બેટા, બેટી, જમાઈ વગેરે ભારતવર્ષમાં જેટલી દેશ-સેવા કરે છે એટલી જગતભરમાં ક્યાંય કરતાં નથી. જગતનાં શ્રેષ્ઠ રાજનીતિક બેટા, બેટી, જમાઈઓ આપણે પેદા કરીએ છીએ. રામમોહન રાય આધુનિક ભારતના ભારતના પિતામહ ગણાય છે. રાજ રામમોહન રાયે પણ એમના સુપુત્ર રામપ્રસાદને રાજકારણ માટે તૈયાર કર્યો હતો અને બંગાળ ગવર્નરની કાઉન્સિલ માટે 1862માં અન્ય ત્રણ હિંદુસ્તાનીઓ સાથે એની પણ નિયુક્તિ થઈ હતી! બેટા માટે વારસામાં રાજકારણ મૂકી જવાની રઘુકુલરીતિ આધુનિક ભારતમાં રામમોહન રાયના સમયમાં પણ જોવા મળે છે.
પછી આ વાત વધી ગઈ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જાતજાતની ગમ્મતો જોવા મળે છે! ડૉ. રાજેન્દ્રપ્રસાદની તદ્દન નિરક્ષર અને તામસિક જીભવાળી બહેનને વિધાનસભામાં સ્થાન આપવું પડ્યું હતું અને જવાહરલાલ નહેરુના માલિશ કરનારા હરિને પણ વિધાનસભ્ય બનાવીને જ કોંગ્રેસે છોડ્યો હતો! હરિજીનો વ્યવસાય માલિશ કરવાનો હતો અને વિધાનસભામાં એમને ખાસ તકલીફ પડી ન હતી. અકાલી દળના સંત ફતેહસિંહનો ડ્રાઈવર કિકાર સિંહ પણ વિધાનસભામાં ચૂંટાઈને બેઠો હતો અને સંત હરચંદસિંહ લોંગોવાલનો ડ્રાઈવર ગોબિન્દસિંહ કાંજલા પણ ધારાસભ્ય બન્યો હતો.
કોણ કોનો દીકરો છે, કોણ કોની દીકરી છે, કોણ કોનો જમાઈ છે એ શોધી કાઢવું એક રાષ્ટ્રીય રમત બનવી જોઈએ. ટીવીવાળાઓએ એક આનો જ ક્વીઝ કાર્યક્રમ રાખવો જોઈએ, કારણ કે આખું ભારતવર્ષ, કોંગ્રેસ અને વિપક્ષો, બધાં જ બેટાવાદ, બેટીવાદ, જમાઈવાદમાં માને છે. બેટા, બેટી, જમાઈને લઈને ચાલો 21મી સદીમાં...
ક્યાંક બેટાબેટી રાજકારણમાં આવ્યાં નથી. પ્રધાન શિવાજીરાવ પાટીલની પુત્રી સ્મિતા પાટીલ ફિલ્મોને કારણે આખાય ભારતમાં પ્રતિષ્ઠા પામી છે! વસંતદાદાની એક બેટી નર્તકી છે.
જ્યોર્જ ફર્નાન્ડીઝ રહી ગયા! એમના સાસરા હુમાયુ કબીર વર્સો સુધી જવાહરલાલ નેહરુની સરકારના પ્રધાન હતા. પણ સગાવાદમાં સુગંધ ઉમેરે એવો એક કિસ્સો સંજય ગાંધીના જમાનામાં કલકત્તાના ડમડમ એરપોર્ટ પર બની ગયો હતો. કહેવાય છે કે સંજય ગાંધી કલકત્તા ઊતર્યા અને સિદ્ધાર્થ રાયને જોયા નહીં એટલે કહ્યું: સિદ્ધાર્થ રાયને ખબર નથી કે હું જવાહરલાલ નેહરુની દીકરીનો દીકરો છું? અને સિદ્ધાર્થ રાયે આ સાંભળ્યું ત્યારે કહ્યું કે હું પણ ભારતના ઇતિહાસની એક મહાન વિભૂતિની દીકરીનો દીકરો છું - સંજયને કહેજો...!
સિદ્ધાર્થ શંકર રાયની માતાના પિતાનું નામ: દેશબંધુ ચિત્તરંજનદાસ!
ક્લોઝ-અપ: હિન્દી ફિલ્મોની ગણમાન્ય અભિનેત્રી રેખા દક્ષિણ ભારતીય અભિનેતા જેમિની ગણેશનની બીજી પત્ની પુષ્પાવતીની પુત્રી છે. બાપબેટીને બનતું નથી. એક વાર રેખાએ કહ્યું હતું: "ઓહ, જેમિનિ ગણેશન...! એ તો મારી મમ્મીના પતિ છે!..."
(સમકાલીન: એપ્રિલ 13, 1986)
(રાજકારણ-1)
No comments:
Post a Comment