April 2, 2013

દરજી, મિસ્ત્રી, વાયરમૅન, પ્લમ્બર, મિકેનિકની દુનિયામાં...

હૉંગકૉંગ જગતના સૌથી ત્વરિત વિકસિત પ્રદેશોમાંનું એક ગણાય છે. જ્યારે ચીનમાં કમ્યુનિસ્ટ, ક્રાંતિજ્વાળા ફેલાઈ ત્યારે લાખો ચીના શરણાર્થીઓ હૉંગકૉંગ અને ફોર્મોસા (આજનું તાઈવાન)માં આવી ગયા. વસતિ વધવાની સાથે સાથે બેકારી વધી ગઈ અને ત્રીજા વિશ્વની બધી જ સમસ્યાઓથી હૉંગકૉંગ છલકાઈ ગયું એ દિવસોમાં. 1950ના દશકના આરંભમાં હવાઈ યાતાયાત આટલી વધી ન હતી અને સ્ટીમરો દ્વારા પ્રવાસ થતા હતા. હૉંગકૉંગ પાસિફિક મહાસાગર પરનું સિંગાપુર જેવું મહત્ત્વનું એક પોર્ટ ઑફ કૉલ અથવા વિશ્રામમથક હતું. સ્ટીમરો આવતી. ક્યારેક સવારે આવીને રાત્રે ચાલી જતી અથવા ચોવીસેક કલાક જેવો મુકામ કરતી. હૉંગકૉંગ પાસે જગ્યા કે વિદ્યુત કે ઉદ્યોગ કે કે ધનરાશિ કંઈ જ ન હતું અને છતાં પણ હૉંગકૉંગે પ્રગતિ કરી, અભૂતપૂર્વ પ્રગતિ કરી. કેવી રીતે? હૉંગકૉંગ દરજીઓ હતા, સવારે સ્ટીમર પર આવતા, તમારું માપ લઈજતા, બપોરે ટ્રાયલ આપતા અને સ્ટીમર ઊપડતાં પહેલાં તમને સુટની ડિલિવરી આપીજતા! હૉંગકૉંગની પ્રગતિની શરૂઆત થઈ દરજીઓને કારણે.

અને આપણા દરજીઓ, ક્યારેય સમયસર કંઈ જ આપવાનું શીખ્યા નથી. એ દરજીઓ,  "દરજીનો દીકરો જિંદગીભર સીવે' જેવી કહેવતો ગર્વથી કહેતા દરજીઓ ક્યારેય ટેલરિંગને મિલિયન ડૉલર ઈન્ડસ્ટ્રી બનાવી શક્યા નહીં. બસ, આ જ મુખ્ય વાત છે. હિંદુસ્તાની હુજ્જતની અને ચીની હુન્નરની અને એશિયાની અન્ય પ્રજાઓની હિકમતની. આપણા હુન્નરબાજો કે મહેનતકશ લોકો ક્યાંક આધુનિક ઔદ્યોગિક મિજાજ સ્વીકારી શક્યા નથી અથવા સ્વીકારવા માગતા નથી. 

દરજીઓ હૉંગકૉંગમાં કરોડો રૂપિયા કમાયા. દરજીઓ હિંદુસ્તાનમાં હજી સામાન્ય સમય સાચવી શકતા નથી. નિયમિતતા અને શિસ્ત અને સમય સાથે સુધરતા રહેવાની વૃત્તિ કદાચ નથી. "બસ, બ્લાઉઝમાં હવે ફક્ત હૂક જ લગાવવાના બાકી છે....આજે કટિંગ માસ્ટર આવ્યો નથી...શર્ટના ગજ બાકી છે, બાકી બધું તૈયાર છે... આવતે શનિવારે ચોક્કસ, એમાં કહેવું નો પડે!... બજારમાં ગયો હતો પણ મેચિંગ બટન મળ્યાં નથી..." આવા સેંકડો વાક્યો આપણે સાંભળ્યા છીએ, સાંભળતાં રહીએ છીએ.

પશ્ચિમમાં મહેનતકશ પૈસાદાર થઈ જાય છે, અહીં કેમ થતો નથી? વ્યવસ્થા નથી, લગન નથી, સ્વશિસ્ત નથી? મોડું કરવામાં એક્સપોર્ટની કલા કે હોંશિયારી છે એવી બીમાર મનોવૃત્તિ છે? ન્યુયોર્કમાં એક કાળા પ્લમ્બરનાં વેનો અને ગાડીઓ ચાલે છે, ઑફિસો છે, અને એ ફક્ત પ્લમ્બિંગનું કામ કરે છે. આપણે ત્યાં પ્લમ્બર એટલે માંડ માંડ ઘર ચલાવતો અને રોજ સાંજે દેશી દારૂ પીતો એવો કોઈ માણસ જેના પર સતત ધ્યાન રાખવું પડે અને બિલકુલ વિશ્વાસ ન થાય ! સારો પ્લમ્બર સતત અને જીવનભર શોધતા રહેવું પડ્યું છે. સૌથી ખરાબ હાલત ગુજરાતનાં મહાનગરોના પ્લમ્બરોની છે, એમને કામની સફાઈ નથી, કામ આવડતું નથી, કામમાં પ્રગતિ કરવી નથી, હાથ ગંદા કરવાની અરુચિ છે. જે કામ મુંબઈમાં એક દિવસમાં થાય છે એ કામ એક અઠવાડિયા સુધી અમદાવાદનો પ્લમ્બર કરી શકતો નથી, કરતો નથી, અને કરે છે ત્યારે બગાડી મૂકે છે. મુંબઈની તુલનામાં ગુજરાતના મજદૂરોની કામચોરી છે કે કામની બેજવાબદારી છે એ સમજાતું નથી, સમયભાન કરતાં સમયબેભાન જેવો શબ્દ વાપરવો પડે એ સ્થિતિ છે. કદાચ પૈસા ઓછા મળે છે એ કારણ હોય, કદાચ ઝડપથી પ્રોફેશનલ કામ કરવાની કર્મણ્યતા જ નથી પણ વર્તણૂક અત્યંત રુક્ષ અને ભાષા કાંટાદાર એ ગુજરાતી મજદૂરની સામાન્ય પ્રકૃતિ છે. કદાચ શોષણ છે, કદાચ સામંતી માહૌલ છે, કદાચ તાલીમનો સંપૂર્ણ અભાવ છે, પણ આ ઔદ્યોગિક મિજાજ નથી.

હિંદુસ્તાનનો મિસ્ત્રી-મજદૂર બજાર વિરોધિતાથી ભરપૂર છે. બી.એસ.સી ભણેલા ઢગલાબંધ છે, પણ ઈલેક્ટ્રિક મિસ્ત્રી મળતા નથી. બારીનો તૂટેલો કાચ ફીટ કરવો હોય તો મિસ્ત્રી નથી. જે છે એ બેહિસાબ પૈસા માગે છે. કામમાં સફાઈ નથી. એલ્યુમિનિયમની ફ્રેમમાં એલાઈનમેન્ટ બરાબર નથી, કાચ બરાબર ચાલતા નથી. લાકડું એવું હલકું વપરાય છે કે દરેક વરસાદમાં ફૂલી જાય છે. નવું ગંજી લો અને પહેલીવાર ધુઓ ત્યારે કંપનીના લેબલનો કાચો રંગ ગંજીની સફેદીને ધબ્બો મારી દે છે. સ્ક્રૂને સ્ક્રૂ-ડ્રાયવરથી લાકડામાં ઘૂસાડવાને બદલે હથોડી મારીને અંદર ઘૂસાડનારા મિસ્ત્રીઓની કમી નથી. રૂમમાં સ્વીચબોર્ડ લગાવનારા ઈલેક્ટ્રિશિયનોને ખબર નથી કે ચાર સ્વીચોમાંથી કઈ પ્રથમ રાખવી. એક જ ફ્લેટમાં એક રૂમમાં પ્રથમ બત્તીની સ્વીચ હોય છે, બીજામાં પંખાની ત્રીજા કિચનમાં કંઈક જુદું હોય છે. પછી અનાડી, અર્ધશિક્ષિત મિસ્ત્રી બોલ પોઈન્ટ પેનથી સ્વીચોની નીચે ગડબડિયા, ગંદા અક્ષરોમાં "એફ" કે "એલ" લખીને ચાલ્યો જાય છે.

ટેલિફોન રિપેર કરવા આવનાર દરેક માણસ મુંબઈમાં શા માટે "યાદવ" જ હોય છે? અને એ દરેક યાદવ જ્યારે ટેલિફોન બૉર્ડમાં કંઈક કરામત કરીને જાય છે પછી બહાર અડધો ડઝન જાતજાતનાં રંગબેરંગી વાયરો ઝૂલતા રહે છે. જગતના સૌથી આઝાદ ટેલિફોન ઈન્ડિયા, ધેટ ઈઝ ભારતના છે. અહીં ટેલિફોન ટેપ કરવા ખરેખર અઘરું કામ છે. જ્યાં દરેક બીજો નંબર ક્રોસ કનેક્શન છે અને દરેક ત્રીજો નંબર રોંગ નંબર છે અને દરેક ચોથી લાઈન ડેડ-લાઈન છે. ત્યાં કોઈનો ટેલિફોન ટેપ કે બગ કરવા બચ્ચાનો ખેલ નથી. માટે જ આપણા દેશના ટેલિફોન જગતના સૌથી આઝાદ ટેલિફોન છે! 

હિંદુસ્તાન પ્રથમ વિશ્વ થવાની કોશિશ કરતો ત્રીજા વિશ્વનો એક દેશ છે અને આ અહસાસ લગભગ પ્રતિક્ષણ થતો રહે છે. આખા હિંદુસ્તાનમાં ચાર ફીટ લાંબી ટ્યૂબ લાઈટો વપરાય છે. સાથે ચોક અને રેઝીસ્ટન્સ અને પતરાંની પટ્ટી અને લાકડાના બે ડટ્ટા અને સ્ક્રૂ અને તરેહતરેહની સામગ્રી ભેગી કરવી પડે છે. એ ફીટ કરવા ઈલેક્ટ્રિક મિસ્ત્રીની જરૂર પડે છે. એ સ્ટુલ પર ચડે છે અને ટ્યૂબલાઈટ ફીટ કર્યા પછી ટ્યૂબલાઈટને ઠેરવે છે અને જ્યાં એ જલી ઊઠે છે કે નાનાં છોકરાંઓ તાળીઓના ગડગડાટ કરી મૂકે છે. આ બધું મજાનું છે, રોમેન્ટિક છે, આપણું બાળપણ યાદ આવી જાય એવું રોચક છે, પણ આ ચાર ફીટની ટ્યૂબલાઈટ; જે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ કેન્સલ કરી હતી માટે હિંદુસ્તાનમાં આવી હતી એવી એ દિવસોમાં અફવા હતી, અમેરિકામાં ક્યાંય વપરાતી નથી, ત્યાં ટ્યૂબલાઈટ હોય છે પણ આજ ચાર ફીટની ટ્યૂબલાઈટને ગોળગોળ વાળીને બજારમાં વેચવામાં આવે છે, ઉપર એક પ્લગ જેવું હોય છે જે સિલિંગના સોકેટમાં આપણે સ્ક્રુ ફેરવતા હોઈએ એમ ફીટ કરી દેવાની. આપણે આપણા હાથે જ, જેમ ઈલેક્ટ્રિકનો બલ્બ લગાવી શકીએ છીએ, એમ જ ટ્યૂબલાઈટ ફીટ કરી નાખવાની હોય છે. હિંદુસ્તાનમાં શણની દોરીના ટુકડા વાપરવાનો રિવાજ છે. શણની દોરી લગભગ મફત પડે છે અને બંને પાઈપો એના આંટામાં સજ્જડ બેસી જાય છે. પણ પછી એવો કાટ લાગી જાય છે કે એ છૂટી પડી ગયા પછી ફરીથી વાપરી શકાતી નથી. ફરીથી વાપરવી હોય તો કાપીને ફરીથી નવા આંટા અથવા થ્રેડ્સ પાડવા પડે છે. વિદેશોમાં આ પેચના આંટાઓ ઉપર એક અત્યંત પાતળી સફેદ ટેપ વપરાય છે. જે પાઈપોને સખત રાખે છે અને એ પાઈપો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.

આપણે ત્યાં વ્યક્તિગત બુદ્ધિ વિશ્વશ્રેષ્ઠની સમકક્ષ છે, પણ મેઈન્ટેનન્સ કે વસ્તુ સંભાળ નથી. ફૂટપાથ આ વાતનું એક આદર્શ દ્રષ્ટાંત છે. દેશભરનાં છાપાંઓમાં ધ્યાન અને ફિલસૂફી અને સંસ્કૃતિ વિશે કરોડો શબ્દો લખાય છે પણ ફૂટપાથ વિશે ક્યાંય એક શબ્દ વાંચવા મળતો નથી, જે ફૂટપાથ દરેક વાચકે જીવનમાં રોજ વાપરવાની છે. કલકત્તામાં બે કદમ ચાલી શકો એ સિદ્ધિ છે, આખું શહેર લડાઈ પછી ધરાશયી થઈ ગયું હોય એવું બિસ્માર છે. મુંબઈ પ્રમાણમાં સારું ગણાય છે પણ ફૂટપાથો સતત ખોદતા રહેવાનો અને પછી પથ્થરો અને મલબો ઢગલામાં મૂકી જવાનો, ટેલિફોન, વિદ્યુત અને મ્યુનિસિપાલિટીના કર્મચારીઓને અબાધિત અધિકાર હોય એવું લાગે છે. જો ફૂટપાથ જરા સારી હોય તો એ ફેરિયાઓ માટે છે. સંવિધાનમાં બધા જ મૂળભૂત અધિકારો સાથે એક અધિકાર ઉમેરી લેવો જોઈએ: રાઈટ ટુ ડુ બિઝનેસ ઑન ફૂટપાથ્સ (ફૂટપાથ પર ધંધો કરવાનો મૂળભૂત અધિકાર)! ફૂટપાથો બનાવતાં સંભાળ રાખતાં અહીં આવડતી નથી એ હકીકત છે. બીજી તરફ પશ્ચિમમાં ફૂટપાથો એવી સરસ હોય છે કે બાબાગાડી અથવા પેરામ્બ્યુલેટરમાં સૂતેલા શિશુને એક પણ આંચકો આવતો નથી, એક ફૂટપાથ ઊતરીને રસ્તો ઓળંગીને બીજી ફૂટપાથ પર ચડતાં પણ નહીં. પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બાની ફર્શનું એલાઈનમેન્ટ એટલું કમાલ હોય છે કે તમે જરા પણ આંચકા વિના આરામથી પૂરી બાબાગાડી ડબ્બામાં લઈ જઈ શકો છો....! 

અને અમદાવાદ, જ્યાં ફૂટપાથો જ નથી. ફૂટપાથને સ્થાને ઊંટો મસ્તીથી ચાલી શકે એવી ધૂળ હોય છે. બૂટને પૉલિશ કરનારા શૂ-શાઈન બોયઝ નથી. કારણ કે લોકો ચંપલો પહેરે છે અને બૂટ હોય તો રોજ અડધો ટન ધૂળ જામી જાય એવા રસ્તા છે. અમદાવાદમાં પાકી ફૂટપાથો નથી. કદાચ અમદાવાદી તર્ક એવો હશે કે ફેરિયાઓ કરતાં ધૂળ સારી... 

(જન્મભૂમિ પ્રવાસી:  માર્ચ 29, 1990)

(પુસ્તક: શિક્ષણ)

No comments:

Post a Comment