May 15, 2013

ગુજરાતી નવસાહિત્ય : ગાંધીજીનો બેટો કે જિન્નાહની બેટી?

અમેરિકન દિગ્દર્શક રોબર્ટ ઓલ્ટમૅનને પત્રકાર પ્રશ્નકર્તાએ પૂછ્યું: દુનિયાનો બીજો સૌથી જૂનો ધંધો કયો? ઉત્તર મળ્યો: વેશ્યાવૃત્તિ ! પ્રશ્નકર્તાએ કહ્યું: મને એમ હતું કે વેશ્યાગીરી એ સૌથી જૂનો ધંધો છે! રોબર્ટ ઓલ્ટમૅન: મને એમ છે કે પત્રકારત્વ સૌથી જૂનો ધંધો છે...! ચીલીની પ્રસિદ્ધ લેખિકા ઈસાબેલ એજેન્ડે એમ કહ્યું હતું: પત્રકાર થવું મને ગમતું હતું, પણ હું હંમેશા જૂઠું બોલતી હતી, ક્યારેય તટસ્થ બની શકતી ન હતી. સાહિત્યમાં આ જ વસ્તુઓ ગુણો ગણાય છે...! પત્રકારત્વ અને સાહિત્ય સગોત્રી વ્યવસાયો છે કે બે તદ્દન જુદી વિદ્યાઓ છે? જ્યારે ગાંધીજી અને જિન્નાહ અવિભાજિત હિંદુસ્તાનના બે વિરોધી ધ્રુવો હતા ત્યારે પત્રકારત્વની એક કસૌટી થઈ ગઈ.

ગાંધીજીના ચારમાંથી એક પુત્ર મુસ્લિમ થઈ ગયો, પછી હિંદુસ્તાની પત્રોએ ચર્ચાઓના ગુબ્બારા ઉડાવ્યા, થોડા દિવસોમાં જ એ ફરીથી હિંદુ બની ગયો. વર્ષો સુધી પત્રોમાં આ ચર્ચાસ્પદ વિષય રહ્યો. અને એ જ અરસામાં જિન્નાહની એકમાત્ર પુત્રી ખ્રિસ્તી બની ગઈ અને આજીવન ઈસ્લામનો ત્યાગ કરીને એ ખ્રિસ્તી રહી, પણ હિંદુસ્તાનના પત્રો એ વિશે તદ્દન ખામોશ રહ્યાં! આટલું પત્રકારત્વની તટસ્થતા વિશે...

ગુજરાતી સાહિત્યની તદ્દન નવી સર્જક પેઢીને ગાંધીજીના બેટાની જેમ કે જિન્નાહની બેટીની જેમ, બંને રીતે જોઈ શકાય છે. નવા કવિલેખકોમાં સત્ત્વ  નથી, સર્ગશક્તિ નથી, સ્વાનુભવની આગ નથી. એમની ભાષા સિન્થેટિક છે, એમનું વાચન ડિહાઈડ્રેટેડ છે. એમને ત્રણ વર્ષોમાં કનૈયાલાલ મુનશી થઈ જવું છે અથવા ધૂમકેતુ કે રમણલાલ દેસાઈને એ કચરો સમજે છે. સાહિત્ય એમને માટે મૃતપ્રાય છે, ભાષા એ દશે દિશાઓમાં દોડતા દસ પગવાળા બેફામ, બેલગામ જાનવરનું નામ છે, એમનો શબ્દકોશ કરિયાણાના વેપારી કરતાં જરાક જ વધારે છે. એમને મહાન નવલકથાકારો અને સ્ટોરીના પ્લૉટ ફિટ કરનારા પ્લમ્બરો અને ફીટરો અને લેધ-ઑપરેટરોનો ફર્ક ખબર નથી. નવી પેઢીના ગઝલકારોમાંથી 98 પૉઈન્ટ 99 ટકા એવા ગઝલિયા છે જે ઉર્દૂના ઉચ્ચારભેદની બાબતમાં બેહોશ છે, પોતાની જ ગઝલ ગાતાં ગાતાં જાહેરમાં એમના ટાંટિયા ધ્રૂજતા હોય છે. ટૂંકી વાર્તા નથી. બીજી ભાષાના નાટ્યકારો વીર્યદાન કરે છે ત્યારે ગુજરાતી નાટકનો સીઝેરિયન પ્રસવ થાય છે.

ગુજરાતી સાહિત્ય સંન્યસ્તાશ્રમની દિશામાં ભટકી રહ્યું છે. એટલે કે નવોન્મેષ કે નવા હસ્તાક્ષરો નથી. ગુજરાતી સાહિત્યમાં નવા સર્જકો નથી, નથી, નથી. આ એક પ્રતિભાવ છે, જે પૂર્ણત: નેગેટિવ છે, હતાશાથી છલોછલ છે.

હું આ વિચારો સાથે માત્ર અંશત: સહમત છું. આટલી બધી નિરાશા પણ મહસૂસ કરતો નથી. મારા જન્મ પહેલાં પણ આ ભાષામાં શક્તિમાન લેખકો આવી ચૂક્યા છે, અને મારી રાખ ઊડી ગયા પછી પણ આ ભાષામાં શક્તિમાન લેખકો આવતા રહેશે. ગુજરાતી ભાષાસાહિત્યની મને કોઈ ચિંતા નથી. સ્ટડ-ફાર્મ પર જન્મેલા વછેરાને રેસના મેદાન પર દોડતો ઘોડો બનાવતાં થોડાં વર્ષો તો લાગે જ છે. લેખકને પણ પુખ્ત બનતાં સમય લાગે છે, પ્રેમમાં તૂટવું, રાતનું ઘેરાવું, મૌતનું અડી જવું, ફેફસાંનું ફાટી જવું... સમય લાગે છે. આંગળીઓમાંથી ખૂનનાં બુંદોને ટપકતાં! અને આજના ઈનામી, ચાપલૂસી, તથા મહાન લેખકોનાં ગદ્ય અને પદ્યની એવી કઈ જબરદસ્ત કક્ષા છે?

સ્થળકાળ પ્રમાણે શબ્દકાર પણ માધ્યમો બદલતો રહે છે. ગઈ કાલે નિબંધો હતા, આવતી કાલે ટીવી સ્ક્રિપ્ટ હશે. ગઈ કાલે સૉનેટ હતું, આવતી કાલે મ્યૂઝિકલ્સ હશે. ગઈ કાલે ટૂંકી વાર્તા હતી, આવતી કાલે પત્રની કૉલમ હશે અને સાહિત્યની પ્રગતિ સાઈક્લિકલ કે વર્તુળાકાર હોય છે, વાર્તા, કથા, નુવેલા, નવલ બધું જ ચક્રવત પાછું આવતું રહે છે.

અત્યાધુનિક યુવા લેખકોને આપણે કેટલો અન્યાય કર્યો છે? એ 16 કે 18 વર્ષના છોકરા કે છોકરીને વાર્તા લખીને છપાવવી છે, આપણી પાસે એક પણ માસિક કે સામયિક નથી, છાપાંઓને રસ નથી. સાહિત્ય સંસ્થાઓ કે વિશ્વવિદ્યાલયો બુદ્ધિહીન બબૂચકોનાં જંક યાર્ડ જેવાં થઈ ગયાં છે, કેટલાં બૌદ્ધિક પત્રો પ્રકટ કરીને એ વાચકજનતા સુધી લાવી શક્યાં છે? વિવેચકો તો ગુજરાતી ભાષામાં સનાતન વિકલાંગો રહ્યા છે જ, એટલે એમની પાસેથી કોઈ અપેક્ષા હતી નહીં, છે જ નહીં. દલિત કવિઓ, નવા કૉલમલેખકો, કેટલાક અનુભવી કથાકારો, વિદ્રોહી કલમકશો મને ગમે છે.

ભાષા લેખકને બનાવે છે અને લેખક ભાષાને બનાવે છે. આ પારસ્પરિક છે. હવે ભાષામાં અરાજકતા ઘણી ઓછી થઈ ગઈ છે, ગુજરાતી સાહિત્ય મઠાધિપતિઓ કે મુકાદમોના આશીર્વાદો પર જીવતું નથી પણ પ્રબુદ્ધ વાચકોની રુચિ પ્રમાણે જીવે છે, પનપે છે. આજે ગંભીર લેખોનાં પુસ્તકો વધારે વેચાય છે એ શું બતાવે છે? જ્યાં નવા કરોડો વાચકો પેદા થઈ ચૂક્યા છે ત્યાં સંતર્પક સાહિત્ય આવવું અવશ્યંભાવી છે એવો મારો વિશ્વાસ છે. નવા લેખકોએ માત્ર વધારે પ્રોફેશનલ, વધારે મહેનતકશ અને વધારે ઈમાનદાર બનવું પડશે. અને એક રાતમાં સાહિત્યકાર બનાતું નથી.... સાહિત્ય એ દુનિયાનો સૌથી જૂનો ધંધો નથી !

(ઈન્ડિયા ટુ-ડે: ઑક્ટોબર 21, 1994)

(પુસ્તક: મેઘધનુષ્ય)

No comments:

Post a Comment