July 29, 2013

ધન અથવા સંપત્તિ વિશેના સંસ્કૃત સંદર્ભો

સંસ્કૃત સુભાષિતોમાં ધન અથવા સંપત્તિ વિશેના ઉલ્લેખો આજના સંદર્ભમાં જોવા જેવા છે. આ શ્લોકો સેંકડો કે સહસ્ત્રો વર્ષો પૂર્વે લખાયા હશે અને એ સમયે ધનનું મહત્ત્વ કે સાતત્ય આજ જેવું નહીં જ હોય ! આદાન-પ્રદાન કે દાન-અનુદાન પર આધારિત એક તત્કાલીન સમાજરચના હતી. આજની સમકાલીન કે સમસામયિક સમાજપ્રથા અર્થતંત્ર પર પૂર્ણત: અવલંબિત છે. પૈસાદાર નામનો શબ્દ એ કાળમાં ન હતો. છતાં પણ સંસ્કૃત શ્લોકો આજે પણ અત્યાધુનિક લાગે છે એ એમનું વૈશિષ્ટ્ય છે. 

એક શ્લોક છે - को न याति वशं लोके मुखे पिण्डेन पूरित... मृदंगो मुखलेपेन करोति मधुरध्वनिम...! આ શ્લોકનો અર્થ 1986માં પણ ભાષ્ય આપ્યા વિના સમજાય એવો સરળ છે. અર્થ થાય છે - મોઢામાં ખાવાનું ભરી દઈએ તો આ જગતમાં કોણ વશ થતું નથી? મૃદંગના મુખ પર લોટનો લેપ કરીએ તો એમાંથી પણ મધુર ધ્વનિ નીકળવા લાગે છે...

ધન વિષે આપણા પૂર્વજો આધુનિક હતા અને અત્યંત વ્યાવહારિક હતા એવું કેટલાંક સંસ્કૃત શ્લોકો પરથી ફલિત થાય છે. એક શ્લોકનો અર્થ છે - અતિથિ, બાળક, સ્ત્રીઓ, રાજા અને પાંચમો જમાઈ... આટલાને ધનનું શું મહત્ત્વ છે એ ખબર નથી. આજના કળિયુગના કાળાબજારિયાઓ માટે પણ ચાણક્યનીતિમાં એક શ્લોક આપેલો છે : આ શ્લોક આ પ્રમાણે છે - अन्यायोपार्जितं द्रव्यं दशवर्षाणि निष्ठति... प्राप्ते ऐकादशे वर्षे समूलं च विनश्यति ! આનો અર્થ સમજતાં પહેલાં એક વાત ધ્યાનાકર્ષક છે. કાળું નાણું એ યુગમાં પણ હતું ? હશે જ, નહીં તો ચાણક્ય આવી દૂરદર્શી વાત કેવી રીતે કરી શકે? વિચક્ષણ ચાણક્ય કહે છે કે અન્યાયથી ઉપાર્જન કરેલું ધન દશ વર્ષ સુધી રહે છે. અને અગિયારમું વર્ષ આવતાં એ ધન મૂળ સાથે વિનાશ પામે છે ! એટલે કાળા ધનિકોનો વિનાશ અને પ્રનાશ અને સર્વનાશ અવશ્યંભાવી છે ! માત્ર સંતોષનું એક જ કિરણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આજકાલ ફુગાવો વધી ગયો છે એટલે એ સમયનાં દસ વર્ષો એટલે આજનાં કેટલાં ગણવાનાં? વીસ કે પચ્ચીસ?

આદિ શંકરાચાર્યે 'ભજ ગોવિંદમ'માં વારંવાર કહ્યું છે - પુત્રાદપિ ધનભાજાં ભીતિં... સર્વત્રૈષા વિહિતા રીતિ: ! અર્થ થાય છે - ધનિકોને પોતાના પુત્રોનો પણ ભય લાગે છે. સર્વત્ર ધનની આ જ ગતિવિધિ છે.

આદિ શંકરાચાર્ય ધનવિરોધી છે. એ કહે છે - शुष्के नीरे क: कासार :....क्षीणे वित्ते क: परिवारो...! એમનું કહેવું છે કે જ્યારે પાણી ઊડી જાય છે ત્યારે સરોવરમાં શું રહી જાય છે? એકવાર ધન શેષ થઈ જાય છે પછી મનુષ્યનાં સગાંવહાલાં ક્યાં ચાલ્યા જાય છે? આદિ શંકરાચાર્ય સાધુ, સંન્યાસી, બાવા, જોગીઓને પણ આ ધનની લાકડીથી જ ફટકારે છે. એ કહે છે - जटिलो मुण्डी लुंछित कोश:... काषायम्बर बहुदतवेष:.... पश्यन्नपि च न पश्यति मूढो... ह्युदरनिमित्तं बहुकतवेष:...! એ કહે છે લાંબા ચોંટેલા વાળવાળા કે મુંડન કરેલા કે ખેંચી ખેંચીને વાળ તોડેલા કે ભગવાં કપડાંમાં રખડનારા આ મૂઢ કે મૂર્ખ જુએ છે પણ જોતા નથી. આ વેશ અન્ને આ બધાં પરિધાનો તો માત્ર પેટ ભરવાનાં નિમિત્ત કે બહાનાં છે.

ધન વિષે અને ભોગ્ય વસ્તુઓ વિષે સંસ્કૃતમાં ઘણા શ્લોકો ભિન્નભિન્ન પુસ્તકોમાં પડ્યા છે. વિદુરનીતિ કહે છે કે અત્યંત શ્રેષ્ઠ, અત્યંત શૂરવીર, બહુ જ  વ્રત-નિયમાદિનું પાલન કરનાર અને બુદ્ધિના ઘમંડમાં ચકચૂર મનુષ્ય પાસે લક્ષ્મી ભયને કારણે જતી નથી. 

અને એ જ વિદુર રાજા ધૃતરાષ્ટ્રને ઉદ્યોગપર્વના આઠમા અધ્યાયમાં સમજાવતાં કહે છે - 'यत पृणिव्यां व्रीहियवं हिरण्यं पशव: स्त्रीय:... नालमेकस्य तत सर्वमिति पश्यन्न मुह्यति...! અર્થ થાય છે - આ પૃથ્વી પર જે પણ ધાન્ય, જવ, સોનું, પશુઓ અને સ્ત્રીઓ છે એ બધાં જ એક પુરુષને માટે પણ પર્યાપ્ત નથી. આવો વિચાર કરવાવાળો મોહમાં ફસાતો નથી.

ધનને શી રીતે સમજવું જોઈએ? હિતોપદેશમાં જે આદેશ આપ્યો છે એ કદાચ સૌથી યથાર્થ છે. કથાકાર કહે છે - यद्दासि विशिष्टेभ्यो यच्चाश्नासि दिने दिने... तत्ते वित्तमहं मन्यी शेष: कस्यापि रक्षसि...! અર્થ થાય છે - જેટલું ધન તું પ્રતિદિવસ ભોગવે છે અથવા સુપાત્રને દાન આપે છે એટલું જ ધન તારું છે, બાકીનું ધન તો બીજા કોઈનું છે, જેની તું રક્ષા કરે છે. 

જે ભોગવવામાં આવે છે એ જ ધન આપણું છે. બાકીનું તો બીજાનું છે જે આપણે સાચવ્યા કરીએ છીએ. ઘણા ધનપતિઓ એટલા ઉત્સાહથી ધન ભેગું કરી રહ્યા છે કે બસો વર્ષ જીવવાના હોય ! કહેવાય છે કે લક્ષ્મી  નિર્વંશ હોય છે. 

સાઈકૉલૉજી અથવા માનસશાસ્ત્ર અર્વાચીન વિદ્યા છે પણ મનુષ્યસ્વભાવ પ્રાચીન છે. અને સંસ્કૃત સાહિત્યમાં મનુષ્યસ્વભાવનો ગહન અભ્યાસ છે. સંસ્કૃતાચાર્યોએ એ સુભાષિતોના ઉદધિમાંથી આધુનિક જીવનને સ્પર્શે એવા શ્લોકો કાઢવા જોઈએ. શ્લોકો એટલા બધા તાર્કિક હોય છે કે એમના પર કોઈ ટિપ્પણીનો અવકાશ રહેતો નથી. કોઈકે આ કર્મ કરવું જોઈએ - અને કર્મની પ્રકૃતિ કેવી છે? 

अज्ञ कर्माणि लिम्पन्ति तजज्ञं कर्म न लिम्पति,
लिप्यते रसनैवैका सर्पिषा करवद यथा - 

અર્થ થાય છે - અજ્ઞાનીને કર્મ ભારપૂર્વક ચોંટી જાય છે પણ જ્ઞાનીને કર્મનો ભાર લાગતો નથી. ઘી હથેળી પર ચોંટે છે પણ જીભને ચોંટતું નથી !

(સમકાલીન: મે 1986)

(અર્થશાસ્ત્ર : પૃ. 3 - 7)

No comments:

Post a Comment