નિર્વાચન એક એવો સમય હોય છે જ્યારે આંખોમાંથી વિસ્મય અને કાનમાંથી અશ્રદ્ધા ભૂંસી નાખવાનાં છે. બધું જ ઉચિત છે, બધું જ સંબદ્ધ છે. બધું જ બોલી શકાય છે. દુશ્મન દુશ્મન છે - નિર્વાચનમાં પરિણામો જાહેર થઈ જાય ત્યાં સુધી! એની બધી જ ભૂલો, એબો, ખરાબીઓ પર્દાફાશ કરવાનાં છે, અને શેષ કરી નાંખવાનો છે, પરાસ્ત કરવાનો છે, એનું ચારિત્ર્ય તોડી ફોડીને ખતમ કરી નાખવાનું છે. એને જીતવાનો છે. પણ પરિણામો જાહેર થઈ ગયા પછી આ આપણા પક્ષમાં આવી જશે. પાટલી બદલુ કહો કે 'ટોપી બદલ ભાઈ' કહો એ આપણા પક્ષમાં આવી જશે. એટલે શુદ્ધ થઈ જશે! બહુમતી બધાને શુદ્ધ કરી નાંખે છે...
બહુમતી શાસકપક્ષની હોય તો હમેશાં એકવચનમાં જ બોલતી હોય છે. વિરોધીને ચૂંટણીમાં જીતી ન શકાય તો ગભરાવાનું નથી. ચૂંટણી પછી પણ એને જીતી શકાય છે!
ખેર, આ નિર્વાચન મજાનું છે. વધારે રંગીન અને વધારે વૈવિધ્યવાળું છે. ભારતનાં લગભગ બધાં જ સમાચાર પત્રો અને સામયિકો સૌથી મહત્ત્વ આપી રહ્યાં છે: ફિલ્મી સિતારાઓને! એમની કવર-સ્ટોરીઓ આવી ગઈ છે. ધોધ વહી ગયો છે. ફિલ્મી સિતારાઓ રાષ્ટ્રીય ચૂંટણીમાં પહેલીવાર આવી ગયા છે એવું નથી. 1952માં જ્યારે પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી થઈ હતી ત્યારે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા માટે એક મહાન ફિલ્મી સિતારાએ ઝુકાવ્યું હતું અને એ મહાન સિતારાને બે હજાર વોટ પણ મળ્યા હતાં! એ મહાન સિતારાનું નામ: રાજ કપૂર!
આજે બત્રીસ વર્ષ પછી ભારતનું ચિત્ર બદલાયું છે. રાજ કપૂરનો વારસો આજે અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત અને વૈજયંતિમાલા સંભાળે છે. એક મત એવો પ્રવર્તે છે કે આપણા રાષ્ટ્રજીવનનું આ ઘોર અવમૂલ્યન થઈ ગયું છે કે આપણે ફિલ્મી નટનટીઓને પકડી લાવવા પડે છે!
કરોડો રૂપિયા કમાનારા, ટેબલની ઉપરથી અને નીચેથી રૂપિયા લેનારા, શરાબો અને સુંદરીઓ સાથેની કચકડાની જિંદગી પડદા પર ભજવનારા, હજારો રૂપિયા પાણીની જેમ વહાવનારા ગરીબીને હટાવવાની વાત કરી રહ્યાં છે. ઍક્ટિંગ ક્યાં શરૂ થાય છે અને ક્યાં અટકે છે? હસવું કે રડવું એ નક્કી કરવું પણ મુશ્કેલ છે! અમિતાભ માટે જગતના ડૉક્ટરો મુંબઈ આવ્યા હતા, સુનીલ દત્તની પત્નીને ન્યુયોર્કમાં સારવાર અપાઈ હતી. કદાચ આપણે જેને ગરીબી સમજીએ છીએ અને આ કલાકારો જેને ગરીબી કહે છે એ બે જુદી વસ્તુઓ છે. આપણી ગરીબી એક ઘટના છે. એમની ગરીબી એક રચના છે.
(ગુજરાત સમાચાર: 1985) (રાજકારણ-1)
No comments:
Post a Comment