December 29, 2014

સેફોલોજિસ્ટો અને ચૂંટણીનું ગણિત

અંગ્રેજી છાપાંવાળાઓની દુનિયા જ ગજબ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, મલયાલમ છાપાંઓ પાસે એ શબ્દ જ નથી. અંગ્રેજીવાળાઓ પાસે 'સેફેલોજિસ્ટો' છે! 'સેફોસ' એક ગ્રીક શબ્દ છે, પણ એનો અર્થ અત્યંત આધુનિક છે. સેફોસ એટલે ચૂંટણીનો વૈજ્ઞાનિક અભ્યાસ! અને એનો એ પ્રકારનો અભ્યાસ કરનારા દૂબળા દાઢીધારીઓ સેફોલોજિસ્ટ કહેવાય. નિર્વાચનના પહેલાં જ એ કહી દે કે કોણ જીતશે; કોણ હારશે, કેટલા ટકા 'સ્વિંગ' થશે. એ લોકો રાજનીતિચક્રશાસ્ત્રશિરોમણીઓ છે. જે બબ્બેની જોડીમાં ટીવી પર આવે છે એ સરકારી સેફોલોજિસ્ટો કહેવાય. એ હંમેશાં કોંગ્રેસની જીતની વાત કરે. અને કોંગ્રેસ હારવા માંડે તો ચર્ચા કરે કે આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસના વોટમાં આઠ ટકા 'સ્વિંગ' થયો છે એટલે કોંગ્રેસને 'માર્જિનલ સેટ-બેક' થયો છે. સેફોલોજિસ્ટોની એક ભાષા છે, જેમ કાગડાની ભાષા કાગડોજ સમજે એમ સેફોલોજિસ્ટની ભાષા બીજો સેફોલોજિસ્ટ જ સમજે. તમારે અને મારે એમની વાત ન સમજાવાને કારણે એમની વિદ્વતા 'જોઈને' ગદગદ થયા કરવાનું.

આ દેશમાં અંગ્રેજી છાપાવાળા જનતાને સમજે છે? ક્યારેય સમજ્યા છે? હરિયાણાએ સેફોલોજિસ્ટોને સાફસૂફ કરીને ફેંકી દીધા છે. જૂન-જુલાઈ સુધીમાં ભારતમાં કંઈક અઘટિત ઘટશે એવું કહેવા માટે જ્યોતિષ કે ભવિષ્યવેત્તા થવાની જરૂર નથી. હવામાંથી, છાપાંઓની ચીસો પાડતી હેડલાઈનોમાંથી, સિંહાસન પરથી રોજ બોલાતા એક જૂથમાંથી, માણસની ફરી ગયેલી આંખમાંથી ખબર પડી જાય છે કે જાનવર ઘાયલ થઈ ગયું છે. વિશ્વાસનો પડદો ચિરાઈ ગયો છે. રાજાની પ્રતિષ્ઠા શિયાળ જેવી વસ્તુ છે, એ નિષ્કલુષ હોય છે અથવા કલુષ હોય છે - એમાં વચ્ચેની સ્થિતિ નથી. જૂના જમાનામાં ચીનમાં એક અભિશાપ અપાતો હતો: તમે બહુ રસ પડે એવા દિવસોમાં જીવો! (May you live in interesting times!) આજે તો એ પણ સમજાતું નથી કે આ અભિશાપ છે કે આશીર્વાદ? પણ આપણે જરૂર ઈન્ટરેસ્ટિંગ ટાઈમ્સમાં જીવવાના છીએ!'

આપણે ત્યાં એક કહેવત છે કે બહુ જ જોઈ સંભાળીને કદમ મૂકનારો માણસ ઠોકર ખાતો નથી, પણ સીધો ભીંત સાથે જ અથડાય છે! હરિયાણાની બાબતમાં કોંગ્રેસ ભીંત સાથે અથડાઈ ગઈ છે. રાજીવ ગાંધીએ બંને હાથથી બક્ષિસો લૂંટાવી પણ લોકોએ વોટ ન આપ્યા! આ બધું કરવા પછી રાજીવ ગાંધીને જે મળ્યું છે એ પરાજય નથી, નામોશી છે. 'ડીફીટ' એક વસ્તુ છે, 'ડીસ્ગ્રેસ' બીજી વસ્તુ છે. જીતવું એક વસ્તુ છે અને ન હારવા માટે લડવું એ બીજી વસ્તુ છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પણ છે અને પાણીપત પણ છે. પાણીપત એ જગ્યાનું નામ છે જ્યાં પાણી અને પ્રતિષ્ઠા (પત) બંને મપાઈ જતાં હતાં - માટે એ રણભૂમિનું નામ પાણીપત પડ્યું હતું. 

સેફોલોજીમાં બધું વૈજ્ઞાનિક છે. એક બહુ જ એડવાન્સ્ડ કમ્પ્યૂટર હોય છે. એમાં ભૂતકાળનાં નિર્વાચનોનો ડેટા (વિગતો) પૂરવામાં આવે છે. કમ્પ્યૂટર ભવિષ્ય ઉચ્ચારે છે. આમાં ભૂલ થવાનો સંભવ નથી. કહેવાય છે કે નિર્વાચનવાણી કહેવા માટે આ સૌથી સંબંધ્ય અને સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી છે. આમાં નિર્વાચન પ્રક્રિયાનું ક્રમબદ્ધ પૃથક્કરણ અને સંયોજન (મોનિટરિંગ) થતું રહે છે. આમા પરિણામની સચોટ આગાહી કરી શકાય છે.

અને ત્યાં જ વિજ્ઞાન ક્યાંક ભૂલ કરે છે. જીવતા મનુષ્યનો પ્રતિક્રિયાત્મક વર્તાવ જીવંત હોય છે અને બદલાતો રહે છે. એ પત્થર કે વનસ્પતિ નથી અને એના ગુણદોષમાં જડત્વ નથી. વિશેષમાં, હિન્દુસ્તાનની પ્રજાએ પાંચ હજાર વર્ષથી ઠંડી અને ગરમી અને વરસાદો અને દુ:શાસકો અને આક્રમકો અને વિનાશ અનુભવ્યાં છે. હિન્દુસ્તાની માણસ કદાચ ભણેલો નથી, પણ ગણેલો છે. વેદનાની પરંપરાએ એને એક ડહાપણ આપ્યું છે. હરિયાણાની ભૂમિએ મહાભારતથી આજ સુધીનો ઇતિહાસ જોયો છે. નિર્વાચનમાં એવાં કેટલાંય તત્ત્વો છે જે સેફોલોજીને ફેઈલ કરી નાખે છે.

ઈંગ્લેન્ડમાં નિર્વાચન દિવસ પાસે આવે છે ત્યારે 'સ્વિંગ' શાસક પક્ષ તરફ્ હોય છે. હિન્દુસ્તાનમાં કદાચ વિપરીત હોય છે. હિન્દુસ્તાનનાં નિર્વાચનોમાં મૂર્ખ માણસ જ ભવિષ્યવાણી ઉચ્ચારવાનું દુસ્સાહસ કરે છે. અહીં રાજનીતિ પંડિતોને જનતામાં "વેવ" આવી ગયાં છે અને ખબર પડી નથી. 1971ના યુદ્ધ પછી, 1975ની કટોકટી પછી, 1980માં શ્રીમતી ગાંધીના પુનરાગમન સમયે, 1984માં શ્રીમતી ગાંધીની હત્યા બાદ...વેવ કે મોજું નહીં પણ ઘોડાપૂર આવ્યાં અને સેફોલોજિસ્ટોનાં કમ્પ્યૂટરોને ખબર પડી નહીં! દૂબળા દાઢીધારીઓ ચાંપલું ઈંગ્લિશ બોલીને આપણને નિર્વાચન સમજાવે છે પણ એ સ્વયં આ ધરતીની પ્રજાને સમજ્યા નથી.

ગ્રામ અને નાગરિક સમીકરણો જુદાં છે. કેટલાય માણસો વોટ આપવા જતા જ નથી, વૃદ્ધો અને જવાનો અને ખાસ કરીને જીવનમાં છેલ્લી અથવા પહેલી વાર વોટ આપનારા જરૂર વોટ આપવા જાય છે. ગરીબો વોટ આપવા જાય છે, પૈસાદારોને ઘેર વોટ લેવા આવે તો એ આપે પણ ખરા....જો એ બીઝી ન હોય તો! ગરમી, વરસાદ, વાવણી, ફસલની કટાઈની મૌસમ જેવાં કારણો પર મતદાનની ટકાવારી ઘણી વાર આધાર રાખે છે. અને રિગિંગ, મારામારી, મતકેન્દ્રો પર કબજો...આવાં પણ ઘણાં કારણો છે. આપણે ત્યાં ડેટા બૅન્ક કેટલી કામ આવી શકે છે એ પણ એક પ્રશ્ન છે! જવાહરલાલ નેહરુ છેલ્લી સાંજે કલકત્તામાં પ્રવચન આપી ગયા હતા અને લોકોનું માથું ફેરવી ગયા હતાં...એ જોયું-સાંભળ્યું છે. એ વખતે કમ્પ્યૂટર ન હતાં.

(સમકાલીન)

(રાજકારણ-1)

1 comment: