પશ્ચિમ વિશે, પશ્ચિમના જીવન વિશે, પશ્ચિમની લાઈફસ્ટાઈલ વિશે લખનારા આપણે ત્યાં ગ્રોસને હિસાબે બજારમાં મળે છે. પશ્ચિમના સાહિત્ય અને નાટક વિશે લખનારા ડઝનોને હિસાબે મળે છે. પણ ખરેખર ગોરા લોકો સાથે જીવ્યા હોય એવા લોકો પ્રમાણમાં ઓછા મળે છે. પૂર્વ સારું છે અને પશ્ચિમ ખરાબ છે, એવું નથી. દરેક પ્રજાની જીવનરીત એની ભૂગોળ, એના ઇતિહાસ, અને આબોહવા, એના રક્ત મિશ્રણ પર આધારિત છે - આપણે જ શુદ્ધ, પવિત્ર, સંસ્કારી છીએ અને બીજા બધા મ્લેચ્છ કે યવન કે અનાસ (નાક વગરના. આર્યો અનાર્યોને "અનાસ" કહેતા હતા) છે એ તર્ક આપણી ક્ષતિઓ ઢાંકવા માટે અને થોડો આત્મવિશ્વાસ પ્રકટાવવા માટે ઠીક છે. બીજા ભિન્ન છે, નિમ્ન હોવા જરૂરી નથી. અને બીજા દેવતા છે અને આપણે દાનવો છીએ એવું પણ નથી. ગરીબી અને નિરક્ષરતા પણ જનચારિત્ર્યને ઘડવામાં બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પૃથ્વી પર માણસ અને માણસ વચ્ચેનું રંગવૈવિધ્ય, વિચારવૈવિધ્ય, જીવનવૈવિધ્ય બહુ રસનો વિષય છે. આપણે એકબીજા વિશે શીખીએ છીએ. અને ચોપડાં વાંચીને કોઈનું જીવન જોવું અને સાથે જીવીને એ જીવનને અનુભવવું, એ બેમાં ફર્ક છે.
મને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષોની મહેમાનગીરી અનુભવવાનો મોકો મળ્યો છે અને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષો મહેમાન થઈને મારે ત્યાં રહી પણ ગયાં છે. આપણી જૂની ગુજરાતી કહેવત, સોનું જોઈએ કસીને અને માણસ જોઈએ વસીને, તદ્દન સાચી છે. સાથે વસીને માણસની જે કસોટી થાય છે એ ખરેખર તલસ્પર્શી હોય છે. પૂર્વ અને પશ્ચિમના માણસોનાં જીવન કેટલાં જુદાં છે એ મને સમજાયું છે. એ માટે મેહમાની અને મેઝબાની બંને અનુભવો જરૂરી છે.
દિવસના આરંભથી આપણું જીવન અને પશ્ચિમી જીવન જુદું પડે છે. આપણી સવાર દાતણથી શરૂ થાય છે. બ્રશ અથવા મંજન અને પછી ઊલ ઉતારવી. પશ્ચિમી જીવનમાં ઊલ ઉતારવાનું નથી. ફક્ત બ્રશ કરવામાં આવે છે. અને બ્રશ કરવું પણ જરૂરી નથી. સવારે ઊઠીને મોઢું ધોવું પણ જરૂરી નથી! આપણે આને ગંદકી ગણીએ તો ગંદકી સમજવી પણ સવારે ઊઠીને મોઢું ધોવું, બ્રશ કરવું, ઊલ ઉતારવી અને એ વખતે ગળામાંથી જાતજાતના દર્દનાક અવાજો કરવા એ વિધિ પશ્ચિમમાં નથી. બ્રશ કરવું એ એક અત્યંત શાંત વિધિ છે. બધા દાતણ કરતા નથી એવું કહેવાનો આશય નથી પણ બ્રશ કરવું એ વ્યક્તિગત ઇચ્છા પર નિર્ભર છે.
આપણી ચા ખૂબ મીઠી અને ખૂબ દૂધવાળી એમને લાગે છે. ચાનું પાણી, ખાંડ અને દૂધ જુદાં હોય અને એ ચા જ્યારે બનાવીને પિવાય છે ત્યારે આપણે માટે એ ચા લાગતી જ નથી! આપણે ટી-ઈન પૉટની ચા પણ "સ્પેશ્યલ" ચા જેવી ઘટ્ટ બનાવીએ છીએ. એમની ચામાં ચાની ફ્લેવર-ખુશ્બૂ પર વધારે આગ્રહ છે. ચીનાઓની મિન્ટ-ટીમાં પણ આ ખુશ્બૂનું જ મહત્ત્વ છે. ચીનાની ચા ગોલ્ડન રંગની હોય છે, "માઉથ-વોશ" માટે બરાબર છે એમ ચીના કહે છે. હિન્દુસ્તાનમાં બેડ-ટી, મિલ્ક-ટી, લાઈટ-ટી, પ્લેઈન-ટી, ટી-ઈન પૉટ, ટ્રે-ટી અને એટલા બધા પ્રકારની ચા મળે છે કે વિદેશી મહેમાન આશ્ચર્ય પામે છે. એ જ રીતે ઈંડાની વસ્તુઓનું વૈવિધ્ય અહીં ઘણું છે. પણ આપણા કોર્ન-ફ્લેક્સ એમને બહુ જ નીચી કક્ષાના લાગે છે. પશ્ચિમમાં કોર્ન-ફ્લેક્સ એક પોષક ખોરાક તરીકે નિયમિત લેવાનો રિવાજ છે. આપણા જીવનમાં દરેક જાતિ પાસે સવારે ખાવાનું એક વિભિન્ન નાસ્તાશાસ્ત્ર છે. પશ્ચિમમાં લગભગ સર્વત્ર નાશ્તો એક જ પ્રકારનો છે.
નાહવાનું હિન્દુઓમાં ધાર્મિક છે. આપણે માટે સવારે પાંચ વાગ્યાની ટ્રેન પકડવાની હોય તો પણ વહેલા ઊઠીને નાહીને જ સ્ટેશને જવું સ્વાભાવિક છે. બાળમંદિર કે કે.જી.માં જે બાળકો સવારે પહોંચાડવામાં આવ્યાં હોય એ લગભગ બધાંને નવડાવીને જ મોકલવામાં આવે છે. આ વાત કરી ત્યારે પશ્ચિમની સ્ત્રીને ખરેખર આશ્ચર્ય થયું હતું. એમને ત્યાં નાહવાનું બહુ જ ઓછું છે. જો કંઈ હોય તો પણ "વૉશ" છે, બાથ નથી. આખું શરીર પલાળી નાખવાવાળું નાહવું વિદેશીને ગમતું નથી, જરૂરી પણ લાગતું નથી. એ જરા વૉશ કરી લે છે, જો કરવું હોય તો. પછી કપડાં પહેરી લે છે. વાળની ટાપટીપ કરવી, મેક-અપ ચીતરવો અને ચીતર્યા કરવો, વાળ ઓળઓળ કર્યા જ કરવા, કપડાંના મૅચિંગ માટે કબાટની સામે ઊભા ઊભા વિચાર કર્યા કરવો, આ વાત એમનામાં નથી અને એ એમના શ્રેષ્ઠ ગુણો છે એવું મને લાગ્યું છે. મેં 21 વર્ષની છોકરી અને 55 વર્ષની સ્ત્રી બંનેમાં આ એક સામાન્ય લક્ષણ જોયું છે. વાળમાં તેલ નહીં નાખવાનું, વાળ ઓળવાના નહીં, કપડાં ઈસ્ત્રી-ટાઈટ અને ચમચમાટ હોય કે ન હોય એની ચિંતા નહીં કરવાની, ફિટિંગ ગમે તે હોય એ ચાલે. કપડાં કે વસ્ત્રો તન ઢાંકવા (કે ન ઢાંકવા કે અર્ધપ્રદર્શન કરવા) માટે છે! મેક-અપ આપણે લોકો આપણી કાળી-બદામી ચામડી પર વાપરી વાપરીને ચામડી રુક્ષ કરી મૂકીએ છીએ. પશ્ચિમની સ્ત્રી મેક-અપનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. એક વાર જ્યારે મેં પૂછ્યું કે લિપસ્ટિક શા માટે છે? ત્યારે ઉત્તર મળ્યો કે આજે ટ્રેનમાં પ્રવાસ કરવો છે અને હોઠ ફાટી ન જાય એ માટે લિપસ્ટિક લગાવી છે ત્યારે મને લિપસ્ટિકની મેડિકલ ઉપયોગિતા વિશે સમજ મળી! આપણી ગુજરાતી મનોવૃત્તિ ફિટિંગ, પ્રસાધનો, કેશવિન્યાસ પાછળ બહુ જ વધારે સભાન હોય છે.
રસ્તામાં કે બસમાં વાળ ઓળવાનું પશ્ચિમમાં નથી. હોટેલમાં જો તમે તમારા બાળકના પણ વાળ ઓળો તો કોઈ કહી શકે છે: મેડમ રેસ્ટરૂમમાં જાઓ. અહીં વાળ ઓળવાનો નિયમ નથી. ખાવામાં વાળ ન પડે એ માટે એ લોકો સખ્ત આગ્રહી હોય છે. લિફ્ટમાં ચડતી વખતે એ લોકો આયનામાં પણ જોતા નથી એ મેં સ્વયં જોયું છે. આપણા ગુજરાતી-ભારતીય જીવનમાં આયનાને આપણે જીવનનો એક અવિભિન્ન ભાગ બનાવી દીધો છે.
ટ્રેન કે બસમાં ભીડ હોય તો પણ માણસ માણસને અડીને ઊભો રહેતો નથી, અડીને બેસતો નથી. જરા અડી જવાય તો "સૉરી" કે "એક્સક્યુઝ મી" કહેવું જ પડે છે. ક્યારેય માણસ માણસને અડેલો મેં જોયો નથી. એ બધી બાબતોમાં એ લોકો બહુ જ વ્યવસ્થિત છે. દરવાજો ખોલીને પ્રવેશવા વિશે એક વાત ધ્યાન રાખવા જેવી છે. આપણે ત્યાં બંધ દરવાજો હોય તો એક માણસ એ ખોલે ત્યારે બીજો અપરિચિત તરત ઉંદરની જેમ પેસી જાય છે, અને દરવાજો ખોલનારો ઊભો રહી જાય છે. આપણે ત્યાં આ તદ્દન સ્વાભાવિક છે અને આપણે રોજ જોતા હોઈએ છીએ. પશ્ચિમમાં આ વસ્તુને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. એક વ્યક્તિ જો દરવાજો ખોલે અને બીજો પેસી જાય તો એ વ્યક્તિ ખરેખર ભડકી ઊઠે છે કારણ કે આ વસ્તુ બહુ ખરાબ મેનર્સ ગણાય છે. જે દરવાજો ખોલે એ જ પ્રવેશે, બીજો નહીં. બસની સીટમાં પાછળથી ત્રિભંગ કરીને ઝડપથી બેસી જવાની ચતુરાઈ ત્યાં જોવા મળતી નથી. દરેક વ્યક્તિ પોતાના નાનામાં નાના હક વિશે સતર્ક છે, અને જો એના પર કોઈ તરાપ મારે તો એ વાતનો ઝૂકીને સ્વીકાર કરવાનું પશ્ચિમી ખૂનમાં નથી.
આપણે ત્યાં મહેમાન જો ચાર દિવસ રહે તો પૂરું ઘર થાકી જાય છે. સવારના ગરમ નાસ્તાથી રાત્રે પથારીઓ કરવા સુધી ગૃહિણી અથવા ઘરની સ્ત્રીઓ સતત વ્યસ્ત રહે છે. આપણો મહેમાન ખરેખર મહેમાન છે. પશ્ચિમી મહેમાનને કપડાં ધોવાની ખટપટ હોતી નથી. પોતાનાં નાનાં કપડાં પોતે સ્વયં ધોઈ લે છે, અને એ એમની તાલીમ છે. પોતાનો સામાન પોતે સ્વયં ઉપાડી લે છે. સૌ પોતપોતાની વસ્તુઓ પોતાની સાથે જ રાખે છે, એકબીજા પર નિર્ભર રહેવાનું ઓછું હોય છે. સૌ પોતાનું પૅકિંગ કરે છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે મા અને દીકરી પણ પોતપોતાના પૈસા ખર્ચે છે. આત્મનિર્ભરતા અને સ્વાતંત્ર્ય એ હદ સુધી હોય છે કે દરેક પોતાના પૈસાની સિગારેટ ખરીદીને પીતો રહે છે, કોઈ બીજાને એની વ્યક્તિગત આદતો માટે ડાંટતો નથી. આપણા સંસ્કારોથી આ તદ્દન વિપરીત છે.
પણ વિદેશી મહેમાનનો ભાર લાગતો નથી. એને ગરમ ગરમ ખાવાનો શોખ નથી કારણ કે એમના જીવનમાં તવા પરથી ઊતરતી રોટલી નથી અને એ ઉતારી આપનારી ફુલ ટાઈમ "ભોજનેષુ માતા" બ્રાન્ડ પત્ની કે નવરી મોટી બહેન નથી. આપણા ગુજરાતી મહેમાનની અપેક્ષા ગરમ ગરમ ખોરાકની છે અને ગુજરાતી ભાણામાં જ્યાં સુધી પોણો ડઝન વ્યંજનો મૂક્યાં ન હોય ત્યાં સુધી આતિથ્ય અપૂર્ણ રહે છે. વિદેશીઓનો ખોરાક પ્રમાણમાં વધારે છે અને વૈવિધ્ય ઓછું છે. એમનું ધ્યાન રાખવાનો ભાર લાગતો નથી.
રાત્રે સૂતી વખતે આપણે માટે આપણા ઘરમાં પણ પૂરું શરીર ઢાંકીને સૂવું એ સંસ્કાર છે. અહીં પશ્ચિમી અને આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટો ફર્ક જોવા મળ્યો છે. પશ્ચિમમાં રાત્રે સૂવું એટલે શરીર પર શક્ય એટલાં ઓછાં કપડાં પહેરીને સૂવું. પ્રવાસમાં પણ બહુ જ ઓછાં કપડાં સાથે લઈને સફર કરવાનો રિવાજ છે. એક વાર ટ્રેનમાં માત્ર ડ્રોઅર્સ (જાંઘિયા) પહેરીને બ્લેન્કેટો ઓઢીને સખ્ત ઠંડીમાં સૂતા પ્રવાસીઓ જોયા ત્યારે થોડી સમજ પડી. ભારતમાં જાહેરની વાત તો દૂરની છે પણ ઘરમાં પણ સૂતી વખતનો એક "ડ્રેસ" હોય છે.
બહુ પૈસાદારોનું જીવન જુદું હશે પણ સામાન્ય વિદેશી માણસો મહેમાનો તરીકે ભારે પડતા નથી. આ બાબતમાં આપણો આપણા મહેમાનોનો અનુભવ લગભગ સરખો છે. પ્રવાસમાં પણ આપણે ઘણાંબધાં કપડાં ધોતા રહીએ છીએ, કોઈ જ તકલીફ ન પડે એ માટે બધી જ નાનીમોટી વસ્તુઓ સાથે ઊંચકી ઊંચકીને ફર્યા કરીએ છીએ. ખાવાપીવામાં પણ આપણને બધી જ સગવડો જોઈએ છે. દિવસભર નાહવાની ઇચ્છા ન થતી હોય એ માટે પશ્ચિમનો ઠંડી અને હવા બરફનો અનુભવ જવાબદાર હશે. જમ્યા પછી હાથ ન ધોવા કે પાણી ન પીવું કે કુલ્લા ન કરવા કે શૌચાલયમાં ટૉઈલેટ-પેપર વાપરવો, આ લક્ષણો દરેક પશ્ચિમી વ્યક્તિમાં સામાન્ય છે. આપણે પાણીનો ઘણો વધારે ઉપયોગ કરીએ છીએ. પશ્ચિમમાં પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો છે.
બે જુદી દુનિયાઓ છે. પરંપરાઓનો ફર્ક છે, દહીં ઘરમાં જમાવી શકાય એનું પશ્ચિમીને આશ્ચર્ય છે, ત્યાંની હવામાં એ જામતું નથી. એ ચોંટાડેલો વરખ (સિલ્વર પેપર) હાથથી ઉખાડવાની કોશિશ કરે છે! ખાવાનું જમણા હાથથી જ હોય છે એ એને માટે ગમ્મતનો વિષય છે. હોટેલમાં જમતી વખતે પ્યાજની પ્લેટ મફત મળે એ એને સમજાતું નથી. અને એક વાર હિંદુસ્તાની ખોરાકના છ સ્વાદો જીભ પર ચડી ગયા પછી એને એનો પશ્ચિમી ખોરાક પણ "બ્લૅન્ડ" અથવા તદ્દન ફિક્કો લાગવા માંડે છે...!
(સમકાલીન: એપ્રિલ 1988)
(વિદેશ)
No comments:
Post a Comment