April 1, 2013

મૌસમ પરીક્ષાની અને કોપી કરવાની !

ફરીથી પરીક્ષાની મોસમ આવી ગઈ છે. લાખો-કરોડો વિદ્યાર્થીઓ દેશભરમાં જાતજાતની પરીક્ષાઓમાં બેસશે. રાતના ઉજાગરા, કંપાસ બોક્ષ, ચહેરા પર સુસ્તી, ઈમ્પોર્ટન્ટ, ગ્રેસ માર્ક્સ - એક નવું હવામાન પેદા થઈ જાય છે. અને એ બધાની સાથે એક જૂનો પ્રશ્ન જેના વિષે આપણે આંખો મીંચી દઈએ છીએ ફરીથી સામે આવે છે. પરીક્ષામાં ચોરી ! ચોરી ખરાબ વસ્તુ છે. પણ મમ્મી-પાપા પરીક્ષા આપવા બેઠાં હતાં ત્યારે પણ થતી હતી. કદાચ એમણે પણ કરી હશે. એ પહેલાંની પેઢીના જમાનામાં પણ થતી હતી. પરીક્ષા અને કોપી કરવી બંને સાથે ચાલે છે. પરીક્ષામાં કોપી કરવા વિશે, રોકવા વિશે, એ વિશે અભ્યાસ કરવા બાબત કોઈ પરિચર્ચા કે સંવાદ કે સેમિનાર યોજાતા નથી. એનું પૃથક્કરણ ખાસ થતું નથી.

હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા નથી કારણ કે એમાં ઘણો સમય બગડે છે. કારણ કે એમને બારમાંથી દસ પ્રશ્નો આવડતા હોય છે અને ઉત્તરપત્રમાં માત્ર છ જ લખવાના હોય છે. કારણ કે એમને પકડાઈ જવાનો ભય છે. એટલે પાછળનો વિદ્યાર્થી ચોરી કરે એ પણ ગમતું નથી. માટે કેટલાક વિદ્યાર્થીઓ લખતા જાય એમ પ્રશ્નપત્રથી લખેલું દબાવતા જાય છે. હોશિયાર વિદ્યાર્થીને ચોરીની જરૂર હોતી નથી કારણ કે જવાબદારીના પૂરા ભાન સાથે એ પરીક્ષા આપવા આવે છે. માતા, પિતા અને ગુરુ પાસેથી એ શીખ્યો છે કે ચોરી પાપ છે. વ્યક્તિને નાની બનાવી દે છે. એ ફર્સ્ટ ક્લાસ લાવનારો છે. એણે કોઈ દિવસ ચોરી કરી નથી.

વિદ્યાર્થીઓની બીજી કક્ષા છે સામાન્ય વિદ્યાર્થીની - જે જરૂર પડતાં, ડરતાં ડરતાં પણ ચોરી કરવાની તક મળે તો કરી લે છે. ત્રીજી કક્ષા ડબ્બાઓની છે, જે ચોરી કરે છે અને ફેઈલ થાય છે! ચોરીથી પ્રથમ વર્ગ આવતો નથી, ફક્ત લટકી રહેલા ક્યારેક પાસ થઈ જાય છે. અથવા થોડા માર્ક આવતા હોય અને કંઈક ઠીક માર્ક મળી જાય છે. આ વિદ્યાર્થીઓને ચોરીમાં દોષની કોઈ ભાવના લાગતી નથી. આ વિદ્યાર્થી વધારે વ્યવહારુ છે. એ કહે છે: "ગાડીનાં લાયસન્સ ખોટાં મળી શકે છે. કાળા પૈસાનો ફ્લેટ ખરીદાય છે. ઈન્કમટેક્સની ચોરી થાય છે. માણસો ખિસ્સાં કાપે છે. દેશી દારૂ પીવાય છે. લોકો ઠગે છે....! પરીક્ષામાં દસ માર્કની ચોરી કરી લીધી તો શું ઘોર પાપ કરી નાખ્યું?"

માણસ ક્યાંક નીતિમાન રહે છે. પોતાની પુત્રી સાથે ઘરમાં, પોતાના ભગવાન સાથે મંદિરમાં, પોતાના મરેલા સ્વજન સાથે સ્મશાનમાં, પોતાના પુસ્તક સાથે કોલેજ કે સ્કૂલમાં! બાકી દુનિયામાં આંખ ફેરવો ત્યાં અનીતિ છે. હિન્દીમાં કહેવત છે, માણસ પોતાના ઘરના તુલસીક્યારામાં પેશાબ કરતો નથી! આખી દુનિયામાં પેશાબ કરી શકે છે. એક જગ્યા બાકી રાખે છે. માણસ અને કૂતરા વચ્ચે આ મામૂલી ફર્ક છે. ચોરી કરનાર અને ચોરીથી દૂર રહેનાર વચ્ચે આવો જ કંઈક સૂક્ષ્મ ફર્ક છે. બાકી તો પોતાના તુલસીક્યારાનો માણસ પોતે જ માલિક છે. કોઈ એને રોકનાર નથી.

પણ પરીક્ષામાં કોપી એ માત્ર નીતિ-અનીતિનો પ્રશ્ન નથી. જે છોકરી બે માર્ક માટે ચોરી કરે છે એ જ છોકરી આગળની બેંચ પર બેઠેલી છોકરી જે પર્સ ભૂલી ગઈ છે એ સુપરવાઈઝરને સોંપી દે છે! અને સુપરવાઈઝર કદાચ એ પર્સમાંના આઠ રૂપિયા ચાલીસ પૈસા ખિસ્સામાં મૂકે છે. હંમેશા આવું બનતું નથી પણ આવું બની પણ જાય છે! કોપી કરતી હતી એ છોકરી ગુનેગાર નથી, એણે માત્ર એક નાની ગલતી કરી છે. એ ક્રિમીનલ નથી, એને પર્સ લઈ લેવાના સંસ્કાર મળ્યા નથી, એણે ચોરી કરી છે પણ એ ચોર નથી!

જ્યાં સુધી 58 માર્ક મેળવનાર વિદ્યાર્થી 57 માર્કવાળા વિદ્યાર્થી કરતાં વધારે હોશિયાર ગણાશે ત્યાં સુધી પરીક્ષામાં ચોરી થવાની! કોપી માત્ર નૈતિક પ્રશ્ન રહ્યો નથી. લાખો વિદ્યાર્થીઓ વધ્યા છે અને હવે જનતાના દરેક વર્ગમાંથી આવે છે. એક એક માર્ક માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થા માટે પ્રવેશ અટકી જાય છે. યુનિવર્સિટીઓનાં પરિણામો સો ટકા પ્રામાણિક નથી હોતા! એક ઉત્તરના એક વિદ્યાર્થીને 6 અને બીજાને 7 માર્ક શા માટે અપાય છે એ પરીક્ષકને પણ ખબર નથી. માર્ક પર જો વિદ્યાર્થીનું ભવિષ્ય નિર્ભર કરતું હોય તો પરીક્ષામાં માર્ક સૌથી મહત્ત્વના બની જાય છે અને એ વધારે મેળવવા પ્રયત્ન જરૂર થશે. બંને તરફ વધારે જગ્યા છોડવી, અક્ષરો છૂટા છૂટા લખવા, ન વાંચી શકાય એવું લખવું, આ બધા અહિંસક પ્રકારો છે. ક્યારેક સાથે ચિઠ્ઠી લાવવી કે બેંચ પર લખી લેવું અથવા હથેળી પર કે કપડાં પર પોઈંટ લખી લેવા. આ પણ સામાન્ય છે. નાટકની પહેલી રાતે સંવાદ યાદ ન રહે ત્યારે કેટલાંક કલાકારો એકોક્તિના મુદ્દાઓ હથેળી પર લખી લેતા હોય છે!

કેટલીક વિદેશી યુનિવર્સિટીઓમાં અંગ્રેજીના 60 માર્ક ગણિતના 90ની બરાબર ગણાય છે. અહીં ભાષા અને વિજ્ઞાનના વિષયોના માર્ક સરખા ગણાય છે જે સિદ્ધાંત જ અવૈજ્ઞાનિક અને ખોટો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માર્કને બદલે ગ્રેડ અપાતા હતા. અમેરિકામાં પણ એ, બી, સી, ડી; આદિ ગ્રેડ અપાય છે. એમ.એમાં પણ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં એ પ્રથા છે. એ વધારે તાર્કિક છે. 45 અને 50 51 વચ્ચેનો ફર્ક સમજાતો નથી. 

અમેરિકાની વેસ્ટ-પોઈંટ મિલીટરી અકાદમીમાં પરીક્ષાર્થી પાસે સોગંદ લેવડાવવામાં આવે છે કે - હું જૂઠું નહિ બોલું, ઠગીશ નહિ, ચોરી નહિ કરું. કલકત્તામાં પરીક્ષા ચાલતી હોય ત્યારે બહાર લાઉડ સ્પીકર ઉપર એના જવાબો બ્રોડકાસ્ટ થતા હોય છે. મુંબઈ યુનિવર્સિટીમાં જે ગોટાળા ચાલે છે એ હવે દરેક વિદ્યાર્થી જાણે છે. પૂર્વ હિન્દુસ્તાનની કેટલીક યુનિવર્સિટીઓમાં આ વર્ષનાં પરિણામો આવતે વર્ષે જાહેર થાય છે. (મુંબઈ યુનિવર્સિટી પણ એ માર્ગ તરફ જઈ રહી હોય એવું લાગે છે.) દુનિયાભરમાં વિદ્યાર્થીની ચોરીનો પ્રશ્ન આ વિરાટ પ્રશ્ન સાથે સંકળાયેલો છે એમ માનવામાં આવે છે. જો પિતા ચોર હોય તો પુત્રને શરીફ બનાવવાનું ગુરુનું ગજું નથી. કોલેજમાં આવતાં સુધીમાં નીતિહીન પિતાને પુત્ર અનીતિના પાઠ શીખી ચૂક્યો હોય છે - વર્ષનાં 150 લેક્ચરોમાં પ્રોફેસર ઘરના કુસંસ્કાર સુધારી શકે, 18 વર્ષની તાલીમ બદલી શકે, નીતિને સ્વીકાર્ય બનાવી શકે એ અશક્ય લાગે એટલું કઠિન કામ છે. અને પ્રોફેસરો પણ...

પરીક્ષામાં ગ્રેજ્યુએટ કક્ષાના પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરો ન હોવા જોઈએ. ચાબુકથી નહિ પણ વિશ્વાસથી; શિસ્તથી નહિ પણ શર્મથી આ સમસ્યાને સમજવાની કોશિશ કરવી જોઈએ. પરીક્ષામાં ચોરી તદ્દન બંધ નહિ થાય પણ ઓછી જરૂર થઈ શકશે. પ્રશ્નપત્ર એટલો લાંબો હોવો જોઈએ કે મર્યાદિત સમયમાં એ માંડમાંડ પૂરો થઈ શકે. ચોરી કરવી પોસાય નહી! બુદ્ધિ અને હમદર્દીથી આ પ્રશ્નને વિચારવાથી વધારે નુકસાન થવાનો સંભવ નથી.....!

(પુસ્તક: સાહસ)

No comments:

Post a Comment