July 8, 2013

સેક્સ : વિજ્ઞાનની ટેસ્ટટ્યૂબ, કાનૂનનું ત્રાજવું

હંગેરીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એક નિષ્કર્ષ કાઢ્યો છે કે મોબાઈલ ફોનનું રેડીએશન નરના પુરુષત્વ પર નકારાત્મક અસર કરી શકે છે. સંશોધકોએ પુરુષોના પેન્ટનાં ખિસ્સાંઓમાં હેન્ડસેટ મુકાવીને ટ્રાયલ લીધી તો પરિણામ એ મળ્યું કે અન્ય પુરુષો કરતાં પેન્ટના પોકેટમાં રાખેલા હેન્ડસેટવાળા પુરુષોના જીવંત સ્પર્મ અથવા વીર્યકણો 1/3 ઓછા હતા. ગરમી વીર્યોત્પત્તિ પર નેગેટિવ અસર કરે છે. અન્ય એક અભ્યાસ લેપ-ટોપ વિશે થયો. જે લેપટોપ 70 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમીમાં ચાલતાં હોય અને ગોઠણો પર રાખીને વપરાતાં હોય એનાથી સ્ક્રોટમ ગરમાતું રહે છે અને તેને લીધે વીર્યની ઉત્પત્તિ ઓછી થતી જાય છે. વિજ્ઞાનની નવી શોધો અને યંત્રોથી આપણે ચકાચૌંધ થઈ ગયા છીએ, પણ આ પ્રકારનાં સંશોધનો આપણે ત્યાં થતાં નથી, કદાચ આંતરરાષ્ટ્રીય મલ્ટિનેશનલ કંપનીઓ આવું બધું કરવા દેતી નથી કારણ કે એનાથી એમના વિરાટ માર્કેટ પર કુઅસર થાય છે. સંશોધન વિષેના આ સમાચાર લંડનના 'ટાઈમ્સ' દૈનિકની માર્ચ 5, 2005ની 'બોડી ઍન્ડ સોલ' (શરીર અને આત્મા) નામની અત્યંત માહિતીસભર પૂર્તિમાં છપાયા હતા. 

સ્ત્રીઓને ગર્ભ રહે એ માટે આહારથી આસનો સુધીની વિશદ ચર્ચા તજજ્ઞોએ કરી છે. આપણા સમાજમાં આટલું ખુલાપણું નથી, સેક્સ કે ગર્ભાધાન જેવા વિષયો અંધારું કરીને સંતાડવાના વિષયો છે. લંડનનું 'ટાઈમ્સ' દૈનિક ઈંગ્લંડનું કદાચ સૌથી રૂઢિચુસ્ત અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચારપત્ર છે, પણ આવા વિષય પર એ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી શકે છે. ગર્ભાધાન થતાં પહેલાંની પ્રક્રિયા સર્જનહારની કમાલ બતાવે છે. એક સામાન્ય પુરુષ વીર્યપાત વખતે 5 એમ.એલ. એટલે કે એક ટી-સ્પુનફુલ વીર્ય છોડી શકે છે, જેમાં 10થી 30 કરોડ સ્પર્મ કે શુક્રાણુઓ હોય છે. આમાંથી 1 લાખથી ઓછા શુક્રાણી સર્વીક્ષ કે યોનિમુખ દ્વારા અંદર પ્રવેશ કરી શકે છે. ગર્ભાશયમાં ફેલોપીઅન ટ્યૂબ સુધી માત્ર 200 શુક્રાણુ પહોંચી શકે છે અને સ્ત્રીના રજ અથવા ઈંડાને એક જ શુક્રાણુ ભેદી શકે છે ! છોકરાઓ પ્યુબર્ટી કે વય: સંધિકાળમાં આવે છે ત્યારે એક સેકન્ડના 1500 શુક્રાણુઓ પૈદા થતા જાય છે. પ્રત્યેક શુક્રાણુ 72 કલાક સુધી જીવી શકે છે.

સ્ત્રીના શરીરમાં કઈ પ્રક્રિયા ચાલતી હોય છે? સ્ત્રી 30 લાખ ઈંડા કે એગ્ઝ સાથે જન્મે છે અને રજસ્વલા થાય છે ત્યારે લગભગ 4 લાખ ઈંડા રહ્યાં હોય છે. આમાંથી થોડાં જ ઈંડા વિકસિત થાય છે અને એક સ્ત્રી એના સર્જનાત્મક કાલખંડમાં 400 કે એથી ઓછાં ઈંડા છોડી શકે છે. ફેલોપીઅન ટ્યૂબોના બંને સિટાઓ પર બે ઓવરીઝમાં હજારો ઈંડાઓ રહેલાં હોય છે. દર મહિને લગભગ 20 ઈંડા છૂટવા માટે પ્રયત્નશીલ હોય છે, પણ એક જ સશક્ત ઈંડું પુખ્ત થઈને છૂટે છે, બાકીનાં સુકાઈ જાય છે અને નાશ પામે છે. આ પુખ્ત ઈંડાંની ગર્ભાશયની દીવાલ પર ચોંટી જવાની એક પૂરી પ્રક્રિયા છે. પુખ્ત ઈંડું એક જ શુક્રાણુને લઈ શકે છે. અને બાકીના બધા જ શુક્રાણુને રોકી શકે છે. કરોડો શુક્રાણુઓ અને લાખો ઈંડાંઓમાંથી માત્ર એક જ શુક્રાણુ અને એક જ ઈંડું આ જબરદસ્ત સર્જનલીલાને ચાલુ રાખે છે ! પ્રકૃતિમાં કેવી ભયાનક હિંસાલીલા છે, પ્રકૃતિ મૂલત: કેટલી વિનાશક છે એ સમજવા માટે ધર્મ નહીં પણ વિજ્ઞાન જ કામ આવે છે. સૌથી સશક્ત શુક્રાણુ જ ઈંડાંને ભેદે છે અને જ્યારે એ શુક્રાણુ ઈંડાંમાં પ્રવેશ કરે છે ત્યારે શુક્રાણુની પૂંછડી, જેને લીધે એ અહીં સુધી તરતું-વહેતું આવી શક્યું છે, બહાર રહી જાય છે, અને આપોઆપ ખરી પડે છે. એક દીવાલ ઊભી થઈ જાય છે જે બીજા કોઈ શુક્રાણુને પ્રવેશવા દેતી નથી.

પશ્ચિમી વિજ્ઞાનવેત્તાઓ સંભોગ જેવી એક સમાધિકેન્દ્રીય ક્રિયાને પણ ઠંડા આંકડાઓમાં ઢાળી શકે છે. યુડીશ મેક્કે એક વિશેષજ્ઞ છે, અને એણે એક પુસ્તક લખ્યું છે : 'એટલાસ ઓફ હ્યુમન સેક્સ્યુઅલ બિહેવિયર' અથવા મનુષ્યની જિન્સી વૃત્તિનો નક્શો! લેખિકા આ પુસ્તકમાં આંકડા આપે છે. પૃથ્વી પર મનુષ્યોમાં પ્રતિ દિવસ 12 કરોડ સંભોગ થાય છે, જેના પરિણામે 9 લાખ 10 હજાર ગર્ભાધાન ગર્ભાધાન થાય છે, અને 4 લાખ પ્રસવ થાય છે. ડૉક્ટર ટોમસ સ્ટટફોર્ડ મનુષ્ય નારીની યોનિની રચના સમજાવતાં લખે છે કે યોનિ એક સ્થિતિસ્થાપક અવયવ છે જે પ્રસવ થઈ રહેલા શિશુના માથાને બહાર આવવા દેવા માટે ખેંચાઈને ખૂલી શકે છે. ફળદ્રુપતાના પ્રાચીન ગ્રીક દેવતા પ્રિયેપસના શિશ્નનું ડાયામિટર પણ આટલું ન હતું. યોનિ અને શિશ્નના કદ વિશે બજારોમાં માત્ર અફવાઓ ચાલતી રહેતી હોય છે...

સેક્સના સંબંધોમાં પરિવર્તન આવતાં સૌથી પ્રથમ અને મૂલાધાર અસર સમાજ પર પડે છે. જે સરકારો સતર્ક છે એ આ પરિવર્તનને અનુરૂપ કાનૂની ફેરફારો કરતી રહે છે. પશ્ચિમમાં 'સનસેટ લોઝ' નામની કાનૂની લક્ષ્મણરેખા છે, એટલે કે અમુક સમય પછી એ કાયદો આથમી જાય છે અથવા એના પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. જે ગઈકાલ સુધી ગૈરકાનૂની કે અવૈધ કે અનૈતિક હતું એ આજે બદલાયેલા સમાજ માટે અસ્વીકાર્ય રહ્યું નથી. લંડનના દૈનિક 'ટાઈમ્સ' પત્રના ઑક્ટૉબર 18, 2003માં આ વિશે રૂપરેખા આપવામાં આવી હતી. વિભિન્ન વિષયોના સેક્સ-કાયદાઓમાં પરિવર્તન લાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લઈ લીધો હતો. એક જમાનામાં કરારનામાઓ અને કાનૂનપત્રોમાં 'હસબન્ડ' અને 'વાઈફ' શબ્દો વપરાતા હતા, પછી 'સ્પાઉઝ' શબ્દ વપરાતો થયો, આજે માત્ર 'કમ્પેનીઅન' શબ્દ વપરાય છે. કમ્પેનીઅન એટલે મિત્ર, સુહૃદ, સાથી. સ્ત્રી અને પુરુષ પતિપત્ની જ હોય એવું કાનૂનનું માનવું નથી, અને કાનૂન ત્યાં સુધી આવીને અટકી જાય છે. એક પુરુષ અને એક સ્ત્રીના વ્યક્તિગત સંબંધો પ્રકાશિત કરવા કાનૂનને માટે આવશ્યક નથી.

બ્રિટિશ પાર્લમેન્ટ બ્રિટનના સેક્સ કાયદાઓમાં ફેરફાર કરીને એમને આજના જિવાતા જીવન સાથે સુસંગત અને પ્રસ્તુત બનાવવા માગે છે. સેક્સ વિષયક કાયદાઓ 19મી સદીના છે, રાણી વિક્ટોરીઆના જમાનાના છે. નવું 'સેક્સ્યુઅલ ઓફેન્સીસ બિલ' ખાનગી જીવનોમાં ફોજદારી કાનૂનના હસ્તક્ષેપને સીમિત રાખવાનો પ્રયાસ છે. એક આશય બાળકો અને કિશોર-કિશોરીઓને રક્ષા આપવાનો છે.

રેપના કાનૂનમાં ફેરફાર કરીને અત્યાચારની વ્યાખ્યામાં મૌખિક પ્રવેશનો પણ સમાવેશ કરી લેવાયો છે. આ કાનૂનનામાં 13 વર્ષ કે નીચેનાં બાળકો સાથે યૌનાચાર માટે અધિકતમ સજા આજીવન કૈદની છે. કોઈપણ પ્રકારનો બળાત પ્રવેશ હવે ગુન્હાહિત પ્રવૃત્તિ ગણાય છે, અને એને માટે સજા આજીવન કૈદની છે. ઈનસેસ્ટ અત્યાર સુધી માત્ર ભાઈ તથા બહેન વચ્ચેના યૌન સંબંધ માટે વપરાતો શબ્દ હતો. હવે ઈનસેસ્ટને બદલે ફેમિલી સેક્સ-એબ્યુઝ શબ્દપ્રયોગ થાય છે અને એમાં બાળકોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સજા 14 વર્ષની છે. લાશની સાથે યૌનસંબંધ રાખનાર માટે પણ બે વર્ષની સજા છે. જો કોઈ મકાનમાલિક પોતાના ભાડૂઆતને સંતાઈને કપડાં બદલતાં કે સમાગમ કરતાં જુએ અથવા કોઈ સ્ટોરમાં કપડાં બદલતી વ્યક્તિને આ રીતે 'પીપહોલ'માંથી જોયા કરે તો અધિકતમ બે વર્ષની સજાની વ્યવસ્થા નવા કાનૂનમાં છે. સૌથી મોટું પરિવર્તન 'ગે સેક્સ ક્રાઈમ્સ'ના ક્ષેત્રમાં લાવવામાં આવ્યું છે. અત્યાર સુધી પુરુષ અને પુરુષ વચ્ચેના લૈંગિક સંબંધો ગુનાના પરિઘમાં આવી જતા હતા અને સજાને પાત્ર હતા. હવે આ કાનૂન ઉઠાવી લેવાયો છે, અને બગરીથી ગે-સેક્સ સુધી ઘણીબધી તથાકથિત સમલિંગી હરકતોને મુક્ત કરવામાં આવી છે. કાનૂન હવે પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી અને સ્ત્રી વચ્ચે લગ્ન બાકાયદા સ્વીકારે છે અને આવાં લગ્નોને વૈધ મંજૂરી આપે છે.

એક મુક્ત સમાજ વધારે મુક્ત, સ્વતંત્ર કુટુંબ વધારે સ્વતંત્ર અને કેટલાકને ભય છે કે સ્વચ્છંદી વ્યક્તિ વધારે સ્વચ્છંદી બની જાય એવી કાનૂનરચના આકાર લઈ રહી છે. બીજી તરફ સ્પષ્ટ અભિગમ છે કે પેઢીઓ અને પરિવેશો બદલાઈ ગયા છે, ત્યારે વિક્ટોરીઅન જમાનાની જેમ જાજમની નીચે સરકાવીને મૂલ્યનિષ્ઠ નૈતિકતાને સંતાડવી હાનિકારક છે. સર્જનહારને પૃથ્વીના ભવિષ્યમાં શ્રદ્ધા હતી માટે એણે જીવસૃષ્ટિના અબજો જીવોમાં બે સેક્સોનું સર્જન કર્યું હશે...!

(યાર બાદશાહો...)

No comments:

Post a Comment