April 3, 2013

ભારતનું પ્રધાનમંત્રીપદ: સોનિયા ગાંધીનો અપના ઉત્સવોત્સવોત્સવોત્સવ

અંગ્રેજી માધ્યમમાં ભણતાં ગુજરાતી બાળકોને છાપાંઓમાં આવતા ગુજરાતી શબ્દો સમજાતા નથી એવી એક શિકાયત છે. અહીં ગુજરાતી છાપાંઓમાં રોજ વપરાતા ગુજરાતી શબ્દો અને શબ્દપ્રયોગોના સરળ અર્થો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે:

લેવાલી: દેવ આનંદની નવી ફિલ્મની નવી હીરોઈન.

પરવાનગી: ગુજરાતી સિવાયની અન્ય જાતિઓની રસોઈ.

સાઠમારી: ષષ્ઠિપૂર્તિ સમારોહમાં અપાયેલા પ્રવચનોના સંગ્રહનું શીર્ષક.

ભાગલા: કાશ્મીરમાં ઝોજી-લા માર્ગની નીચે એક ખીણ છે. એ ખીણનું નામ ભાગલા છે.

રીઢા ગુન્હેગાર: મૂર્ધન્ય, સિદ્ધહસ્ત, લબ્ધપ્રતિષ્ઠિત ગુન્હેગાર.

હરગિજ: રાજસ્થાનમાં શિયાળામાં આવતાં પક્ષીઓની એક જાત. એ અરબસ્તાનથી આવે છે.

આક્ષેપ: મહાભારત કાળમાં આજની પિંગપોંગ જેવી એક રમત રમાતી હતી. એ બધા જ રમતા હતા.

કડવો ઘૂંટડો: ઝવેરચંદ મેઘાણીના અવસાન પછી પ્રકટ થયેલા કાવ્યસંગ્રહનું નામ.

કબજા તળે: આ શબ્દપ્રયોગ રાજનીતિના ક્ષેત્રનો છે. દા.ત. 'ઈઝરાયલના કબજા તળેના આરબ યુવાનોની રાત્રિ પ્રવૃત્તિઓ વિશે...' 

આડકતરું: કચ્છના રણમાં વરસાદ દરમિયાન બહાર આવતી નોળિયાઓની એક જાત. આ નોળિયાઓ ફક્ત થોરમાંથી રસ ચૂસે છે. આ શબ્દ કચ્છી ભાષાનો છે.

કિરણોત્સર્ગ: રેડીએશન. પણ આમાં રેડીએટર નથી હોતું.

રાહત: રાત્રે પથારીમાં પડ્યા પછી બાજુમાં સૂતેલી પત્નીનાં પ્રથમ નસકોરાં સાંભળવાની ક્ષણ.

અંતિમ નિર્ણય: અપીલ કર્યા પછી, અને અપીલ કર્યા પહેલાંની વચગાળાની સ્થિતિ.

વચગાળાની સ્થિતિ: બીજો અંતિમ નિર્ણય. 

અનિવાર્ય: એક આયુર્વેદિક ઔષધિ છે. એ પીવાથી પેશાબ છૂટથી થાય છે. 

શ્રેષ્ઠ: ઠીક 

સર્વશ્રેષ્ઠ: ઠીકઠીક.

હિલચાલ: નેપાલમાં આવેલું હિમાલયનું એક શિખર. અંગ્રેજોએ 1851માં અહીં કેમ્પ ખોલ્યો હતો. 

દારૂબંધી: દારૂ બોટલોમાં નહીં પણ પીપમાં મળે એવી વ્યવસ્થાને દારૂબંધી કહેવાય છે.

છેતરપિંડી: પાકિસ્તાનમાં રાવલપિંડીથી સત્તર માઈલ દૂર આવેલું એક ગામ, ત્યાંનાં ટમાટાં મશહૂર છે. આ ટમાટાં ઉપરથી મોટાં અને લાલઘૂમ હોય છે, પણ અંદરથી હલકાં અને તદ્દન બેસ્વાદ હોય છે. ગામના નામ પરથી આ ટમાટાંને પણ છેતરપિંડી કહે છે. 

જોગવાઈ: આર્થિક ફર્સ્ટ એઈડ. આધ્યાત્મિક સહાય. હવાઈ મદદ. 

સ્વાગત: સ્વાગતની આગળ 'ઉષ્માભર્યું' શબ્દ વપરાય છે. ઉષ્માભર્યુંની આગળ 'દિલ્હીમાં' શબ્દ વાપરવાનો રિવાજ છે. દિલ્હીમાંની આગળ 'પ્રધાનમંત્રી' કે 'વડાપ્રધાન' શબ્દ મુકાય છે. આ આખો એક જ શબ્દ છે: વડાપ્રધાનનું દિલ્હીમાં ઉષ્માભર્યું સ્વાગત. આ શબ્દ અઠવાડિયામાં બે વાર પહેલે પાને, ત્રણ વાર છેલ્લે પાને અને એક વાર વચ્ચેના પાને છાપવાનો નિયમ છે. રવિવારે આ છપાતું નથી. કારણ કે આ શબ્દ રવિવારપૂર્તિમાં લેવાનો હોય છે.

કાપ: કાપ એટલે કટકી નહીં, પણ કાપ એટલે કમી. દા.ત. મુંબઈમાં વીજળી કાપ. લોડ-શેડીંગ.

એથલેટ્સો, ટાઈટલ, રાઉન્ડ ધ ક્લોક, એપિસોડ, મોબીલીટી, સ્ટ્રેટેજી: મુંબઈના ગુજરાતી 'સમકાલીન' ન્યુઝપેપરની ડે-ટુ-ડે જાર્ગન જે એવરી રીડર અંડરસ્ટેન્ડ કરે એ એક્સપેક્ટેડ છે. સ્ટીલ ઈફ યૂ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, રેફર ટુ 'સાર્થ ગુજરાતી જોડણી કોશ', પબ્લિશ્ડ બાય સમ "____________" ઈન એમેડાબાડ.

ધરપકડ: ડિસ્કો-ડાંડિયા પછીનો એક નવો સમૂહ નૃત્યપ્રકાર. 

પેરોલ: રાષ્ટ્રના દાણચોરોને એમની સેવાઓ માટે અપાતો ન્યાય.

બળવાખોરો: કૉંગ્રેસના મૂક રચનાત્મક કાર્યકરો જે બોલતા નથી પણ કણસ્યા કરે છે.

અમલબજાવણી: આ ગુજરાતી છાપાંઓનો એક અત્યંત અઘરો શબ્દ છે. રાષ્ટ્રપતિથી રાજિયા સુધી દરેક સરકારી કર્મચારી માઈનસ ત્રણ ડિગ્રી સેલ્શિઅસથી 120 ડિગ્રી ફેરનહાઈટ સુધી, દરેક ઋતુમાં, આ કરતો રહેતો હોય છે. જેમ વૃક્ષ શિયાળા, ઉનાળા, ચોમાસામાં છાંયડો આપવાનો એનો ધર્મ છોડતું નથી એવું જ આ છે. અમલ બજાવણી એટલે સરકારી છાંયડો. સેવા. નિષ્કામ કર્મ.

વિચક્ષણ રાજનીતિજ્ઞ: જેની એક આંખ જે જુએ છે એ બીજી આંખ જોઈ શકતી નથી.

ઝેરોક્ષ: મહાન સિકંદરની સાથે આવેલો એક ગ્રીક સેનાપતિ. સિકંદર પાછો ગયો પછી ઝેરોક્ષ રાજા પોરસના દરબારમાં નોકરીએ રહી ગયો હતો. 

તંગદિલી: દિલની તંગી, આ શબ્દ તબીબી વિજ્ઞાનમાંથી પત્રકારત્વમાં આવ્યો છે.

નિમણૂંક અને મંજૂરી: આ બે શબ્દો ઘણી વાર ગરબડ કરે છે. નિમણૂંક રાજીવ ગાંધી કરે છે. પણ મંજૂરી પ્રધાનમંત્રી આપે છે. એક જ જેવી લાગતી આ બંને જુદી જુદી ક્રિયાઓ છે.

ઉમેદવાર: સદા લીલા તોરણે ઊંધો લટકાવવામાં આવેલો મુરતિયો. ચૂંટણી વખતે એને સીધો લટકાવવામાં આવે છે.

આંદોલન: એક વ્યાયામ પ્રકાર. ખમ્ભ વિના કરી શકાતો મલખમ્ભ. મલખમ્ભ એક માણસ કરી શકે છે, આ સમૂહમાં થાય છે.

અકાળ મૃત્યુ: 67 વર્ષ ઉપરની જાહેર વ્યક્તિનું અવસાન થાય એને અકાળ મૃત્યુ કહે છે. એમની જ્યારે ખરી જરૂર હોય છે ત્યારે જ એ બધાને વિલાપ કરતા મૂકીને જતા રહે છે. એમની ખોટ ક્યારેય પુરાતી નથી. એમનો આઘાત જીરવી શકાતો નથી. આનાથી વિપરીત મૃત્યુને ગુજરાતીમાં 'કાળ મૃત્યુ' કહે છે, જે 66 વર્ષ સુધીના લોકોને થાય છે.

આત્મનિર્ભરતા: 'ગરીબી હઠાવો'માંથી 'પૈસાદાર બનાવો'ની સ્થિતિ વિશેની નેતાઓની સમજદારી.

દ્વિપક્ષી વેપાર: અરસપરસ બોફોર્સ.

એ.બી.સી: અમરસિંહ ભીલાભાઈ ચૌધરી, ગુજરાતના મુખ્યમંત્રીશ્વર.

ભારતનું પ્રધાનમંત્રીપદ: સોનિયા ગાંધીનો અપના ઉત્સવોત્સવોત્સવોત્સવ.

ક્લોઝ અપ: 
બહેરા બે વાર સમજે. (જૂની ગુજરાતી કહેવત).

[અભિયાન: માર્ચ 20, 1989]

(પુસ્તક: સામયિકતા)

2 comments:

 1. બહુ સરસ શેર કરો છો
  અને નેહલ ભાઈ ઉપરનો આર્ટિક્લ અને અહી બીજા જેટલા પણ આર્ટિક્લ તમે શેર કરો છો એ બધા બક્ષીનાં જ છે???

  ReplyDelete
  Replies
  1. હા તપનભાઈ. એક્ઝેક્ટલી ! બધાં લેખો બક્ષીસાહેબના જ છે. :)

   Delete