August 23, 2014

ગુજરાતી: લક્ષ્મીદાસ કે સરસ્વતીપુત્ર?

ગુજરાતીઓ ધનપ્રાપ્તિની બાબતમાં શૂરવીર છે પણ એમનામાં સાહિત્ય કે કલાઓના સંસ્કાર નથી. આવો આરોપ, જે તેજોદ્વેષથી છલોછલ હોય છે, સામાન્યત: હીનતાગ્રંથિથી ત્રસ્ત અ-ગુજરાતી વ્યક્તિઓ કરતી હોય છે. લક્ષ્મીદાસ હોવું કે લક્ષ્મીપતિ હોવું એ કિસ્મતની વાત છે, પણ માણસ જરૂર ભવિષ્યનું આયોજન કરી શકે છે. પૈસા કમાવા એક કાળમાં ગાંધીવાદી અસરગ્રસ્ત ગુજરાતી સમાજોમાં અનીતિ હતી, આજે ધનિક થવું અથવા ધનિક થવાનું પ્રયોજન કરવું એ બિલકુલ ન્યાય્ય છે, નૈતિક છે. ભૌતિક પ્રગતિના માપદંડોમાં પ્રમુખ ઘટકો છે, પૈસા અને વસ્તુઓ, અને ઉપભોક્તાવાદની લહર દોડી રહી છે ત્યારે પૈસા એક અત્યંત સશક્ત પરિબળ બની જાય છે.

ગુજરાતીઓ છેલ્લા બે દશકોમાં બેહિસાબ પૈસા કમાયા છે એ હકીકત છે, અને પૈસા ફેંકવાની દરિયાદિલી છે કે જિગરદારી એ ગુજરાતીઓનો એક સામાન્ય ગુણ છે. ગુજરાતીઓની પૈસા ખર્ચવાની દિલદારીને કારણે દેશના કેટલાય ઉદ્યોગો અને વ્યવસાયોમાં ગુલાબી ચમક આવી છે. અને આ કારણે જ ગુજરાતમાં દર વર્ષે આવતી કુદરતી આફતો અને માનુષ્યિક દુર્ઘટનાઓ હોવા છતાં આર્થિક પ્રગતિ થતી જ રહે છે. ગુજરાતનું અર્થતંત્ર થીજી જતું નથી, પ્રવાહિતા સતત રહ્યા કરે છે. પૈસા, શરીરમાં વહેતા લોહીની જેમ, વહેતા રહે તો જ દેશની તબિયત સ્વસ્થ રહે છે...!

અને એ પછી તેજોદ્વેષ ફોકસમાં આવે છે! તમે ગુજરાતીઓ સાહિત્યમાં શું સમજો? પત્રકારત્વ તમારો શોખ નથી. શબ્દોની દુનિયા તમારી નથી. તમારું કામ છે પૈસા કમાવાનું. વ્યંગ્યાત્મક આરોપોની બૌછાર ઝડતી રહે છે. એ વાત કેટલી સાચી છે? અમારા અમદાવાદમાં એક એવી ઘટના બની છે જેવી દુનિયાભરમાં કદાચ, અને હિંદુસ્તાનમાં તો ક્યારેય નહીં બની હોય. 'દિવ્ય ભાસ્કર' નામના એક દૈનિકનો પહેલો અંક પ્રકટ થયા પહેલાં, એક પણ અંક જોયા વિના, ઍડવાન્સમાં લોકોએ પૈસા ભરી દીધા હતા! અને કેટલા ગુજરાતીઓએ ઍડવાન્સમાં ગ્રાહકો તરીકે નામો નોંધાવ્યા હતાં? સાડા ચાર લાખ! આ કોની અસર હતી, લક્ષ્મીની કે સરસ્વતીની?

ગુજરાતીઓ 5 કરોડ છે, મરાઠીઓ ગુજરાતીઓ કરતાં ડબલ સંખ્યામાં છે, એટલે કે 10 કરોડ છે, અને બંગાળીઓ ગુજરાતીઓ કરતાં ચાર ગણા એટલે કે 21 કરોડ છે, અને હિન્દીભાષી ગુજરાતીઓ કરતાં બાર ગણાથી પણ વધારે છે. ગુજરાતી પુસ્તક 1200 કે 2200 છપાય છે, અને એ પ્રથમ આવૃત્તિ હોય છે. એ પછી જો પુસ્તક વાચકો સ્વીકારે તો ચાર, પાંચ,...સાત. આઠ આવૃત્તિઓ થઈ છે એવાં પ્રમાણો આજે પણ લગભગ દરેક પ્રમુખ પ્રકાશક પાસે છે. મરાઠીમાં પ્રથમ આવૃત્તિ આટલી જ સંખ્યામાં પ્રકટ થાય છે, અને બંગાળીમાં પણ એમ જ છે. વસતિના હિસાબે મરાઠીમાં 5000 અને બંગાળીમાં 10,000 ઉપર પ્રથમ આવૃત્તિ પ્રકટ થવી જોઈએ! અને એ પ્રજાઓ 'સરસ્વતીપુત્રો'ની ઉપાધિ વાપરવામાં સંકોચ અનુભવતી નથી. આપણે પાંચ કરોડ ગુજરાતીઓ એ જ પ્રમાણમાં પુસ્તકો ખરીદીએ છીએ જે પ્રમાણમાં આપણાથી ડબલ, ચાર ગણી કે બાર ગણી પ્રજાઓ ખરીદે છે! અને ગુજરાતીઓને 'લક્ષ્મીદાસ'નું લેબલ લગાવવામાં આવે તો ગ્રંથિગ્રસ્ત ગુજરાતી બૌદ્ધિકો બાપડા વિનમ્રભાવે ગર્દન નીચી કરીને બધી જ અવહેલના સ્વીકારી લે છે...

(અભિયાન: જાન્યુઆરી 29, 2005)

('35 લેખો'માંથી)

No comments:

Post a Comment