October 15, 2015

લઘુમતી શબ્દ હવે જૂનો થઈ ગયો છે!

લઘુમતી એટલે? જેમની સંખ્યા ઓછી છે! કેટલી ઓછી? એક ટકો વસતી લઘુમતી કહેવાય પણ દસ ટકા, પંદર ટકા, અઢાર ટકા લઘુમતી કહેવાય? તેત્રીસ ટકા, અડતાલીશ ટકાને લઘુમતી કહેવાય? ભારતના રાજકારણમાં લઘુમતી શબ્દ મહત્ત્વનો છે, કારણ કે લઘુમતીના મત વહેંચાઈ જતા નથી પણ સામાન્ય રીતે એક સાથે જ આવે છે! અને અભ્યાસથી એવું પણ સમજાયું છે કે લઘુમતીના સ્ત્રી-મતો લગભગ સો ટકા એક જ પક્ષ અથવા વિચારધારાને મળે છે. અને એમાં પણ જ્યાં પ્રજા અભણ કે અર્ધશિક્ષિત હોય અને એ પ્રજાનું શિક્ષણધોરણ તદ્દન નીચું હોય ત્યાં 'બ્લૉક વોટિંગ' અથવા એકપક્ષી સમૂહ મતદાન થાય છે!

લઘુમતી શબ્દે ઘણી વિચિત્રતા પેદા કરી છે. ભારતમાં લઘુમતી ગ્રંથિ નામની વસ્તુ પણ હવે પેદા થઈ ગઈ છે જે લઘુતાગ્રંથિથી જરા જુદી છે! લઘુતા અથવા હીનતાની ભાવનાથી વ્યક્તિ ક્યારેક વધારે શાંત થઈ જાય છે પણ લઘુમતીની ગ્રંથિમાં લઘુમતી વધારે અસલામત, આગ્રહી કે આક્રમક બનવાના લક્ષણો દેખાય છે. લઘુમતી પોતાના ધાર્મિક, ભાષાકીય, કે ભૌગોલિક અધિકારો વિષે વધારે સતર્ક અને સભાન બની જાય છે. માનસશાસ્ત્રની ભાષામાં લઘુમતી વધારે ભાવુક અને સંવેદનશીલ બને છે અને એનો આવેશ હિંસારેખાની નીચે જ ઘૂંટાતો હોય છે... 

અમેરિકામાં હવે 'લઘુમતી-બહુમતી' શબ્દો વપરાતા નથી. પહેલાં અમેરિકા 'મેલ્ટીંગ-પોટ કહેવાતું હતું, બધી જાતિઓ અહીં આવીને ઓગળીને એકરસ બનીને અમેરિકન બની જતી હતી. હવે અમેરિકાના વિચારકો એમ માને છે કે આ એકરસ થઈ ગયેલી વસ્તુ અમેરિકા નથી પણ અમેરિકા એક મોઝેઈક છે - જુદા જુદા રંગોવાળા આરસના ટુકડા ફીટ કરવાથી જે ડિઝાઈન બને છે એ ડિઝાઈન છે! એમાં દરેક રંગનું મહત્ત્વ છે. દરેક રંગની જુદાઈ અને એની અલગતા ગર્વ લેવાની વસ્તુ છે, કોઇ પ્રજા બહુમતીમાં નથી, દરેક જાતિનું પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ અને યોગદાન છે! ભારતમાં પણ ભાવનાત્મક ઐક્યની આપણે વર્ષો સુધી વાતો કરી પણ આચરણમાં બહુ પ્રગતિ કરી શક્યા નહીં. એકચક્રી શાસનનો પ્રયોગ એ સમયે ઠીક હતો પણ હવે એમાં તિરાડો દેખાય છે!

કાશ્મીરને નિયમિત પંપાળવું પડે છે, શીખ અકાલીઓ અલગતાવાદના માર્ગ પર છે, આસામ-મીઝોરમ-નાગાલેન્ડ, મણિપુર-ત્રિપુરાના પ્રશ્નો હવે આપણને દઝાડે એવા ભડકી રહ્યા છે, બંગાળના કમ્યુનિસ્ટો સાફ આરોપ મૂકે છે કે કેન્દ્ર બંગાળને એક કોલોની અથવા સંસ્થાન સમજી રહ્યું છે, દક્ષિણમાં તામિલનાડુ પંદર વર્ષોથી 'મદ્રાસી' સ્થાનિક પક્ષોના હાથમાં જ છે, આંધ્રમાં રામરાવની તેલુગુ દેશમની તરવાર ઊભી જ છે, કર્ણાટકમાં કન્નડા-રંગાનું આંદોલન છે, કેરાલા ક્યારેય કેન્દ્રની એડી નીચે સતત રહ્યું નથી! આ ભૌગોલિક 'લઘુમતીઓ'નું ચિત્ર છે. કદાચ અમેરિકાની જેમ ભારતે પણ હવે 'મેલ્ટીંગ પૉટ'ના સ્થાને 'મોઝેઈક'નો વિચાર કરવાનો સમય આવી ગયો છે. 'ભાવનાત્મક ઐક્ય'ને બદલે 'ભાવનાત્મક વૈવિધ્ય'નો વિચાર આજના સમયમાં યોગ્ય લાગી રહ્યો છે.

સ્થાનિક દ્રવિડ પક્ષોના હાથમાં રહેવાથી તામિલનાડે છેલ્લા પંદર વર્ષોમાં પ્રગતિ કરી નથી? હરિયાણા અને ગુજરાત છૂટા પડ્યા પછી આજ વીસ-પચીસ વર્ષોમાં  ભારતનાં પ્રથમ રાજ્યો બની ગયાં છે! દુનિયામાં વસેલા ભારતીયોમાંથી ગુજરાત, કેરાલા અને પંજાબના લોકોને બાદ કરી નાંખો તો શું રહે? ટૂંકા સમયમાં વધારે પ્રગતિશીલ થવું જ પડે છે... અને આંધ્ર પ્રદેશની જેમ ભાવનાત્મક ઐક્યની ગુડ્ઝ ટ્રેનના ડબ્બા થવા કરતાં નાનકડા ગોવાની જેમ ડીલક્ષ બસ થવું શું ખોટું? ગોવાને મહારાષ્ટ્રમાં ડુબાડી દીધું હોત તો ગોવા કદાચ આટલી પ્રગતિ કરી શકત કે નહીં એ પ્રશ્ન છે. જાતિય વૈવિધ્યને બદલે હવે શાંતિથી વિચારવાનો સમય ભારતીય રાજનીતિમાં આવી ગયો છે.

અમેરિકા આ બાબતમાં બહુ તંદુરસ્ત વિચારો કરી શકે છે. ત્યાં બહુમતી નથી. મૂળ અંગ્રેજ આવેલા જે વસતીમાં આજે પંદર ટકા જેટલા છે. જર્મન રક્તવાળા અમેરિકન તેર ટકા છે, હબસી અથવા નીગ્રો અગિયાર ટકા છે. આજે અમેરિકામાં આયરલેન્ડ કરતાં વધારે આયરીશ છે, ઈઝરાયલ કરતાં વધારે યહૂદીઓ રહે છે અને આફ્રિકાના કેટલાય દેશો કરતાં વધારે હબસીઓ રહે છે. ઈટલીના વેનિસ નગર કરતાં વધારે ઈટાલીઅનો ન્યૂયોર્કમાં છે અને પોલેન્ડના કેટલાંય શહેરો કરતાં વધારે પોલ લોકો ડેટ્રોઈટમાં વસે છે! 1965 પછી અમેરિકામાં વિચારો બદલાયા છે અને જાતિવાદની જુદાઈને હવે પ્રોત્સાહન મળતું જાય છે. હવે લઘુમતી કે 'માઈનોરીટી'ને બદલે જાતીય કે 'ઍથ્નિક' શબ્દ વપરાવા માંડ્યો છે.

ભુજ કરતાં વધારે કચ્છીઓ મુંબઈમાં રહે છે અને રાજકોટ કરતાં વધારે કાઠિયાવાડીઓ મુંબઈમાં રહે છે! અને અમદાવાદ કરતાં વધારે ગુજરાતીઓ પણ મુંબઈમાં વસે છે! એક અનુમાન પ્રમાણે છવ્વીસથી અઠ્ઠાવીસ લાખ ગુજરાતીઓ મુંબઈમાં છે. આટલી મોટી સંખ્યાને લઘુમતી કહેવાય! અથવા કહેવાવી જોઈએ? ગોવા કરતાં વધારે કૅથલિક અને કેરાલાનાં મોટાં શહેરો કરતાં વધારે મળયાળી પ્રજા મુંબઈમાં છે. આ બધાના વિવિધ જાતિ મોઝેઈકને લીધે મુંબઈ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનાત્મક ઐક્યનું બુલડોઝર ફરી જાય તો મુંબઈ કલકત્તા બની જાય! અમેરિકા પ્રગતિ કરી શક્યું છે કારણ કે એ દરેક પીડિતની માતૃભૂમિ છે - હંગેરીથી, પૂર્વ યુરોપથી, વિયેતનામથી, ચીનથી દુનિયાને છેડેથી માણસ આવ્યો અને અમેરિકામાં એને સ્વતંત્રતા મળી! પોતાની ઇચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા, પોતાની ઇચ્છા પ્રમાણે ધર્મ પાળવાની અને પરણવાની સ્વતંત્રતા...! અને અમેરિકામાં લઘુમતી નથી, બહુમતી નથી. સાચા અર્થમાં અનેકતામાં એકતા છે!...

(રાજકારણ-1)

No comments:

Post a Comment