દર્શના ધોળકિયા લિખિત 'ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ' પુસ્તકમાંથી સાભાર:
ઈ.સ. 1932માં જન્મેલા શ્રી ચંદ્રાકાન્ત બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યનું એક વિશિષ્ટ નામ છે. આધુનિક શૈલીની નવલકથાઓ, વાર્તાઓના સર્જક, ઈતિહાસનાય વિદ્વાન ને સર્જનક્ષેત્રે આગવી ભાત પાડતા શ્રી બક્ષીની વિચારધારામાં એક પ્રકારની નિજી મુદ્રા વરતાય છે.
શ્રી બક્ષીનું શિક્ષણ કોલકતા અને પાલનપુર એમ બે જગાએ થયું છે. પોતાની કેળવણીનો તેમણે તેમની આત્મકથા 'બક્ષીનામા'માં બહુ વિગતે ને રસપ્રદ રીતે પરિચય કરાવ્યો છે. તેમની કોલકતાની પ્રાથમિક શાળા એ સમયના પ્રાથમિક શિક્ષણનો ચિતાર આપે છે, સાથેસાથે એ વાતાવરણનો પરિચય પણ કરાવે છે. કોલકતાના પ્રારંભિક શિક્ષણને સ્મરતાં બક્ષી નોંધે છે: "કોલકતા એંગ્લોગુજરાતી સ્કૂલમાં ગુજરાતી ત્રીજા ધોરણમાં હું 1939માં દાખલ થયો હતો. એ વખતે સ્કૂલ 29, પોલોક સ્ટ્રીટમાં હતી, અને અમારો વર્ગ પહેલે માળે હતો. હું ધારું છું, બાજુના વર્ગના વર્ગશિક્ષક મધુ રાયના પિતા વલ્લભદાસભાઈ હતા. મને એમને જોયાનું સ્પષ્ટ સ્મરણ છે. ત્રીજી એ મકાનમાં ભણ્યા. ગુજરાતી ચોથી પોલોક સ્ટ્રીટમાં જ સામે 6 નંબરના મકાનમાં હતી. એ વખતે એક મોટું પથ્થરી ચોગાન હતું, દરવાન ઘંટ વગાડતો, રિસેસમાં અમે સાતતાળી રમતા...!"
પાંચમી ગુજરાતી એટલે કે અંગ્રેજી ધોરણ પહેલામાં બક્ષીના સાહેબ હતા પ્રાણલાલ માસ્તર. એ સમયે શિક્ષકના નામે વર્ગ ઓળખાતો. પ્રાણલાલ માસ્તર સ્વભાવે સખત હતા. એમનાં સ્મરણો નોંધતા બક્ષી જણાવે છે: "પ્રાણલાલ માસ્તર બહુ સખત હતા, જાડા રુલર મારતા, હથેળી પર રુલર ફટકારતા ત્યારે આંગળીઓનાં હાડકાં બોલતાં. દરેક વર્ગમાં એ છોકરાઓને રડાવતા. પીઠ પર મુક્કાઓ લગાવતા. ખાદીનાં કપડાં પહેરેલો માસ્તર આટલો નિર્દય અને ક્રૂર હોઈ શકે એ અનુભવ અંગ્રેજી પહેલા ધોરણમાં થયો. મેં આવો માર ખાધો છે પણ કેટલાક છોકરાઓને રોજ સખત માર પડતો. આખો વર્ગ સમસમી જતો. બધા કોઈ પુલીસ સ્ટેશનના લૉકઅપમાં બેઠા હોય એમ ધ્રૂજતા...એક વાર પ્રાણલાલ માસ્તરે પાઠશાળાના વર્ગમાં એક ગુજરાતી વાક્યનો અંગ્રેજી અનુવાદ કરવાનું એક છોકરાને કહ્યું: 'તે ગાય...' જેવું વાક્ય હતું. અને છોકરાએ એ વાક્યનું 'ઈટ કાઉ' કર્યું હતું અને માસ્તરે એ છોકરાને જે રીતે માર્યો હતો તે આજે પણ મને યાદ છે. એ છોકરો રડી ન શકે એટલો મૂઢ બની ગયો હતો અને બીજા બે-ત્રણ છોકરાઓ વર્ગમાં રડવા માંડ્યા હતા!"
શ્રી બક્ષીએ કરેલા આ વર્ણનને વાંચતા ભાવકને કે આજના સૌ શિક્ષકોને સ્પર્શી જાય તેવી વાત એ છે કે ખાદીધારી વ્યક્તિ પાસે સમાજની શી અપેક્ષા હોય છે ને વાસ્તવિકતા એનાથી કેવી જુદી હોય છે! વિદ્યાર્થીની નાની-શી ભૂલ માટે માર મારવાનું સાધન એ સમયે આખા દેશના પ્રાથમિક શિક્ષણમાં કેટલું ફેલાયેલું હતું એ પણ જાણવા મળે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલકતાને ભાગે ઘણું વેઠવાનું આવ્યું. લોકો કોલકતાથી ભાગવા માંડ્યા. બક્ષીના પિતાશ્રીએ પણ કોલકતા છોડવાનું નક્કી કર્યું. ને તેઓ બધાં કોલકતાથી સીધાં પાલનપુર આવ્યાં.
પાલનપુરમાં બક્ષીએ લીધેલા શિક્ષણનો વીગતે આલેખાયેલો ચિતાર આજના ભાવકને એ સમયનો જીવંત ખ્યાલ આપે છે. અંગ્રેજી બીજું, એટલે કે ગુજરાતી છઠ્ઠું ધોરણ બક્ષીએ પાલનપુરની શાળામાં આરંભ્યું. એ વર્ગ જેઠાલાલ માસ્તરનો હતો. વર્ગમાં સાત છોકરીઓ પણ હતી. લેખકે પહેલી જ વાર સાથે ભણતી છોકરીઓને જોઈ. કોલકતા ને પાલનપુરના શિક્ષણની તુલના કિશોર ચંદ્રકાન્તના મનમાં સતત રહેતી. બાલ્યાવસ્થાથી જ મૌલિક રીતે વિચારતા બક્ષીનું ઝીણું નિરીક્ષણ શાળાના અનુભવોને રોમાંચક રીતે વ્યકત કરે છે. પાલનપુર શાળાના પહેલા દિવસને નોંધતાં બક્ષી જણાવે છે: "લાંબા ક્લાસની દીવાલો પર સટોસટ ઊંચા ડેસ્ક અને નીચી બેંચો યુ આકારમાં ગોઠવેલાં હતાં. વચ્ચે મોટી ખાલી જગ્યા હતી. માસ્તરના જમણા હાથ પર પહેલો નંબર છોકરો બેસતો અને ડાબા હાથની બેંચો પર છોકરીઓ બેસતી. પછી આખા વર્ગની દીવાલોની આગળ છોકરા બેસતા અને થોડી જગ્યા ખાલી રહેતી. એ પછી 35મો કે 36મો છેલ્લો છોકરો બેસતો. હું દાખલ થયો એ દિવસે બેસવાની જગ્યા ન હતી. એટલે જેઠાલાલ માસ્તરે વર્ગની વચ્ચે ચોકનું એક કૂંડાળું કર્યું અને મને વચ્ચે બેસી જવાનું કહ્યું. હું કૂંડાળામાં બેસી ગયો. પાલનપુરમાં સ્કૂલે જતાં માથા પર ટોપી પહેરવી પડતી. મુસ્લિમ છોકરાઓ લાલ તુર્કી ટોપી - કાળી ફૂમતાંવાળી પહેરતા, હિન્દુ અને જૈન છોકરાઓ સફેદ ખાદીની ટોપી કે કાળી ટોપી પહેરતા. સફેદ ટોપી મેલી થઈ જતી, ઘેર ધોવી પડતી. એની દીવાલને વાળીને નાની કરવી પડતી. જે તરફ સિલાઈ હોય એ પાછળ આવે, સિલાઈ વગરની આગળ આવે. એની અણીદાર ચાંચ બનાવવાની. હું નવી ખાદીની સફેદ ટોપી, શર્ટ અને શોર્ટ્સ પહેરીને જેઠાલાલ માસ્તરે ચીતરેલા કૂંડાળામાં મારી ચોપડીઓ મૂકીને જમીન પર બેસી ગયો. છોકરાઓ હસ્યા. છોકરીઓ મલકવા લાગી. નવો છોકરો છે! બહુ નાનો છે! એકે પૂછ્યું: "તું કયા ધોરણમાં આવ્યો છે? આ તો અંગ્રેજી બીજું ધોરણ છે." મેં કહ્યું "હું અંગ્રેજી બીજા ધોરણમાં છું. મને હેડમાસ્તર સાહેબે અંગ્રેજી બીજા ધોરણમાં જ બેસવા કહ્યું છે." છોકરાઓ હસ્યા. છોકરીઓ હસી. હું વર્ગમાં સૌથી નાનો છોકરો હતો રિસેસ પડવાને થોડી વાર હતી. છોકરાઓ કલબલ કલબલ કરી રહ્યા હતા. હું મારા ચૉક-કૂંડાળામાં ચૂપચાપ પલાંઠી મારીને બેઠો રહ્યો."
પાલનપુરની શાળાનો લેખકનો આ પ્રથમ દિવસ. આખો પ્રદેશ જ જુદો. માહોલ પણ જુદો. પછી તો એ શાળામાં લેખકને અનેક ઈનામો સાંપડ્યાં. - પ્રથમ કે દ્વિતીય શ્રેણીમાં પાસ થવા બદલ.
કોલકતા અને પાલનપુરના શાળાજીવનમાં લેખકના અનુભવ મુજબ ઘણી ભિન્નતા હતી. લેખકને મતે, કોલકતાની સ્કૂલ બહુ સાદી નહોતી પણ એમાં એક મહાનગરી શિસ્ત હતી. જ્યારે પાલનપુરના છોકરાઓ બધા જ વર્ગોમાંથી આવતા હતા. પાલનપુરમાં લેખકે પહેલી વાર નાના છોકરાઓને મોઢે મા-બહેનોની ગાળો સાંભળી, ગંદકી પણ જોઈ-અનુભવી, અંગ્રેજી બીજા ધોરણના લેખકના શિક્ષક હતા અલીખાન બલોચ, જે પાછળથી ગુજરાતીમાં 'શૂન્ય' પાલનપુરી તરીકે પ્રખ્યાતિ પામ્યા. લેખકને તેમણે અંગ્રેજીમાં ઓછા માર્ક આપેલા.
શાળામાં ટોપી પહેરવી ફરજિયાત હતી પણ વિદ્યાર્થીઓ ઘણી વાર ટોપી વાળીને ખીસામાં કે દફતરમાં સ્કૂલ સુધી લઈ જતા ને વર્ગમાં પ્રવેશતાં પહેલાં પહેરી લેતા. રિસેસનો બેલ વાગે એટલે પહેલું કામ ટોપી કાઢીને બહાર દોડવાનું કરતા. લેખક નોંધે છે. 'ટોપી મને મારા પાલનપુરી સ્કૂલી જીવનની સૌથી મોટી ગુલામી લાગી છે. એક વાર હું ટોપી ભૂલી ગયો હતો તો માસ્તરે પાછો ઘેર મોકલ્યો હતો અને સ્કૂલથી ઘર અડધો-પોણો કલાક ચાલીને જવાનું હતું. એક વાર હાઈસ્કૂલના હેડમાસ્તર મિડલ સ્કૂલની વિઝિટ પર આવવાના હતા અને હું ટોપી ભૂલી ગયો હતો. મને યાદ છે, એ દિવસે મને અને અન્યને પણ ગભરાટ થઈ ગયો હતો. આખા ક્લાસમાં હું એક જ ટોપી વિનાનો હતો.'
બક્ષીના ભણતરકાળમાં ખાદીનું શર્ટ, ખાદીની હાફપેન્ટ પહેરવાની ફૅશન હતી. તેમાં સૌને ગર્વ રહેતો. રિસેસ પડતી ને પાણીવાળી બાઈ માટલામાંથી ઠંડું પાણી પિવડાવતી. રિસેસ પૂરી થવાની ચેતવણીરૂપે પાંચ મિનિટમાં છેલ્લો બેલ પડતો. સૌ રમતા, દોડતા, પડતા, લડતા, હસતા ને બેલ પડતાં સીધા વર્ગમાં. પુસ્તકની વચ્ચે મોરનું પીછું કે સાપની કાંચળી રાખવાનો રિવાજ હતો.
બક્ષીનું ગણિત કોલકતામાં ઘડાયું. એ સ્મરણો નોંધતા લેખક જણાવે છે: "કોલકતામાં જ હું આણપાણ શીખ્યો હતો. ચાળીશ સુધી પાડા ગોખ્યા હતા. પછી સવાયા, દોઢા, અઢિયા સુધી ગોખણપટ્ટી કરી હતી. એ પૂર્વે પા, અડધો, પોણો શીખ્યા હતા. અમારી સ્કૂલમાં ઊંઠાં (સાડાત્રણ) સુધી ન હતું. અઢિયા સુધી જ ગણિતમાં ગોખવું પડતું હતું. અમારી આખી પેઢી ગણિતમાં અને હિસાબી કામોમાં દક્ષ છે એની પાછળ કદાચ આ ગોખણપટ્ટી જવાબદાર છે. અંગ્રેજીમાં ગણિત શીખવીને આપણે કૉન્વેન્ટિયા મંદબુદ્ધિઓની એક આખી પેઢી તૈયાર કરી દીધી છે. પાલનપુરમાં ગણિત 'પક્કું' હતું. કોલકતામાં અંગ્રેજીનું ધોરણ ઊંચું હતું."
તે સમયે શાળાઓમાં પહેરવેશ અંગે પણ ચોક્કસ પ્રકારનાં ધોરણો હતાં. કોલકતામાં શર્ટ હાફપેન્ટની અંડર નાખીને જ વર્ગમાં બેસવાનું રહેતું. પાલનપુરમાં છોકરાઓ પાછળથી શર્ટ કાઢી નાખતા. કોઈ છોકરાને શર્ટ હાફપેન્ટની અંદર નાખીને બેસવા દેતા નહિ. દરેકનું શર્ટ આગળથી અને પાછળથી બહાર લટકતું જ હોય.
લેખક એ સમયના મિત્રોનાં સ્મરણો નોંધતા જણાવે છે તેમ, પાલનપુરી છોકરાઓ મારામારીથી ક્યારેય ગભરાતા નહિ. ઈદ વખતે સૌ મુસ્લિમ મિત્રોને ચીડવતા ને પર્યુષણ કે દિવાળી વખતે મુસ્લિમ મિત્રો હિન્દુઓને, જૈનોને એ જ રીતે ચીડવતા. તેઓની દોસ્તી ને દુશ્મની બરોબરીનાં રહેતાં.
આમ, ચોકના કૂંડાળામાંથી શરૂ થયેલું લેખકનું વિદ્યાર્થી જીવન લેખકને ઘણુંઘણું આપી ગયું છે એવું તેમણે કરેલા ધબકતા વર્ણન પરથી જણાય છે. શાળાજીવનનાં સંસ્મરણો મુલાયમ સંવેદનશીલતાથી લેખકે નોંધ્યાં છે. તેમના વર્ણન પરથી જણાય છે કે બાલ્યાવસ્થામાં બાળકની મસ્તી ઉપર કોઈ તરાપ મારી શકતું હોતું નથી. કડક મિજાજના શિક્ષકો, પાલન કરવું જ પડે તેવા કેટલાક જડ નિયમોની વચ્ચે પણ કિશોરાવસ્થાની મસ્તીનો કૅફ બાળકને ટકાવી રાખે છે. કોઈપણ સ્થળકાળમાં બાળકનું બાળકપણું સરખું જ હોય છે.
ગણિત કે અંગ્રેજી જેવા વિષયો પર પ્રભુત્વ મેળવવા માટે ક્યારેય ગોખણપટ્ટી પણ મદદરૂપ થાય છે એવા લેખકના મંતવ્યમાં પણ સંમત થવાય એવું છે. પ્રાથમિક શિક્ષણ લેતું કોઈ પણ બાળક પોતાની સૂઝથી જ વધારે તો શીખતું હોય છે. પ્રેમાળ શિક્ષકનો અભાવ તેના ઘડતરમાં ક્યારેય નકારાત્મક ભાગ ભજવીને મોટી મુશ્કેલી પણ સરજી શકે તેનો અંદાજ પણ બક્ષીએ કરેલાં વર્ણનો પરથી આજનો શિક્ષક કરી શકે. એ સમયે લોકો અને શિક્ષણ પર ગાંધીજીના વિચારોની અસર વ્યાપક રીતે પડેલી ને એ કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાદીધારી તો બન્યા પણ શિક્ષકો ગાંધીવિચારને આચારમાં ન ઉતારી શક્યા એનો રંજ પણ બક્ષીની કલમે આલેખાયો છે. એક શિક્ષક પાસે સમાજની જે અપેક્ષા છે એને જ્યારે શિક્ષક જીવી શકતો નથી ત્યારે પછીની પેઢી પર એની જે માઠી અસરો પડતી હોય છે તેનો ખ્યાલ પણ બક્ષીએ નોંધેલી વિગતોમાંથી મળે છે જે પછીના શિક્ષકો માટે દિશાસૂચક બને છે.
જીવનના વાસ્તવને ચાહતા ને દંભ પ્રત્યે ચીડ ધરાવતા બક્ષી જેવા સમર્થ સર્જક અને અડીખમ મનુષ્ય પાસેથી મળતું પ્રાથમિક શિક્ષણનું ચિત્ર એક સંવેદનશીલ વ્યક્તિની નાજુક ઊર્મિઓને પ્રગટ કરે છે; સાથોસાથ બે પ્રદેશોનાં પ્રાથમિક શિક્ષણની બીજી બાજુઓને પણ વ્યક્ત કરે છે. આજથી સાઠેક વર્ષ પહેલાંનું આ શિક્ષણચિત્ર, આજના વૈજ્ઞાનિક ને તાર્કિક યુગના પ્રગતિ ભણી જવા મથતા શિક્ષણજગતને જાગ્રત કરવા માટે ઘણું જ પ્રેરણાદાયી બને તેવું છે.
(ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ: દર્શના ધોળકિયા, પૃ.82થી 86)
No comments:
Post a Comment