ફૂટબૉલ જગતની સૌથી લોકપ્રિય રમત છે અને એના વિશે ક્રિકેટની સુંવાળી, ઇસ્ત્રીબંધ સફેદ ભાષામાં લખી શકાય નહીં. રમતનું ફેનવૃંદ અને ખેલાડીઓની સંખ્યા વધતી રહી છે. કહેવાય છે કે ઑલિમ્પિક્સને પણ ભૂલી જાઓ, બીજી બધી જ સ્પર્ધાઓને ભૂલી જાઓ, સોકર અથવા ફૂટબૉલ જેટલી લોકપ્રિયતા, ઝનૂન, ઉન્માદ બીજી કોઈ રમતમાં નથી.
ફૂટબૉલમાં દરેક વિશ્વકપના પોતાના હીરો હોય છે અને ઘણાનાં એકશબ્દી નામો જ હોય છે. જર્મનીનો ફ્રાન્ઝ બેકનબાવર લોકોની આંખોમાં "કૈઝર" હતો. ફ્રાન્સ પાસે પ્લાતિની હતો, પારાગ્વે પાસે રોમેરીટો હતો. એ 1986નું વર્ષ હતું. 1982 ઈટલીના પાઓલો રોસીનું વર્ષ હતું. 1990માં ઘણાં નામો ઝલકવા લાગ્યાં: રોબર્ટો બેજીઓ, રૂડ ગુલિટ, ડિયેગો મેરેડોના, મિશેલ પ્લાતિની અને અન્ય. કેટલાક 1994માં પણ જોવા મળશે, આર્જેન્ટિનાના જોર્જ બોરીચાગા કે જર્મનીના જર્ગેન ક્લાઇન્સમાન જેવા. ફૂટબૉલમાં નામોનો અંત નથી, દરેક વિશ્વકપમાં એકબે જબરજસ્ત ખેલાડીઓ નીકળી આવે છે, બ્રાઝિલનો પેલે, પોર્ટુગાલનો યુસેબીઓ, ઇટલીનો સ્કીલાચી, આર્જેન્ટિનાનો મેરેડોના આમ એકાએક જ ખરતા તારાની જેમ આખા આકાશને ઝળાંહળાં કરીને પ્રકટ્યા હતાં.
ફૂટબૉલમાં બ્રાઝિલની રમત એક કલા, એક ફેન્ટેસી ગણાય છે. જબરદસ્ત નામો બ્રાઝિલે આપ્યાં છે, અને એ બધાં જ એકશબ્દી નામો છે, અને દરેક નામ એક પરંપરા છે, એક દંતકથા છે: પેલે, ઝીકો, સૉક્રેટિસ, દીદી, ગરીન્ચા, જુનીઓ, એડગર, ફાલ્કાઓ...! ફૂટબૉલના સમ્રાટનું નામ છે પેલે, અને પેલે એટલે પોર્ટુગીઝમાં થાય છે, રખડુ! પેલેને 'બ્લેક પર્લ' (કાળું મોતી) કહેતા હતા અને ડિયેગો મેરેડોનાને 'પેલુસા' (નાનકડો પેલે) કહેતા હતા! આ બધાં જ ફૂટબૉલના સર્વકાલીન મહાન નામો છે: ડિયેગો આરમેન્ડો મેરેડોના ઉર્ફ મેરેડોના, આર્ટર એન્ટ્યુનીસ કોઇમ્બરા ઉર્ફ ઝીકો (કોઇમ્બરા એટલે કિંગ કોબ્રા!), હંગેરીનો ફેરેન્સ પુસ્કાર 'ધ ગેલપિંગ મેજર' તરીકે ઓળખાતો હતો, મેન્યુઅલ ડોસ સાન્ટોસ ઉર્ફ ગરીન્ચા, જે 'ધ લિટલ બર્ડ' તરીકે પણ ઓળખાતો હતો. ઘણી વાર બહુ મોટા ખેલાડીઓનાં એકથી વધારે પ્યારાં નામો હોય છે. મેરેડોનાને 'એલ સેબેલીટો' (નાનકડું પ્યાજ) કહેતા હતા, ઝીકોને 'સફેદ પેલે'નું નામ અપાયું હતું. ફૂટબૉલ ટીમ રમત છે અને નામોની સૂચિ જ ફૂટબૉલના પાગલ બન્દાઓમાંથી ઈલેક્ટ્રિક કરંટ પસાર કરી દે છે. 1990ના વિશ્વકપમાં ઇટલી જીતશે એવું હું અને ઘણા ભાવકો માનતા હતા. ઇટલીનો ડિફેન્સ કે સંરક્ષણ કવચ લોખંડી હતું. ગોલકીપર ઝેન્ગા, પછી બેક અને મિડ ફિલ્ડરો દ'નેપોલી, બર્ગોમી, બારેસી, ફેરી, દ'એગોસ્તીની, માલ્દિની...જ્યારે આ ખેલાડીઓ એમની રાષ્ટ્રીય જર્સી પહેરીને એક પછી એક દોડતા કતારબંધ ઊતરે છે, અથવા એમના લહેરાતા રાષ્ટ્રધ્વજની નીચે એક લાઇનમાં ઊભા રહીને સમૂહમાં રાષ્ટ્રગીત ગાય છે ત્યારે હજારો દર્શકોનાં ગળાંઓમાંથી યુદ્ધઘોષ થાય છે: "વીવા ઇતાલિયા!" (ઇટલી અમર રહે!) આ પાગલપણું, આ 2000 ડિગ્રીની ભક્તિ ફક્ત ફૂટબૉલ કે સોકરમાં જ શક્ય છે.
1986માં હું રશિયામાં હતો ત્યારે મેક્સિકોમાં વિશ્વ ફૂટબૉલ સ્પર્ધા ચાલી રહી હતી. એસ્તોનિયા (હવે સ્વતંત્ર દેશ છે)ના તાલીન શહેરની હૉટેલની લૉબીમાં સોવિયેત સંઘ વિરુદ્ધ હંગેરીની ફૂટબૉલ મેચ ચાલી રહી હતી અને કેટલાક ગોરાઓ, જે કદાચ રશિયન હતા, અને હું, એક જ કાળો માણસ, આ મેચ ટીવી પર જોઈ રહ્યા હતા. એટલી વારમાં ત્રણ-ચાર ગોરાઓ આવ્યા અને મને અંગ્રેજીમાં પૂછ્યું, શું સ્કોર છે? મેં ઉત્સાહથી કહ્યું કે સોવિયેત યુનિયન લીડિંગ બાય ટુ ગોલ્સ...ટુ ઝીરો! એટલે કે રશિયા બે ગોલથી આગળ છે. પૂછનારાઓ કોઈ જ પ્રતિભાવ બતાવ્યા વિના ચાલ્યા ગયા. મને આશ્ચર્ય થયું કે આ લોકો જીતતા હોય તો પણ આટલાં ઠંડા રહી શકે છે? મેં મારા રશિયન દુભાષી ઓર્લોફને પૂછ્યું, અને એના ચહેરા પર સ્મિત આવી ગયું: તમને પૂછીને જે લોકો ગયા એ હંગેરિયન હતા...!
બીજે દિવસે એક રશિયન પરિવાર સાથે ડિનરમાં વાત નીકળી, અને પતિ એક માછલીઓ લાવનારી ટ્રાઉલરનો પાયલટ કે ચાલક હતો, એની પત્ની હૉસ્પિટલમાં કામ કરતી હતી. રશિયા હંગેરીને 4-0થી હરાવીને આગળ ગયું હતું. મેં કહ્યું, તમે જીતો છો તો પણ કોઈ ફટાકડા ફૂટતા નથી, લોકો ઊછળતા નથી? પત્નીએ કહ્યું: અમે વિશ્વ ચૅમ્પિયન બનીએ તો એવું કંઈક થાય ખરું! મેં કહ્યું, અમે ઈન્ડિયનો ક્રિકેટ કે હૉકીમાં જીતીએ તો એવા ઊછળીએ કે અમારાં માથાં સિલિંગને અથડાય, અને હારી જઈએ તો સાંજે જમીએ નહીં! રશિયન સ્ત્રીએ કહ્યું: તમે લોકો ઇમોશનલ લોકો છો. તમારે ત્યાં 40 ડિગ્રી પ્લસ ગરમી પડે છે ને! (રશિયામાં તાપમાન માત્ર ડિગ્રીમાં બોલાતું નથી, 15 ડિગ્રી પ્લસ કે 20 ડિગ્રી માઇનસ એમ બોલાય છે, કારણ કે મોસ્કોમાં 31 ડિગ્રી પ્લસ પણ હોય છે અને 35 ડિગ્રી માઇનસ પણ હોય છે!)
ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશો અને લૅટિન અમેરિકામાં ફૂટબૉલ એક ઇમોશનલ રમત છે. 1982માં સ્પેનમાં વિશ્વકપ હતો ત્યારે સ્પેનિશ સ્ત્રીઓની શિકાયત હતી કે અમારા પતિઓ બધી જ 54 મેચો ટીવી પર જોશે. લોકોએ જર્મન સ્ટ્રાઇકર હુબેસ્ચનું નામ પાડેલું : રાક્ષસ (મોન્સ્ટર)! 1982માં ફાઇનલમાં ઇટલીએ જર્મનીને 3-1થી હરાવ્યું ત્યારે આખું રોમ ખુશીકંપમાં ફાટી ગયું હતું. પુરુષો સ્ત્રીઓને પકડીને ચુંબનો કરવા લાગ્યા, કેટલાકને માટે ખુશીઓ એટલી બધી અસહ્ય હતી કે રસ્તામાં મળી જતી છોકરીને પકડીને પાસેના ફુવારામાં જ નવડાવી નાખતા હતા. ઇટલીના 85 વર્ષના રાષ્ટ્રપતિ સાન્દ્રો પર્તીની ઇટલીના વિશ્વવિજયથી એટલા વિભોર થઈ ગયા કે કૂદવા લાગ્યા, અને ખેલાડીઓને ઇટલી પાછા લાવવા માટે રાષ્ટ્રપતિનું ખાસ વિમાન મોકલી આપ્યું. જર્મનીના એક પત્રે લખ્યું: માદ્રિદ નગરમાં જુલાઈ 11, 1982ને દિવસે જર્મન ફૂટબૉલનું અવસાન થયું છે. જે જર્મન ખેલાડી હ્રુબેસ્ચે ગોલ કરવાના ચાન્સ ખોયા હતા એના માટે જર્મનીમાં સૂચન થયું કે ટીમ પાછી ફરે ત્યારે એને ભૂમધ્ય સમુદ્રમાં ફેંકીન આવજો. બ્રાઝિલના કોચ ટેલે સાન્ટાના અને એની પત્નીને રાજધાની રીઓ દ'ઝાનેઇરો છોડીને ભાગી જવું પડ્યું. ઇટલીને જિતાડનાર પાઓલો રોસીને 1,000 લિટર વાઇનની બૉટલો ભેટ મળી, અને ઇટાલિયન બૂટ કંપનીઓએ જીવનભર રોસીને મફત બૂટ આપવાની જાહેરાત કરી. યુગોસ્લાવ ખેલાડી સુસીક ગોલ ન કરી શક્યો એટલે લોકોએ એના ગામમાં એની કાર તોડી નાખી. કુવૈતની ટીમ જો બીજા રાઉન્ડ સુધી પહોંચે તો દરેક ખેલાડીને 2 લાખ ડૉલર આપવાની જાહેરાત થઈ...
1994માં ફૂટબૉલ અમેરિકામાં આવ્યું છે જ્યાં સોકર રમાતી નથી પણ અમેરિકન ફૂટબૉલ રમાય છે. ફૂટબૉલનો એ પરંપરાગત ઉન્માદ કદાચ ન પણ મળે...
(અભિયાન: જૂન 20, 1994)
(ખાવું, પીવું, રમવું...)
Hello Nehalbhai,
ReplyDeleteI am Divyesh from Ahmedabad, fan of Baxi Babu,
I want to contact you. Pl. share me your contact details at divyeshbhai@gmail.com
Kind Regard
Divyesh