ગુજરાતી સાહિત્ય પરિષદ 1920ના એપ્રિલમાં ભરાવાની હતી અને ગાંધીજીએ 27 માર્ચ 1920ના "નવજીવન"માં એની નોંધ લીધી હતી: "સર રવીન્દ્રનાથ ટાગોર પોતાની હાજરીથી પરિષદને દીપાવશે એવા ખબર મળી ગયા છે...ભાઈ એંડ્રુસ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી." ગાંધીજીનું ગુજરાતી આજે જરા કૉમિક લાગે એવું છે: પણ સ્પષ્ટ છે. આ નોંધમાં ગાંધીજી આગળ લખે છે. "...આપણે રસ્તા શણગારીએ તો તેમાંય પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ." ગુજરાતી વિદ્વજ્જનોનાં વિશ્લેષણોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય જેવા શબ્દો આવે છે પણ આવા સરળ અને અર્થસ્પર્શી શબ્દો શા માટે વપરાયા નથી? ગાંધીજીએ વાપરેલા શબ્દો પશ્ચિમતા અને પૂર્વતા લેખકોને પણ કેમ સૂઝતા નથી?
પશ્ચિમની વાતો કરવી જરૂરી છે કારણ કે ઘણાં ક્ષેત્રોમાં એમની પ્રગતિ ચકાચૌંધ કરી મૂકે એવી છે. પણ પશ્ચિમતા અને પૂર્વતાનો ભેદ સમજ્યા વિના માત્ર પશ્ચિમતાના પક્ષધર થવાથી આપણા પ્રશ્નોના હલ મળતા નથી પણ ક્યારેક પ્રશ્નો વધારે જટિલ થઈ જાય છે. પ્રજામાનસ અને દેશકાળને સમજ્યા વિના કરાયેલો પ્રયાસ ક્યારેક માત્ર પ્રયોગિતા બનીને રહી જાય છે.
મુંબઈ શહેરમાં એક બેડરૂમ, કિચન હૉલ કેટલી સાઈઝના મળે છે? એક રૂમ, કિચનની એક જ સ્ટાન્ડર્ડ સાઈઝ શા માટે નથી? ટુ બેડરૂમ, કિચન હૉલની કોઈ નિયત ચોરસ ફીટ મર્યાદા છે? એક બેડરૂમ, કિચન હૉલવાળો ફ્લૅટ સાડા ચારસોથી સાડા સાતસો ચોરસ ફીટ સુધી સેંકડો સાઈઝોમાં મુંબઈમાં બિલ્ડરો બનાવે છે અને મન ફાવે તેમ કાર્પેટ એરીઆ, બિલ્ટઅપ એરિઆ અને સુપર બિલ્ટઅપ એરીઆ ગણીને વેચે છે! રશિયામાં દરેક ફ્લેટ એક સ્ટાન્ડર્ડ સાઈઝની મર્યાદા પ્રમાણે જ બની શકે છે. અન્યત્ર પણ આવું છે. મુંબઈમાં કેમ નથી? એક બેડરૂમ, કિચન, હૉલવાળા ફ્લેટોની એક જ સાઈઝ હોવી જોઈએ એવું પ્રશાસન ન કરી શકે? કરવું નથી, દ્રષ્ટિ નથી, દાનત નથી, કદાચ બિલ્ડરો સાથે એક અપવિત્ર સાઝેદારી છે. શાસકોની ભ્રષ્ટતા એ આપણી પૂર્વતા છે. મધ્યવર્ગને સતત લૂંટતા રહેવાની ઠગવૃત્તિનો ઘરની તલાશમાં નીકળેલા દરેક મુંબઈગરા પરિવારને અનુભવ થતો રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમનો આ ફર્ક બહુ જ ધ્યાનાકર્ષક છે.
ઘરની જેમ કપડાં અને રોટીની બાબતમાં પણ જુદાઈઓ છે. હિંદુસ્તાનમાં પૈસાદારો અને ગરીબોના વસ્ત્ર-પરિધાનમાં ભેદ છે. અહીં ગરીબો સુતરાઉ કપડાં પહેરે છે. વિદેશોમાં એ અમીરોનો ડ્રેસ છે. કોટનનાં કપડાં ત્યાં બહુ મોંઘા હોય છે. અહીં ઈમ્પોર્ટેડ સિન્થેટિક માટે પડાપડી છે. વિદેશમાં પૈસાદારો સફેદ પોશાક પહેરી શકે છે. ભારતમાં તો મિસ્ત્રી-મજદૂર-કારીગર પણ સફેદ અને પાતળાં કપડાં પહેરીને કામ પર આવે છે! પશ્ચિમમાં મહેનતકશનાં કપડાં જાડાં અને રંગીન હોય છે. અમેરિકામાં સફેદ મોટરકાર પ્રમાણમાં સસ્તી હોય છે કારણ કે એ મેલી થઈ જાય છે. કાર વૉશમાં વધારે મોકલવી પડે છે. અહીં સફેદ કારવાળો શેઠિયો ગણાય છે. સફેદ કાર પદનો અહસાસ (સ્ટેટસ સિમ્બલ) કરાવે છે. આપણે ત્યાં શોકમાં સફેદ વસ્ત્રો પહેરવાનો ધારો છે જ્યારે વિદેશમાં શોક માટેનો રંગ કાળો છે. મૃત્યુ પછી ચર્ચ કે કબ્રસ્તાન તરફ જતી ગાડીઓના જૂલૂસમાં પણ અમેરિકામાં કાળી ગાડીઓ જ વધારે જોવા મળે છે. પશ્ચિમતા અને પૂર્વતા એ બે જુદી વસ્તુઓ થઈ જાય છે.
ગાંધીજીએ પશ્ચિમતાના વિરોધમાં પૂર્વતાનો પક્ષ લીધો હતો અને પૂર્વતાના પૂર્વની એક બીજી પણ સ્થિતિ છે: પૂર્વગ્રહતા!
(સમકાલીન: મે 1987)
(વિદેશ)
No comments:
Post a Comment