July 6, 2013

ધર્મ : ભગવાનને ઑવરટાઈમ કરાવવામાં હું માનતો નથી

પશ્ચિમની પ્રગતિનું એક કારણ એ હતું કે ત્યાં રેનેસોંસ અથવા પુનર્જાગૃતિકાળ આવી ગયો જ્યારે સીધાસાદા બાલ્યસુલભ પ્રશ્નો પૂછવામાં આવ્યા : લોહી લાલ કેમ હોય છે? દરેક પાંદડું લીલું શા માટે હોય છે? આકાશ નીલુ કે બ્લ્યૂ શા માટે હોય છે? પાણીનો રંગ કયો છે? હાડકાં સફેદ જ શા માટે હોય છે? આ પ્રશ્નોના ઉત્તરો શોધવામાં વિજ્ઞાન કામે લાગી ગયું, સિદ્ધાંતો પ્રતિપાદિત થતા ગયા, નવી વસ્તુઓનો આવિર્ભાવ થતો ગયો, અને યુરોપ બાકી વિશ્વથી આગળ નીકળી ગયું. આપણા લગભગ બધા જ પ્રમુખ ધર્મગ્રંથો પ્રશ્નો અને એમના ઉત્તરો રૂપે, સંવાદ રૂપે, આપણી સમક્ષ આવ્યા છે. પણ પછી આપણાં પ્રશ્નોપનિષદો ભૂંસાઈ ગયાં. અનુસંધાનનું સ્થાન શ્રદ્ધા અને શ્રદ્ધાનું સ્થાન અંધવિશ્વાસે લઈ લીધું. આપણા મહાત્માઓની વાણી, આપણા પરમપૂજ્ય ધર્મધુરંધરોના ચાતુર્ય, આપણી મનના દ્વાર બંધ કરી દેવાની બીકણ સલામતીભાવના... અને પ્રશ્નો પૂછીને સત્ય પ્રાપ્ત કરવાની વૃત્તિનો લોપ થતો ગયો. ધર્મ હવે માત્ર શ્રવણ કરવાનો વ્યાયામ બનતો ગયો. કથા, ઉદાહરણ, દોહા, શેર-ઓ-શાયરી પણ સાધુમહાત્માઓ મધ્યબુદ્ધિ સાંભળનારાઓ પર ફેંકતા ગયા, સાંભળનારાઓને ગદગદ થવા માટે બહુ ઓછા સામાનની જરૂર હતી. દંભ પર નમ્રતાનું લેમિનેશન બહુ સરસ લાગે છે. પણ પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસાને ઘૂંટી નાંખવામાં આવી. જ્યારે આપણે પ્રશ્નો પૂછતા હતા ત્યારે ઉપનિષદોનો જન્મ થયો, જ્યારે પશ્ચિમે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા ત્યારે રેનેસોંસ આવ્યો.

ધર્મ શું છે? પ્રશ્ન અત્યંત સરળ છે, અને અત્યંત કઠિન છે, અને માટે જ કોઈ સાધુબાવો આનો સંતર્પક ઉત્તર આપી શકતો નથી. ધર્મ શબ્દ બહુરૂપી, બહુઆયામી, બહુઅર્થી છે, મહાસમુદ્ર જેટલો વિશાળ છે, અને દરેક વ્યક્તિ પોતાનું વ્યક્તિગત અર્થઘટન કરી શકે એવો સમૃદ્ધ છે. વૃક્ષનો ધર્મ છે છાયા આપવી, સર્પનો ધર્મ છે દંશ મારવો, ગાયનો ધર્મ છે દૂધ આપવું, દુર્જનનો ધર્મ છે દગાબાજી કરવી. ધર્મનો વ્યાપ સ્વભાવ અને પ્રકૃતિથી શરૂ થાય છે અને આરોપિત સંદર્ભોના ધુમ્મસમાં ખોવાઈ જાય છે. સ્વધર્મે નિધનં શ્રેય... શ્રી ભગવાને ગીતામાં કહ્યું છે, બીજી તરફ અટલબિહારી વાજપેયી અને સુપ્રીમકોર્ટ ગુજરાતને રાજધર્મ આચરવાની સલાહ આપી દે છે, જે રાજધર્મની કોઈ વ્યાખ્યા સંવિધાનમાં નથી. મહાભારતમાં રાજધર્મ વિશે વિસ્તારથી ચર્ચા જરૂર છે, અને એ ચર્ચામાંથી ઘણાં અર્થઘટનો નીકળી શકે છે. પણ ધર્મ શું છે?

સ્ત્રીનો ધર્મ અને પુરુષનો ધર્મ જુદા છે, બાળકનો ધર્મ અને વૃદ્ધનો ધર્મ જુદા છે. સંસ્કૃત શબ્દ ધર્મની અનેક વ્યાખ્યાઓ અને અનેક ભાવાર્થો છે. ફરજ, જવાબદારી, સ્વભાવ, યોગ્યતા, દાયિત્વ જેવા ઘણા ભાવો ધર્મમાં આવી જાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ મને બૌદ્ધધર્મ કે બૌદ્ધવાદનું આકર્ષણ છે, વ્યવહારમાં મને ઈસ્લામનો યથાર્થ ગમે છે, હિંદુ ધર્મ એની સહસ્ત્રધારાઓમાં જીવનના દરેક ક્ષેત્રમાં વહેતો રહે છે, એ પ્રેરક છે અને ચાલક છે. જૈન ધર્મ પાસે શબ્દોનું જે બાહુલ્ય છે એ બહુ ઓછા ધર્મમાં છે. શીખ ધર્મ વીરત્વનો શ્વાસ લઈને આવે છે અને એ ધર્મમાં ઉપવાસ નથી! ખ્રિસ્તી ધર્મ લિબરલ છે. અનુકંપા અને અનુદાન પર ઊભો છે. હું ધર્મને અધ્યાત્મની હવાઈ ઊંચાઈ પર જોતો નથી, મારો ધર્મ મારા દૈનિક જીવનમાં પ્રતિધ્વનિત થવો જોઈએ. એ દ્રષ્ટિએ ઈસ્લામમાં શરીઅત માર્ગદર્શક બને છે, કેમ જીવવું, અન્યોની સાથે કેવો વ્યવહાર રાખવો, કેટલી ઈમાનદારી રાખવી, ભ્રાતૃત્વની કઈ કક્ષા રાખવી! 

હું ઘરમાંની કોઈ જૂની વસ્તુ વેચતો નથી, ચેરિટી કરી દઉં છું. જે જરૂરતમંદ છે, એને આપી દઉં છું. તદ્દન નવું ટીવી, જૂનું ફ્રિજ, ઘડિયાળો, બધું આ રીતે જ આપ્યું છે. બે વખત મેં મારા ઘરનું પૂરું ફર્નિચર આ રીતે આપી દીધું છે, અને એ વાતની પારાવાર ખુશી છે. જ્યાં તખતીઓ લગાવવી પડે છે એને હું ચેરિટી ગણતો નથી, ગુપ્ત દાન એ જ દાન હોય છે, જ્યાં ડાબા હાથને ખબર નથી કે જમણો હાથ શું કરી રહ્યો છે. દાન-અનુદાન શબ્દો પણ મને બહુ ગમતા નથી, અને સૌથી કનિષ્ઠ શબ્દ 'કન્યાદાન' છે, જેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ. જો મારે કંઈ આપવું છે તો હું એવા માણસોને જ આપું છું જે મારું કામ કરે છે, જેમનો મને પરિચય છે, જે જરૂરતમંદ છે એની મને ખબર છે. એવી વસ્તુ આપવી જોઈએ જેનો ઉપયોગ થઈ શકે. મારા કબાટમાં એક નવું શર્ટ પ્રવેશ કરે ત્યારે એક જૂના શર્ટે બહાર જવું જ જોઈએ, જે કોઈકના બદન પર પહેરાવું જ જોઈએ. કુરાનની બેત્રણ હિદાયતો મેં સ્વીકારી લીધી છે. માણસના ખમીસ પરનો પસીનો સુકાઈ જાય એ પહેલાં એનું મહેનતાણું આપી દો. અને બીજી વાત : જો કોઈથી અબોલા થયા હોય તો આઠ કલાક સુધી અબોલા રહ્યા પછી તમે એ માણસ પાસે જાઓ, અને વાત કરો. કેટલાક નિયમોને મેં જીવનમાં ધર્મનું સ્વરૂપ આપી દીધું છે. કિશોરાવસ્થાનાં છોકરાછોકરીઓ, જે મારાં સગાં છે, એમને હું કુરિયર દ્વારા પુસ્તકો મોકલું છું. એ કિશોરકિશોરીને એના નામનું પાર્સલ મળે છે ત્યારે જે આનંદ થાય છે એ હું કલ્પી શકું છું. કોઈને ઘેર પહેલીવાર હું જમવા જાઉં તો એ ઘરનાં બાળકો માટે બિસ્કિટ, ચોકલેટ, ટોફી જેવું હું અચૂક લઈ જાઉં છું, હૉસ્પિટલમાં કોઈની ખબર પૂછવા જવાનું હોય ત્યારે હું ખાલી હાથે જતો નથી, હંમેશાં એક કિલો કે અડધો કિલો ફળો લઈ જાઉં છું. અથવા ગુલદસ્તો હોય છે, જે હવે ઘણી હૉસ્પિટલોમાં બહાર જ લઈ લે છે. બે વખત હૉસ્પિટલમાં મારે ગંભીર કારણોસર રહેવું પડ્યું હતું, પણ મારે તકલીફ પડી નથી, સામાન્ય માણસો સામાન્ય રીતે સારા જ હોય છે એવો મને વિશ્વાસ છે.

મારે ઘેર કામ કરવા આવનાર બાઈ કે અન્ય કર્મચારીને ફ્રેશ, કડકડતી નોટો આપવાનો હું આગ્રહી છું, અમદાવાદમાં રિક્ષાવાળાને હું પરચૂરણની તંગીના દિવસોમાં 30 રૂપિયા થયા હોય તો પરચૂરણ જ આપતો હતો, જે હું મુંબઈથી લઈ જતો હતો. જો 18 રૂપિયા થયા હોય તો 20 રૂપિયા આપી દેવા એ સામાન્ય સૌજન્ય છે, દુનિયાભરમાં આપણે ટીપ આપતા જ હોઈએ છીએ. ક્રીમ કે વેસેલીન કે તેલની મીનીએચર નાની બૉટલો હું ભેગી કરી રાખું છું અને બચ્ચાંઓને ભેટ આપતો રહું છું, એમને ખુશ જોઈને મને ખુશી થાય છે. નાની નાની વસ્તુઓથી જો ખુશી 'આપી' શકાતી હોય તો મને એ ગમે છે. આ ચેરિટી કે અનુદાન નથી, આ મને ગમે છે, માટે હું કરું છું. સુખી થવાની બાબતમાં, પ્રસન્નતાની બાબતમાં હું સ્વાર્થી છું. હું જે કરું એમાં મને આનંદ આવવો જોઈએ એ પ્રથમ શર્ત છે, બીજાને આવતો આનંદ આનુષંગિક છે.

ધર્મ શું છે? દૈનિક વ્યવહારમાં ઈમાનદારી, નિર્દંભતા, ખુશદિલી, મસ્તી... આ મારો 'ધર્મ' છે ! જિંદગી ખાલીખાલી લંબાવ્યે રાખવી, એ બેમતલબ છે. જો જીવનમાં લીધું છે ઓછું, અને આપ્યું છે વધારે, તો મૌતનું વજન પીંછા જેટલું લાગશે. ભગવાનને ઑવરટાઈમ કરાવવામાં હું માનતો નથી. ધર્મો રક્ષતિ રક્ષિત : ! 

(અભિયાન : જુલાઈ, 31, 2004) 

(વિવિધ ગુજરાત)

No comments:

Post a Comment