July 8, 2013

મેન ઑફ ધ મેચ : સટોડીઓ !

કાર્લ માર્ક્સે લખ્યું હતું કે, ધર્મ એ લોકોનું અફીણ છે ! હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે. ક્રિકેટ એ હિંદુસ્તાનમાં રમત નથી, એક ઉદ્યોગ છે. આખો દેશ એક પ્રચંડ જુગારખાનામાં ફેરવાઈ જાય છે, જે અવૈધ છે, ભૂગર્ભી ધંધો છે. સટોડિયા અને બુકી અને પન્ટર અને ટાઉટ જેવા શબ્દો છાપાઓનાં પાનાંઓ પર ઉછાળતા રહેવાની પ્રવૃત્તિ છે. સરકાર સિવાય આખા દેશના 8 વર્ષથી 88 વર્ષ સુધીના હિંદુસ્તાનીને ખબર છે કે ક્રિકેટની પાછળ મેચોનાં પરિણામો બેટ્સમેન અને બૉલર કે એમ્પાયર નક્કી કરતા નથી, એ પરિણામો શું, કેવાં, ક્યારે લાવવાં એ સટોડિયાઓની સિન્ડિકેટો નક્કી કરે છે. આપણું કામ દેશપ્રેમીઓ તરીકે તાળીઓ પાડતા રહેવાનું છે, અને ટીવીનો કેમેરા આપણા તરફ ફરી રહ્યો છે એવી ખબર પડે એટલે ઠેકડા અને ભૂસ્કા મારતા મારતા ચિચિયારીઓ પાડવાનું છે. ઘરમાં ટીવીની સામે પગ લંબાવીને બેઠેલી જાડી સ્ત્રીઓને ઊછળકૂદ કરતી જોવાની પણ યારો, એક મજા છે! એક ઓરતે ટેસ્ટમેચ ગંભીરતાથી જોઈ રહેલા મર્દોને સાંત્વન આપતાં કહ્યું : હજી તો ત્રીજી ઈનિંગ બાકી છે... ! જ્ઞાનપ્રાપ્તિ માટે આપણી કોઈ પણ ઉંમર નાની નથી હોતી.

જો સરકાર ક્રિકેટનો જુગાર રોકી ન શકતી હોય તો ક્રિકેટના જુગારને કાયદેસર બનાવી દેવો જોઈએ, જે રીતે ઘોડાની રેસ આ દેશમાં કાયદેસર છે. ઈંગ્લંડમાં રેસો દોડે છે. (ઘોડાની અને કૂતરાંની) અને તમે ફોન પર કે ટીવી પર જોતાં જોતાં દાવ લગાવીને રમી શકો છો. ઈંગ્લંડમાં ઘણી બધી બાબતો પર કાયદેસર બેટીંગ (Betting) કરી શકાય છે, અને એ માટે દુકાનો કે કંપનીની ઑફિસો હોય છે. બધું જ કાયદેસર છે અને સરકારને ભરપૂર કર મળતો રહે છે. માન્ચેસ્ટર યુનાઈટેડ વિરુદ્ધ એસી મિલાનની ફૂટબોલ મેચમાં કોણ જીતશે? આયરલેન્ડ વિરુદ્ધ ફ્રાંસની રગ્બીની મેચ છે, હાફ ટાઈમનું પરિણામ 15-6નું હતું, ફ્રાંસ જીતશે? ઈમ્પીરીયલ કપની બે માઈલ 1/2 ફર્લોંગની રેસમાં 'બોલ્ડ બિશપ' ઘોડા પર કે 'હોટ શોટ્સ' ઘોડા પર લગાવશો? માત્ર રમતોની જ નહીં, તમે ઘણા પ્રકારની બેટ રમી શકો છો. ઈંગ્લંડની જુગાર માટેની સૌથી પ્રસિદ્ધ કંપની લેડબ્રોક્સ ગણાય છે, જેની શાખાઓ દેશભરમાં છે. બીજી મોટી જુગાર કંપની વિલીઅમ હિલ છે. ફોન પર, વેબસાઈટ પર અથવા દુકાન પર જઈને તમે કાનૂનન જુગાર રમી શકો છો, અને લાખો માણસો રમે છે. લેડબ્રોક્સ પાસે જાતજાતની સેંકડો બીડ્ઝ આવી હતી : નવો પોપ કોણ થશે? (જે આ જુગાર કંપનીએ નૈતિક કારણોસર સ્વીકારી નહીં) હિલ્સ પાસે બીડ્ઝ આવે છે : લંડન ઓલિમ્પિક રમતો માટે પસંદ કરાશે? ઈંગ્લંડમાં ટોરી પક્ષને કેટલા ટકા સમર્થન મળશે? ફૂટબોલ ટીમનો અમુક મેનેજર કેટલો સમય ટકશે? અને આપણે માટે આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લંડમાં ક્રિકેટ માટે જુગાર પ્રમાણમાં ઘણો જ ઓછો રમાય છે ! વધારેમાં વધારે પાઉંડનો સટ્ટો ફૂટબોલ પર થાય છે.

ક્રિકેટપ્રેમીઓ નેગેટિવ તર્ક કરી શકે છે કે ક્રિકેટ રમતા કોઈ પ્રમુખ દેશમાં સટ્ટો કાયદેસર નથી, તો પછી હિંદુસ્તાનમાં શા માટે ક્રિકેટનો સટ્ટો કાનૂનન કરવો? જગતના ક્રિકેટ રમતા દેશોમાં ઈંડિયા જેટલો ક્રિકેટસટ્ટો ક્યાંય નથી. ઑસ્ટ્રેલિયા કે ઈંગ્લંડનો પ્લેયર, અને આ બાબતમાં વેસ્ટ ઈંડિઝ કે દક્ષિણ આફ્રિકાનો ખેલાડી (હાન્સી ક્રોન્યેના અપવાદને બાદ કરતાં), માત્ર પૈસા માટે દેશને હારવા દે એવું ભાગ્યે જ બને છે, અને અથવા બનતું નથી. ત્યાં મેચો આટલી નફ્ફટ રીતે 'ફિક્સ' થતી નથી. જેટલી હિંદુસ્તાનમાં ખુલ્લેઆમ થાય છે. આપણે ત્યાં મેચ-ફિક્સીંગ લગભગ દેશદ્રોહ અને નમકહરામીની નિમ્નતમ કક્ષાએ પહોંચી ગયું હતું એનો આપણને પર્યાપ્ત અનુભવ છે. સટોડીઆઓ જો રમતમાં પરિણામો નક્કી કરતા હોય અને કરોડોના સટ્ટા સતત ખેલાતા રહેતા હોય તો સટ્ટો કાયદેસરનો કરી નાખવો જોઈએ, અને ઈંગ્લંડની લેડબ્રોક્સ કે હિલ જેવી કંપનીઓની જેમ આપણે ત્યાં કંપનીઓને જુગારની બીડ લેવાનાં લાઈસન્સ આપી દેવાં જોઈએ, કે જેથી જનતાને જાહેરમાં ખબર પડે કે, કયા પક્ષનો શું ભાવ ચાલી રહ્યો છે. આમાં સટ્ટો પારદર્શક બનશે. 

ફૂટબોલમાં બદમાશી કરવાનો અવકાશ ઘણો ઓછો છે, ક્રિકેટમાં રમતને જે તરફ ગબડાવવી હોય તે તરફ ગબડાવવાનો અવકાશ ઘણો વધારે છે. વિશ્વનો શ્રેષ્ઠ ગણાતો બેટ્સમેન 98 રને પોતાની વિકેટ આપી શકે છે, અને ખુશ થતો થતો પેવેલિયન તરફ જઈ શકે છે. કેચ છોડી શકાય છે, આઉટ ન હોય છતાં પણ એલ.બી.ડબલ્યુ. આપી શકાય છે. જે બોલરને રમી શકાતો નથી એની પાસેથી એકાએક બોલિંગ લઈને બીજા કમજોર બોલરને બોલિંગ આપી શકાય છે. સટોડિયાઓને ઈશારે મેચને હરાવી, જિતાડી શકાય છે. મેચો એવી રીતે રમાડવામાં આવે છે કે, હિંદુસ્તાન અને પાકિસ્તાન બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ ખુશ રહે, સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને કરોડોનો ગલ્લો મળતો રહે, અને અમન અને ચમન બંનેને સંપૂર્ણ ન્યાય અપાય ! મારી દ્રષ્ટિએ દરેક વન-ડે મેચ પછી 'મેન ઓફ ધ મેચ'નો ચંદ્રક સટોડિયા ભાઈને પ્રદાન કરવો જોઈએ... સટોડિયા ભાઈઓએ ભારતીય ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં જે યોગદાન આપ્યું છે એની નોંધ ન લઈને આપણે એમને ઘોર અન્યાય કર્યો છે.

ક્રિકેટની રમત બદલાઈ ગઈ છે, રમનારાઓમાં પરિવર્તન આવ્યું છે એમ જોનારાઓમાં પણ પરિવર્તન આવી ગયું છે. હવે ક્રિકેટની મેચ જોવી હોય તો હાથમાં મોબાઈલ-ફોન હોવો જોઈએ. એનાથી બેસવામાં, ઊભા રહેવામાં, ચાલવામાં ટેકો રહે છે અને ક્રિકેટ જોવાની હિમ્મત વધે છે. 'બેઢબ' બનારસીએ એક વાર લખ્યું હતું કે, મુશાયરામાં શાયરની ગઝલનો મિસરો સાંભળીને (કે સાંભળ્યા પહેલાં) વાહ... વાહ... મુકર્રર ઈર્શાદ... જેવા બુલંદ અવાજોને મિસરાનો અર્થ સમજવા સાથે નિસ્બત નથી, એવા અવાજો કરતા રહેવાથી શાયરની હૌંસલા અફઝાઈ થાય છે, શાયરની હિમ્મત વધે છે, અને ઉર્દૂ ગઝલની ખિદમત થાય છે. સ્ટેડિયમમાં પણ સટોડિયા જેવું મોઢું કરીને બાજુવાળા સાથે કાનાફૂસી કરતા કરતા, મોબાઈલ ફોનના નંબરો દબાવતા રહેવાથી ભારતીય ક્રિકેટની સેવા થાય છે. આજકાલ હવે ટીમો જીતતી નથી, ક્રિકેટ જીતે છે.

(પડાવ અને મંઝિલ)

No comments:

Post a Comment