6 ડિસેમ્બર 2004નાં રોજ ચિત્રલેખામાં પ્રગટ થયેલા એક લેખના અંશો (આ લેખ ગુજરાતના વરિષ્ઠ ચિંતકો, લેખકોના અંગત પુસ્તકાલય વિશે હતો):
બક્ષીબાબુની લાઈબ્રેરી ઉત્તમ દરજ્જાની છે. એમની મુંબઈની લાઈબ્રેરી કરતાં ચાર ગણી મોટી લાઈબ્રેરી એમના અમદાવાદના ઘેર છે. બક્ષીસાહેબ અમદાવાદમાં હજી મોટી જગ્યા શોધે છે... પુસ્તકો રાખવા માટે!
બક્ષીબાબુના વરલીમાં આવેલા ફ્લૅટમાં જાતજાતના અને ભાતભાતના વિષયો પરનાં સસ્તાં-મોંઘાં ને પુષ્કળ મોંઘાં પુસ્તકો, વિશ્વના સાપ્તાહિક-પખવાડિક સામયિકોના ઢગલા ને દુનિયાભરનાં છાપાંની મસમોટી કતાર અને અફ કોર્સ...બક્ષીસાહેબનાં પોતાનાં 170 પુસ્તકોની વણજાર જોવા મળે.
બક્ષી સાહેબ કહે છે: 'મારી બે વીકનેસ છે: એક પુસ્તક અને બીજી ફ્રૂટ એટલે એના કોઇ દિવસ ભાવ નહીં જોવાના...!'
ખૂબ જ પઝેસિવ એવા બક્ષીસાહેબ ક્યારેય કોઇ દિવસ કોઇને પુસ્તક વાંચવા માટે નથી આપતા. પ્રાણસમાં આ પુસ્તકોની સંપત્તિ સામે એમને કોઇ રોકડા પાંચ લાખ આપે તોય ન આપે! એ કહે છે: 'મને કોઇ એક એવા રૂમમાં પૂરી દો, જેમાં માત્ર પુસ્તકો અને સંગીતો હોય તો હું બસ્સો વર્ષ જીવું.'
એમનો પ્રિય બુક સ્ટોર છે અમદાવાદમાં આવેલો ક્રૉસવર્ડ અને એમને માધવસિંહ સોલંકીની લાઈબ્રેરી ખૂબ પ્રિય છે.
બક્ષીબાબુનો પુસ્તક પ્રત્યેનો લગાવ જબરદસ્ત છે. એમને પોતાનું મૃત્યુ પુસ્તકોની વચ્ચે થતાં જોવું છે. એ કહે છે: 'આઈ વૉઝ બૉર્ન અમોંગ બુક્સ ઍન્ડ શૅલ ડાય વિથ માય બુક્સ!' સાર્ત્રની આત્મકથાનું આ વાક્ય મને મારા માટે ખૂબ રિલેટિવ લાગે છે. હું પુસ્તક વચ્ચે જન્મ્યો નથી, પણ મરવાની અદમ્ય ઇચ્છા છે પુસ્તકો વચ્ચે!'
બક્ષીસાહેબને એમના અવસાન બાદ એમની લાઈબ્રેરી એમની દીકરી રીવાને નામે કરવી છે!