વસ્તુઓ
તરફ
જોઈએ છીએ ત્યારે એ સીધી લાગે છે. પાણીમાં એ હોય છે ત્યારે વળેલી લાગે છે.
આપણી અંદર જે વિસંવાદિતા છે એ પ્રકટ થાય છે, એવું ગ્રીક દાર્શનિક પ્લેટોએ
અઢી હજાર વર્ષોપહેલાં કહ્યું હતું. આપણે પણ આ વિશે વિચાર્યું હતું અને
વિશ્વને ‘માયા’ જેવો એક અદભૂત, અમૂર્ત શબ્દ આપ્યો હતો. આંખથી આપણે જોતા
રહીએ છીએ અને ઠગાતા રહીએ છીએ. દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, દુનિયા એના
રંગોમાં જ આંખ જુએ છે. દુનિયા રંગીન છે, કદાચ આપણા પ્રતિભાવો બ્લેક એન્ડ
વ્હાઇટ છે. બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ એ કલ્પના છે, વાસ્તવ નથી. કાચની આરપાર
જોઈ શકાય છે, પણ બીજી બાજુ ઢાંકી દો, અથવા પાણી ચડાવી દો, અથવા રંગ કરી દો
તો આપણે આપણી જાતને જ જોઈ શકીએ છીએ. માર્ક ટ્વેઈને લખ્યું છે કે દરેક માણસ
ચંદ્ર જેવો છે, એની ઊજળી બાજુ બતાવતો રહે છે, અને અંધારી બાજુ સંતાડી રાખતો
હોય છે. દાંતનો એક્સ-રૅ લેવો હોય ત્યારે આપણને હસવાનું કહેવામાં આવે છે,
અને જ્યારે એ એક્સ-રૅમાં આપણે આપણી ખોપરી અને મોઢું અને છૂટા છૂટા દાંત
જોઈએ છીએ ત્યારે લાગે છે કે સૃષ્ટિનો આ સૌથી ભયાવહ, કંકાલ ચહેરો છે. આપણા
ખૂબસૂરત ચહેરાના હાસ્યની પાછળ સંતાયેલું એ બદસૂરત કંકાલ આપણું પોતાનું છે.
ચીનમાં ફિલસૂફ લાઓ-ત્ઝૂ કહી ગયો હતો : જે બોલે છે એ જાણતો નથી. જે બોલતો
નથી એ જાણે છે. અને આપણા કેનોપનિષદમાં આ જ વાત કહી છે અને પ્લેટો અને
લાઓ-ત્ઝૂથી કદાચ સેંકડો વર્ષો પહેલાં કહેવાઈ છે : અવિજ્ઞાનં વિજાનતાં,
વિજ્ઞાતમ વિજાનતામ... જે જાણું છું એમ કહે છે એ એને નથી જાણતો, જે નથી
જાણતો એમ કહે છે એ જ જાણે છે.
માણસની
કદાચ સૌથી મોટી માયા કે ભ્રમ છે : સમય ! સનાતન અને શાશ્વતને હજી સુધી કોઈ
ધર્મ વ્યાખ્યામાં બાંધી શક્યો નથી. અનાદિ અને અનંત કદાચ એવી અમૂર્ત કલ્પનાઓ
છે જે મનુષ્યની વિચારશક્તિની બહાર છૂટી ગઈ છે. જૈનદર્શનમાં મૃત્યુને માટે
'કાલધર્મ પામ્યા' જેવી વિભાવના છે. કાલ શબ્દ બહુઅર્થી છે, અને કાલ શબ્દ
સમયના અર્થમાં વપરાય છે. માણસ પાસે સમયને માપવા માટે માત્ર ગણિત છે અને
માણસ સમયને સમજવા માટે માત્ર ઘડિયાળ અને કૅલેન્ડર જેવાં બે જ સાધનો શોધી
શક્યો છે. સવારની આભા, બપોરનો ઉત્તાપ, સાંજનો અસ્ત ફિલ કરવા માટે ઘડિયાળ એક અત્યંત નિર્બળ સાધન છે, પણ
માણસ પાસે જગતભરમાં સમયને સમજવા માટે એ એક જ ઉપાય છે અને દુનિયામાં સવારના
11 સર્વત્ર વાગતા નથી. પૃથ્વી ફરતી રહે છે, ટાઈમ-લેગ અને ટાઈમ-ઝોન જેવા
કોષ્ટકો ગોઠવવા પડ્યાં છે.
હિન્દુસ્તાનમાં
એક જ જડ ટાઈમ આસામથી ગુજરાત સુધી છે, રશિયામાં અગિયાર ટાઈમઝોન છે.
પૂર્વમાં વ્લાદિવોસ્તોકમાં સૂર્યોદયનાં પ્રથમ કિરણોનો ઉજાસ ક્ષિતિજ પર
દેખાય છે ત્યારે પશ્ચિમમાં સેન્ટ પિટર્સબર્ગમાં ક્ષિતિજ પર રાતનું અંધારું
ઘેરાતું હોય છે.
સમય
સાપેક્ષ કે રિલેટિવ હોય છે. પશુનો સમય અને મનુષ્યનો સમય બે જુદા સમયો છે.
સ્કૂલી છોકરાનો છુટ્ટીનો દિવસ અને સ્કૂલે જેવાનો દિવસ, વૅકેશનના પહેલાંનો
દિવસ અને વૅકેશન પતી ગયા પછીનો દિવસ, બધા જ જુદા જુદા હોય છે. જંગલમાં
રવિવાર આવે કે ન આવે, શું ફર્ક પડે છે? સમયનું રહસ્ય જન્મથી મૃત્યુ સુધી
સમજાતું નથી. અંગ્રેજી કહેવત છે : ટુ-ડેઝ હાર્ડ ટાઈમ્સ આર ટુમોરોઝ ગુડ ઑલ્ડ
ડેઝ ! આજના સંઘર્ષના દિવસો આવતીકાલે સરસ મજાના ભૂતકાળના દિવસો બની જશે! નિવૃત્તિની નિષ્ક્રિય શાંતિ દિવસને 48 કલાકનો બનાવી દે છે, અને જવાનીની પ્રવૃત્ત મસ્ત હલચલ દિવસને 12 કલાકમાં સમાપ્ત કરી દે છે. ફક્ત
સંગીત સમય પર છવાઈ શકે છે. મનનું ગમવું સમયની અવધિ નક્કી કરે છે. ત્રિકાલ
અને મહાકાલ જેવા શબ્દો બેમાની બની જાય છે. ટોમસ માનની પ્રખ્યાત નવલકથા 'ધ
મૅજિક માઉન્ટન' 1924ની કૃતિ છે, પણ એનો હીરો સમય છે. સમયનું રહસ્ય કોઈ
સમજ્યું છે?
માણસ
પાસે સમય માપવાનું એક જ સાધન છે: ગણિત ! પૃથ્વી સૂર્યનું ભ્રમણ કરવામાં
365.242199 દિવસો લે છે, અને એ એક વર્ષ છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે તો
એને એક પરિક્રમા કરતાં 24 કલાક લાગે છે, જેમાંથી માણસે અંધારા અને અજવાળાના
12-12 કલાકના બે ટુકડા પાડ્યા છે. માણસનું આયુષ્ય આ 365 દિવસના વર્ષ પરથી
આપણે નક્કી કરીએ છીએ. હું 73 વર્ષનો છું, પણ પૃથ્વીને બદલે જો હું જ્યુપિટર
કે નેપ્ચૂન પર હોત અને ત્યાંનું વર્ષ 800 કે 1200 દિવસોનું હોત તો મારી
ઉંમર કદાચ 53 વર્ષ કે 33 વર્ષ હોત ! આયુષ્ય સમયનો જ એક અંશ છે અને
આપણી પાસે બીજાં સાધનો કે ઉપકરણો નથી માટે આપણને વર્ષોના માપદંડનો જ સહારો
લેવો પડે છે અને એક જ શરીરમાં અલગઅલગ ઉંમરો જીવતી હોય છે. મારો એક કાન 44
વર્ષ જેટલું સાંભળતો હોય અને બીજો કાન ફક્ત 64 વર્ષ જેટલું સાંભળતો હોય, એક
આંખમાં માઈનસ-ફાઈવની દ્રષ્ટિ હોય, અને બીજી આંખમાં માઈનસ-એકની દ્રષ્ટિ હોઈ
શકે છે. એક કિડની મરી ગઈ હોય, અને બીજી કિડની જીવતી હોય...! ઉંમર ફક્ત
વર્ષોની લંબાઈનું શુષ્ક ગણિત બની જાય છે. ઉંમર એક જબરદસ્ત ભ્રમ છે, જે
ભ્રમમાંથી આપણે જીવનભર છૂટી શકતા નથી. સ્ત્રી 38ની હોય છે અને 39ની થાય છે, અને 40 પર પહોંચે છે ત્યારે એ ફેરફાર એક વર્ષનો નથી, પણ જિંદગી પાંચ-પાંચ વર્ષ કૂદતી રહે છે. ઉંમર આરંભમાં શારીરિક હોય છે, અને ક્રમશ: માનસિક બનતી જાય છે.
ટાઈમ-પાસ
હવે એક ગુજરાતી શબ્દ બની ગયો છે, અને સુખી, મધ્યમવર્ગીય, મધ્યવયસ્ક
ગુજરાતી ગૃહિણીઓનો જીવનમંત્ર બની ગયો છે. આખો દિવસ શું કરવું? અંગ્રેજીમાં
કહેવત છે કે સ્ત્રીનું કામ ક્યારેય પૂરું થતું નથી ! અને એ વાત સાચી પણ છે.
દિવસના 12 કલાક ગૃહસ્થ સ્ત્રી માટે ઓછા પડે છે. સવારના ઊઠીને દૂધ લેવાથી
માંડીને રાત્રે દહીં જમાવીને સૂઈ જવા સુધીનો અંતરાલ ગૃહિણીને માટે એક દિવસ
કહેવાય છે અને આ એક દિવસ વર્ષો સુધી આવતો રહે છે, જતો રહે છે. ફક્ત ચહેરા
પરની રેખાઓ, ઝુર્રીઓ, શિકનો બદલાતી જાય છે અને ડ્રેસિંગ ટેબલ પરની
પ્રસાધનોની શીશીઓની કતાર લાંબી થતી જાય છે. સમય સ્થિર થતો જાય છે, થીજતો
જાય છે, ઠંડો પડતો જાય છે.
ટાઈમપાસ
થતો નથી. શું કરવું? બહારની દુનિયાનો અનુભવ નથી, અસલામતીનો ડર પણ છે, અને
સમય ફેલાઈને વિકરાળ સ્વરૂપ લઈ લે છે. દિવસે સૂવું, રાત્રે ઊંઘ ન આવવી. ઘર
વસ્તુઓથી ભરાતું જાય, મન ખાલી થતું જાય. આ ખૂણાની ધૂળ પેલા ખૂણા તરફ
ઉડાડવી, પેલા ખૂણાની ધૂળ આ ખૂણા પર ઉડાડવી, એને સાફસફાઈ, ઘરકામ, પ્રવૃત્તિ
કહેવાય છે. ફ્રિજમાં ધીરેધીરે વપરાયા વિનાની નકામી વસ્તુઓ જમા થતી જાય છે.
ખરીદી કે શૉપિંગ શોખમાંથી આદત, આદતમાંથી વ્યસન, વ્યસનમાંથી એક
ઍન્ટિ-ડીપ્રેસ્સન્ટ પલાયનવાદી ઈલાજ બની જાય છે. ટીવીની સિરિયલો છે,
ધર્મ છે, મુરારિદાસ હરિયાણી છે, માસીની છોકરીનું લગ્ન છે, સ્ત્રીઓની
પત્રિકાઓ કે પૂર્તિઓ છે જેમાં રસોઈ, પ્રસાધનો, સોફ્ટ-સેક્સ વિષયક સવાલો,
'મારો 6 વર્ષનો "બાબો" ખાતો નથી' જેવા વિષયો છે. રાત્રે સૂતા પહેલાં માળા
ગણવાની છે, અને દિવસે નાહીને પૂજા કરવાની છે. સમય જ સમય છે, અને પસાર થઈ
રહેલો મંદગતિ વર્તમાન શરીર પાસેથી કિંમત ચૂકવતો જાય છે. કામવાળીથી સાસુ
સુધીનું વર્તુળ ચકરાતું રહે છે...
સમયનું
પ્લાનિંગ બધાને તો નહીં પણ ઘણાને ફાવતું નથી. જીવનના દરેક તબક્કે
પ્રાથમિકતાઓ પણ બદલાતી રહે છે. હવે 8 વર્ષની તન્વીને અને 11 વર્ષના તનયને
મમ્મીની જરૂર દિવસમાં બે જ વખતે પડે છે, સ્કૂલે જતી વખતે, અને સ્કૂલથી
આવીને. જે પતિને આકાશ જીતવું છે એની પૃથ્વી સંભાળી રાખવાની છે. સમયના ઢાંચામાં વ્યક્તિ ફિટ થતી જાય છે. કદાચ એને સુખ કહેતા હશે...
(દિવ્ય ભાસ્કર : ડિસેમ્બર 19, 2004)
(35 લેખો)
No comments:
Post a Comment