November 19, 2013

પ્રિયકાન્ત મણિયાર વિશે...

એ દિવસો હતા જ્યારે લૉ ગાર્ડનની બહાર આટલી રંગરેલિયા ન હતી. અમદાવાદના રાતના રાજાઓ અને રાતની રાણીઓ આઈસક્રીમ ખાવા માણેકચોકમાં ઊતરતાં. અડધી અડધી આઈસ્ક્રીમોની જ્યાફતો ઊડતી. એક વાર અમદાવાદના તત્કાલીન કવિસમાજમાં કિલાવરના એક્કા જેવા પ્રતિષ્ઠિત મિત્રકવિ પ્રિયકાન્ત મણિયાર મને રાત્રિના બીજા પ્રહરે માણેકચોકમાં આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા હતા. આઠ આઈસ્ક્રીમવાળાઓનાં વિવિધરંગી સર્જનોનાં પૂરા લિસ્ટ વાંચીને નવમા પર પ્રિયકાન્તે કળશ ઢોળ્યો હતો - મને પૂછ્યું હતું: મિત્ર, અડધો, અડધો લઈશું? મેં આર્દ્ર સ્વરે કહ્યું હતું: હા, મિત્ર! અને અમે બંને એ અડધા અડધાનું સેવન કરીને તૃપ્ત થયા હતા. એ પછી કિલાવરના એક્કામાં કિલાવરીનો અટેક આવ્યો હતો: મિત્ર, બીજો અડધો અડધો થઈ જાય...! બીજો અડધો ખાવાનો અમદાવાદી લુત્ફ મુંબઈના પામર ગુજરાતીઓ શું સમજશે? પ્રિયકાન્ત મણિયારનો અવાજ કોમલસરસ હતો. કોમલસરસ એટલે? ઉમાશંકરભાઈ જોષીના ઝીણા તારસપ્તક સ્વરમાં યશવંત (શુક્લ કે દોશી ગમે તે ચાલે) ભાઈની જાડી હૂંફ ઉમેરો, પછી એમાં હરીન્દ્રભાઈ દવેની નર્મ કુમાશ છાંટો, અને સુરેશભાઈ દલાલની આંખોની સિન્થેટિક ચકળવકળતાથી જરા પૉલિશ કરી લો, પછી એમાં ભોળાભાઈ પટેલનો કાંકરિયો ગડબડાટ ચાળી લો અને હલકે હાથે કુમારપાળભાઈ દેસાઈની કમનીય નજાકત ચોપડી લો એટલે જે ધ્વનિ થાય એ પ્રિયકાન્ત મણિયાર જેવો કોમલસરસ થાય! આઈસક્રીમ ખાવાથી અવાજ સરસ થાય છે. પ્રિયકાન્ત મારા બહુ જૂના દોસ્તાર થાય.

(સમકાલીન : જુલાઈ 1987) 

(વિદેશ)


1 comment:

  1. ઉત્તમ જાણકારી સાથે સુંદર રજૂઆત.

    ReplyDelete