દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં 11 ફેબ્રુઆરી 2015નાં રોજ પ્રગટ થયેલો શ્રી મધુ રાયનો લેખ:
કવિવર અને ગઝલપ્રવર રા.રા. શ્રી અનિલ જોષી સરની આગેવાનીમાં બરસોં પહેલે બમ્બઈમાં એક પર્વ ગોઠવાયેલું–– અમેરિકાથી આવેલા એક લલ્લુ નાટકકારને અભિનંદવા. એમાં અલબત્ત રા.રા. ચંદ્રકાંત બક્ષીને પણ નિમંત્રેલા જ્યાં ભરી સભામાં બક્ષી સાહેબે ઘોષેલું કે જેણે માંડ ચાર ચોપડી લખી છે એવા આ માઇનોર રાઇટરને આવાં સન્માન આપો છો? સન્માન મને આપો, મને જુઓ મેં ૧૧૬ ચોપડીઓ લખી છે ને મને સાત ભાષા આવડે છે, ને હું મેરેથોન દોડવીર છું ને મારા ઘરે કલર ટીવી છે.
ઓક્કે કલર ટીવીની વાત અમે ઉમેરેલી છે, પણ બાકીની વાત સાચી છે. તે પછી બક્ષીએ એક છાપામાં છપાવેલું કે પોતે મરશે ત્યારે સ્વર્ગમાં જઈને ઇન્દ્રની આંખમાં ભાલો મારી દેશે. બક્ષીની આવી અગણિત વાતો છે, અને છેલ્લે છેલ્લે બક્ષીનો એ હુંકાર, એ અહંકાર ગામની ઠિઠૌલીનો વિષય બનવા માંડેલો જેથી બક્ષી સ્વયં ‘સેલ્ફ પેરોડી’નું પાત્ર બની ગયેલા. પોપ સાઇકોલોજિસ્ટો કહેતા કે ચંદ્રકાંત વચેટ ભાઈ હતા તેથી ‘સેકન્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ’ના કારણે આવા જાતપ્રશસ્તિના બરાડા પાડે છે; અથવા હાઇટ નાની ને મોંએ ચેચકના દાગની જાતભોંઠપથી બક્ષી દુગુના જોસથી પોતે સતત સવાયા હોવાની નોબત વગાડ્યા કરે છે.
પોપ સાઇકોલોજિસ્ટો બેઠા તેમના ઘરે. બક્ષી એમ એક વાક્યમાં ઉકેલી શકાય એવી ‘પહેલી’ નહોતા. બક્ષી અઠંગ વાચક હતા, જે વિશ્વસાહિત્યના ભ્રમર હતા. ફક્ત અમેરિકન કે યુરોપીયન નહીં, સામ્યવાદી બ્લોકનું, ચીન, જાપાન, મલાયા, ફિલિપીન્સ, આફ્રિકા વગેરે દેશદેશાવરના લેખકોથી તેમનો માનસિક અસબાબ રચાયો હતો. જે સમયે ગુજરાતી સાહિત્ય ‘બળદનાં પૂંછડાં આમળતું હતું અને નવલકથાઓમાં “જેમાં કાકે પિસાબ કર્યો” જેવાં શીર્ષક આવતાં હતાં ત્યારે’ બક્ષી મરઘીની ટાંગ પકડીને બીડી પીતા ડોક મજદૂરો ને સ્મગલરોની વાર્તાઓ સાથે પેશ થયા. બક્ષીની વાર્તાઓમાં ઔરતો લૂંગી પહેરતી અને દિલ ફાડીને પ્યાર કરતી વખતે ‘માછલીની જેમ તરફડતી.’ વાચકને સુરુચિભંગના આંચકા આપવાનો બક્ષીને ઇશક હતો. ફક્ત ફિક્શનની જ નહીં, બક્ષીનાં માહિતી પુસ્તકો ફક્ત સંખ્યા જ નહીં સત્ત્વથી પણ છલોછલ છે. લખતાં પહેલાં બક્ષી શિસ્તબદ્ધ રિસર્ચ કરતા. તે સમયે ‘ગૂગલ’ નહોતું, ઘરલેસન માટે ચંપલનાં ચામડાં ઘસવા પડતાં. જોનારની ટોપી પડી જાય એવી ગદ્યની ઊંચી ઇમારતો રચી શકનાર બક્ષી ભલભલા તિસમારખાંની ચામડી ચચરી જાય એવું લખતા. તેમના વાચકો કહેતા કે એકલા હાથે બહારવટે નીકળ્યો છે આ જણ!
ગુજરાતી સાહિત્યના આ એક સર્વોચ્ચ ગદ્યલેખકે સૌથી વધુ હાનિ સ્વયં પોતાની કરી છે એ આપણા સાહિત્યની એક વ્યાજોક્તિ છે, મીન્સ કે ‘આયરની’ છે. આ લખનાર નિર્વિવાદપણે માને છે કે ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યના અનન્ય ગદ્યલેખક હતા, તીખા કર્મશીલ કટારલેખક હતા, અને ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર ને સંભવત: પાકશાસ્ત્ર આણિ કોકશાસ્ત્રના હૌ પ્રકાંડ વિદ્વાન હતા. એમની મહાનતા એમની પોતાની બડાશખોરીથી ઢંકાઈ ગઈ છે, ને તોયે ગુજરાતમાં બક્ષીના વાચકો ને પ્રશંસકો લાખો કે કદાચ કરોડો છે. એનો જાત અનુભવ ગગનવાલાને કાયમ થતો આવ્યો છે કેમકે બક્ષી ગણપતિ હોય ને ગગનવાલા તેનું વાહન હોય તેમ બક્ષીભક્તો ગગનવાલાના ખમીસના બટણ સાથે રમત કરતાં કરતાં કહેતા હોય છે, ગગનવાલા, તમારું લખાણ બી ઓક્કે છે, પણ બક્ષી એટલે બક્ષી!
એવી બીજી આયરની છે, તે એ કે એવા અહંકારથી ઇઠલાતા ને બલ ખાતા બક્ષીની જીવનીનું નાટક લખે એક તદ્દન ‘અપોઝિટ’ પ્રકૃતિના, શરમાળ, ધીમાબોલા રા. રા. શ્રી રામાવત! ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના ધ્વજ હેઠળ જોવા મળેલ મનોજ શાહ દિગ્દર્શિત એકોક્તિ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’માં એવું ચબરાક લખાણ છે કે પહેલી ત્રણ મિનિટમાં જ બક્ષી તરીકે અભિનેતા પ્રતીક ગાંધી દર્શકોની નબ્ઝ પકડી લે છે. સેટ ઉપર સીડી છે, અમસ્તી, જેના છેલ્લા પગથિયે બેસીને બક્ષી ઉચ્ચારે છે કે મને અહીં જ વધુ ફાવે છે. સાહિત્ય જગતમાં કે આખા જગતમાં મારા જેવો શ્રેષ્ઠ લેખક કોઈ નથી. વગેરે. સીડીના આવા સ્થૂળ પ્રતીકથી દર્શક કદાચ અકળાય પરંતુ બક્ષી પોતાની ઉંચાઈની બાબતમાં કદી ‘સટલ’ યાને સૂક્ષ્મ નહોતા. બક્ષીની અસ્ખલિત આત્મરતિ કદાચ અમુક મિનિટો પછી ખલવા માંડે; જાણકારોને થાય કે ‘લેખક’ સિવાયની બક્ષીની બીજી બાજુઓની ઝાંકી ક્યાં? એક યાર તરીકે બક્ષી છ છ કલાક સુધી તમને ભાંગના પિયાલા પાતા હોય તેમ ઝુમાવી શકતા તેનું શું? પોતાનાં લખાણોમાં શી ખબર શાથી હ્યુમરથી દૂર રહેતા, પણ બક્ષીબાબુ પૈની જુબાનથી તમને ખિલખિલ હસાવી શકતા તેની કોઈ મિસાલ નહીં? રાજદ્વારી ચળવળકારી તરીકે બક્ષીનું પ્રદાન અને રાજપુરુષો સાથે તેમની ઉઠકબેઠકનો એકાદ સીન ભી નહીં? નાટકમાં જે છે તે બક્ષીની જાંઘ ઉપર થાપા સાથે જાતવડાઈની એકોક્તિઓની વચ્ચે વચ્ચે પરોવેલા બક્ષીનામા–માંના પ્રસંગો. ફિર ભી બહોત ખૂબ, પ્રતીક મિયાં, શિશિર મિયાં, મનોજ મિયાં!
કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે જે માણસ પોતાના પ્રેમમાં હોય તેને કોઈ હરીફ નથી હોતો. બક્ષીબાબુ ઇન્દ્રની આંખ ફોડે કે ન ફોડે પણ એમણે આ ડાહ્યોક્તિ ખોટી પાડી છે. બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે. ગગનવાલાએ એ વાત સ્વીકારી લીધી છે કે આજીવન તે બક્ષીના જૂનિયર દોસ્ત તરીકે ઓળખાશે. એક રીતે જુઓ તો એ બેડ થિંગ કહેવાય; પણ બીજી રીતે તે ગુડ થિંગ પણ છે કેમ કે બક્ષીની પાસે ઊભો એટલે ગગનવાલા હો કે મગનલાલા કે એક્સવાયઝાલા હો, માણસ તરીકે તમે બક્ષીથી બેટર જ લાગો! જય સોનાગાછિ!
No comments:
Post a Comment