ગુજરાતી પત્રકારત્વમાં એ દિવસો હતા જ્યારે સ્ટાફના માણસો નોકરીની ફર્જ રૂપે ટીકા-ટિપ્પણી લખી નાખતા અને આવા લેખનનો વાચકવર્ગ સામાન્યત: સીમિત રહેતો. પછી કૉલમલેખન આવ્યું અને સમાચારપત્રો બહારના તેજસ્વી લેખકોને કૉલમો કે સ્થંભો માટે આમંત્રણ આપવા લાગ્યા. ઘણી વાર માત્ર મોટાં નામોને આ કામ ફિલર તરીકે સોંપાતું અને સત્ત્વહીન અને તથ્યહીન આવી કૉલમોના વાચકોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઈ. પછી લગભગ 1970ના દશકમાં ગુજરાતીના સાહિત્યકારો અને પ્રધાનત: વાર્તાકારો કૉલમો પર છવાતા ગયા અને પૂરો પરિવેશ બદલાતો ગયો. વાચકો એમના પ્રિય લેખકની એક કૉલમ માટે છાપું કે સામયિક ખરીદતા ગયા. વાર્તાઓ લખનારા નવલિકાકારોએ કૉલમને સરસ ટૂંકી વાર્તાની જેમ આદિ, મધ્ય અને અંતનું એક સ્વરૂપ આપ્યું. વાર્તાઓ માટેનાં પત્રો બંધ થતાં ગયાં અને નવલકથાકારો ફિટરો અને પ્લમ્બરોની જેમ રિ-સાઈકલ કરતા રહેવાના ઉદ્યમમાં વ્યસ્ત થઈ ગયા. ગુજરાતી ભાષાનું લગભગ બધું જ ગદ્યકૌશલ્ય, ગુણવત્તા, તત્ત્વસત્ત્વ કૉલમોમાં ટપકતું ગયું. કૉલમો પત્રકારિતાના સીમાબદ્ધ દાયરાને ફાડીને બહાર નીકળતી ગઈ, ગુજરાતી કૉલમલેખનમાં તેજસનો વિસ્ફોટ થવો અપેક્ષિત હતો. વાચક પાસે પ્રતિ સપ્તાહ લગભગ 500 કૉલમોનું વૈવિધ્ય પત્રો-સામયિકો દ્વારા ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થાય છે, પણ હકીકત એ છે કે પાંચ, સાત જેટલી કૉલમો જ નિયમિત વંચાતી હોય છે. બાકીની કૉલમો પસ્તીબજારના ભાવ ટકાવી રાખવામાં સહાયક થાય છે.
આજે ગુજરાતી પત્રોમાં કૉલમો લખવી એ એક પૂર્ણત: પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ છે. શીર્ષકથી અંત સુધી લેખકે પોતાના માધ્યમનો કસબ દેખાડતા રહેવાનું છે, અને અંદર અધિકૃત માહિતી ભરવાની છે, શૈલી આકર્ષક અને ભાષા સુવાચ્ય બનાવવી પડે છે અને બીજી એક વધારે ભયાવહ ચૅલેંજ લેખક સામે ઊભી છે, ગુજરાતી વાચક હવે 21મી સદીના આરંભે વધારે સ્માર્ટ, વધારે જિજ્ઞાસુ, વધારે દક્ષ થઈ ગયો છે. ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રાજ્ઞ બની રહ્યો છે, દુનિયાભરમાં ફરે છે, અન્ય ભાષાઓની ગતિવિધિઓથી પરિચિત છે, લેખકની જડ બની ગયેલી મૂઢ માનસિકતાથી એ દસપાંચ વર્ષ કે એક પેઢી આગળ નીકળી ગયો છે. એના ડ્રૉઈંગ-રૂમમાં ટી.વી.ની 60 ચેનલો વરસી રહી છે, અને એના બેડરૂમમાં ઈન્ટરનેટનાં બટનો દબાવીને એ કરાચીના 'ડોન'થી લોસ એંજેલિસના 'લોસ એંજેલિસ ટાઈમ્સ' સુધીનાં વિશ્વનાં પ્રમુખ પત્રોના સમાચારો, વિચારો, પ્રતિ-વિચારો વિશે આગાહ થઈ શકે છે. અલાદીનનો જીન માહિતીઓના ખજાનાઓ લઈને હાજર ઊભો છે. વાચક પાસે આજે મૂર્ખ બનવાનો સમય નથી. વાચક એનું ત્રીજું નેત્ર ખોલીને લેખકની બેઈમાની અને બકવાસ અને બદનિયતની આરપાર જોઈ શકે છે. કૉલમલેખને ગુજરાતી ભાષામાં એક વાચક-યુગ લાવી દીધો છે.
આજે ગુજરાતી ભાષામાં કૉલમલેખકોમાંના કેટલાક સૌથી વધારે માનધન અથવા ધનરાશિ મેળવે છે, અને લેખક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે. પૈસા મળે છે માટે પ્રોફેશનલ થવું જ પડે છે, અને ગુજરાતી પત્રો તમને લાખો વાચકોના ઘરોમાં પહોંચાડે છે માટે તમારે ઠોસ, સંગીન, સમૃદ્ધ લખવું જ પડે છે. બેજવાબદાર, જૂઠ્ઠું, તફડંચી કરેલું, અશિષ્ટ, અશ્લીલ, પૂર્વગ્રહપીડિત, આત્યંતિક લેખન કૉલમોમાં લાંબું ટકતું નથી, કારણ કે કૉલમનો વાચક એ નાટકનો પ્રેક્ષક કે સંગીતનો શ્રોતા કે ચિત્રપ્રદર્શિનીનો દર્શક નથી જે એક વાર જોઈ-સાંભળી-અનુભવીને ઘેર ચાલ્યો જાય છે. કૉલમ પ્રતિસપ્તાહ પ્રકટ થતી રહે છે, તમારે એ જ વાચકના ચરણોમાં ફરીથી એ જ કૉલમ મૂકી દેવાની છે, લેખક-વાચકનો સંબંધ એક જ લેખ પૂરતો નથી, દૃષ્ટિનો સંબંધ બનાવ્યા વિનાનો એ એક મેઘધનુષી સેતુ છે, જે એના સાતેસાત રંગોની જાહોજલાલીમાં અડધા આકાશ પર ફેલાઈ જાય છે. કૉલમલેખકે વિશ્વસનીયતા પ્રકટાવવાની છે, એનો પરિશ્રમ એના ટપકેલા શબ્દોમાં વાચકને દેખાવો જોઈએ, એની હકીકતો સ્વીકૃત અને અધિકૃત હોવી જોઈએ. અને આ બધાની ઉપર લેખકના વિચારોની મૌલિકતા, ભય કે પ્રલોભન વિનાની અભિવ્યક્તિ, વાચકના નિર્ભીક સાથી હોવાનો અહસાસ... લેખકની ગર્દન ટટાર રાખે છે. વાચકને પણ પ્રામાણિક સ્પષ્ટ લેખન ગમે છે, આભાસી અને દોગલું અને શબ્દાળ અને બેઈમાન અને ઉપદેશાત્મક લેખન શું અને કેવું હોય છે એ આજના સતર્ક વાચકને ખબર છે. લેખકે વાચકના અંતરતમનાં સ્પંદનોને શબ્દો દ્વારા વાચા આપવાની છે. માટે લેખકનો શબ્દ પારદર્શક હોવો જોઈએ. કૉલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને પૂછડી પટપટાવતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ 'સત્ય' એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.
20મી સદીનાં અંતનાં વર્ષો અને 21મી સદીના આરંભના કાળમાં ગુજરાતી પત્રકારિતા શીર્ષસ્થ છે. કૉલમલેખકોના લાખો ગુજરાતી વાચકો છે. કૉલમલેખક હવે, જૂના સંસ્કૃતમાં અટવાતો હતો એ શબ્દ સાર્થક કરે છે: અભિપ્રાયજ્ઞ! એ 'ઓપિનીઅન-મેકર' બની ચૂક્યો છે. જનતાના વિચારોમાં વિરાટ પરિવર્તન લાવે છે, સ્વસ્થ માનસિકતાનું સંવર્ધન કરે છે, બેઝુબાન વંચિતને એક વાચા આપે છે. આજે વર્ષ 2001માં મધ્ય-અંત તરફ કર્મઠ કૉલમલેખક ગુજરાતી ભાષામાં એક શક્તિમાન પરિબળ તરીકે ઊભરી ચૂક્યો છે.
(જય વસાવડાના પુસ્તક 'ઓહ, હિન્દુસ્તાન...આહ, હિન્દુસ્તાન!'ની ચંદ્રકાંત બક્ષી લિખિત પ્રસ્તાવનામાંથી)