May 16, 2013

આઈ લવ મુંબઈ, યૂ લવ બોમ્બે

હું એ પેઢીનો છું, જે સવારે વહેલી ઊઠીને પ્રભાતફેરીમાં કાગળનો નાનો તિરંગો પકડીને "ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા" ગાતીગાતી ખોડે લીમડેથી નીકળીને પથ્થર સડક થઈને, ગોળ ફરીને, પાછી ખોડે લીમડે આવીને જાહેર સભામાં બેસીને "હિન્દુ-મુસ્લિમ ભાઈભાઈ"ના નારા લગાવતી હતી. 1942ના એ દિવસો પછી પૂરાં 49 વર્ષો પસાર થઈ ગયાં છે અને બધા નારાઓ ભુલાઈ ગયા છે, ફક્ત "હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ" હજી ગળું ફાડીને પોકારીએ છીએ. એની ફૅશન ગઈ નથી. અને મને લાગે છે કે હું મરી જઈશ ત્યાં સુધી એ નારો ચાલવાનો. પણ વચ્ચે બેશુમાર લાઈનો આવી ગઈ. છેલ્લામાં છેલ્લું હતું: 'મેરા ભારત મહાન.' પછી ચાલ્યું: 'મારો હર ધબકાર ભારતને કાજ છે!' વચ્ચે "રન ફોર ધ કન્ટ્રી" આવ્યું, એમાં દોડ્યા. રાજા વિ. પ્ર. સિંહનું પતન થઈ ગયું. કારણ કે એમણે નારાઓ આપ્યા નહીં. હવે સંત ચંદ્રશેખર ("ચંદ્રશેખર તો સંત છે" - મુલાયમસિંહ યાદવ)ના યુગમાં મુંબઈના શેરીફ નાના ચુડાસમાએ નવો નારો પકડાવી દીધો છે: આઈ લવ બોમ્બે! મુંબઈ માઝી લાડકી. 

મને લાગે છે કે કફ પરેડથી મરીન ડ્રાઈવથી વાલકેશ્વર એ બોમ્બે છે, આપણે બધા વરલી, દાદર, શીવરી, પરેલવાળા અને ડોમ્બીવલી કે નાલાસોપારા સુધી અને તરફ રહેનારાઓ મુંબઈમાં રહીએ છીએ. જેમ ઈન્ડિયા અને ભારત જુદાં છે એમ બોમ્બે અને મુંબઈ જુદાં છે. આ લખી રહ્યો છું ત્યારે વીજળી બંધ છે, અમારા વિસ્તારમાં પાણી બંધ છે. (નવેમ્બર 24, 1990) અને કાલે "આઈ લવ બોમ્બે" કરવાનું છે. કરીશું. વીજળી અને પાણી તો શું છે, ટી.વી. અને વીડિયો પણ નહીં ચાલતા હોય તોપણ ટાઈમસર લવ તો કરવો જ પડશે.

1970માં હું મુંબઈ આવ્યો ત્યારે મુંબઈ વિષે મેં એક વાર્તા લખી હતી : "એક પૂંછડીવાળો ઉંદર." મુંબઈ નગરીમાં છ મહિના પસાર તહી ગયા પછી 1970ના અંતમાં બીજી વાર્તા લખી હતી: "આ મુંબઈ શહેરમાં...' આ બે વાર્તાઓનું મુંબઈ 20 વર્ષો પછી કેટલું બદલાયું છે? ઈન્દ્રકુમાર નામનો માણસ મુંબઈ સ્થાયી થવા આવે છે અને એને એક અનામ પરિચિત મળે છે, ઈન્દ્રકુમાર પરિચિતને ઘેર રહે છે, મિસિસ પરિચિત પણ આવે છે. એ વાર્તામાંથી થોડા વિચારો, પ્રતિભાવો, સલાહો, સંવાદોના અંશો, વર્ણનોની એક ઝલક:


મુંબઈ શહેરમાં પૈસા ઊછળે છે, આખા દેશના કાળામાં કાળા રૂપિયા અહીં ઊછળી રહ્યા છે માટે આ ભારતની રાજધાની છે. અહીં કેટલા બધા ફિલ્મો ઉતારનારા છે. પરિચિત... ઈશ્વર જેવો ખૂબસૂરત અને શયતાન જેવો હોશિયાર લાગતો હતો. એની પાસે ઝાંઝવાનાં જળનાં રંગની એક ઈમ્પોર્ટેડ કાર હતી...તકદીર હોય તો માણસ અહીં પૈસા બનાવી શકે છે, અને ન હોય તોપણ પૈસાદાર જેવો લાગી તો શકે જ છે. ઈન્દ્રને મુંબઈ કેવું લાગે છે?.. મુંબઈના પુરુષો વધુ ઊંચા, સ્ત્રીઓ વધુ કમનીય, બાળકો વધુ સ્માર્ટ, મકાનો વધુ તોતિંગ, ટ્રાફિક વધુ ઝડપી, દરિયો વધુ ફેન્સી અને પરિચિત વધુ પરિચિત લાગી રહ્યાં હતાં... બધું લેટેસ્ટ ફૅશનનું છે. અહીં જ્યારે કાળા થવાની ફૅશન ચાલશે ત્યારે બધી છોકરીઓ કાળી બની જશે. લાંબી છોકરીઓ ટૂંકી દેખાવા અને ટૂંકી લાંબી દેખાવા પ્રયત્ન કરે છે. જાડી પાતળી થઈ જાય છે. છોકરીઓ છોકરા જેવી બની ગઈ છે અને છોકરાઓ છોકરીઓ જેવા બની ગયા છે... પરિચિત ગાડીને બ્રેક મારતાં કહે છે: હજી દોડ્યા વિના રસ્તો ઓળંગનારા માણસો આ મુંબઈ શહેરમાં રહી ગયા છે...

ઈન્દ્ર પરિચિતના ઘરમાં આવે છે. ચાર દીવાલો પર ચાર નયનાભિરામ રંગો ઊગ્યા હતા... બહાર બૂટચપલ્લો, ડ્રેસિંગ ટેબલ પર, પ્રસાધનોની જબ્બર જમાવટ... ગ્રીલો પર તડકાને વરકની જેમ પાથરી દીધો હતો... કેકટસનો ટટાર ઊભેલો એક કાંટાદાર છોડ અને મિસિસ પરિચિત એક સ્મિત લઈને આવી પહોંચે છે. સ્ત્રીના શરીરની બધી જ ઈશ્વરી ભૂલો સુધારી લેવામાં આવી હતી. પગના નખ લાલ રંગેલા હતા. સવા ફૂટ ખુલ્લી રાખેલી કમર અડવાનું મન થઈ જાય પણ હિંમત ન થાય એટલી તામસિક સફેદ હતી, છાતીઓમાં ફોલ્સીઝની ચુસ્તી હતી. ખોટા વાળ ઉમેરીને બાંધેલો અંબોડો... વાળમાં ફ્લેનલના ટુકડાઓમાંથી બનાવેલું બ્લ્યુ ફૂલ... આખા શરીર પર ખૂબસૂરતી ઢોળી નાખવામાં આવી હતી. મિસિસ પરિચિત હિપ્નોટિક મીઠાશથી સ્મિત બતાવીને ઈન્દ્રને એક ગ્રંથિના વજનની નીચે ઝુકાવી દેતી હતી. એક જ શરીરમાં આટલાં બધાં રૂપ, ગુણ, સ્પર્શ, વર્ણ, ગંધની બહુતાયત હતી. સ્ત્રીના શરીર પર ક્યાંક "આઈ.એસ.આઈ."નો સ્ટેમ્પ પણ જરૂર મારેલો જ હશે.. ખુશ થયા વિના છૂટકો જ ન હોય એવું ઈન્દ્રનું મોઢું થઈ ગયું. ઈન્દ્રને વિચાર આવે છે, ઑફિસટાઈમના રશ-અવરની સાથે શરૂ થઈ ગયેલી ભરતી જોતાંજોતાં કે અહીં સ્ત્રીઓ બહુ ગોરી છે એનું કારણ કોઈએ કહ્યું હતું...એનીમીઆ, લોહીમાં લાલ કણોનો અભાવ. અહીંની પ્રજાના લોહીમાંથી લાલ કણ ઓછા થઈ જાય છે. હવાપાણીની એ તાસીર છે... સૌંદર્યનો શાપ બહુ ઓછી પ્રજાઓનાં નસીબોમાં હોય છે. બધા જ ડાયટિંગ કરતા હતા. શરીરના ઉપાસકો આ જ શહેરમાં વસ્તા હતા... ખાવાનું બધું બહુ મુલાયમ હતું અને ખૂબ સ્વચ્છ અને સ્વાદિષ્ટ... લાલ કણો પણ શરીરમાંથી ભાગી છૂટે એવું સ્વાદિષ્ટ.

ઑફિસો. ફોર્ટની દિશા, સનસનીખેજ, હેરતઅંગેઝ. ઘરોમાંથી નાસતા ફરીને જંગે મેદાનમાં ઊતરી પડેલા માણસો હવે જ ખરેખર ભૂખ્યા લાગતા હતા. ઢળતી બપોરે સાંજનાં છાપાં. જે કંઈ થોડાઘણા લાલ કણો શરીરમાં રહી ગયા હોય એ સળવળી ઊઠે એ માટેના સમાચાર છાંટવામાં આવ્યા હતા. નિસ્તેજ માણસોને સતેજ કરવા માટે સાંજે આવા જ સમાચારો હોવા જોઈએ. સાંજ બહુ લાંબી ચાલતી હતી મુંબઈમાં, કારણ કે બસની કતારો બહુ લાંબી હતી, આ ભગવાન સાથેનો કોન્ટ્રેક્ટ હતો. ટ્રેનો પર ચોંટી ગયેલા માણસોને જોઈને... ટ્રેનો પ્લૅટફૉર્મો પર આવતી હતી, સ્પોંજની જેમ ભીડને ચૂસી લેતી હતી...

રાત્રિ. સ્વપ્નોમાં હોય એવું અજવાળું અને સુખી માણસોને આવે એવાં સરસ બગાસાં. ઈન્દ્ર સૂતાંસૂતાં વિચારે છે કે મુંબઈ શહેરમાં દરેક સફળ માણસનું મોઢું અણીદાર હતું અને બધાને એકએક લાંબી પૂંછડી હતી. દરેકના દાંત બીજાના વર્તમાનને ખોતરતા રહેતા અને અણીદાર આંખો ભાવહીન હતી.

સાતમે દિવસે નાહતી વખતે એણે જોયું કે એને પણ એક પૂંછડી ઊગી ગઈ હતી. છ મહિના પછી મેં બીજી વાર્તા લખી હતી: "આ મુંબઈ શહેરમાં..." જેનું પ્રથમ વાક્ય હતું: ઈન્દ્રકુમારને મુંબઈ આવ્યે છ મહિના થઈ ગયા... હવે એને ઈન્દર કહેતા હતા. બસસ્ટૉપ પર એને દેશથી આવેલો બંદર મળી જાય છે, ઈન્દર અને બન્દર બસમાં ચડે છે, વાતો કરે છે...

સસ્તામાં સસ્તી ખાદી પહેરીને સુંવાળામાં સુંવાળી છોકરીઓ અહીં ફરે છે... અહીં નપુંસકતાને માટે એક બહુ સારો શબ્દ વપરાય છે - શિસ્ત. લોકો જબરા કહ્યાગરા છે. કહ્યું માને. કલકત્તાના બૉયસ્કાઉટ પણ આટલું કહ્યું માનતા નથી... મુંબઈમાં જનતા નામની વસ્તુ જ નથી. જાતજાતના જળચર, ખેચર, વનચર, નિશાચર, ભૂચર ટાઈટ થઈને ટાઈમસર દોડ્યા કરે છે...

હવે ઈન્દર દેશથી આવેલા બન્દરને જ્ઞાન આપી શકે એવો દક્ષ થઈ ગયો છે. એ કહે છે: ભાઈ બન્દર! આ મુંબઈ શહેરમાં વીંછણોને પણ જાળાં ગૂંથતાં આવડે છે, વીંછણોના જાળામાં કંઈક કરોળિયા ફસાઈ જાય છે...

આ મુંબઈ શહેરમાં સફેદ રીંછ છે, સફેદ વાઘ છે, સફેદ હાથીઓ છે અને સફેદ પતંગિયાં પણ ઊડાઊડ કરે છે. જંગલમાં વરુ, પેશાબ કરીને પોતાનું કૂંડાળું સ્થાપી લે છે, એ જમીનમાં એ બીજા પશુને ઘૂસવા દેતું નથી. અહીં એવી જ જગ્યાને ઓનરશિપ ફ્લૅટ કહેવાય છે. અહીં ફૅશનેબલ છીંકો ખવાય છે અને બીજાની દાઢીમાં હાથ નાખવાની કસરત કરવાની છે. અહીં ચોરબજારમાં જૂની રેકર્ડો અને મોટરના પાર્ટ્સ અને ફોરેઈનનાં નાટકોની સ્ક્રિપ્ટો મળે છે અને હીજડાઓ પણ સનગ્લાસીસ પહેરીને નાચે છે. અહીં સમરકંદ બોખારાની નાઝનીનના ગાલના કાળા તલ પર કવિતાઓ લખી નાખવાનો રિવાજ નથી, અહીં સાડીઓના મોટા સ્ટોરમાં સમરકંદ બોખારાના તરબૂજ જેવા મોટા નિતંબોવાળી શેઠાણીઓને ગાડીઓમાંથી ઊતરતી જોઈને દુકાનદારોને કવિતા સૂઝે છે...

આજે 20 વર્ષો પછી મુંબઈ વધારે મોંઘું થઈ ગયું છે, પ્રદૂષણ એ લેટેસ્ટ ફૅશનેબલ શબ્દ છે. કલકત્તા માટે કે મારા વતન પાલનપુર માટે મારે ક્યારેય કહેવું પડ્યું નથી કે "આઈ લવ ઓલ્ડ કેલ"... કે "મારું પ્રિય પાલનપુર". મુંબઈ જુદી વસ્તુ છે. અહીં શાક લેવા જાય ત્યારે પત્નીને આઈ લવ યૂ કહીને જનારા છે, અને શાક લઈને પાછા આવીને પત્નીને ફરીથી આઈ લવ યૂ કહેનારા છે. મુંબઈ છે આ... કલકત્તા કે પાલનપુર કે અમદાવાદ નથી, અહીં તો કહેવું પડશે, ભઈ..., નાનાસાહેબ ચુડાસમાની સાથે... આઈ લવ યૂ, બોમ્બે!

ક્લોઝ અપ:

બાપુસ ભી કાલા, આઈ ભી કાલી, હી ગોરી પોરી કોનાચી...
                                                                                       - કોંકણી ગીત
(બાપ પણ કાળો, મા પણ કાળી,... આ ગોરી છોકરી કોની છે?)

(જન્મભૂમિ/પ્રવાસી: ડિસેમ્બર 9, 1990)

(પુસ્તક: દેશ-પરદેશ) 

No comments:

Post a Comment