April 6, 2013

જૈન દર્શન

જૈન દર્શન, ગાંધીના બ્રહ્મચર્યના વિચારોની જેમ, એટલું બધું સખત છે કે સામાન્ય મનુષ્યને આચરણમાં ઉતારવું લગભગ અશક્ય છે. દરેક વિધિ, દરેક ક્રિયા, દરેક દાયિત્વ ઉપરથી નક્કી કરેલું હોય છે. સૂચનાઓ લખેલી હોય છે, આદેશ આપેલા છે, પણ દરેક આદેશનો એક વિકલ્પ હોય છે. જૈનો પાસે જ 'અનેકાંત' જેવો શબ્દ મળી શકે છે.

શ્રીમદ રાજચંદ્રે દર્શન શબ્દ સમજાવ્યો છે: જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, એનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કંઈ છે એમ આરસીના ઝબકારાની જેમ સામા પદાર્થનો ભાસ થવો એ 'દર્શન', વિકલ્પ થાય ત્યાં 'જ્ઞાન' થાય. જૈનો શબ્દોના સમ્રાટો છે. શબ્દ પાસેથી જે કામ જૈન શાસ્ત્રનો અને મર્મજ્ઞોએ લીધું છે એ ભાગ્યે જ કોઈ ધર્માચાર્યોએ લીધું છે. જૈન દર્શન 'કુવિકલ્પ' નામનો શબ્દ પણ વાપરે છે, અને 'સુખાભાસ' નામનો શબ્દ પણ વાપરી શકે છે, સુખાભાસ એટલે સુખ નહીં, સુખનો આભાસમાત્ર.

બધું જ વ્યવસ્થિત છે, શાસ્ત્રોક્ત છે. અને જૈનોમાં 'શાસ્ત્રો' નથી. અનેકાંત વિરોધાભાસનું છેદન કરતો નથી, માત્ર સંશયનું છેદન કરે છે. દરેક કર્તવ્ય, કર્મ, કાર્ય પ્રમાણિત છે. આધારિત છે, નિયત છે. એકપુરુષ અને એક સ્ત્રીએ કેટલું જમવું? આને જૈન દર્શનમાં ઉનેદારિકા તપ કહેવાય છે. ઉનેદારિકા એટલે નિયત પ્રમાણ કરતાં ઓછા રહેવું એ. શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાં લખ્યું છે: સામાન્ય રીતે પુરુષને બત્રીસ કોળિયા અને સ્ત્રીએ અઠ્ઠાવીસ કોળિયાનું ભોજન-પ્રમાણ છે. કોળિયાના વ્યાખ્યા? એ વિશે પણ આદેશ સ્પષ્ટ છે: કૂકડીના ઈંડા જેટલું અથવા તો મોઢું પહોળું કર્યા વિના સહજતાથી મોઢામાં મૂકી શકાય એટલું. આ તપ પણ પાંચ પ્રકારે કરી શકાય છે. 

જૈન દર્શન વૈજ્ઞાનિક છે, ગાણિતિક છે, વૈભાગિક છે, આંકડાઓમાં ગોઠવેલું છે. કાન કેટલા પ્રકારના અવાજો સાંભળી શકે છે? સચિત્ત શબ્દ એટલે કે જીવંત પ્રાણીનો, અચિત્ત શબ્દ એટલે જડ પદાર્થોનો અને મિશ્ર શબ્દ અર્થાત બંનેના મિશ્રણરૂપ અવાજ એટલે કે સ્વર અને વાદ્યનો સંયુક્ત. 

જૈન દર્શનના અદભુત શબ્દવિશ્વે મને રોમાંચિત કરી નાખ્યો છે. આટલા બધા શબ્દો અને એ દરેક શબ્દની સ્પષ્ટ અર્થછાયાઓ, શબ્દકોશની બહાર ઢળી પડેલા આટલા બધા શબ્દો, સમાસો, અર્થઘટન, વ્યાખ્યાઓ, ભેદજ્ઞાન. આ ધર્મ આજે અભણ વેપારીઓની સોલસેલિંગ એજન્સી જેવો બની ગયો છે. પણ આ ધર્મ પ્રકાંડ અને પ્રચંડ જેવાં વિશેષણોનો ભાર સહી શકે એવા માણસોએ સંભાળ્યો છે.

('કોકટેઈલ' પુસ્તકમાંથી)

(Source: કાન્તિ પટેલ દ્વારા સંપાદિત પુસ્તક "કસ્તૂરી"માંથી)

1 comment: