July 7, 2013

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

બાવીસ વર્ષથી એક વૃદ્ધ રોજ મર્સર સ્ટ્રીટના 112 નંબરના મકાનમાંથી નીકળીને પ્રિન્સટનના ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ તરફ ચાલતો જતો. એના મોઢામાં એક જૂની પાઈપ રહેતી, શરીર પર એક પહોળું સ્વેટર રહેતું, એનો પેન્ટ હંમેશા કોથળા જેવો પહોળો રહેતો. કોઈ વાત કરે તો એ વૃદ્ધ વાત કરતો, બાકી એની બદામી આંખોથી ભગવાનની દુનિયા જોતો જોતો એ ચાલ્યા કરતો.

1955ના એપ્રિલમાં એ વૃદ્ધને એક શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. શરીરની અંદર લોહીનું હેમરેજ થઈ રહ્યું અહ્તું. 18મી તારીખે મધ્યરાત્રિ પછી એ વૃદ્ધ જર્મનમાં કાંઈક બોલ્યો અને શાંત થઈ ગયો. રાતની નર્સ દોડતી આવી, પણ એ જર્મન ભાષા જાણતી ન હતી. વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિકના અંતિમ શબ્દો હંમેશને માટે ખોવાઈ ગયા. રાત્રે 1 વાગીને 15 મિનિટે પ્રોફેસર આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું દેહાવસાન થયું. માણસજાતિએ પેદા કરેલા મહાન વૈજ્ઞાનિકો પાયથાગોરસ અને આર્કિમિડીસ અને કોપરનિક્સ અને ન્યુટનની શ્રેણીમાં આઈન્સ્ટાઈનનું નામ ઉમેરાઈ ગયું.



14 માર્ચ 1879ને દિવસે જન્મેલા આબ્લર્ટ આઈન્સ્ટાઈનના જન્મને સો વર્ષ* પૂરાં થયાં છે. વિજ્ઞાનના જગતમાં આઈન્સ્ટાઈનનું યોગદાન સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણોની સાથે સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું - સમય ! આજનું ટેલિવિઝન પણ આઈન્સ્ટાઈનના દિમાગના એક ખૂણામાંથી ઉદભવ્યું છે ! એટમબૉમ્બ અને અણુશક્તિનો એ પિતા હતો. વૈજ્ઞાનિકો આઈન્સ્ટાઈનની પછીના સમયને બીજો યુગ ગણે છે.

આઈન્સ્ટાઈન જર્મન યહૂદી હતો. ત્રણ વર્ષની વય સુધી એ બોલતાં શીખ્યો ન હતો. એના શિક્ષકે એને સ્કૂલમાં કહ્યું હતું કે તારાથી કંઈ થવાનું નથી. સ્વિટ્ઝરલેન્ડની ટેકનિકલ સ્કૂલની પ્રવેશપરીક્ષામાં એ ફેલ થયો હતો ! ત્યાંની હાઈસ્કૂલમાં થતાં લેક્ચરોમાંથી ગુટલી મારતો. એને આળસુ ગણવામાં આવતો. 1900માં ગોખણપટ્ટી કરીને એ પાસ થઈ ગયો હતો.

પ્રોફેસરોથી દુશ્મની હતી એટલે યુનિવર્સિટીમાં એને શિક્ષકની નોકરી મળી નહીં. એક ખગોળશાસ્ત્રીના આસિસ્ટન્ટ તરીકે એણે નોકરી કરી. 1905માં એણે જે પેપરો પ્રસિદ્ધ કર્યા એ પેપરો વિજ્ઞાનવિશ્વમાં ધરતીકંપ જેવા હતા. 1921માં નોબલ પુરસ્કાર મળ્યો. 1993માં જર્મનીમાં હિટલર આવ્યા પછી આઈન્સ્ટાઈને જર્મની છોડીને અમેરિકામાં વસવાટ કર્યો.

આઈન્સ્ટાઈન મહાન વૈજ્ઞાનિક તો હતા જ પણ મહાન માણસ હતા એ એટલું જ આશ્ચર્યકારક છે. એમના જીવનના બેશુમાર કિસ્સાઓ એમને સામાન્ય પ્રતિભાઓથી  જુદા પાડે છે. એમણે પ્રથમ પત્નીને તલાક આપ્યા પછી નોબેલ પુરસ્કારના 30,000 ડૉલર પ્રથમ પત્નીને આપી દીધા અને એમની પિતરાઈ બહેન એલ્ઝા વિધવા સાથે લગ્ન કરી લીધાં.

એક વાર આઈન્સ્ટાઈનને એક ગણિતજ્ઞે પૂછ્યું કે તમે નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુ શા માટે વાપરો છો? દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકે ઉત્તર આપ્યો કે બે સાબુમાં હું ગુંચવાઈ જાઉં છું. આ વધારે સિમ્પલ છે ! 

એમણે બધું જ જર્મનમાં લખ્યું. અંત સુધી એમનું અંગ્રેજી સારું ન હતું. એમનાં યંત્રો બહુ સાદાં હતાં! એક કાગળનું પેડ અને પેન્સિલ. માથાની અંદર જ એમની લેબોરેટરી હતી. એ સરસ વાયોલિન વગાડતા હતાં. શેક્સપિયર, સોફોક્લેસ અને દોસ્તોવ્સ્કી એમના પ્રિય લેખક હતા. એમનો શોખ હતો ચાલવું, ચાલવું, ચાલવું ! નાની નાની રમતિયાળ કવિતાઓ કે જોડકણાં પણ ક્યારેય લખતા. જિંદગીને શક્ય એટલી સરળતાથી જીવતા - મહત્તાના વજન વિના! એ મોજાં પહેરતા નહીં. ઈશ્વરમાં માનતા નહીં. પણ કહેતા કે આ સૃષ્ટિ ચલાવનારો જુગારીની જેમ સૃષ્ટિ ચલાવતો નથી. એની પણ એક શિસ્ત છે. એક ઋતુ છે, એક પદ્ધત્તિ છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ડૉક્ટર વાઈઝમાનના અવસાન પછી  આઈન્સ્ટાઈનને ઈઝરાયલના રાષ્ટ્રપતિ બનવાની ઓફર આવી. એમણે શાંતિથી અસ્વીકાર કર્યો! એમનું ક્ષેત્ર વિજ્ઞાન હતું, રાષ્ટ્ર વિજ્ઞાન ન હતું. પોતાની યોગ્યતા નથી એ સમજવાની સમજદારી બહુ જ ઓછા મહાપુરુષોમાં હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનમાં હતી... 

એક વાર એમણે પોતાના બે માળના મકાન માટે લિફ્ટ ખરીદી લીધી કારણ કે જે માણસ વેચવા આવ્યો હતો એને એ ના પાડી શક્યા નહીં! રમૂજના શોખીન હતા, ખડખડાટ હસી શકતા, પણ વૈજ્ઞાનિકો સાથે એમને બહુ મજા આવતી નહીં. જર્મની છોડ્યું ત્યારે બર્લિનમાં એ એકસો પરિવારોને ગુપ્ત સહાય કરી રહ્યા હતા. "મારી જિંદગી બહુ સાદીસીધી છે અને એમાં કોઈને રસ પડે નહીં." આઈન્સ્ટાઈન કહેતા. 

પૈસાનો એમને કંટાળો હતો. એક વાર 1500 ડૉલરનો ચેક એમણે એક બુક-માર્ક તરીકે વાંચેલા પુસ્તકમાં ફસાવીને પછી પુસ્તક ખોઈ નાંખ્યું હતું! એક વાર એક મોટી મહેફિલમાં માત્ર પાયજામો પહેરીને ઘૂમી આવ્યા હતા ! ભારતના પ્રોફેસર સત્યેન બોઝના એક વૈજ્ઞાનિક શોધપત્રનો જર્મનમાં અનુવાદ પણ કરી આપ્યો હતો. પ્રોફેસર બોઝને ડૉક્ટરની પદવી ન હોવાથી ઢાકા યુનિવર્સિટીમાં નોકરી મળતી ન હતી. એમણે આઈન્સ્ટાઈનને પત્ર લખ્યો. 1925માં બોઝે એમની સાથે કામ કર્યું. આઈન્સ્ટાઈનને બહુ આશ્ચર્ય થયું. એમણે એટલું જ કહ્યું, "ગુડ હેવન્સ ! આ લોકોએ તમારું કંઈ જ વાંચ્યું નથી?" 

હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો - 1945ના ઓગસ્ટમાં! 1939માં આઈન્સ્ટાઈને અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને પત્ર લખ્યો હતો કે આવી શક્યતા છે. અણુનુ વિભાજન કરી શકાય. એ પત્રના પરિણામસ્વરૂપ અમેરિકાએ સંશોધન કર્યું. પછી એટમ બૉમ્બ બન્યો અને ફૂટ્યો! આખી દુનિયા આ સંહાર જોઈને ધ્રૂજી ગઈ ! એટમ બૉમ્બના જનક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ સાંભળીને માથું હલાવ્યું, "ઓહ! દુનિયા હજી તૈયાર નથી આને માટે..."

આ મહામાનવ ગાંધી જેવો નિર્મળ અને સાફદિલ હતો. રોજ એ ધીરે ધીરે પ્રિન્સટનના પોતાના ઈન્સ્ટિટ્યુટ તરફ ચાલતો ચાલતો જતો. ત્યાંના બગીચાના માળીની એક નાની છોકરી ઝાડ નીચે બેસીને લેસન કરતી. ગણિતના દાખલા ગણતી! એને એક દિવસ વર્ગમાં એક દોસ્તે કહ્યું કે પેલો બુઢ્ઢો કાકો છે ને એ દાખલા બહુ સરસ ગણે છે. બસ, પછી નાની છોકરીએ એક દિવસ બુઢ્ઢા કાકાને રોક્યા, અને કહ્યું : અંકલ, મારું હોમવર્ક પૂરું  કરી આપો! પ્રોફેસર આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને માળીની બેબી ઝાડ નીચે બેસીને હોમ-વર્ક કરવા માંડ્યાં. બેબીને મજા પડી ગઈ અને દિવસો સુધી આ ચાલ્યું. દુનિયાનો શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી એક અદના માળીની છોકરીને ગણિતના દાખલા સમજાવીને કરાવી આપતો! કેટલાય દિવસો પછી માળીને ખબર પડી કે એની છોકરી અને પ્રોફેસર સાહેબ દોસ્તો છે... 

(માઈક્રોસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)

(*લેખ લખાયાનું સંભવિત વર્ષ: 1979)

3 comments:

  1. હજુ વધારે આ ઓલિયા માટે લખ્યું હોત તો... એવું થયું.! :(

    ReplyDelete
  2. ખુબ જ મનપસંદ! અનહદ ગમ્યું! નગેન્દ્ર વિજય સાહેબે એમનાં સાપેક્ષવાદ પર પુસ્તક કર્યું છે પણ આવા અજાણ્યા પાસા બહું ઓછા ઉજાગર થયા છે, ફરી એક વાર બક્ષીને સલામ!

    ReplyDelete
  3. નગેન્દ્રદાદાએ આમ તો આઈન્સ્ટાઈન વિશે લખી શકાય એવી બધી વિગતો લખી જ નાખી છે. આઈન્સ્ટાઈનના જીવનચરિત્રમાં પણ આ બધી વાતોનો ઉલ્લેખ છે, પણ અહીં ચંદ્રકાંત બક્ષીની શૈલીને કારણે વાંચવાની મજા પડે છે.

    ReplyDelete