કમિટીવાદ ભારતીય રાજકારણનું નવું કલ્ચર છે. લઠ્ઠો પીને માણસો મરી ગયા છે - કમિટી નીમો! ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બદમાશીઓ કરી છે - કમિટી નીમો! એર ઈન્ડિયાનું હવાઈ જહાહ તૂટી ગયું - વન મેન કમિશન નીમો! રેલ્વે અકસ્માત હોય કે હિંદુ મુસ્લિમ હુલ્લ્ડ થઈ જાય, રાજનેતાઓ પાસે ગરમાતા જનમતના ફુગ્ગામાંથી હવા કાઢી લેવા માટેની પીન છે: તપાસ, જાંચ, પડતાલ, ઈન્કવાયરી! ત્રણ, ચાર, છ માસમાં જનતા બધું જ ભૂલી જશે. કમિટી, કમિશન, તપાસ પંચોનું એક વિરાટ જગત છે. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં એમ.એ.ના રાષ્ટ્રવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આ કમિટીવાદ વિષે એક પચાસ માર્કનો પેપર રાખવો જોઈએ!
કમિશન નીમવાના ફાયદા પણ છે. એનાથી સમસ્યા મુલત્વી રાખી શકાય છે. કમિશનનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી લોકો વાત ભૂલી ગયા હોય છે, એ સમસ્યાનું મહત્ત્વ ખતમ થઈ ગયું હોય છે અથવા નવી અને વધારે ગંભીર સમસ્યાઓ પ્રકટ થઈ ચૂકી હોય છે. વિરોધી પક્ષો અને જનતાનો તાપ કામચલાઉ દૂર કરવા માટે કમિશન એક આદર્શ પ્રશાસનિક વ્યવસ્થા છે.
કમિશનમાં કોણ નિમાય છે? સામાન્ય રીતે નિવૃત્ત ન્યાયાધીશોને એ કામ સોંપાય છે. એમનું પ્રવાસભથ્થું, નિવાસભથ્થું અને પગાર અથવા કંઈક કામચલાઉ સાલિયાણા પ્રકારનું મળે છે. કેટલાક કમિશનો ખરેખર અભ્યાસ કરીને ગોપનીય માહિતી બહાર લાવે છે અને સ્તુત્ય સેવા કરે છે. પણ પછી કેટલાકને માટે એ નિવૃત્તિ પછીની ઉપકારક પ્રવૃત્તિ બની જાય છે, આવકનું એક સાધન બને છે. એમના કમિશનના કામમાં જેટલો વિલંબ થાય એટલો એમની સગવડો-સુવિધાઓ અને આમદનીમાં વધારો થતો રહે છે. સમય નક્કી હોય છે અથવા નથી હોતો, અને અમર્યાદ શક્યતાઓ છે આ કમિશનનું કામ વધી જવાની!
(સમકાલીન, મે 3, 1987) ('રાજકારણ-1'માંથી)
No comments:
Post a Comment