October 22, 2014

પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (4)

રાજ્યપાલોની બે ક્વોલિટી છે - એક પ્રશાસક છે, જેમણે જીવનભર શાસન કર્યું છે અને બહુ હોશિયાર છે. બીજી ક્વોલિટી છે - અશાસક, જે બહુ હોશિયાર નથી! પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી બી.ડી. પાંડે લોકમાન્ય પ્રશાસક છે, બુદ્ધિજીવી પણ છે. એમણે કલકત્તામાં એક પ્રવચન આપતાં એક પ્રસંગ કહ્યો: અમેરિકામાં બાળકોની "આઈ ક્યુ" (બૌદ્ધિક સ્તર) માપવા માટે ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓનાં ચિત્રો બતાવવામાં આવે છે. બાળકોએ આ ચિત્રો ઓળખવાનાં! હવે ભારતમાં આદિવાસી બાળકોની બુદ્ધિનું માપ કાઢવા આ જ ચિત્રો વપરાતાં હતાં! ગવર્નર પાંડેની વાત સાચી હતી. આ પ્રકારનો અભ્યાસ કે સંશોધન અર્થ વગરનાં છે કારણ કે ભારતના આદિવાસી બાળકને વેક્યુમ-ક્લીનર કે વેનીશીઅન બ્લાઈન્ડ્ઝ બતાવીને બુદ્ધિ માપવા બેસનાર, આપણા દેશી ગુજરાતી ભાષામાં, ભણેલો હશે પણ ગણેલો નહીં હોય...

અમેરિકન પદ્ધત્તિઓનું આંધળું અને એકેન્દ્રિય અનુકરણ ભારતીય દેશકાળ અને મિજાજને હંમેશાં અનુરૂપ હોય એવું બનતું નથી. આપણે ઉચ્ચ શિક્ષણમાં "સિમેસ્ટર સિસ્ટમ" ઉપાડી લાવ્યા. "ઓબ્જેક્ટીવ-ટેસ્ટ" લઈ આવ્યા, "હાયર મેથેમેટીક્સ" લઈ આવ્યા અને બધું ગોટાળે ચડી ગયું! અમેરિકાથી સાસુઓ વિષેની જોક્સ પણ ચોરી લાવ્યા અને છાપવા માંડ્યા, જે અમેરિકામાં મધર-ઈન-લૉ જોક્સ કહેવાય છે. પણ બહુ હસવું આવ્યું નહીં. કારણ સામાજિક છે. ભારતમાં મા-બાપ પુત્ર તથા પુત્રવધૂની સાથે રહે છે, અને પતિ માટે સાસુ એટલી ખરાબ હોતી નથી! અમેરિકામાં છોકરો બાપને રાખે, છોકરી સામાન્ય રીતે માતાને રાખતી હોય છે માટે જમાઈને માટે સાસુ ઉપર પડતી છે! જ્યાં કંઈક પણ પરિવાર રહ્યો છે ત્યાં આ સ્થિતિ છે. બાકી જૂની પેઢી આપણે ત્યાં તો દીકરીના ઘરનું પાણી પણ પીતી ન હતી! આપણે ત્યાં મધ્યવર્ગીય સંસ્કારી પરિવારોમાં સાસુ અને જમાઈને બનતું હોય છે, અને પુત્રવધૂ તથા સાસરાના ઝગડા ભાગ્યે જ હોય છે. કહેવત પણ છે ને: વાંકો ચૂકો, પણ વહુનો રોટલો?

અમેરિકામાં શિયાળો બહુ સખ્ત અને બર્ફીલો હોય છે જ્યારે ઉનાળામાં ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠે છે. લોકો બહાર ફરતા થાય છે, સૂર્ય પ્રકાશનો આનંદ લુંટે છે. શિયાળો મનહુસ સફેદ મોસમ છે જ્યારે ઉનાળો રંગબેરંગી અને સહન કરી શકાય એવો હોય છે. "વિન્ટર ઑફ ડીસ્કોન્ટેન્ટ" નામનો શબ્દપ્રયોગ પણ વપરાય છે. હવે આપણા પત્રકારો અને લેખકો, જે શહેરોમાં રહીને ઋતુઓના ફેરફારો ભુલી ગયા છે અને અમેરિકન સાપ્તાહિકોમાંથી તરજુમા કરી એમની ફાઉન્ટન પેનોની ટાંક ઘસાઈ ગઈ છે, અમેરિકન શબ્દો ભારતીય સંદર્ભમાં વાપરે છે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે! ઉનાળો ભારતમાં અસહ્ય છે, લૂ ફુંકાય છે. અમેરિકામાં લૂ નથી, શિયાળાનો ભયંકર બરફ છે, આપણે ત્યાં શિયાળો બહુ મજાનો છે - કસરત કરવાની, સરસ તાજાં શાકભાજી ખાવાની, સરસ પીણાની, ભૂખ લાગવાની, મજા કરવાની સિઝન છે! અમેરિકામાં શિયાળો ખરાબ છે, આપણે ત્યાં સરસ છે. અમેરિકામાં ઉનાળો સરસ છે, આપણો ઉનાળો અસહ્ય છે. અને ત્યાં "ફૉલ"ની મૌસમનું મહત્ત્વ છે, (જેમ રશિયામાં "થો" એટલે બરફ ઓગાળવાની મૌસમનું મહત્ત્વ છે), આપણે ત્યાં ચોમાસું કે વર્ષા છે જે બીજે નથી! અમેરિકન વાતો કે વર્ણનો કે શબ્દપ્રયોગો વાપરતા પહેલાં આ વિચારવું જરૂરી છે.

ક્યારેક હાસ્યાસ્પદ જાહેરખબરો જોવા મળે છે જે અમેરિકામાં પેદા થઈ છે. એવાં મકાનો અમે બાંધીએ છીએ જ્યાં કપડાં સૂકવવા તમારે "ડ્રાયર"ની જરૂર નહીં પડે, સૂર્યના તડકાથી જ કપડાં સૂકાશે! આ જાહેર ખબર અમેરિકા માટે બરાબર હશે. ત્યાં એ નવીનતા પણ હશે. ભારતમાં કપડાં તડકામાં જ સૂકવાય છે - પચીસ માળના મકાનમાં પણ! એક જાહેર ખબર જોઈ હતી: અમે "પેપર શ્રેડર" (કાગળને તદ્દન ઝીણી ઝીણી કરચોમાં કાપી નાંખતું મશીન, જે અમેરિકાની બધી જ મોટી ઑફિસો વાપરતી હોય છે) બનાવીએ છીએ. જરૂરી કાગળો ભારતમાં બાળી નાખવામાં આવે છે, શ્રેડર કોઈ વસાવતું નથી. અને બિનજરૂરી કાગળ માટે આપણે ત્યાં મહાન રદ્દી ઉદ્યોગ છે જ! અહીં જૂના કાગળો, છાપાં વગેરે વેચાય છે અને બહુ જ ઓછાં છાપાં "વેસ્ટ" થાય છે એ જોતાં એક અમેરિકન પાગલ થઈ ગયેલો! એણે કહેલું કે અમે તો આ "રીસાયક્લીંગ" (વાપરી લીધેલી વસ્તુને ફરી ઉપયોગી બનાવવી) માટે હમણાં હમણાં સતર્ક થયા છે જ્યારે તમે તો વર્ષોથી રીસાયક્લીંગ કરો છો! અમેરિકામાં રીસાયક્લીંગ એ લેટેસ્ટ વસ્તુ છે.

ભારતમાં હવે વેક્યુમ ક્લીનર બજારમાં આવ્યાં છે. અહીં એવું વેક્યુમ-ક્લીનર (કચરો ખેંચાઈને સાફ થાય એવું મશીન) જોયું જે હેર-ડ્રાયર કે વાળ સૂકવવાનું કામ પણ કરે છે. એક વાર એક ગુજરાતી શેઠનું ઢીલું ધોતિયું વેક્યુમ ક્લીનરમાં ખેંચાઈ ગયું હતું એવું પણ સાંભળ્યું છે - આ હકીકત છે કે જોક છે એ ખબર નથી, પણ વિજ્ઞાનની પ્રગતિ સાથે સાથે ભયસ્થાનો જ પેદા કરે જ છે...

અમેરિકન વિચારધારાને ભારતમાં ફીટ કરતાં જરા વિચારવું પડે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિક કલકત્તા આવેલો અને થોડો સમય રહીને બ્રહ્મદેશના મોરચા પર લડવા ચાલ્યો ગયો હતો. એ અમેરિકા ગયો ત્યારે એને પૂછવામાં આવ્યું: તને હિન્દુસ્તાન કેવું લાગ્યું? લોકો કેવા છે?

લોકો બહુ પૈસાદાર છે, અમેરિકન સૈનિકે કહ્યું. તમને કલ્પના નહીં આવે કે હિન્દુસ્તાનમાં સામાન્ય માણસ કેટલો પૈસાદાર છે! ત્યાં ગરીબમાં ગરીબ માણસ એકવાર ટુથબ્રશ વાપરીને ફેંકી દે છે! રોજ નવું ટુથબ્રશ.

અમેરિકન સૈનિક ભારતીયોને બાવળના દાતણથી રોજ સવારે દાંત સાફ કરતા જોઈ ગયો હતો!...

(વિદેશ)

No comments:

Post a Comment