October 22, 2014

સાસુ-સસરા : સુખમાં સૌથી દૂર અને દુ:ખમાં સૌથી પાસે !

થોડાં વર્ષો પહેલાં એક વિદ્યાર્થી મળી ગયો. એ પરણવાનો હતો. કૉલેજમાં હતો ત્યારે પણ એ સ્માર્ટ હતો, હવે બીઝનેસમાં હોંશિયાર થઈ ગયો હોય એવું લાગતું હતું. એણે વાતો કરી - એની વાગ્દત્તાની, એની ફીઆંસીની...બધું, સરસ હતું પણ છોકરીનાં મમ્મી-પપ્પા સાથે બનતું ન હતું. વિદ્યાર્થી, જે સિંધી હતો, એણે કહ્યું: સર, તમે મધર-ઈન-લૉ વિષેની જોક્સ તો વાંચી જ હશે.

પશ્ચિમમાં, એટલે કે ખાસ કરીને અમેરિકામાં, મધર-ઈન-લૉ અથવા સાસુ બહુ, પ્રિય પાત્ર નથી, એ જમાઈને ઘરે આવે એટલે જમાઈને ગમે નહીં. આપણે ત્યાં પણ કોન્વેન્ટમાં ભણેલા અને સાસુ વિષેની જોક્સ વાંચીને "સ્નાતક" થયેલા (સ્નાતકનો મૂળ સંસ્કૃત અર્થ થાય સ્નાન કરેલા) એટલે કે "નાહી નાખેલા" ગ્રેજ્યુએટો અમેરિકન દ્રષ્ટિકોણથી જોતા હશે! સિંધી વિદ્યાર્થીને એના સાસુ-સસરા વિશે મજબૂત થઈ ચૂકેલો પૂર્વગ્રહ હતો.

કોઈપણ પ્રકારના અભિગ્રહ કે આગ્રહ વિના મેં કહ્યું કે તમારાં સાસુ-સસરાને હું ઓળખતો નથી, પણ એમને એમની પુત્રી માટે પ્યાર તો જરૂર હશે જ. સાસુની સંસ્થાને આપણે પશ્ચિમની રમૂજી દ્રષ્ટિએ જોઈએ એ પણ સારું છે પણ ભારતીય દ્રષ્ટિકોણ અને સામાજિક પરિવેશ જુદાં છે. સાસુને માટે ઉર્દૂમાં કયો શબ્દ છે? સાસુ એટલે "ખુશદામન"! જેની ખુશી જમાઈ પર હંમેશાં વરસતી રહે છે...! કદાચ ભારતની કોઈ ભાષામાં સાસુ માટે આવો મધુર શબ્દ નહીં હોય (અને બંગાળી જેવી મધુર ભાષામાં સાસુ માટેનો શબ્દ છે: સાસુડી!)

સાસુ સસરા પારાયણ કદાચ લાંબું ચાલતું પણ એનું સ્ટૉપ આવી ગયું. પણ એ દરમ્યાન મારી વાત હું કહી શક્યો. સાસુ-સસરા એટલે એવી વ્યક્તિઓ જે પોતાની પુત્રીને ચાહે છે અને એનું સુખ ઇચ્છે છે. એ સુખી થાય એ માટે મદદગાર થાય છે.સાસુ-સસરા તમારા સુખમાં સૌથી દૂર હોય છે. અને તમારા દુ:ખમાં સૌથી પાસે હોય છે. જ્યારે તમે હૉસ્પિટલમાં બેહોશ પડ્યા હો છો ત્યારે ઈમર્જન્સી વૉર્ડમાં સૌથી પહેલાં એ પહોંચી ગયા હોય છે અને તમે આંખો ખોલો છો ત્યારે માથા પર જે હાથ હોય છે એ કદાચ તમારી ખુશદામનનો હોય છે! મધર-ઈન-લૉ ત્યાં અમેરિકામાં કદાચ ઘેરે આવી ચડતી હશે અને જમાઈના મોઢાનો સ્વાદ ખરાબ થઈ જતો હશે, પણ આપણું તો એ ભારતવર્ષ છે જ્યાં ગઈ પેઢી સુધી સાસુ-સસરા એમની બેટીના ઘરનું પાણી પણ પીતા ન હતા...

(ગુજરાત સમાચાર, 1983)
 
(વિદેશ, પૃ. 47-48)

No comments:

Post a Comment