હમણાં એક ગુજરાતી તંત્રીએ એક મોટો તંત્રીલેખ લખી નાંખ્યો અને એ લેખનો ધ્વનિ હતો "અક્કલ બડી કે ભેંસ". આજકાલ પૈસા કમાતા ભેંસા જેવા સફળ, અભણ માણસો જ અંતે બડા છે. તંત્રીનો રોષ સકારણ હતો, માત્ર એ કહેવત આધારિત તર્કનો પાયો અસ્થિર હતો. ભેંસ એટલે જાડું માણસ, મંદબુદ્ધિ, ડોબું એવો અર્થ ગુજરાતી તંત્રીએ ઘટાવ્યો હતો. પણ મુખ્ય વાત એ છે કે આ કહેવત અક્કલ બડી કે ભેંસ નથી. મૂળ કહેવત છે: અકલ બડી કે બહસ? અક્કલથી, હિકમતથી, હોશિયારીથી કામ પાર પાડવું છે કે માત્ર બહસ, ચર્ચા, તર્કબાજી જ કરતા રહેવું છે એવો આ ઉક્તિનો અર્થ છે. આ બહસ શબ્દ ગુજરાતીમાં ભેંસ બની ગયો. વાસ્તવમાં આ બંને શબ્દો વિરોધઅર્થી છે.
ગુજરાતી ભાષામાં ખોટા શબ્દો કે શબ્દપ્રયોગો વપરાતા રહે છે અને સુધારી લેવા તરફ ધ્યાન ગયું નથી. જો કે પ્રયોગ રૂઢ થઈ ગયા પછી એ કેટલો સુધારી શકાય એ પણ પ્રશ્ન છે. જનતા જે સ્વીકારે છે એ ફાઈનલ થઈ જાય છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ લીટી આપણે સતત ગાતા રહ્યા હતા. અહીં અર્થ એવો અભિપ્રેત છે કે ઈશ્વરને પણ ખબર નથી કે સવારે શું થવાનું છે. સંસ્કૃતજ્ઞો આ વાક્યનો જુદો અર્થ સમજાવે છે. ન જાને, જાનકીનાથ, પ્રભાતે કિમ ભવિષ્યતિ ! હે જાનકીનાથ ! હે પ્રભુ, હું જાણતો નથી કે સવારે શું થવાનું છે? અહીં ઈશ્વર તો સર્વજ્ઞ છે, પણ હું સ્વયં અજ્ઞ છું, મને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે.
એક ગુજરાતી કહેવત વારંવાર સાંભળી છે : તીર નહીં તો તુક્કો ! આ કહેવત આપણે જે અર્થમાં ઘટાવીએ છીએ એ જરા કોમિક છે. તીર છોડવાનું, લાગે તો ઠીક છે, નહીં તો પછી તુક્કો. તુક્કો એટલે ટુચકો, કોઈક રમૂજી લતીફો, તરંગી વાત, અડસટ્ટે પ્રહાર કરવો જે કદાચ બુલ્સ આઇ હિટ પણ કરી જાય. મૂળ અર્થ જુદો છે અને વધારે તાર્કિક છે. ફારસીમાં "તુકહ" એટલે બુઠ્ઠું તીર, જેની ધાર નથી. એ લાગે તો લક્ષ્ય વેધ કરે કે ન પણ કરે. માટે કહ્યું છે કે તીર છૂટે તો ઠીક છે નહીં તો તુક્કો એટલે કે બુઠ્ઠું તીર છોડવાનું!
ગુજરાતીઓ વારંવાર જમીનદોસ્ત શબ્દ વાપરે છે. કોઈક વસ્તુ કે વ્યક્તિ પડી ગઈ, ધરાશાયી થઈ ગઈ, ખેદાનમેદાન કે તહસનહસ થઈ ગઈ એટલે જમીનદોસ્ત થઈ ગઈ એવું કહેવા લખવાનો રિવાજ છે. અહીં પ્રથમદ્રષ્ટિ અર્થ સ્પષ્ટ છે. જે જમીનનો દોસ્ત થઈ ગયો છે. એ જમીનદોસ્ત છે. પણ ફારસીમાં મૂળ અર્થ અને શબ્દો જુદા છે. ત્યાં જે શબ્દ છે એ છે જમીનદૂખ્ત અને દૂખ્તન એટલે સીવવું. જમીનદૂખ્ત એટલે જે જમીનની સાથે સિવાઈ ગયો છે એવો ધરાશાયી ! દોસ્ત શબ્દ સાથે આજે કોઈક સંબંધ નથી.
બકરી ઇદને પણ બકરી સાથે કોઈ સંબંધ નથી. બક્ર એટલે ગાય અથવા બળદ અને ઇદ એટલે વારંવાર આવનાર ખુશીનો દિવસ. આપણે બક્રને બકરી બનાવી દીધો.
જોહુકમી શબ્દ પણ એવો જ છે. ઈરાનમાં એક અત્યંત જુલ્મગાર રાજા થઈ ગયો, નામ જહહાક. એના જુલ્મને માટે જહહાકી શબ્દ વપરાતો થઈ ગયો. કાળક્રમે આ જહહાકી પરથી જોહુકમી અને જોહુકમ શબ્દો વપરાશમાં આવી ગયા.
બ્રિટિશ જમાનામાં રાજા રજવાડાંનો એક ટાઈટલ હતો: સેનાખાસખેલ. આ શબ્દ વિષે એક મોટો વર્ગ એમ સમજતો હતો કે સેનાનો ખાસ ખેલાડી. ખાસ ખેલ કરનારો. અને આ શબ્દની વ્યુત્પત્તિ સમજાતી ન હતી. અંતે એ સમાસને છૂટો પાડીને ડૉ. છોટુભાઈ નાયકે એક પુસ્તકમાં સમજાવ્યો છે જે આ પ્રમાણે છે. શિહના એટલે પુલિસનો ઊંચો અમલદાર. ખાસ એટલે મુખ્ય, જે સમજાય એવું છે. પણ ખૈલ એટલે પાયદળ અને હયદળ ટુકડી. છૂટા પાડ્યા પછી આ શબ્દો થાય છે: શિહના-એ-ખાસ ખૈલ!
ગુજરાતી ભાષામાં એક ગાળ બોલાય છે માદરબખત, જેનો અર્થ આપણે ધારીએ છીએ એટલો ખરાબ નથી. માદર-બ-ખતા એટલે ખતાવાળી, ભૂતવાળી, કલંકવાળી માતા. ઘણાબધા શબ્દોમાં અર્થના અનર્થ થયા છે અને ઘણા શબ્દોમાં અનર્થને સ્થાને અર્થ મુકાઈ ગયા છે. "લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ" નામની કહેવતમાં અર્થ એવો નીકળે છે કે લેવા ગઈ પુત્ર અને ખોઈ આવી પતિ ! અહીં ખસમનો અર્થ પતિ થાય છે. પણ મૂળ અરબીમાં ખસમ એટલે ઝઘડો કરનાર એવો અર્થ છે! અને ફારસીમાં એનો અર્થ ધણી અને દુશ્મન બંને થાય છે...
એક શબ્દપ્રયોગ જે બહુ જ ખોટી રીતે અને લગભગ રોજ ગુજરાતીમાં વપરાય છે એ છે: હાલીમવાલી ! ગુજરાતીમાં હાલીમવાલી એટલે રસ્તે ચાલતો કે આવી પડેલો લફંગો, થર્ડ ક્લાસ, કનિષ્ઠ માણસ. અરબી શબ્દ છે અહાલી મવાલી. અહલ એટલે માણસ અને અહાલી એટલે સારા માણસો. એ અહલનું બહુવચન છે. મૌલા એ અરબી શબ્દ છે, અને એનો અર્થ શેઠ અને નોકર બંને થાય છે. મૌલાનું બહુવચન એ મવાલી. એનો પણ અર્થ મદદગાર મિત્ર થાય છે. આ આખો શબ્દપ્રયોગ અહાલી અને મવાલી પરથી અહાલા મવાલી બની ગયો, અને અંતે આપણે એને હાલીમવાલી રૂપે સાચવ્યો છે. બહુ જ સરસ અર્થવાળો શબ્દપ્રયોગ બહુ જ ખરાબ અર્થમાં ટકી ગયો.
વિદેશી ભાષાઓના કેટલાક એવા શબ્દો, જે આજે આપણી દૈનિક બોલચાલમાં રૂઢ થઈ ગયા છે, આપણે ત્યાં જુદા સ્વરૂપે આવી ચૂક્યા છે. એક શબ્દ "લફંગો" આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ. આ શબ્દ તુર્ક છે અને મૂળ લફંગ છે એવો એક મત છે. બીજો મત માને છે કે ફારસીએ આપણને લફંગો શબ્દ આપ્યો છે. ફારસીમાં લાફ એટલે શેખ અને ઝન એ મારવાનું આજ્ઞાર્થ રૂપ છે. એટલે એનો અર્થ શેખીખોર એવો થાય છે.
સૂફીવાદે કેટલાક શબ્દોને જુદા અર્થો આપ્યા છે. માશુકને પ્રભુ સમજીને જે કાવ્યસર્જન થયું છે એમાં સ્થૂળ અર્થ એક પણ સૂક્ષ્મ અને આધ્યાત્મિક અર્થ ઊંચો છે. સાકી એટલે મયખાનામાં શરાબની પ્યાલીઓ આપનારી સ્ત્રી, જે સર્વ કરે છે. પણ આધ્યાત્મિક કવિતામાં સાકી એટલે ગુરુ! આ સાકી અરબી શબ્દ છે. ગુજરાતીમાં એને માટે પર્યાય નથી.
કાવ્યના છંદની બાબતમાં જે પારિભાષિક શબ્દો આવ્યા છે એમાંના ઘણાખરા રણમાં બંધાતા તંબુઓથી સંબંધિત છે એ એક સૂચક હકીકત છે. એ કાવ્યશાસ્ત્રીઓએ તંબુઓમાં બેસીને છંદશાસ્ત્ર રચ્યું હશે. માટે આ શબ્દો આવ્યા છે? મિસરા શબ્દનો સામાન્ય શ્રોતા અર્થ કરે છે કવિતાનું ચરણ પણ શબ્દાર્થ થાય છે: તંબુનો દરવાજો! શેર એટલે કડી કે પંક્તિ જેવો અર્થ ઘટાવવામાં આવે છે પણ એનો શાબ્દિક અર્થ છે : ઊંટના વાળનો બનાવેલો તંબુ! રુકન એટલે સ્થંભ, બહુવચન અર્કાન એટલે સ્થંભો. ફાસલા એટલે ખોડેલા બે ખૂંટા વચ્ચેનું અંતર. બૈતનો શબ્દાર્થ થાય છે ઘર, અને કાવ્યસંદર્ભ છે: કડી. સબબ એટલે તંબુમાં વપરાતું દોરડું. અને વતદ એટલે ખૂંટી જે જમીનમાં દાટવામાં આવે છે. ડૉ. છોટુભાઈ નાયકના અરબી ફારસીની અસરવાળા પુસ્તકમાં આવી બારીક માહિતી આપી છે.
(ગુજરાત સમાચાર : સપ્ટેમ્બર 24, 1992)
(પુસ્તક: શબ્દ અને સાહિત્ય)
No comments:
Post a Comment