તમે ગરીબ, મધ્યવર્ગીય કે અમીર છો એ તમારે નક્કી કરવાનું નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, આંકડાનિષ્ણાતો, મંત્રીઓના તંત્રીઓ આ બધું નક્કી કરે છે. હિન્દુસ્તાનમાં સુખી મધ્યવર્ગીય અથવા અ-ગરીબ કોને કહેવો? એક આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાએ આ વિષે ખૂબ વિચાર કર્યો - અમેરિકા કે જાપાનમાં તો આ બહુ સહેલું હતું. જે પરિવારમાં બે મોટરો કે બે ટી.વી. સેટ હોય એને મધ્યવર્ગીય કહી શકાય. પણ ત્યાં મધ્યવર્ગીય અને અમીરમાં એવો કોઈ તાત્ત્વિક ફર્ક નથી. ભારતમાં, સારે જહાં સે અચ્છા હિંદોસ્તામાં, આ ગુલશનની બુલબુલોમાં અમીર કોણ? અમીરીની કસોટી કઈ? બધા જ પ્રકારના અભ્યાસો કર્યા પછી એ સંસ્થા નિષ્કર્ષ પર આવી કે હિંદુસ્તાનમાં જે કુટુમ્બ પાસે પોતાનો ખાનગી બાથરૂમ છે એ સુખી અમીર છે! તમારો બાથરૂમ હોય જેમાં તમે નાગા થઈને નાહી શકો તો તમે અમીર છો. ગરીબ માણસ નાગો થઈ શકતો નથી, એને સામાજિક ઈજ્જતનો ખ્યાલ રાખવો પડે છે. એને નાહતી વખતે પણ તન પર વસ્ત્ર રાખવું પડે છે, સ્નાન એને માટે જાહેર જીવનનો એક ભાગ છે, એ ગરીબ છે... ગરીબી અને અમીરી વચ્ચેની આર્થિક ભેદરેખા સમજવા માટે ભારતમાં બાથરૂમ એક અદભુત ટેસ્ટ છે ! પણ સરકારી ભાષામાં આવા સામાન્ય ટેસ્ટ ચાલે નહીં. અર્થશાસ્ત્રીઓ 'ગરીબીરેખા' જેવાં શબ્દનો પ્રયોગ કરે છે. સફેદ રાજકારણીઓ અને વિરોધકારણીઓ સંસદ કે વિધાનસભામાં એકબીજા સામે મુક્કા ઉછાળીને કે પાટલીઓ પર હથેળીઓ પછાડી પછાડીને ગરીબીરેખા નીચે કેટલી પ્રજા છે એના આંકડા આપે છે ! છાપાંવાળા તંત્રીલેખો છાપે છે. પણ ગરીબીરેખા કેવી રીતે નક્કી થાય છે? દસ વર્ષ પહેલાં 1977-78ના સરકારી આંકડાઓ પ્રમાણે પંજાબમાં 15 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, બિહાર અને મધ્ય પ્રદેશમાં 57 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા, ઉત્તર પ્રદેશમાં 59 ટકા લોકો ગરીબીરેખા નીચે હતા! ઘણા દેશનેતાઓને ખબર નથી કે ગરીબીરેખા કઈ રીતે નક્કી થાય છે. ગરીબીરેખા ભૂગોળનાં વિષુવવૃત્તની જેમ કોઈ સ્થિર રેખા છે? કે સ્ત્રીના દેહ પર પહેરાતી સાડીની જેમ કદ અને વય પ્રમાણે ઊંચીનીચી થતી રહે છે?
ગરીબીની સૌની અલગ અલગ વ્યાખ્યા છે પણ અર્થશાસ્ત્રીઓએ એક કાલ્પનિક ગરીબીરેખાનું નિર્માણ કર્યું છે. એની નીચે છે એ ગરીબ, ઉપર છે એ અમીર ! ગરીબો વધારે છે, એ વોટ આપે છે. લોકશાહી સફળ બનાવવા માટે પણ ગરીબો જોઈએ છે! અને સરકારી નિષ્ણાતોની આંખોમાં ગરીબીરેખા વિના ગરીબો દેખાતા નથી.
સન 1980ની દસમી ડિસેમ્બરે લોકસભામાં અ-તારાંકિત પ્રશ્ન નંબર 3220ના ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું : ભારતમાં સરકારી સૂત્રો ગરીબીરેખા નક્કી કરવા માટે વ્યક્તિગત ઉપભોગખર્ચ અને દૈનિક ખાદ્યાન્નોમાં વપરાતી કૅલરીઓ સંલગ્ન કરીને ભૂમિકા નક્કી કરે છે (સરકારી ભાષા છે!). આ બંનેની નીચે ઉપભોગ કરનારને ગરીબી રેખાની નીચે મૂકવામાં આવે છે.
ઉપભોગ ખર્ચ (કન્ઝમ્પ્શન એક્સ્પેન્ડિચર) નક્કી કરવા માટે આવક અને ખર્ચની માહિતી હોવી જોઈએ. 1979-80માં આ રેખા નક્કી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 76 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2400 કૅલરી અન્ન અને નગર વિસ્તારોમાં વ્યક્તિદીઠ માસિક 88 રૂપિયા ખર્ચ અથવા એથી ઓછા અને દૈનિક 2100 કૅલરી અન્ન !
ગરીબીરેખા શબ્દ રોજ છાપામાં વાંચનારને આ આંકડાઓ જરા શૉક આપી જશે. જે ગ્રામીણ વ્યક્તિ મહિને 76 રૂપિયાથી વધારે ખર્ચ કરે છે એ ગરીબ નથી! અથવા દસ વર્ષ પહેલાં ન હતો ! અહીં એક આડવાત કરી લેવી જોઈએ - વસતિગણતરી થાય છે ત્યારે શિક્ષિત કે અશિક્ષિત એવાં બે ખાનાંઓ હોય છે. સરકારે શિક્ષિતની વ્યાખ્યા શું આપી છે? જે પોતાના હાથે પોતાની સહી કરી શકે એ શિક્ષિત ! એટલે હિંદુસ્તાનમાં અંગૂઠાછાપ એ અશિક્ષિત ગણાય છે અને સહીછાપ શિક્ષિત ગણાય છે....!
પુરુષને રોટી, કપડાં અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ, અને સ્ત્રીને કપડાં, રોટી અને મકાન એ ક્રમમાં મળવાં જોઈએ. અર્ધનગ્ન પુરુષ જાહેરમાં આવી શકે છે, અર્ધનગ્ન સ્ત્રી જાહેરમાં આવી શકતી નથી. સ્ત્રીને માટે વસ્ત્ર એ જીવનની પ્રાથમિકતા છે. ગરીબીરેખા નક્કી કરતી વખતે દૈનિક ઉપભોગ ખર્ચ અને સંલગ્ન ખાદ્યાન્ન કેલરીની સાથે ભારતીય માતાને તન ઢાંકવા માટે જોઈતા પાંચ વારના ટુકડાનો નૅશનલ સેમ્પલ સર્વેએ વિચાર કર્યો છે?
(અર્થશાસ્ત્ર)
(સમકાલીન, એપ્રિલ 1987)
પૂરક માહિતી માટે શતદલમાં 31, જુલાઈ 2013નાં રોજ પ્રકાશિત થયેલ ભવેન કચ્છીનો લેખ આ લિંક પર વાંચી શકાશે:
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha8413
પૂરક માહિતી માટે શતદલમાં 31, જુલાઈ 2013નાં રોજ પ્રકાશિત થયેલ ભવેન કચ્છીનો લેખ આ લિંક પર વાંચી શકાશે:
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vividha8413
No comments:
Post a Comment