1984માં ગુજરાતમાં લોકસભા માટે કુલ 1 કરોડ 88 લાખ 38 હજાર 844 મતદાતાઓ હતા. કૉંગ્રેસને 26માંથી 23 સીટો મળી. ગુજરાત તરફથી રાજ્યસભામાં પણ ગુજરાતી કૉંગ્રેસીઓને યોગ્ય ગુજરાતી ન મળ્યા એટલે એક વાર બંગાળી પ્રણવ મુખર્જીને અને બે વાર આંધ્રના તેલુગુભાષી પી. શિવશંકરને મોકલ્યા. જે પ્રજા ઘેટાંની જેમ એક જ દિશામાં ગર્દન ઝુકાવીને એકબીજા પર ગબડતી ગબડતી ખાડામાં ઊતરી શકતી હોય, એણે ન્યાય-અન્યાયની વાત ન કરવી જોઈએ. ઘેટાંઓને ન્યાયાધીશ હોતો નથી, ભરવાડ હોય છે. કૉંગ્રેસનું આટલું બધું સમર્થન કરનાર ગુજરાતનો કેન્દ્રમાં હજી ગઈકાલ સુધી મંત્રી પણ ન હતો, અને ગુજરાતી સંસદસભ્યો ગાંધીજીના અનુયાયીઓ તો છે જ. ગાંધીજી માત્ર સોમવારે મૌન પાળતા હતા. ત્રેવીસ ગુજરાતી કૉંગ્રેસી સાંસદો સંસદગૃહમાં બેઠા હોય ત્યાં સુધી મૌન પાળે છે, ગુજરાત માટે ભાગ્યે જ બોલ્યા છે, ભાગ્યે જ બોલી શકે છે, ભાગ્યે જ બોલશે. ગુજરાત, એક તાબેદાર ખંડિયાની જેમ, દિલ્હી દરબારમાં સુભટો મોકલે છે, મોકલતું રહ્યું છે.
કેન્દ્રમાં ગુજરાતનું ઊપજતું નથી. આંધ્ર, બંગાળ, કર્ણાટક, હરિયાણા, તામિલનાડુ, આસામ, પંજાબ, કાશ્મીર, કેરાલા બધાં જ અવાજ કરી શકે છે, માગી શકે છે, ઝૂંટવી શકે છે, દલીલ કરી શકે છે. પણ ગુજરાતી સાંસદોને અંગ્રેજી, હિન્દી (કદાચ ગુજરાતીની પણ)ની તકલીફ લાગે છે. ઝબાન નથી કે ઝમીર નથી. પાણી નથી કે પત નથી. ખબર નથી, પણ કંઈક નથી.
(અભિયાન: મે 8, 1989)
(પુસ્તક: રાજકારણ ગુજરાત)
No comments:
Post a Comment