May 8, 2013

99 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું...

હિન્દુસ્તાનમાં શતાબ્દીઓ બે પ્રકારની આવે છે: જન્મશતાબ્દી અને મૃત્યુશતાબ્દી. જો એ શતાબ્દી જવાહરલાલ નેહરુના જન્મની હોય છે તો એક વર્ષ વહેલી ઊજવી લેવામાં આવે છે, કારણ કે દોહિત્ર રાજીવરત્નની સરકારનું એ અંતિમ વર્ષ હોય છે. અને શતાબ્દી જો ભીમરાવ રામજી આંબેડકરની હોય છે તો એ એક નહીં પણ બે વર્ષ ચાલે છે, કારણ કે આંબેડકરનું નામ રાજા સોલોમનના ખજાનાની જેમ વોટનો ઢગલો કરી નાખે છે. પણ આજથી 99 વર્ષો પહેલાં એક અદભુત ઘટના બની હતી. એક 30 વર્ષનો 'છોકરો' જાહેરમાં પ્રવચન આપી રહ્યો હતો, સ્થળ શિકાગો, અને પ્રસંગ, વિશ્વની સર્વધર્મ સંસદ, દિવસ સપ્ટેમ્બર 11, 1893 અને એ ઐતિહાસિક પ્રવચનનું પ્રથમ સંબોધન: સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા ! અમેરિકાભરનાં પત્રોએ આ માણસના નામની અને જબરદસ્ત પ્રવચનની નોંધ લીધી. એ માણસ કોણ હતો? અલગ અલગ અમેરિકન પત્રોએ અલગ અલગ નામો લખ્યાં: સ્વામી વિવે ક્યોન્ડા (સાલેમ ઈવનિંગ ન્યુઝ), રાજાહ સ્વામી વીવી રાનાન્ડા (ડેઈલી ગેઝેટ), વિવે કાનન્ડ (ડેઈલી સારાટેઓજીઅન), સ્વામી (રેવરન્ડ), વિવેકાનન્ડ (બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સસ્ક્રિપ્ટ). પણ ઘણાં અમેરિકન પત્રોએ 'વિવે' અને 'કાનન્ડ' શબ્દો છૂટા પાડીને 'હિન્દુ મન્ક' અથવા હિન્દુ સાધુ તરીકે પરિચય આપ્યો હતો.

જે દેશમાં 'લેડીઝ એન્ડ જેન્ટલમેન' એ સામાન્ય સંબોધન હતું ત્યાં 'સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ' અને 'બ્રેધરન' જેવા શબ્દો ઈલેક્ટ્રિક અસર જન્માવે એ સ્વાભાવિક હતું. સામાન્ય માન્યતા એવી છે કે સ્વામી વિવેકાનંદે એક જ પ્રવચન આપ્યું હતું. વિવેકાનંદે પ્રથમ પ્રવચન સપ્ટેમ્બર 11મીએ આપ્યું, પછી સપ્ટેમ્બર 15મીએ, પછી સપ્ટેમ્બર 19મીએ 'હિન્દુત્વ' વિષે એક દીર્ઘ પેપર વાંચ્યો, જેની મારી દ્રષ્ટિએ ડૉ. રાધાકૃષ્ણનના શ્રેષ્ઠ લેખન સાથે તુલના થઈ શકે. પછી સપ્ટેમ્બર 20 અને 26નાં લઘુપ્રવચનો અને અંતે છેલ્લા સત્રમાં સપ્ટેમ્બર 27, 1893એ પૂર્ણાહુતિ પ્રવચન આપ્યું. કોઈ પણ જિજ્ઞાસુને આધુનિક હિન્દુ ધર્મ સમજવા માટે મને લાગે છે કે આ પ્રવચનો આદર્શ છે.



આજથી 99/100 વર્ષો પહેલાં એક હિન્દુ સાધુ અમેરિકા જઈને હિન્દુત્વનો ધ્વજ ફરકાવે છે અને વિશ્વવિખ્યાત બની જાય છે. સપ્ટેમ્બર 30, 1893ના 'બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સસ્ક્રિપ્ટ' રિપોર્ટમાં સ્વામી વિવેકાનંદનું વેધક વર્ણન છે. એ રિપોર્ટમાંથી થોડા અંશો: આ સભાખંડમાં સૌથી તેજસ્વી આકૃતિ બ્રાહ્મણ સાધુ સ્વામી વિવેકાનંદની છે. એ એક પ્રચંડ, સ્વસ્થ માણસ છે, હિન્દુસ્તાનીઓની જેમ સગર્વ ચાલે છે, ચહેરો ક્લીન-શેવન છે, દાંત સફેદ છે, હોઠ સુરેખ છે. એ વાત કરતી વખતે પણ અર્ધસ્મિત રાખે છે. એના માથા પર લીંબુના રંગની કે લાલ પાઘડી છે, એના કેસ્સોક (ચોગો, લાંબું કુર્તું) પર કમરબંધ બાંધેલો છે અને એ કેસ્સોક ગોઠણની નીચે સુધી વહેતો રહે છે. એ બહુ જ ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી બોલે છે. એની પાસે એના ગુરુ પરમહંસ રામકૃષ્ણની પુસ્તિકાઓ છે જેનું એ વિતરણ કરે છે. સર્વધર્મ સંસદમાં એ સૌથી લોકપ્રિય છે, વિચારો અને દેહસૌષ્ઠવ બન્ને દ્રષ્ટિએ અને એ માત્ર મંચ તરફ આવતો દેખાય છે અને કરતલધ્વનિ શરૂ થઈ જાય છે... એની ઉંમર 32/35 જેવી લાગે છે. 

અમેરિકામાં એકત્રિત વિશ્વભરના ધર્મવિદ્વાનો પર આમૂલ અસર કરનાર વિવેકાનંદે શિકાગો સર્વધર્મ સંસદમાં શું કહ્યું હતું? ઘણુંબધું કહ્યું છે, જે એમનાં પ્રવચનોમાં સંગ્રહિત છે. યુધિષ્ઠિર હિમાલય ગયા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું કે તમે ધર્મરાજા છો તો આટલી બધી વેદના તમારે જ શા માટે સહન કરવી પડે છે? યુધિષ્ઠિર એમની રાણીને ઉત્તર આપે છે, આ હિમાલય જો, ઉત્તુંગ અને દેદીપ્યમાન પર્વતરાજ, હું પ્રેમ કરું છું હિમાલયને! એ મને કંઈ જ આપતો નથી, પણ મારી પ્રકૃતિ છે પ્રેમ કરવાની, મહત્તાને અને સૌન્દર્યને, સર્જનહારને પણ હું એટલે જ પ્રેમ કરું છું. મારી પ્રકૃતિ છે, સ્વભાવ છે. હું કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરતો નથી, હું કંઈ માગતો નથી. ઈશ્વરને મને જ્યાં મૂકવો હોય ત્યાં મૂકે. પ્રેમ કરું છું. ઈશ્વરને પણ પ્રેમ કરું છું. હું પ્રેમનો વેપાર કરી શકતો નથી.

મનુષ્યે આ પૃથ્વી પર કમળપત્રની જેમ જીવવું જોઈએ, પાણીમાં પણ પાણીથી અસ્પર્શ્ય, હૃદય ઈશ્વરને સોંપીને અને હાથ કર્મને સોંપીને... મને તમને મારા ભાઈઓ (બ્રેધરન) કહીને સંબોધવા દો, એ શબ્દનો મધુર ધ્વનિ, તમે અમર મહાનંદના વારસદારો છો. હા, હિન્દુ તમને પાપીઓ કહેવાનો હંમેશાં ઈનકાર કરશે. તમે ઈશ્વરનાં સંતાનો છો... અમારા વેદોના ઋષિઓ ગાતા હતા કે આ જીવનનો નાનો ભાર વહેવાની અમને શક્તિ આપજે, ઓ પ્રભુ!

સર્જક અને સર્જન બે લીટીઓ છે, આરંભ વિનાની અને અંત વિનાની, સતત સમાંતર દોડતી રહેતી બે લીટીઓ, અમારા વેદોએ અમને શીખવ્યું છે કે સર્જન અનારંભ છે અને અનંત છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે બ્રહ્મની ઊર્જા (કોઝમિક એનર્જી) વધતી નથી, ઘટતી નથી. એવો કોઈ કાલ નથી જ્યારે સર્જન ન હતું... હું અહીં તમારી સમક્ષ ઊભો છું અને જો આંખો બંધ કરીને મારા અસ્તિત્વ વિષે વિચારવાનો પ્રયાસ કરું, 'હું', 'હું', 'હું'...તો શું વિચારીશ? એક દેહનો વિચાર આવશે. એટલે હું અંતે કેટલીક ભૌતિક વસ્તુઓનો સરવાળો જ છું? અમારા વેદો ઘોષણા કરે છે : ના! હું આ શરીરમાં જીવતી એક ચેતના (સ્પિરિટ) છું, હું માત્ર શરીર નથી. શરીર મરી જશે પણ હું નહીં મરું. હું આ શરીરમાં સંતાયેલો છું, એ તૂટશે પણ હું જીવ્યા કરીશ. એક ભૂતકાળ પણ હતો મારે. આત્માને બનાવવામાં આવ્યો નથી, કારણ કે સર્જનના ગર્ભમાં જ વિસર્જન નિહિત છે. આ આત્માને જન્મ હોય તો આત્માનું મૃત્યુ અવશ્યંભાવી છે.

આ આખી ચર્ચાને વિવેકાનંદ અતિશય ઊંચાઈ પર લઈ જાય છે અને આજે 100 વર્ષો પછી પણ આ વાંચતાં રોમાંચની સિહરન પસાર થઈ જાય છે. માત્ર 30 વર્ષનો એક છોકરો આ ગહન વિષય છેડી રહ્યો હતો (આદ્ય શંકરાચાર્ય 33મે વર્ષે અવસાન પામ્યા હતા, સ્વામી વિવેકાનંદનું 39મે વર્ષે નિધન થયું હતું). આત્મા તો પ્રકટતો રહેશે, જન્મથી જન્મ સુધી, મૃત્યુથી મૃત્યુ સુધી. હિન્દુને માટે મનુષ્ય ભૂલથી સત્ય સુધીની યાત્રા કરતો નથી, એ સત્યથી સત્ય સુધી યાત્રા કરે છે, નિમ્ન સત્યથી ઉચ્ચ સત્ય તરફની યાત્રા. પૂર્ણતા અબાધિત (એબ્સોલ્યુટ) હોય છે અને અબાધિત એક જ હોય છે, બે કે ત્રણ નહીં. અબાધિતને ગુણ ન હોય, અબાધિત વ્યક્તિ ન હોય. આત્મા જ્યારે પૂર્ણ અને અબાધિત બની જાય છે ત્યારે બ્રહ્મને મળી જાય છે...

ભૂખ્યા માણસને ધર્મની વાત કરવી એ અપમાન છે, ભૂખ્યા પાસે બુદ્ધિની વાત કરવી અપમાન છે. જ્યાં સુધી આ પૃથ્વી પર મૃત્યુ છે, જ્યાં સુધી મનુષ્યહૃદયમાં કમજોરી છે, ત્યાં સુધી માણસની છાતીમાંથી રુદન ફાટી શકે છે, ત્યાં સુધી ઈશ્વરમાં શ્રદ્ધા રહેવાની જ.

સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, વિવેકાનંદે કહ્યું હતું કે ધર્મમાં જાતિ નથી, જાતિ એક સામાજિક સંસ્થા છે. ઊંચી જાતિનો માણસ અને નીચી જાતિનો માણસ સાધુઓ બને છે અને બે જાતિઓ સમાન બની જાય છે.

ક્લોઝ અપ: 

હું ગરીબો માટે છું, હું લોકો માટે છું. મને લોકોની ભાષામાં જ બોલવા દો.
- ભગવાન બુદ્ધ 
(અભિયાન: સપ્ટેમ્બર 14, 1992)

(પુસ્તક: આઝાદી પછી)

No comments:

Post a Comment