September 12, 2014

અમેરિકન જીવન વિશે....

અમેરિકન જીવનની એક વિચિત્રતા છે: મોરગેજ, અને પત્ની સિવાય દરેક વસ્તુ મોરગેજ પર મળતી હોય છે અને એ રીતે લેવાય છે! લગભગ દરેક પતિપત્ની જે બંને જોબ કરતાં હોય છે, અડધી પોણી જિંદગી આ વિવિધ મોરગેજોના હપતા ભરતાં રહેતાં હોય છે. જેમ દક્ષિણ આફ્રિકામાં ગઈ સદીમાં 'ગિરમીટિયા' હતા, એમ અમેરિકામાં 'મોરગેજિયા' છે.
                                                                                                (ઈંગ્લેન્ડ અને અમેરિકા 1997, પૃ. 6)


'મારું નામ, તારું નામ' નવલકથામાંથી અમેરિકન જીવન વિશે: 

[1] આપણે ગુજરાતીઓ અહીં આવીને જ આપણા કલ્ચરની વાતો કરવા લાગીએ છીએ. એક તો આપણે કોરિયનોની જેમ ખ્રિસ્તી નથી. બીજું, આપણે બહુ જ જિદ્દી વેજીટરિયનો છીએ. ટાઈ પહેરવાનું કલ્ચર નથી, છરીકાંટાથી ખાતાં આવડતું નથી, અંગ્રેજી હજી દેશીની જેમ બોલીએ છીએ... ગભરાઈએ છીએ એટલે એમનાથી દૂર દૂર ભાગીએ છીએ. વી આર.... અ વેરી ડિફિકલ્ટ પીપલ ! મહેમાનો, તરીકે થર્ડ ક્લાસ...

અમેરિકામાં તને ઘણા ગુજરાતીઓ મળશે. ત્રણ વાર અમેરિકા આવી ગયા હોય અને ચાર ચાર અઠવાડિયાં રહી ગયા હોય, કોસ્ટ ટુ કોસ્ટ ફરી આવ્યા હોય, પણ હજી... ન્યૂયોર્કના મેનહટનમાં એકલા ફરતાં ન આવડે ! ગુજરાતે ઘણા રોચાઓ અમેરિકા એક્સપોર્ટ કરી દીધા છે... ગભરુ પ્રજા છીએ ! આપણે આપણા ટોળામાં જ ફર્યા કરીએ છીએ." (પૃ. 109) 


[2] અમેરિકામાં માણસ ક્યાં કામ કરે છે એ પૂછવાનો રિવાજ ન હતો, પણ દરેક વ્યક્તિ જરૂર કહી દેતી હતી કે હું જોબ કરું છું ! જોબ શબ્દ ગુજરાતી અમેરિકનોની ગુજરાતી ભાષામાં અલ્પવિરામની જેમ વારંવાર આવી જતો હતો. (પૃ. 119) 

[3] "તને ભવિષ્યની ચિંતા થતી નથી?"

"લુક !" બિલ બોલતો ગયો, "એક સિમેસ્ટરના પૈસા મારી પાસે થઈ ગયા છે. એટલે હવે મારી એક જ ચિંતા છે. ખાવું અને પીવું ! સરસ ખાવું જોઈએ, સરસ પીવું જોઈએ ! તું શું કહે છે?"

"અમારી પૂર્વની વિચારધારા જુદી છે, બિલ ! અમે જ્યાં સુધી બચાવીને ભેગું ન કરીએ ત્યાં સુધી અમને સલામતીની ભાવના થતી નથી. હંમેશા અસુરક્ષિત લાગ્યા કરે છે."

"વ્હાય? બહુ પૈસા થઈ જાય તો ફરવાનું ! નહીં તો ખાવા-પીવાનું. શરીર તો મુખ્ય વસ્તુ છે. શરીર છે તો આ બધી મજાઓ છે." બિલ જોતો રહ્યો. "બેનેસ ! જિંદગીમાં થોડાં જ વર્ષો આ બધી મજાઓ છે. ખાવું, પીવું, સેક્સ, ખોવાઈ જવું ! પછી કોઈ છોકરી બીજી વાર તમારી સામે જોતી નથી !" બિલ હસવા લાગ્યો.

બનાસ વિચારતી રહી. બિલ કદાચ બહુ નિર્દોષ હતો. કદાચ આજ અમેરિકન યથાર્થ હતો. આજથી જિંદગી શરૂ થતી હતી, અને આજની ક્ષણે જિંદગી પૂરી થતી હતી. આવતીકાલ નામની વસ્તુ ન હતી.

બિલે બનાસ તરફ એક સરસરી દ્રષ્ટિ ફેંકીને ફરીથી વિન્ડ શિલ્ડમાંથી સામેના માર્ગને જોતાં કહ્યું, "હું તને એ બતાવવા માંગતો હતો કે બેનેસ, તું જો ! માણસ શું સર્જન કરી શકે છે? આ ન્યૂયોર્કનું મેનહટન સો, દોઢસો, બસો વર્ષોમાં જ બન્યું છે. મકાનો, પૂલો, રસ્તાઓ, હડસન નદીની નીચેથી બનાવેલા બુગદાઓ...ફ્રી વેઝ, ઍરપૉર્ટ, ડોક્સ...માણસના બે હાથ શું સર્જન કરી શકે છે? જ્યાં સુધી માણસ મેનહટનમાં બે પગો પર ચાલતો નથી ત્યાં સુધી એને ખબર પડતી નથી કે માણસના બે હાથો કેટલું સર્જન કરી શકે છે !"

બિલના સ્વરની ભાવુકતા બનાસને સ્પર્શી ગઈ. એને લાગ્યું કે બિલના અવાજમાં ગર્વ છલકતો હતો, અમેરિકન પુરુષાર્થનો, અમેરિકન પ્રગતિનો. અને બિલની વાત સાચી પણ હતી. અહીં લોકો ખરેખર પરિશ્રમી હતા, ઉદ્યોગી હતા, આત્મવિશ્વાસથી છલકતા હતા. દોષભાવના ન હતી, પાપભાવના ન હતી. ઉચિત-અનુચિતનો દ્વન્દ્વ ન હતો. પોતાના નિર્ણયનો પોતે લેવાની સ્પષ્ટ ખુમારી હતી.

બનાસને વિચારમગ્ન જોઈને બિલ બોલ્યો, "ઈન્ડિયામાં પણ માણસના બે હાથોનું કેવું અદભુત સર્જન છે...તાજમહેલ?"

"હા," બોલીને બનાસ ચૂપ થઈ ગઈ.

બિલ જોઈ રહ્યો. "કેમ ? બેનેસ ? આરયૂ ઓ.કે.?"

"યાહ, આયમ ઓ.કે !"

"તો શું વિચાર કરતી હતી?"

"...વિચાર કરતી હતી કે માણસના બે હાથોએ ઈન્ડિયામાં કેટલો વિનાશ કર્યો છે....તોડીફોડી નાખ્યું છે, ખંડન કરી નાખ્યું છે ! અમારાં મંદિરોમાં અમે હજારો વર્ષોની અમારી સંસ્કૃતિ સાચવી હતી. આક્રમકો આવ્યા, બર્બરો આવ્યા.. અમારા ગ્રંથો જલાવી નાખ્યા, અમારી સ્ત્રીઓને પકડીને દુનિયાનાં બજારોમાં ગુલામો તરીકે વેચી નાખી." બનાસનો સ્વર ઊંચો થતો જતો હતો, એણે તરત જ સંયત થઈને સ્વર નીચો કરી નાખ્યો. પછી એણે સાફ અવાજે બિલને કહ્યું, "બિલ, આ બધું પણ કોણે કર્યું? માણસના બે હાથોએ જ ને?" (પૃ. 143) 

[4] અમેરિકામાં દુ:ખી હોવાને કારણે આપઘાત કરવાનો રિવાજ નથી. દુ:ખ જ થતું હોય તો એક વ્યક્તિને છોડીને બીજી વ્યક્તિને પકડી લેવી એ અમેરિકન જીવનસમજ છે. દુ:ખ ટકાવી રાખવું એ સુખ ગણાતું નથી અમેરિકામાં, પણ હિંદુસ્તાનમાં ગણાય છે. હિંદુસ્તાનમાં એકલો પડી ગયેલો માણસ દુ:ખી છે એવી સામાજિક સમજ છે, અમેરિકામાં સુખી થવા માટે માણસ સ્વેચ્છાએ એકલો થઈ જાય એ સાહજિક સમજ છે. અંતર છે બે સંસ્કૃતિઓની સમજ વચ્ચે, સુખ અને દુ:ખ જેવા સામાન્ય શબ્દો વિષે પણ... સ્વેચ્છાએ એકલો થઈ જાય એ સાહજિક સમજ છે. (પૃ. 147) 

[5] અમેરિકા દેશનો ઈતિહાસ બહુ નાનો હતો, અને સાથે સાથે માણસોના ભૂતકાળો પણ નાના હતા. માણસો ઝડપથી જીવી લેતા હતા, ઘરો અને નોકરીઓ અને શહેરો પણ ઝડપથી બદલી નાખતા હતા અને પત્નીઓ અને પતિઓ પણ આવતા ભવમાં હોય એવી ઈચ્છાઓ કોઈ રાખતું ન હતું. આ ભવ પણ એક સ્ત્રી અને એક પુરુષ સાથે જીવી નાંખે એવા મનહૂસ વિચારો બહુ ઓછા અમેરિકનોને આવતા હતા. જિંદગી જંક બની જાય ત્યાં સુધી જીવ્યા કરવાની અમેરિકામાં ફૅશન ન હતી. અમેરિકામાં સમય ઝનૂનથી વાપરવાની દરેકને આદત પડી જતી હતી. (પૃ. 150)

[6] પૂરું અમેરિકા જ એક ડ્રગ છે ! અહીં આવ્યા, રહી ગયા, જીવી ગયા...પછી એ છૂટશે નહીં. ડ્રગને માટે બંધાણી જેમ તડપે છે ને...એમ આ લોકો તડપે છે. કરોડપતિનો કુત્તો સ્વિસ ટોબ્લેરોન ચોકલેટ રોજ ચાટવા લાગે તો હાડકાનો સ્વાદ ભૂલી જાય છે... ! (પૃ. 153)

No comments:

Post a Comment