April 5, 2013

રૂપ અને સેક્સ : મત્સ્યગંધાથી વિષકન્યા....

ઈતિહાસમાં દરેક સમાજમાં સ્ત્રી રાજનીતિની સાથે જ રહી છે, અને એણે રૂપ અને સેક્સને અસ્ત્ર અને શસ્ત્ર તરીકે વાપર્યાં છે. જે હાથથી ફેંકવામાં આવે છે એ હથિયાર અસ્ત્ર છે (રૂપ) અને જે પોતાની પાસે રાખીને વાપરવામાં આવે છે એ હથિયાર શસ્ત્ર (સેક્સ) છે. આ માતૃત્વનો પ્રાંત નથી, આ વિષકન્યાની પ્રયોગશાળા છે અથવા હટીરાનું હમામ છે. 

સ્વરૂપવાન સ્ત્રીઓએ ગોપીથી ગુપ્તચર સુધીનું કામ કર્યું છે. સામાન્ય નિર્દોષ મધ્યવર્ગી માણસોને ખબર નથી કે ખૂબસૂરતી અને સેક્સ બે તદ્દન જુદી અને ઘણીવાર અસંબદ્ધ વસ્તુઓ છે! યુરોપમાં હૉલેન્ડની સ્ત્રીઓ સૌથી સ્વચ્છ ગણાય છે અને સૌથી ઠંડી. ભૂમધ્ય સમુદ્ર કિનારાના ખુશનુમા તડકામાં પુષ્ટ થયેલી છલોછલ સ્ત્રીઓ, ગોરીગોરી નથી, માંસલ બદામી વાસનાના ડાયેનેમો જેવી છે એ પૂરા જગતને ખબર છે. બૈરીનું ધોળું ધોળું ચામડું રાત્રે પોણા-દસ વાગ્યે દુકાન બંધ કરીને ઘેર આવતા કબજિયાતપ્રેમી જાડા ગુજરાતી પતિદેવો માટે બરાબર છે. પણ કેટલીક સ્ત્રીઓ રૂપમાં માનતી નથી, સ્વરૂપની એમને ખબર છે. પૃથ્વી પર બધાં જ પશુઓ, બિલાડી, બળદ, ઘોડો, કૂતરો, વાંદરો આરંભમાં વન્ય કે જંગલી હતાં, પણ બધાં સભ્ય, શિસ્તબદ્ધ બનાવવામાં આવ્યાં, પાળવામાં આવ્યાં. સમાજશાસ્ત્રની ભાષામાં "ડોમેસ્ટીકેટ" કરવામાં આવ્યાં. સ્ત્રીને ખબર છે કે આ પશુઓમાં છેલ્લા પાલતુ બનાવવામાં આવેલા પશુનું નામ છે: પુરૂષ! 

પ્રાચીન ગ્રીસમાં હટીરાની સંસ્થા હતી. હટીરા અત્યંત સ્વરૂપવાન, અત્યંત બુદ્ધિમાન સ્ત્રી હતી, અને સામાન્યત: પરણતી ન હતી. કોઈપણ તાત્કાલિક મહાન પુરૂષ, સેનાપતિ, દાર્શનિક, વિદ્વાન સાથે રહેતી, જ્યારે સિમ્પોઝિયમ થાય (મૂળ અર્થ; ચર્ચા માટેનો અખાડો) ત્યારે એ એના પ્રિય પાત્રને ઓલિવ તેલથી માલિશ કરતી, સહસ્નાન કરતી, તર્ક અને બુદ્ધિ વાપરીને ચર્ચામાં ભાગ લેતી. સમ્રાટ પેરીક્લીસથી ફિલસૂફ સોક્રેટીસ સુધી બધાને એમની હટીરાઓ હતી. ગ્રીક સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ બની એનું એક કારણ આ હટીરા સંસ્થા હતી એવું મનાય છે. પછી રોમનોની પુરુષપ્રધાન સંસ્કૃતિ આવી. રોમનો સ્પષ્ટ માનતા હતા કે ખૂબસૂરત સ્ત્રીનું માથું ખાલી હોય છે! સ્ત્રી સમભોગ માટે પણ ન હતી, માત્ર ઉપભોગ માટે જ હતી.

ભારતવર્ષમાં વિષકન્યાની અદભુત સંસ્થા હતી. જ્યારે કોઈ વિરોધીને મારી નાખવો હોય ત્યારે એના શયનખંડમાં વિષકન્યાને મોકલવામાં આવતી હતી. વિષકન્યાની સાથે શયન કરનારો એના ઝેરથી મૃત્યુ પામતો. કેટલીક વિષકન્યાઓ એટલી કાતિલ હતી કેમાત્ર એક ચુંબન (જીભની ભીનાશ) કે આલિંગન (પ્રસ્વેદનો સ્પર્શ) કે ફક્ત શ્વાસથી એ પુરૂષને મૃત્યુમૂર્ચ્છામાં નાખી શકતી હતી! એક માન્યતા તો એવી પણ હતી કે માત્ર દ્રષ્ટિ ફેંકવાથી વિષકન્યા, ઝેરીલી નાગણની જેમ, પુરૂષને શિલાવત કરી નાખી શકતી હતી. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બહુ જ ખૂબસૂરત બાલિકાઓને જન્મ પછી એમના પારણા નીચે અલબિસ નામના વિષછોડનાં પાંદડાં પાથરીને સૂવડાવવામાં આવતી, પછી એનાં વસ્ત્રોમાં એ પાંદડાં રાખવામાં આવતાં. તદ્દન શૈશવથી જ થોડાં બુંદ વિષ બાલિકાને અપાતું અને ક્રમશ: એની માત્રા વધારવામાં આવતી. અંતે ખાનપાનમાં પણ વિષનો જ ઉપયોગ થતો. જ્યારે એ કન્યા બનતી ("કન"  એટલે જે ઈચ્છા કરે છે) ત્યારે તેનું અસહ્ય સૌંદર્ય નિખરી ઊઠતું અને એની લીલી આંખો અસ્ત્ર અને શસ્ત્ર બંને બની જતી. વિષકન્યાનો ઉપયોગ રાજકારણમાં જ થતો.

આપણે ચોવીસ કલાક માતૃત્વનાં ગુણગાન ગાયા કરીએ એ ઠીક છે પણ આપણી સંસ્કૃત ભાષામાં સ્ત્રી માટે કેવી શબ્દો વપરાયા છે? નારી એટલે "સર્વભોગ્યા"! અતિશય રૂપવાન સ્ત્રી માત્ર એક જ પુરૂષને ન પરણી શકે! એ નગરવધૂ (નગરની પત્ની), ગણવધૂ (પૂરા ગણરાજ્યની પત્ની), કુલવધૂ (પૂરા કુળની પત્ની) કે જનવધૂ (પૂરા જનપદની પત્ની) જ હોઈ શકે. આખા રાજ્યની શ્રેષ્ઠ સ્ત્રી હતી: "જનપદ કલ્યાણી." જે વ્યવસાય કરતા હતા એ પુરૂષ વૈશ્ય થયા, પણ વ્યવસાય કરનારી દરેક સ્ત્રીને પુરુષોએ વૈશ્યા (વેશ્યા) બનાવી દીધી! અને પૂરા ગણની સ્ત્રી એટલે? ગણિકા! આટલું ઓછું હોય એમ "વારાંગના" શબ્દ છે. આડી લાઈને સરી જતી સ્ત્રી "અપ્સરા" છે, દેવર (એટલે કે દ્વિતીય વર)ની કામના કરવાવાળી "દેવૃકામા" છે. જે છોકરી ઋતુમાં આવી નથી એ "નગ્નિકા" કહેવાતી હતી, વારાંગના માટે "મહાનગ્ની" શબ્દ વપરાયો છે, કુમારિકા માટે 'અક્ષતયોનિ' (જેની યોનિક્ષતિ થઈ નથી) પ્રયોગ છે. આ બધા શબ્દો સામે "અરૂન્ધતી" (પતિનો માર્ગ ન રૂંધનારી) કે "અસૂર્યમ્પશ્યા" (જે સ્ત્રીને સૂર્ય પણ ન જોઈ શકે એવી) બહુ નિર્દોષ શબ્દો લાગે છે. 

રૂપ અને સેક્સનાં શસ્ત્રાસ્ત્રો વાપરનારી સ્ત્રી પણ કેટલીક વાતો સમજે છે. પતિ પત્ની પર પોતાના રાજકીય વિચારો થોપી શકે છે પણ કોઈ પત્ની પોતાના વહેમો કે ધાર્મિક માન્યતાઓ છોડતી નથી. પિતાને માટે જે પુત્રી સર્વમાં પ્રિય છે એ કદાચ માતા માટે સૌથી અપ્રિય પુત્રી છે, અને એ ઘણી વાર સૌથી મોટી પુત્રી હોય છે! શરીર ચુસ્ત છે ત્યાં સુધી જ સ્ત્રીનો અહમ ટકે છે, કારણ કે સ્ત્રીના અસ્તિત્વનો આધારસ્તંભ છે પ્રેમ, જ્યારે પુરૂષ માટે ધન અને નામ એ પ્રાથમિકતાઓ છે. મહાન ડેનીશ કથાકાર હાન્સ ક્રિસ્ટીઅન એન્ડરસનની એક વાર્તા છે: મત્સ્યગંધા. સમુદ્રના તલ પર એક મત્સ્યગંધા રહેતી હતી. ઉપલું અડધું શરીર સ્ત્રીનું, નીચેનું અડધું શરીર માછલીનું. એને પ્રેમ કરવાની ઈચ્છા થઈ, અને એણે વરદાન માગ્યું. એનું માછલી જેવું શરીર સ્ત્રીશરીર બની ગયું. લેખક એન્ડરસનની મત્સ્યગંધા સ્ત્રીના પગો બહાર આવીને ધરતી પર ઊભી રહી ગઈ. પછી એને ખબર પડી - ચાલવાનું હતું, સોય, ખીલા, સળગતા કોલસાઓ ઉપર. સુખી હતી જ્યારે એ મત્સ્યગંધા હતી. રૂપ અને સેક્સની વચ્ચે પ્રેમનો વિકટમાર્ગ હતો. પણ સ્ત્રીને માટે સુખ અને કંટાળો, કેસરી અને પીળા રંગોની જેમ, બહુ પાસે પાસેની સ્થિતિઓ છે. પ્રેમમાં કમથી કમ, કંટાળો નથી.... 

ખ્રિસ્તી ધર્મમાન્યતાઓમાં દેવદૂતો કે ફરિશ્તાઓ કે એંજલને સેક્સ હોતી નથી. પણ એમનાં નામો નર હોય છે અને એ યુવાન પુરૂષો જેવા લાગે છે. સ્ત્રીઓને દેવદૂતો જેવા પુરુષો ગમતા હોય છે? 

ક્લોઝ અપ: 
હિન્દ કે શાયરો, સૂરતગરો, અફસાના નવીસ 
આહ! બેચારોં કે આસાબ પર ઔરત હૈ સવાર 
(ઈકબાલ) 
(હિંદુસ્તાનના શાયરો, લેખકો બિચારાઓના માથા પર સ્ત્રી ચડી બેઠી છે.) 

(અભિયાન: એપ્રિલ 3, 1989)
 (પુસ્તક: અતિક્રમ)

No comments:

Post a Comment