September 12, 2014

બક્ષીબાબુની અજીબોગરીબ વ્યાખ્યાઓ: Lateral Thinking

મિત્રો,

તમને ઘણી વખત વાંચતી વખતે કોઈક એવો અનુભવ થયો હશો કે સાલું આવું તો આપણે ક્યારેય વિચાર્યું જ નથી. કોઈપણ વસ્તુને પરંપરાગત રીતે સદીઓથી આપણે જે રીતે જોતા આવ્યા હોઈએ, વિચારતા હોઈએ એજ જૂની વિચારસરણી અને અભિગમ આપણે ચાલુ રાખતા હોઈએ છીએ માટે એને બીજા દ્રષ્ટિકોણથી જોવાની તસ્દી પણ લેતા હોતા નથી. પરિણામે હથેળીમાં પારાની જેમ આપણી દ્રષ્ટિમાંથી વિસ્મય અને રોમાંચ છટકી જાય છે.

અહીં આપણે ચંદ્રકાંત બક્ષીના સાહિત્યસાગરમાંથી કેટલાક એવા મોતીબિંદુઓ રજૂ કરીશું જેની માળા પહેરતી વખતે લાગે કે આ તો બિલકુલ હટકે ટાઈપનું થિંકિંગ છે! 

(1) શિકાર

'તમે શિકાર કર્યો છે?'

'ના, હું જંગલી પશુઓનાં ચોરીછૂપીથી ખૂન કરવામાં માનતો નથી. આપણે એને શિકારનું સારું નામ આપી દીધું છે - પણ વાસ્તવમાં તો આપણે છુપાઈને પશુઓનાં ખૂન જ કરીએ છીએ ને?' 

(લગ્નની આગલી રાતે: પૃ.133) 

(2) પ્રેમ

બંને વચ્ચે એક માનવીય આત્મીયતા હતી જેને રોમાંચક ભાષામાં પ્રેમ કહી શકાય.

(રીફ-મરીના: પૃ.76) 


(3) સ્ત્રી : એક એવો સાપ જેને જોઈને મદારીઓ ડોલવા લાગે છે. 

(4) વૃદ્ધાવસ્થા: વર્તમાનપત્રમાં જ્યારે સમાચારો કરતાં તંત્રીલેખ વાંચવામાં તમે વધારે સમય બગાડો ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થઈ ગયા છો. 

(5) ગભરાટ : એ માનસિક સ્થિતિ જ્યારે અંગ્રેજીમાં લખેલું 'નાગાલૅન્ડ', 'મગનલાલ' વંચાય. 

(6) સ્ટોન : એક બાહ્ય પદાર્થ જે ડાહ્યા માણસોની કીડનીમાં અને સવાઈ ડાહ્યા માણસોને માથામાં હોય છે. 

(7) સાળી: સિસ્ટર-ઈન-લૉથી સ્વિટહાર્ટ-ઈન-લૉ વચ્ચેની એક સંબંધી. 

(8) સૂટકેસ: લગ્નમાં અપાતી એક ભેટ. ભાગીને લગ્ન કરવું હોય તો અથવા લગ્ન કરીને ભાગી જવું હોય તો કામ આવતી એક વસ્તુ. હનીમૂનથી મહાભિનિષ્ક્રમણ સુધી સાથે રહે છે. 

(9) યુ.પી.: જેમ યુ.એસ.એ., યુ.કે., યુ.એસ.એસ.આર. છે એમ એક યુ.પી. છે. ત્યાં જવા માટે વિસાની જરૂર પડતી નથી. 

(10) સૂર્યાસ્ત: મૃત્યુના જન્મનું સૌંદર્ય. 

(11) લગ્ન: એ સમાજવ્યવસ્થા જેમાં એક હાથે જ તાળી પડતી હોય છે. 

(12) ડાયટિંગ: શરીર માટે સારી અને ચહેરા માટે ખરાબ એવી સ્વાસ્થ્ય-પ્રવૃત્તિ. 

(13) ફૂલ: વનસ્પતિજગતની સૌથી નકામી વસ્તુ, જે પક્ષીઓ પણ ખાતાં નથી. 

(14) જીવવું: બીજા માટે મરવું. 

(15) કલાકાર: એ મનુષ્યપ્રાણી જે મિત્રો વિના જીવી શકે છે પણ શત્રુઓ વિના જીવી શકતું નથી. 

(16) રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠવા વિશે:

આ ક્વૉલિટી વીરની ગણવામાં આવે છે. સૌથી વીર ધાવતાં બાળકો છે, એ વહેલાં સૂઈને વહેલાં ઊઠે છે. 

(17) કમજોર, ગુસ્સા બહોત:

ચૂનાના ઢગલા જેવી સ્થિતિ. ચૂનાના ઢગલા પર ઠંડું પાણી નાખો તો પણ ગરમ થઈ જાય. અગ્નિ ન નીકળે પણ ચૂનો તતડ્યા કરે. કેટલાક માણસોનો આ સ્વભાવ હોય છે. 

(18) ગુજરાતી કવિઓ:

ગુજરાતી ભાષામાં બે જાતના કવિઓ છે: એક, જેમને છાતીમાં વાળ ઊગે છે, અને બીજા, જેમને છાતીમાં વાળ ઊગતા નથી. 

(19) સેક્સ ગેપ: જનરેશન ગેપ પછીનું ગુજરાતી પ્રગતિનું બીજું ચરણ. 

(20) ગૃહિણીનો સ્વભાવ: ચાનો રંગ જોઈને ખબર પડી જાય છે. 

(21) પોસ્ટમૉર્ટેમ: રાંડ્યા પછીનું ડહાપણ....

(22) સંગીત: માણસની ખામોશીનો અવાજ. 

(23) તટસ્થ: દરેક સ્ત્રીમાં કંઈક સારું છે જ અને દરેક પુરુષમાં કંઈક ખરાબ છે જ એમ માનતી વ્યક્તિ. 

(24) નિંદા: વ્યક્તિ-સ્વાતંત્ર્યની અંતિમ સિદ્ધિ. 

(25) વિદ્વાન: તમે હિલ સ્ટેશન પર મજા કરીને આવ્યા પછી તમને સાબિત કરી આપે કે તમે મજા કરી નથી, પણ દુ:ખી થઈ ગયા છો! 

(26) વફાદારી અને દગાબાજી: વફાદારી એટલે એક મોઢું, એક ભાષા! દગાબાજી એટલે એક મોઢું, બે ભાષાઓ... 

(27) ભવિષ્ય: પતિ મળી જાય ત્યાં સુધીની સ્ત્રીની ચિંતા, અને પત્ની મળી જાય એ પછી પુરુષની ચિંતા. (ઈન્ટરનેટની રમૂજ)


('-એ-બી-સી- થી -એક્સ-વાય-ઝી' અને 'ક્લોઝ-અપનું સ્માઈલ પ્લીઝ'માંથી સાભાર)

No comments:

Post a Comment