March 23, 2014

જ્યારે ચંદ્રકાંત બક્ષીએ અમૃતસરની કોન્ફરન્સમાં ખુશવંતસિંહનો ઊધડો લીધો....

અને મને યાદ આવી ગયો જબરો સન્નાટો 1974ના નાતાલની તે બપોરનો. અમૃતસર યુનિવર્સિટીના એ હૉલમાં શિયાળાની બપોરનો ગુલાબી માહૌલ હતો. પી.ઈ.એન. કોન્ફરન્સની બેઠક ચાલતી હતી. મને તો મુંબઈથી બક્ષીબાબુએ લખેલ : ....તમે તો દર વર્ષે ડિસેમ્બરમાં રૂની ગાંસડીઓ લેવા પંજાબ ચક્કર લગાવો છો અને કંટાળી જાવ છો. આ વખતે પંજાબ ચક્કરમાં અમૃતસર માટે બે દિવસ ગોઠવો. હું એક પેપર વાંચવા પી.ઈ.એન.માં જવાનો છું. હમણાં આવા ખેલો ચાલે છે. ગમ્મત આવશે. આ સાથે વિગતોનું પતાકડું બીડું છું... અને દક્ષિણ પંજાબના ભટીન્ડાથી રાતની ટ્રેન પકડી વહેલી સવારે ઝીરો ડિગ્રી ટાઢમાં ઠૂંઠવાતો હું અમૃતસર સ્ટેશને ઊતર્યો અને સદભાગ્યે એક ભરેલા માથાવાળા સરદારજી મળી ગયા. ઈવડા ઈ પણ કોન્ફરન્સમાં જતા હતા. યુનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં લોબીમાં જ બક્ષીબાબુ મળી ગયા. અને બે હાથ પહોળા કરી અને બથ ભીડીને ભેટી પડ્યા તે જોઈ પેલા સરદારજીનું ભરેલું માથું વેક્યુમ થઈ ગયું હોય તેમ મોઢું વકાસી, દાઢી પસવારતાં ત્રાંસી આંખે અમને જોઈ રહ્યા. સીધા ઊપડ્યા ડાઈનિંગ હૉલમાં અને દાખલ થતાં જોઉં છું કે એક ટેબલ પર ઉમાશંકર જોષી, સ્વાતિ જોષી અને ગુલાબદાસ બ્રોકર બેઠાં છે. બીજા ટેબલ પર હરીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી અને એક ગુજરાતી બેનબા બેઠાં છે. ઘડીભર મને થયું ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવી ચડ્યો છું કે શું? પંજાબના શિયાળામાં ગમે તેવાના ઉપલા માળમાં આવું જ કંઈક બની જાય છે.

સહુ સાથે 'કેમ છો? મજામાં?' કરીને હું તથા બક્ષીબાબુ એક દૂરના અલાયદા ટેબલ પર બેઠા. અને બક્ષીબાબુએ પૂછ્યું: જે. લાલજી! આમ્લેટ ચારની ચાલશે ને? પંજાબમાં બે ઈંડાની આમ્લેટ બાળકો માટે હોય છે. એટલે અમે ચાર ઈંડાની પ્યાઝની સુગંધી કતરનવાળી આમ્લેટ, ટોસ્ટ, કોફીનો ઑર્ડર આપી વાતોએ વળગ્યા. અને બસ પછી તો કોન્ફરન્સના હૉલમાં યે વાતોનાં વડા હતાં ને? સવારની બેઠક, પછી લન્ચ, પછી બપોરની બેઠક. અને સન્નાટો ફેલાવનાર કિસ્સો બન્યો બપોરની બેઠકનો. બધી ભાષાઓના પ્રતિષ્ઠિત સાહિત્યકારો આવેલાં. સહુનો વારાફરતી વારો આવતો હતો. અને લગભગ અરધી બેઠક પતવા આવી ત્યારે તે વખતના ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાના નામચીન તંત્રી ખુશવંતસિંહ બોલવા ઊભા થયા. અને શરૂઆતથી જ મંડ્યા બાફવા. આજુબાજુ જાણે 'દેશી' ભાષાઓનાં ગામડિયા ગમારો બેઠા હોય તેમ તેમના પર તિરસ્કારની છાંટવાળી દયાદ્રષ્ટિ નાંખી અને ખુશામતસિંહ કહેવા લાગ્યા કે તમે બધા તમારી ભાષામાં શું લખલખ કરીને સમય બગાડો છો? અંગ્રેજીમાં લખતાં નથી આવડતું? તો પછી તમારા સંકુચિત વાડામાંથી બહાર આવશો ક્યારે? અંગ્રેજીમાં લખો અને વીકલીમાં છપાય એવું લખો ત્યારે લેખક તરીકે તમારો સ્વીકાર થશે...વિગેરે વિગેરે... ખુશવંતસિંગ ત્યારે ઈંદિરા ગાંધીના ચમચા હતા. એટલે લોકો એને ખુશામતસિંગ તરીકે જ ઓળખતા અને નિર્મળ વર્મા, યશપાલ કપૂર જેવા પિઠ્ઠુઓમાં આ માણસ થોડો વધુ ચબરાક અને નફ્ફટ હતો. વળી ટાઈમ્સ ઑફ ઈન્ડિયાનું તેને માતબર પીઠબળ એટલે એની વાયડાઈ સાતમા આસમાને પહોંચેલી છતાં એણે ભારતીય ભાષાઓના સુપ્રસિદ્ધ સર્જકોની કરેલી આવી ઉઘાડી અવમાનનાથી કેટલાય કકળી ઊઠ્યા.

અને જોગાનુજોગ એવો થયો કે ખુશામતસિંંગ પછી બોલવાનો વારો હતો બક્ષીબાબુનો. અને બક્ષીબાબુએ પહેલા જ વાક્યથી ખુશવંતને ઊધડો લીધો ! એમણે કહ્યું કે આ ભારતીય સાહિત્યકારોની દુનિયામાં આવા વર્ણસંકર માણસ ક્યાંથી ઘૂસી આવ્યા? ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા એ સાચું નામ નથી. સાચું અભિધાન છે ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ એંગ્લો-ઈન્ડિયા ! અને આ એંગ્લો ઈન્ડિયનો ઉર્ફે વર્ણસંકરોમાં હવે આવા બેવકૂફો જ અહીં બચ્યા છે? શું સમજે છે આ ખુશામતિયો એના મનમાં? અમે વીસ-પચીસ-ત્રીસ વર્ષથી અમારી પોતાની બાપીકી, ખાનદાન ભાષાઓમાં લખીએ છીએ તે અમારા લાખો વાચકોના પ્રતાપે. અને અમારા સૌના મળીને એ કરોડો વાચકોના જોર પર અમે અહીં આવ્યા છીએ, ઊભા છીએ અમારી પોતાની ધરતીની, માભોમની વાત કરવા. હું પડકાર ફેંકું છું કે કોણ બાસ્ટર્ડ અમને એમાં રોકી શકે છે...



ખુશવંતસિંહ તો આખો પીળો પચરક. બિચ્ચારો વરસોથી કિરપાણને ઝાલવાનું ભૂલી ગયેલ. અને નહિતર પણ ખુશામતિયાઓ હંમેશાં કાયરો જ હોય છે. વાતાવરણમાં એક ગજબનો સન્નાટો છવાઈ ગયો. સહુ વક્તાઓ અને શ્રોતાઓ ઘડીભર તો સ્તબ્ધ થઈ મૂંગામંતર થઈ ગયાં. શું થશે? હવે? આવા પ્રશ્નો હવામાં ઘુમરાવા લાગ્યા. ત્યાં કોણ જાણે કેમ બેઠકના સંચાલકને સદબુદ્ધિ સૂઝી અને તેમણે કોફી બ્રેક જાહેર કરી દીધો અને સહુના જીવમાં જીવ આવ્યો હોય તેમ બહાર લૉબીમાં વિખરાવા માંડ્યા. 

અને લોબીમાં ત્રણ ચાર જુવાન સરદારજીઓ બક્ષીને વીંટળાઈ વળ્યા. અને વાહ ગુરો...સત શ્રી અકાલ જો બોલે સો નિહાલ બોલતાં બોલતાં ગળગળા થઈ બક્ષીનો આભાર માનવા લાગ્યા. તેમના મનમાં ખુશામતિયા ખુરશીખોરો સામેના ઉકળાટને એક ગુજરાતી લેખક આમ જાહેરમાં વાચા આપે તે વાતથી જ તેઓ અત્યંત ખુશહાલ હતા. અને પછી કોફી પીતાં પીતાં આ નવકવિઓએ બક્ષી પાસેથી વચન લઈ લીધું કે રાત્રે તેમની સાહિત્યગોષ્ઠિમાં બક્ષીબાબુ હાજર રહેશે અને મહેફિલ જમાવશે. માંડમાંડ તેમનાથી છૂટા પડી અમે કોન્ફરન્સ હૉલમાં પાછા આવ્યા અને બક્ષીબાબુએ તેમનું વિદ્વત્તાપૂર્ણ પેપર ખૂબ સંયત અવાજે અને સ્પષ્ટ ઉચ્ચારોમાં વાંચ્યું ત્યારે પેપર પૂરું થયા સુધી હૉલમાં પીન-ડ્રૉપ સાઈલન્સ જળવાયું હતું.

(બક્ષી: એક જીવની, જયંતિલાલ મહેતા, પાન નં: 217થી 219)

3 comments:

  1. મરદ માણસ... ચંદ્રકાંત બક્ષી. કાશ આ પ્રસંગની you tube હોત !

    ReplyDelete
  2. Osm bakshibabu proud of you

    ReplyDelete