September 12, 2014

'બાકી રાત' નવલકથામાંથી જાહેરાતની દુનિયા વિશે...

જાહેરાત, વિજ્ઞાપન, Advertisingની દુનિયા વિશે બક્ષીબાબુના અવલોકનો, 'બાકી રાત' નવલકથામાંથી:

[1]
વિજ્ઞાપન કંપનીની ઑફિસો નખરાંબાજ સ્ત્રીઓથી છલકાતી હતી. કોઈ જ બુદ્ધિ કે આવડત કે જમાવટ વિનાની સ્ત્રીઓ, જે પોતાને કલાકાર સમજતી હતી! એ દુનિયામાં બે લીટીઓ લખીને ચાળીસ રૂપિયા લેનારા પોતાની જાતને કવિ સમજતા હતા. અને બેહૂદા હરકતો કરતી રહેતી બદસૂરત, ઘોડા જેવા ચહેરાવાળી. હિજડાઓ જેવી ઊંચી સ્ત્રી અને 'મા મૂળો - બાપ ગાજર' કિસ્મના દોગલા, બાયલાઓ, જે વાતવાતમાં 'આઉચ' અને 'વાઉ' જેવું ખચ્ચરી અંગ્રેજી બોલતા રહેતા હતા.  (પૃ. 86-87) 

[2]
વિજ્ઞાપનની દુનિયાના લોકો સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ જનતાને ઠગીને એમનું ઊંચું જીવનધોરણ નિભાવતા હતા. વાતો મૂડીવાદી હતી, સ્ત્રીઓ ફોરેનની વાતો કરતી હતી, પુરુષો સ્ત્રીઓની વાતો કરતા હતા. જે ભાષા બોલાતી હતી એ જાહેરખબરોની જેમ ફેન્ટેસ્ટીક હતી અને અહીં જમા થયેલા માણસો પણ ફેબ્યુલસ હતા. વિશેષણો અને વખાણો પિંગ-પોંગના બૉલની જેમ સામસામા ઊછળતાં હતાં.

બધા એકબીજાને લગભગ તુંકારે અને ઊભરાઈ જતી આત્મીયતાથી, નામ લઈને જ બોલવતા હતા. એક પમી હતો, બીજો પપી હતો, ત્રીજો ટૉમી હતો. આ બધા કૂતરાઓનાં નહિ પણ માણસોનાં નામ હતાં, જે એમની કંપનીઓ અને એમની કારકિર્દીઓને બેહદ વફાદાર હતા. દાઢીઓ હતી, ફેડેડ જીન્સ હતાં, પીક-થ્રુ ટૉપ્સ હતાં, કેઝ્યુઅલ્સ હતાં, ઈમ્પોર્ટેડ અવાજો હતા, આશ્ચર્ય બતાવવા છોકરીઓ અવાજ કરતી--'વાઉ!' અને છોકરાઓ મોઢું ટેઢું કરીને બોલતા - 'સક્સ!' વાત વાતમાં 'સૉરી' ઢોળાઈ જતું, અને મસ્જિદની બહાર યતીમોને પૈસા આપીને આગળ વધી જતા રઈસની જેમ જવાન ઔરત-મર્દ 'થેંક્યુ' બાંટતા જતા હતા. ક્યાંક ઠોકર લાગતી તો બહુ જ મીઠાશથી બોલતો ધ્વનિ આ હતો - 'આઉચ!' કૉમિક્સ ન વાંચનારને ક્યારેક અહીંની બોલચાલ સમજવી અઘરી પડે એવું હવામાન હતું. સ્ત્રીઓ પણ ફેશનેબલ ગાળો, મોઢામાંથી સિગરેટ કાઢ્યા વિના બોલી લેતી હતી...

પાર્ટીમાં એક ખૂણા પર 'પેડ' (ગાદી) હતું, જ્યાં કેટલાક જવાનો ઓગળી રહ્યા હતા. બાકી ગ્લાસો લઈ લઈને વાત કરવા લાયક છોકરીની તલાશમાં, કેરમની કાંકરીઓની જેમ ફેંકાયે જતા હતા.  (પૃ.103) 

[3]
'હું પેકીંગ માટે વસ્તુઓ બનાવતી કંપનીઓમાં વિજ્ઞાપન સંભાળું છું. હમણાં પેકીંગ ઈન્ડસ્ટ્રીએ સારી પ્રગતિ કરી છે.'

'તમે ધારો છો પેકીંગ આકર્ષક હોય તો વેચાણ વધે?'

'હા, ફરક જરૂર પડે છે. પેકીંગ બરાબર ન હોય તો લોકો અડે પણ નહીં.'

'પણ પેક કરેલી વસ્તુ ખરાબ હોય તો? ગ્રાહકને વસ્તુથી તો સંતોષ થવો જોઈએ ને?'

'હા, વસ્તુ...પણ સારી જોઈએ. પણ ગ્રાહ સુધી પેકીંગ પહોંચવું જોઈએ. વસ્તુને વેચવામાં પબ્લિસીટી અને પેકીંગ વધારેમાં વધારે કામ આવે છે.'

'હું એવું નથી માનતી, મિસ્ટર રોય!' કેયા બોલી, 'વસ્તુ ખરાબ ન ચાલે - સારામાં સારું પેકીંગ અને ગમે તેટલી 'કૅચી' પબ્લિસીટી હોય તો પણ! અને વસ્તુ ઉમદા હોય તો બાકી બધું ગૌણ બની જાય છે. લોકોને તો વ્યાજબી ભાવે સારી, ટકાઉ, ઉપયોગી વસ્તુ મળવામાં રસ છે. ઠગાવામાં રસ નથી-'

'જાહેરખબર વિના આજના જમાનામાં વસ્તુ વેચાય નહિ.'

'મિસ્ટર રોય,' કેયા બોલવા લાગી, 'ભગવાને બટાટા બનાવ્યા છે, એ સારા છે તો પણ માણસ જમીન ખોદીને પણ કાઢે છે. ભગવાન પબ્લિસીટી કરવા આવ્યો છે? માણસ ઝાડ પર ચઢીને અનનસ કે નાળિયેર ઉતારે છે. બહારથી એનું પેકીંગ આકર્ષક છે? કેળાં કે ઈંડા ભગવાને કેવાં સરસ પેક કર્યાં છે! ઈંડાની કાચલી વજનમાં કેટલી ઓછી હોય છે? કેટલી ઈકોનોમી કરી છે ભગવાને? માણસને વિશ્વાસ છે કે ભગવાન ઠગતો નથી...પછી ગમે તેટલી તકલીફ લઈને પણ માણસ એ વસ્તુ શોધી કાઢશે-'  (પૃ.107-108)

No comments:

Post a Comment