગુજરાતીઓ એમની સ્કૂલની ચોપડીઓમાં ભણ્યા હતા. સર આઈઝેક ન્યૂટન પાસે એક કૂતરો હતો જેનું નામ હતું : ડાયમંડ. આ કૂતરો ન્યૂટનની પાસે જ રહેતો હતો. એક દિવસ ડાયમંડે વૈજ્ઞાનિક ન્યૂટનના ટેબલ પર કૂદાકૂદ કરી મૂકી અને શાહીના ખડિયા ઢોળી નાખ્યા. જે પત્રો પર ન્યૂટને વર્ષોના અથાક પ્રયત્નો પછી વૈજ્ઞાનિક નિષ્કર્ષો કાઢ્યા હતા, લખ્યા હતા એ બધા જ ગહરી શાહીમાં ડૂબી ગયા. ન્યૂટને આવીને જોયું, એનો વર્ષોનો પરિશ્રમ આંખો સામે સમાપ્ત થઈ ચૂક્યો હતો. ન્યૂટને માત્ર એટલું જ કહ્યું: ડાયમંડ, તને ખબર નથી તે કેટલું મોટું નુકસાન કર્યું છે.

આ જ પ્રકારનો એક દ્રાવક પ્રસંગ પ્રખર જૈન અભ્યાસી અને ચિંતક મોહનલાલ દલીચંદ દેસાઈએ નોંધ્યો છે. મોહનલાલ દેસાઈ એમની કૃતિ "જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ" માટે અમર થઈ ગયા છે. આ "સંક્ષિપ્ત ઈતિહાસ" પણ 1079 પાનાંનો છે. 1933માં એ છ રૂપિયામાં મળતો હતો, આજે અપ્રાપ્ય છે અને મૂઢ જૈન શેઠ લોકો એને ફરીથી પ્રકાશિત કરવા માટે પૈસા ખર્ચે એવો વિચાર કરવો પણ મૂર્ખતા છે. લેખક મોહનલાલ દેસાઈ એ પુસ્તકના આરંભમાં એક લાંબું નિવેદન કર્યું છે. એ નિવેદનમાંથી એક અંશ (એમની ભાષામાં): 


"ત્યાં એક અઘટિત ઘટના થઈ. તા. 18-8-28ના દિને મારા ટેબલ પર મારા ચાર વર્ષની વયના ચિ. રમણીકલાલે દીવાસળી સળગાવી તેથી થયેલી નાની આગને પરિણામે આ જૈન સાહિત્યના ઈતિહાસની સં. 1300 પછીની મારી નોંધો બળીને ખાખ થઈ ગઈ અને બીજાં થોડાં પુસ્તક વગેરે કેટલુંક દાઝી ગયું. પણ આગ પ્રસરી નહિ તેથી ઘણું બચી ગયું તે માટે પ્રભુનો ઉપકાર. પછીની નોંધો પુન: કરી પુનર્લેખન કરવામાં પરિશ્રમ લેતાં મૂળ કરતાં વિશેષ સારું લખાયું હશે એ પ્રતીતિથી જે થયું તે સારા માટે એ કહેવત અનુસાર રમણીકે રમણીય કર્યું એનો મારા મને સંતોષ લીધો."

અકસ્માતથી નષ્ટ થઈ જવું એક વાત છે અને એનો નાશ કરવો બીજી વાત છે. મધ્ય પૂર્વના એક કવિનું નામ મહમૂદ હતું. એ કવિતાઓ લખતો અને ભૂખે મરતો. મહમૂદના પિતાએ પુત્રપ્રેમને કારણે અને કવિતા પરના રોષને લીધે મહમૂદની કવિતાઓની બૅગ આગમાં ફેંકાવી દીધી. આજે મહમૂદની કવિતાઓ જીવે છે. આગથી ફક્ત કાગળ બળી જાય છે, કવિતાઓ બળી જતી નથી.

પ્રાણીશાસ્ત્રના વિજ્ઞાનવિશ્વમાં જેનેટિક્સના સ્થાપક વોલ્ફગોંગ મેંડલનું નામ પ્રમુખ છે. આજે જેનેટિક્સ અથવા વંશશાસ્ત્ર અત્યાધુનિક બની ચૂક્યું છે પણ 19મી સદીમાં એનો આરંભસમય હતો. મેંડલે લાંબા અને ટૂંકા અને વિવિધરંગી બીજોમાંથી સંકર બીજો ઉત્પન્ન કરવા માટે પ્રયોગો કર્યા. મેંડલ એના સમય કરતાં ઘણો આગળ હતો. એ વખતે એ નવો એબટ અથવા ધર્મગુરુ નિયુક્ત થયો જેનું માથું એક હિમશિલાની જેમ ધર્મમાં અહર્નિશ ડૂબેલું જ હતું. એને થયું કે મેંડલ અધર્મી છે અને એક દિવસ વોલ્ફગોંગ મેંડલના જીવનભરના અધ્યયન સ્વરૂપ એકત્ર થયેલા બધા જ કાગળો એ ધર્મગુરુના આદેશથી સળગાવી મૂકવામાં આવ્યા. ચર્ચના સાધુઓ પાસે ધર્મગુરુએ આ કામ કરાવ્યું.

સામયિકતા અને અમરત્વનો સંઘર્ષ પ્રત્યેક યુગે ચાલતો રહ્યો છે, અને ઈતિહાસમાં રોમાંચક પ્રમાણો મળતાં રહે છે. હિન્દુસ્તાનના ઈતિહાસમાં કુખ્યાત બખ્તિયાર ખીલજીએ નાલંદાનું વિશ્વવિદ્યાલય બાળીને ભસ્મ કરી નાખ્યું હતું. તક્ષશિલાની વિદ્યાનગરી એ જ રીતે બર્બર હૂણ ધાડાંઓએ જલાવી નાખી હતી. મુસ્લિમ સંસ્કૃતિને મંગોલ સૈનિકોએ ખતમ કરી નાખી. સન 1221 પછી ચંગેઝ ખાન અને પછી હલાકુખાન આવ્યા અને મુસ્લિમ પ્રજાઓ,એમના વંશો, એમના ઈતિહાસોનો ધ્વંસ કરતા ગયા.ખુરાસાનથી શામ (સિરિયા) સુધી કત્લેઆમ થઈ ગઈ. પચાસ-સાઠ લાખ માણસો કતલ થયા જે મુસ્લિમો હતા, અને એમના કાતિલ ચંગેઝ અને હૂલાકુ હતા. બગદાદ જે "ઉમ્મુદ દુનિયા" અથવા દુનિયાની માતા તરીકે વિશ્વપ્રસિદ્ધ હતું. સંપૂર્ણ તબાહ થઈ ગયું. એની પ્રખ્યાત લાઈબ્રેરી ખાક થઈ ગઈ. સર્વત્ર તસવ્વુફ (સૂફીવાદ માટે અરબીમાં તસવ્વુફ શબ્દ વપરાય છે)ની ચર્ચા થવા લાગી. આ જ અરસામાં ઈસ્લામી ફલસફા અને કવિતાનાં સર્વકાલીન નામો ઊભરે છે: જલાલુદ્દીન રૂમી (1206-1273), શબિસ્તરી (મૃત્યુ: 1320), હાફિઝ (1320-1390), ઈરાકી, મગરિબી ઓહદી, શેખ સાદી (1213-1292). સાદીએ પદ્યમાં "બોસ્તાં" અને ગદ્યમાં "ગુલિસ્તાં" લખ્યાં હતાં. મંગોલ આક્રમણ ઈસ્લામના પતન માટે જવાબદાર છે અને કરુણતા એ વાતની છે કે હિન્દુસ્તાનના મુસ્લિમો ચંગેઝ ખાન અને હૂલાકુ ખાન માટે ગર્વ લે છે. "ખાન" શબ્દ પણ મંગોલ છે અને "બહાદુર" શબ્દ પણ મંગોલ છે.

એ જ રીતે ઈજિપ્તના પ્રખ્યાત એલેક્ઝાંડ્રીઆ (અલ-સિકંદરિયા)ની લાઈબ્રેરી જલાવવામાં આવી હતી. કહેવાય છે કે 60 દિવસો સુધી આગ ભડકતી રહી હતી. ચીનમાં શિ-હુઆંગ-ટી નામના સમ્રાટે અસ્તિત્વમાં હોય એ બધા જ ગ્રંથો સળગાવી નખાવ્યા હતા. કારણ? ઈતિહાસ મારાથી શરૂ થવો જોઈએ. 

કવિને મારી શકાય છે, કવિના અવાજને કે અક્ષરને મારી શકાતો નથી. મૃત્યુ અમરત્વ આપે છે. એ વિધિની વક્રતા છે. સુલમાન સ્તાલ્સ્કી નામના લોકકવિને પોતાની સહી કરતાં આવડતી ન હતી, જરૂર પડે ત્યારે અંગૂઠો બોળીને એ છાપ મારતો હતો. પણ કીર્તિને લેખિત શબ્દ સાથે પણ સંબંધ નથી. દાધેસ્તાની લેખક રસૂલ હમઝાતોવ પ્રશ્ન પૂછે છે: લેઝધીન કવિ કોચખુર્સ્કીની આંખો મંગોલ ખાને ફોડી નાખી, એ પછી એણે કવિતાઓ કેવી રીતે લખી હશે? મધ્ય એશિયાના જુલ્મગાર જુન્તી નાઈબે કવિગાયક આનખિલ-મારીનના હોઠ સોયદારાથી સીવી નાખ્યા પછી એણે જે ગીત ગાયું એ ગીતે જુલ્મગારની જિંદગી હરામ કરી નાખી. પ્રતિભા એટલે? અમરત્વ એટલે? 

અમરત્વ એક રહસ્ય છે. રવીન્દ્રનાથ ટાગોરે એમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે: એ ઈંગ્લેન્ડમાં એમની 'ગીતાંજલિ' અંગ્રેજી હસ્તલિખિત પાંડુલિપિ લઈને ટ્રેનમાં જઈ રહ્યા હતા અને ભૂલથી ડબ્બામાં જ પાંડુલિપિની પ્રત ભૂલીને ઊતરી ગયા. પછી ખબર પડી કે ગીતાંજલિ ટ્રેનમાં જ રહી ગઈ છે. પાછા આવ્યા, સ્ટેશન માસ્તર પાસે તપાસ કરી, અંગ્રેજ સ્ટેશન માસ્ટરે એ પાછી આપી. ડબ્બામાંથી મળી છે. આ બ્રિટિશ રેલવેઝ છે. મુંબઈની વિરાર લોકલ હોત તો... રવિ ઠાકુર કદાચ ડૉક્ટર સર રવીન્દ્રનાથ ટાગોર ન બની શક્યા હોત. 

('સમકાલીન': સપ્ટેમ્બર 13, 1989) 

(પુસ્તક: ઉપક્રમ)

No comments:

Post a Comment