ઓગણીસમી સદીમાં અબ્રાહમ લિંકને વ્યાખ્યા આપી હતી કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોની રાજ-વ્યવસ્થા! મારી દ્રષ્ટિએ લોકશાહી એક જ શબ્દમાં આવી જાય છે: 'એકાઉન્ટેબિલીટી' અથવા વિશ્વસનીયતા! તમારા સુકર્મો કે કુકર્મોને માટે તમે જવાબદાર છો, તમારું ઉત્તરદાયિત્વ છે, તમને પ્રશ્ન પૂછવાનો જનતાને અધિકાર છે. તમે મનસ્વી નથી, તમે રાજા નથી, તમે માત્ર પ્રજાપતિ છો. જો પ્રેઝીડેન્ટને માટે રાષ્ટ્રપતિ શબ્દ વાપરીએ તો ગવર્નર કે ચીફ મિનિસ્ટરમાંથી એકને માટે પ્રજાપતિ શબ્દ વાપરવો જોઈએ.
સત્તા પર બેઠેલા ગમે તે માણસની મૂર્ખતાનો દુર્જન લાભ ઉઠાવી શકે છે, પણ સત્તા પર બેઠેલા દુર્જનની પ્રજાને મૂર્ખ બનાવવાની બદદાનતને પ્રજાવાદમાં સીમા બાંધેલી છે. ભારતના સંવિધાનમાં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની શક્તિઓની પણ મર્યાદા બાંધેલી છે. કાયદો એટલે જ અમર્યાદ સ્વાતંત્ર્ય પર મર્યાદાની લગામ! જે માણસ પ્રામાણિક છે એ કાયદો સ્વીકારીને પોતે જ પોતાના પર પ્રતિબંધ મૂકે છે અને મર્યાદા બાંધે છે. રામાયણના મર્યાદા-પુરુષનો એવો જ કાંઈ અર્થ હશે. અંકુશનું સંતુલન સંવિધાનના પાયામાં છે. એલજીબ્રાના દાખલાની જેમ સત્તા અને શક્તિના સમીકરણો સામસામાં અને સરખાં ગોઠવાય તો જ રાજતંત્ર ચાલી શકે. ચાબુક એક્સીક્યુટીવના હાથમાં છે, પણ લગામ જ્યુડીશીઅરી પાસે છે.
આજે ભારતીય પ્રજાવાદમાં શાસન (એક્સીક્યુટીવ) અને ન્યાય (જ્યુડીશીઅરી) એકબીજાના પૂરક થવાને બદલે વિરોધક થઈ ગયા છે. શાસન અને ન્યાય છૂટા રહેવા જોઈએ એવું સંવિધાનના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું છે. પણ એ પક્ષ અને વિપક્ષ નથી. આ બે વચ્ચેની સીમારેખા સ્પષ્ટ છે પણ મજબૂત અથવા મૂર્ખ અથવા ગાંડો શાસક આ ભૂંસી નાખે છે. ક્યારેક ન્યાયાલય મજબૂત અને લોકપ્રિય શાસકને પણ અકારણ અકળાવે છે ત્યારે જવાહરલાલ નહેરુ જેવાએ પણ કહ્યું હતું: સુપ્રિમ કૉર્ટ એ સંસદનું ત્રીજું ભવન નથી, એ માત્ર સુપ્રિમ કૉર્ટ છે. એણે સંસદના ત્રીજા ભવન થવાની ગુસ્તાખી કરવી જોઈએ નહીં.
પણ એ દિવસો જુદા હતા. ઘરના કરોડો રૂપિયા અને જવાનીનાં તેર વર્ષોનો જેલનિવાસ દેશને સમર્પણ કરીને આવતા પારસમણિ જેવા સ્વચ્છ જવાહરલાલ નેહરુ જેવા દેશનેતાઓ હતા. 1928 અને 1982 વચ્ચે બધું જ ઊંધુચત્તું થઈ ગયું છે - આંકડાઓની જેમ!
આ દેશના ઇતિહાસે વિવિધ પ્રકારના સેંકડો શાસકો જોયા છે - હુકમ કરનારા અને જોહુકમી સહન કરનારા, ઉમદા અને ઉલ્લુના પઠ્ઠા, કલાકારો અને કમબખ્તો, સૂર્યવંશી અને સુવ્વરની ઔલાદો, સંતો અને શયતાનો! ભારતીય પ્રજાએ સદીઓનો અનુભવ પચાવ્યો છે. જેમના વ્યક્તિત્વમાં વિરાટ વિરોધાભાસ છે એવા ઔરંગઝેબો પણ આલમગીરો બનીને પસાર થઈ ગયા છે! ઔરંગઝેબ ભયાનક ઝુલ્મગાર હતો, સગાઓનું ખૂન વહાવનારાઓમાં એનો મુકાબલો નથી...અને એ એટલો ખાનદાન માણસ હતો કે દુનિયા એને "આલમગીર ઝિન્દા પીર" કહેતી હતી! દક્ષિણમાં ચડાઈ વખતે એની પત્ની રૂબિયા બેગમને પ્લેગ થયો ત્યારે એણે સરકારી ખજાનામાંથી પૈસો વાપર્યો ન હતો! એનું વિધાન હતું કે આ ધન સરકારી છે, મારું નથી! ફળ એ આવ્યું કે રૂબિયા બેગમ પ્લેગમાં મરી ગઈ...! સારા અને ખરાબનું આવું વિચિત્ર મિશ્રણ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે...
ન્યાય સંપૂર્ણ નથી પણ એમાં સદીઓના ડહાપણનું ચયન હોય છે એમ મનાય છે. ન્યાયની ધુરા પર રાષ્ટ્રો ઊભાં રહે છે. ન્યાય ભૂલો કરે છે એ સાચું છે પણ સિદ્ધાંતો ખોટા નથી. ગરમીથી પારો ફેલાઈ જાય છે એ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે. પણ જો એક થરમોમિટરમાં ગરમી આપવા છતાં પારો ફેલાય નહીં તો એ થરમોમિટર ખોટું છે, પારાની વૃદ્ધિનો સિદ્ધાંત ખોટો નથી! આવું જ કંઈક ન્યાયનું, ન્યાયાલયનું, ન્યાયાધીશનું છે. આ ઇતિહાસબોધ છે.
પ્રામાણિકતાનો હ્રાસ થઈ શકે છે, તદ્દન લોપ થઈ જતો નથી! અને સમાજકારણમાં જ નહીં પણ રાજકારણમાં પણ આ સિદ્ધાંત વજ્રલેપની જેમ ઊભો છે!
(ગુજરાત સમાચાર, 1982)
(રાજકારણ-1)
No comments:
Post a Comment