March 8, 2014

ખૂબસૂરત સ્ત્રી: વ્યક્તિવિશેષ નથી, ફક્ત વસ્તુવિશેષ છે!

પુરુષસમોવડી શબ્દ મને ક્યારેય ગમ્યો નથી, એ શબ્દ ગાંધીવાદી હીનતાગ્રંથિના યુગનો છે, જે ગમે તે થર્ડ ક્લાસ પુરુષને ફર્સ્ટ ક્લાસની પીઠિકા પર મૂકીને પછી જ સ્ત્રી વિષે વિચારવાનું શરૂ કરે છે. સોવિયેત યુનિયનમાં ડ્રાફ્ટ સંવિધાનની રાષ્ટ્રવ્યાપી ચર્ચા ચાલતી હતી ત્યારે એક રશિયન ગૃહિણીએ "સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો હોવા જોઈએ" વાક્ય સામે વિરોધ ઉઠાવીને કહ્યું કે આ વાક્યથી રાજ્ય પુરુષના અધિકારોને માપદંડ બનાવીને સ્ત્રીના અધિકારોને દ્વિતીય અને ગૌણ સ્થાન આપી રહ્યું છે. વાક્ય આ રીતે હોવું જોઈએ: સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર છે! અને સરકારે ભૂલ સ્વીકારીને એ રશિયન ગૃહિણીની વાત સંવિધાનમાં મૂકી. જગતમાં 18 વર્ષની સ્ત્રીને 1936માં રશિયાએ પ્રથમ મતાધિકાર આપી દીધો હતો એ વાત નોંધવી જોઈએ.

સ્ત્રીના સમાનાધિકાર કે વિશેષાધિકારના આંદોલનને અમેરિકામાં ફેમીનીઝમનું લેબલ મળ્યું અને એ આંદોલન આજે પણ સશક્ત છે. અપરિણીતા જો "મિસ" હોય અને પરિણીતા "મિસિસ" હોય તો પુરુષને શા માટે માત્ર "મિસ્ટર"? પુરુષ અપરિણીત છે કે પરિણીત એ ખબર પડતી નથી. તો પછી એ જ રીતે સ્ત્રી "મિઝ' (એમ.એસ.) હોવી જોઈએ. શા માટે ખબર પડવી જોઈએ કે સ્ત્રી પરણેલી છે કે કુંવારી છે? પછી સ્ત્રીના અધિકાર માટેનું આંદોલન "વકરતું" ગયું. બ્રેઝિયરો જાહેરમાં બાળી નાંખવામાં આવ્યાં. પછી "મારા શરીર પરના મારા અધિકાર"ની વાત આવી. આજે ગર્ભપાત કાયદેસર બનાવવા સુધીની નૌબત આવી ગઈ છે. વિચારવાની પૂરી પ્રક્રિયા પર ફેમીનીઝમ કે સ્ત્રીવાદ છવાઈ ગયું છે. લેખિકા ફ્લો કેનેડી લખે છે: વેશ્યાઓ એમનાં શરીરો વેચતી નથી, એ એમના શરીરો ભાડે આપે છે. ગૃહિણીઓ એમનાં શરીરો વેચી નાંખે છે, જ્યારે એ પરણે છે. વેચ્યા પછી એ શરીર પાછું લઈ શકાતું નથી...! ફેમીનીઝમ કે સ્ત્રીવાદે સ્ત્રીને એક નવી પરિભાષા શીખવી દીધી છે.

1970ના દશકમાં આ સ્ત્રીવાદ ઉગ્ર બનતો ગયો અને એ ઉગ્રતાને બઢાવો આપે એવી ઘટનાઓ પણ બનતી ગઈ. આજે ફેમીનીઝમ કે સ્ત્રીવાદની એ ઉગ્રતા રહી નથી. પણ સ્ત્રીની સમાનતાનો દુર્ગ જીતાઈ ચૂક્યો છે. સભ્ય પ્રથમ વિશ્વસમાજોમાં સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ છે, સ્ત્રીનો એના શરીર પરનો અધિકાર સંપૂર્ણ છે. સ્ત્રીવાદના આંદોલન પછી સ્ત્રીના હક્કોનો સ્વીકાર ઘણા દેશોમાં થઈ રહ્યો છે. હિંદુસ્તાનમાં પણ સ્ત્રીવિષયક વિચારો ઉન્મુક્ત બન્યા છે. અભિનેત્રી મલ્લિકા સારાભાઈ કહે છે કે લગ્ન એક સંસ્થા તરીકે જર્જરિત થઈ ગયું છે. વંશશાસ્ત્રે એ સ્પષ્ટ કરી આપ્યું છે કે ઘણાંખરાં પશુઓની સંબંધ-સાઈકલો ચાર વર્ષ સુધી જ ચાલતી હોય છે અને એ આપણને મનુષ્યોને લાગુ પડે છે. બીજી તરફ સદાહરિત ઓશો રજનીશ છે, જે સ્ત્રીને પુરુષ જેટલાં જ ઊંચા શૃંગ પર મૂકી દે છે, પુરુષોને ધમકાવી નાંખે છે: તમને ચિન્મયની તો કોઈ ખબર નથી, તમે તો માત્ર મૃણ્મયને જાણો છો!...આત્મવંચનામાં નહીં રહો! પુરુષ અને સ્ત્રી બે વિપરીત શક્તિઓ છે, નિષેધ અને વિધેયની જેમ... એકબીજા પર આધારિત બે લીવર્સની વાત છે.

હિંદુસ્તાનના સમાજો, જે ધર્મ અને રૂઢિની પકડમાં દબાયેલા છે, સ્ત્રીની સમાનતા સહજ રીતે સ્વીકારવા તૈયાર નથી. અહીંનું સ્ત્રી સમાનતાનું દરેક આંદોલન કે અભિયાન નગરોમાં રહેતી, શિક્ષિત, નોકરીપેશા કરનારી આધુનિકાઓ પૂરતું જ સીમિત છે. જાનપદી વિસ્તારોના સમાજો પર સામંતશાહીની દકિયાનુસી પર્ત હજી ચોંટેલી છે. જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નથી, અને જ્યાં સુધી એ પોતાની આવક કરી શકતી નથી અને જ્યાં સુધી સ્ત્રી એના રોટલા માટે એના ભર્તા (એટલે કે ભરણપોષણ કરનાર) પર પૂર્ણત: નિર્ભર છે ત્યાં સુધી સ્ત્રીની સમાનતા એ માત્ર ભ્રમ છે, એક કલ્પના છે. જે સમાજમાં પ્રેમને પણ સ્ત્રીની ચામડીના સૌંદર્યથી સંબંધ છે એ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિવિશેષ નથી, પણ વસ્તુવિશેષ છે. સૌંદર્ય અને પ્રેમને કોઈ સંબંધ હોઈ શકે? સેક્સ અને પ્રેમને કોઈ સંબંધ હોઈ શકે? પુરુષ સ્ત્રીને કઈ રીતે ચાહતો હોય છે, તહેદિલથી કે સતહે-દિલથી? તહ ફારસી શબ્દ છે અને એનો અર્થ થાય છે: તળિયું! અને સતહ અરબી શબ્દ છે અને એનો અર્થ થાય છે: સપાટી! પુરુષની ચાહતના પણ બે પ્રકાર છે, ફારસી તહ અને અરબી સતહ. જ્યાં સુધી પૂરું મૂલ્યાંકન જ "હુસ્ન" છે ત્યાં સ્ત્રી એક વસ્તુ છે જ્યારે પ્રેમ બે જીવંત મનુષ્યો વચ્ચે જ હોઈ શકે, પ્રેમ એક મનુષ્ય અને એક વસ્તુ વચ્ચે ન હોઈ શકે. જરૂર પડે ત્યારે ભોગ ભોગવી લેવા માટે ઘરમાં "શ્વાસ લેતું ફર્નિચર" હોય એને નારી કહેતા નથી. સેક્સના મહાનિષ્ણાત હેવલોક એલિસે કટુતાથી લખ્યું છે કે લગ્નની અંદર જેટલા રેપ થાય છે એટલા લગ્નની બહાર થતા નથી. આજની ભાષામાં વાત કરીએ તો કિચનમાં ફૂડ પ્રોસેસર છે અને બેડરૂમમાં સેક્સ-પ્રોસેસર છે, જેની છાતી ઉપર આપણે "પત્ની"નું સ્ટીકર લગાવી દીધું છે.

ગુજરાતીઓમાં લગ્નવિષયક જાહેરખબરો છપાવતા રહે છે અને એ જાહેરખબરોમાંથી આપણા સમાજની જડ અસમાનતાની બદબૂ સતત આવતી રહે છે. પ્રકૃતિએ તો સ્ત્રીને અન્યાય કર્યો જ છે, પ્રતિમાસનો રજસ્ત્રાવ, 9 માસની ગર્ભાવસ્થા, પ્રથમ ત્રણ-ચાર વર્ષનું માતૃત્વ. સિમોન દ' બુવ્વારે એક આખું પુસ્તક સ્ત્રીના અસ્તિત્વબોધ, અપમાનબોધ, અપરાધબોધ વિષે લખી નાંખ્યું છે અને એનું નામ આપ્યું છે: ધ સેકન્ડ સેક્સ! સ્ત્રી બીજા નંબરની સેક્સ છે. એ એક વાત છે. પણ ગુજરાતી છોકરાઓ, નવી પેઢીના જવાબ ગુજરાતી છોકરાઓ જાહેરખબરોમાં ભરપૂર વર્ણનો લખે છે કે એમને કેવી છોકરી પસંદ છે. અઢી ડઝન વિશેષણો ફીટ કરી શકાય એવી જ છોકરી એમને પસંદ છે. પણ ગુજરાતી છોકરી જે જાહેરખબર આપે છે એમાં કેવો છોકરો જોઈએ છે એવું ખાસ આવતું નથી. શા માટે આ અસંતુલન? કદાચ...જો છોકરીઓ વિશેષણોને અનુરૂપ ગુજરાતી છોકરાઓ શોધવા નીકળે તો 80 ટકા છોકરીઓને આજન્મ અપરિણીત રહેવું પડે! લગ્નબજાર એ ગુજરાતી પરિવારોના પુરુષપ્રધાન સમાજનું દર્પણ છે. અને ગુજ્જુ છોકરાઓ હજી કળિયુગમાં પણ "મંમીઝ ડાર્લિંગ" રહી ગયા હોય એટલા સારા છે...

(ગુજરાત સમાચાર: માર્ચ 9, 1994)

(સ્ત્રી વિષે)

4 comments:

  1. Really missing u bakhshibabu

    ReplyDelete
  2. wah tamara thaki bakshi babune vanchu chhu . aabhar

    ReplyDelete
  3. Seems as if our society hasn't changed in all these 20 years - from 1994 to 2014 . As applicable and true today as it was in 1994. (Y) thank you for sharing this .

    ReplyDelete
  4. Thanks a lot for sharing the Great Man's articles. Please keep posting.

    ReplyDelete