અંગ્રેજ કવિ રડયાર્ડ કિપલિંગે લખ્યું હતું કે પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે, અને બંને ક્યારેય ભેગાં નહીં થઈ શકે. વર્ષોથી આ વાક્ય પર ચર્ચા થતી રહી છે. વિશ્વમનુષ્ય એક જ છે, આપણે એક જ વિશ્વમાં રહેવું છે. હવે તો જાપાન પણ પશ્ચિમના દેશો સાથે ગણાય છે. સોવિયત રશિયા યુરોપિયન છે. આપણાં મહાનગરોમાં પ્રજા પૅન્ટ પહેરતી થઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક જ છે એવું નેતાઓ કહે છે... અને આપણે પણ કહીએ છીએ. ચામડીને નીચે માણસનું હૃદય એક છે. અને લીલી નસોમાં એક જ લાલ રક્ત વહે છે. ભગવાનનાં નામ જુદાં છે. પણ ભગવાન એક જ છે... અને એવું બધું!...
પણ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ અને સંસ્કાર અને ઇતિહાસ અને જીવનયાપન અને મૂલ્યો અને વ્યવહાર અને માપદંડ જુદાં છે. નાની નાની વાતોમાં એ ફર્ક સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમ પાસે પોતાનાં ધોરણો છે. જે કદાચ આપણે માટે અર્થહીન કે નકામાં છે. પશ્ચિમમાં જઈ આવેલો માણસ એક જમાનામાં આપણો માર્ગદર્શક હતો. જ્યારે આપણી ગુલામી ગ્રંથિ છલોછલ હતી. હવે તો જગત ખૂલી ગયું છે અને આપણે આપણી રીતે તટસ્થ વિચાર કરી શકીએ છીએ. રડયાર્ડ કિપલિંગના વિધાનનો પહેલો ભાગ- પૂર્વ પૂર્વ છે, અને પશ્ચિમ પશ્ચિમ છે - સ્વીકારવો પડશે...અને બીજો ભાગ - એ ક્યારેય ભેગાં નહીં થઈ શકે - વિષે જ મતાંતર હોઈ શકે.
માઉન્ટ એવરેસ્ટ પર ચડી આવેલા હિલેરીએ કહ્યું કે મેં એવરેસ્ટને જીતી લીધો! તેન્ઝીંગે શિખર પર ચડીને ઘૂંટણિયે પડીને ફૂલો મૂક્યાં અને પૂજા કરી. હિમાલય જિતાતો નથી, હિમાલયની પૂજા કરવાની હોય છે. બે સંસ્કૃતિનો ભેદ છે. ઈંગ્લૅન્ડમાં લેટરમાં યુનિવર્સિટીમાં ભણતી સાધના મટાણીએ કહ્યું કે અમારા વર્ગમાં એશ-ટ્રે મૂકી હોય છે પણ "ફૂડ ઍન્ડ ડ્રિન્ક્સ" એલાઉડ નથી ત્યારે એમના પિતા ચંદુભાઈને પણ આશ્ચર્ય થયું હતું. ક્લાસમાં એશ-ટ્રે પડી હોય અને વિદ્યાર્થિની સિગારેટ પીતી રહેતી હોય એ આપણા સંસ્કાર નથી. ખરાબ કે સારાની વાત નથી, પાંચ હજાર વર્ષની પરંપરાની વાત છે.
ઈંગ્લૅંડના ભીખુભાઈ શાહના પુત્રની વેલિંગ બોરો ક્રોયલેન્ડ કાઉન્ટી ઈન્ફન્ટ સ્કૂલની હેડમિસ્ટ્રેસે "ડિયર પેરન્ટ્સ" સંબોધન કરીને પત્ર લખ્યો હતો: "આવતું સત્ર મંગળવાર 2 સપ્ટેમ્બરથી આરંભ થાય છે. તમારું બાળક હવે જુનિયર કૉલેજમાં જશે અને મને વિશ્વાસ છે કે એને તરત જ ફાવવા માંડશે.... તમે કૃપયા નોંધ લેશો કે આગામી રજાઓમાં હું ફરીથી પરણી રહી છું અને મારું નવું નામ થશે - કપુર! બેસ્ટ વીશીઝ, યૉર્સ સિન્સિઅરલી, મેરીએન ઈ. પીઅર્સ, હેડમિસ્ટ્રેસ."
આપણા બાળકની સ્કૂલની હેડમિસ્ટ્રેસ આ વૅકેશનમાં ફરીથી પરણવાની હોય અને પોતાનું નવું નામ આપણને લખે એવું આપણે ત્યાં ન જ બને એવું નથી...પણ નથી બનતું! એવું બને તો એ સ્કૂલના ચારિત્ર્યને ધક્કો લાગી જાય...અને મેનેજમેન્ટના બધા જ સેફારી-સુટ શેઠિયા માટે ગૃહક્લેશની નોબત આવી જાય!
ધોરણોનો ફર્ક બહુ મોટો છે. અમેરિકામાં સ્ત્રીઓ હાથમાં સુંવાળું ગલૂડિયું-કૂતરું હોય અને છોકરું પાછળ પાછળ ઘસડાતું હોય. આપણે આપણાં બાળકોને પ્રેમ કરીએ જ છીએ એવું કહી ન શકાય પણ આપણાં સંતાન અને આપણા શ્વાન વચ્ચે આપણા સંતાનને વધારે પ્રેમ આપીએ છીએ એવું જરૂર કહી શકાય.
મુંબઈમાં કેળાં ફ્રીજમાં રાખીએ તો બગડી જાય. લંડનમાં પશ્ચિમ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝથી કેળાં આવે છે અને ફ્રીજની બહાર રાખે તો બગડી જાય. આપણે ત્યાં વરસાદ અન્યાય થયેલા જવાન માણસના રોષની જેમ વીંઝાય છે. ઈંગ્લેન્ડમાં વરસાદ કૂતરાના પેશાબની જેમ થોડો, વારંવાર દૂષિત પડી જાય છે. આપણો તડકો તાકાત આપે છે, ઈંગ્લિશ તડકો ચામડી પર કરડે છે.
અમેરિકામાં ફોન આવે - ન્યુયૉર્ક ટાઈમ્સમાંથી - અને પૂછે કે તમારે અમારું છાપું બંધાવવું છે? પેન્સિલવેનિયાના ફિનિક્સવીલ વિસ્તારમાં મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપાવાળો એક એક બંગલાના એક એક પોસ્ટ બૉક્સમાં છાપુ નાખતો જતો હતો એ જોઈને આશ્ચર્ય થયું હતું. મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપું નાખનારા અમેરિકન માણસને "ફેરિયાભાઈ" કહીશું? આપણો પૈસાદાર આપણે ત્યાં પીંછાં લગાવીને બે ઇંચ અદ્ધર ઉડતો હોય છે પણ એ બિચારો-બાપડો "ફોરેઈન" જાય છે ત્યારે નાક ઉપર ઘી ચોંટાડી દીધેલા બિલાડીના બચ્ચાની જેમ ખૂણામાં બેઠો બેઠો પોતાનું પૂંછડું અમળાવ્યા કરે છે, અને ઘીની ખુશ્બૂ ક્યાંથી આવે છે એ શોધવા મૂછો ફફડાવ્યા કરે છે. ન્યુયૉર્કની પાસે એવો એક અતિધનિક વિસ્તાર છે કે ત્યાં પોતાની પુલિસ છે, કોઈ ચાલતો દેખાય તો સિક્યુરિટી ગાર્ડ પૂછે છે કે કેમ ચાલો છો? કદાચ કોઈને ચાલવું પડે તો ઝડપથી જ ચાલવું પડે, અને તમે ધીરે ચાલવાના અધિકારી ત્યારે જ બનો જ્યારે તમે તમારા કૂતરાને ફેરવવા નીકળ્યા હો! પૂર્વ અને પશ્ચિમમાં ફર્ક છે. જે માણસ આપણે ત્યાં પોતાની જાતને પૈસાદાર સમજે છે એ અમેરિકામાં કડકો (આપણી ભાષામાં) ગણાતો હોય છે. આ એવી વાત છે કે મુંબઈમાં ફોર્ટમાં જવું હોય તો ફૅશનમાં આપણે કહીએ છીએ કે હું "ડાઉનટાઉન" જઉં છું! પણ ન્યુયૉર્કમાં, જ્યાંથી ડાઉનટાઉન શબ્દ આવ્યો છે, ત્યાં એ સૌથી ગંદો અને ઘટિયા વિસ્તાર છે...!
સોવિયેત રશિયામાં સ્ત્રીઓના પોશાકની વાત ચાલતી હતી. સ્વાભાવિક રીતે જ, વાત સાડી વિષે નીકળી. આપણે સાડીને સૌમ્ય અને ઈજ્જતદાર પોશાક કે પહેરવેશ સમજીએ છીએ. એક રશિયન સ્ત્રીમિત્રે કહ્યું: "સાડી સૌથી ખુલ્લો ડ્રેસ છે...એ સેક્સી કે બીભત્સ શબ્દ વાપર્યા વિના એ જ અર્થમાં કહેવા માગતી હતી) એમાં પેટ અને કમર ખુલ્લાં હોય છે. જગતમાં કેટલી સ્ત્રીઓ પેટ અને કમર ખુલ્લાં રાખીને કપડાં પહેરે છે?" રશિયન મિત્રે કોઈ દુરાશયથી કહ્યું ન હતું પણ એક તર્કશુદ્ધ વાત કરી હતી! આપણે તો સેંકડો વર્ષોથી માનતા આવ્યા છીએ કે સાડી એ મર્યાદાની ચરમસીમા છે! પણ પેટ અને કમર ખુલ્લાં રહે એવા જગતના કેટલા ડ્રેસ છે? પછી એક લગ્નમાં સારી જગ્યાએ બેસીને મેં સેંકડો સ્ત્રીઓનાં પેટ અને કમરનું વાઈડ એન્ગલ નિરીક્ષણ કર્યું, મિત્રની વાત કડવી લાગે એવી પણ સાચી હતી. વિરાટ પેટો અને વિપુલ કમરો બાદ કરી દઈએ તો પણ દર્શનીય, કમનીય, મનનીય અને અલબત્ત, પ્રદર્શનીય પણ ઘણું હતું...! સાડી જેવી નિર્દોષ પરિધાન વસ્તુમાં પણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો દ્રષ્ટિભેદ હોઈ શકે છે?
આવી જ એક ઘટના ફ્રાન્સમાં બની. આપણી ઝોંપડપટ્ટીઓ ભયંકર ગંદી છે એ આખું જગત જાણે છે અને આપણે પણ કબૂલ કરીએ છીએ. એક ફ્રેન્ચ સ્ત્રી મુંબઈના બાંદરાની ઝોંપડપટ્ટીમાં સેવા કરવા આવી હતી. એણે કહ્યું: તમારે ત્યાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે? મેં બાંદરાની ઝોંપડપટ્ટીમાં જોયું છે. રોજ સવારે માતા પાણી લઈ આવે છે, બાળકને પોતે નવડાવે છે, પાઉડર લગાવીને, સ્કૂલનો યુનિફૉર્મ પહેરાવીને સ્વચ્છ કરીને સ્કૂલે મોકલે છે. યુનિફૉર્મ પણ પોતે ધૂએ છે, બાળકના વાળમાં તેલ નાખીને વાળ ઓળે છે! ફ્રાન્સમાં કોઈ માતા આટલું બધું કરે નહીં - પાણી ઊંચકીને લાવવું, નવડાવવું...અને સ્કૂલોમાં અમારે ત્યાં યુનિફૉર્મ પણ નથી...
આપણા હિન્દુસ્તાની દિમાગ માટે આ એક નવો આયામ છે. ફ્રેન્ચ સ્ત્રી કહે છે કે આપણા ઝૂંપડામાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે! આપણી આંખોએ ઝૂંપડાની માતાની આ સ્વચ્છતાની ભાવના તો જોઈ જ ન હતી! એક વાર મુંબઈ ટીવી માટે સાન્ટાક્રુઝની ગોલીબાર ઝોંપડપટ્ટીની એક ટીવી ફિલ્મ ઉતારવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ હતી. દરેક ઝુંપડામાં એક ખૂણામાં ભગવાન કે ખુદા કે જિઝસ હતા, એ ખૂણામાં ધાર્મિક કેલેન્ડરો હતાં, એ ખૂણામાં ધૂપ-બત્તી હતાં, એ ખૂણો અત્યંત સ્વચ્છ હતો. અને આ સત્ય દરેક ઝૂંપડાને લાગુ પડતું હતું. દરેક ઝૂંપડાનો એક ખૂણો પવિત્ર હતો...
અમેરિકન પરિવારમાં કમાતી છોકરી પોતાના હિસ્સાનો કુટુંબખર્ચ આપી દે, જે "કીપિંગ-મની" કહેવાય છે. એ પછી એની જવાબદારી નહીં. ઘરમાં બોલાતી ભાષામાં બાપ અને બેટી "માય મની" અને "યોર મની" શબ્દો છૂટથી અને બેરોકટોક વાપરે. જરા આગળ વધે તો માતાને "ઓલ્ડ કાઉ" (બૂઢ્ઢી ગાય) અને પિતાને "ઓલ્ડ મૅન" કહે! પૂર્વ અને પશ્ચિમનો ફર્ક "માતૃદેવો ભવ" અને "ઓલ્ડ કાઉ"નો ફર્ક છે.
પૂર્વ પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે. આપણે છોકરાં ઉપાડીએ છીએ, પશ્ચિમમાં "પ્રેમ" અથવા પેરામ્બ્યુલેટર અથવા બાબાગાડીનો વપરાશ છે. આપણે શાકભાજી ઉપાડી લાવીએ છીએ, થેલા ઊંચકીએ છીએ, પશ્ચિમમાં કાર્ટ કે ટ્રૉલીમાં ભરીને ખેંચી લાવવાની પ્રથા છે. પશ્ચિમ જ્યાં પણ જરૂર હોય ત્યાં પૈડાંનો ઉપયોગ કરે છે. પાણી ઓળંગવા માટે હોવરક્રાફ્ટ વપરાય છે, ઊતરવા-ચડવા માટે એસ્કેલેટર છે. મશીનને માણસની સગવડ માટે વાપરવામાં આવે છે. ભારતવર્ષ બદલાવામાં માનતું નથી. આટલો મોટો દરિયો છે પણ આપણે સમુદ્રમાર્ગ નામની વસ્તુમાં સમજ્યા નથી. ઈંગ્લિશ ચેનલ પણ હોવરક્રાફ્ટમાં ઓળંગાય છે અને હવે તો ચેનલની નીચેથી ભૂગર્ભ માર્ગ બનાવ્યા છે. લેનિનગ્રાદથી પેત્રોદ્વરિત્ઝ (પીટરનો મહેલ) હાઈડ્રોફ્રોઈલમાં ગયો ત્યારે મને સમજ પડી કે આ કેવું જરૂરી સમુદ્રી વાહન છે. પણ અહીં સરકાર કરી શકવાની નથી અને બીજાને કરવા દેવાની નથી. અને આપણાં હોડકાં શું ખોટાં છે?
ન્યુયૉર્કમાં હેમાંગ પટેલને પૂછ્યું: 'તમારી પાસે નેઈલકટર છે?'
એમણે પૂછ્યું: કયું આપું? હાથનું કે પગનું?
એટલે પગના નખ માટે જુદું હોય છે...હેવી હોય છે! આંગળીઓનું લાઈટ હોય છે - હેમાંગ પટેલે કહ્યું.
પશ્ચિમ દરેક નવી સ્થિતિ માટે નવી વસ્તુ પેદા કરતું રહે છે. વૉશિંગ મશીનમાં સ્નીકર્સ (કૅનવાસના બૂટ) પણ નાખીને ધોઈ નાખે છે અને પગના નખ માટે જુદું નેઈલ કટર પણ બજારમાં મૂકી દે છે. આપણી વાત જુદી છે...આપણે બ્લેડ કે કાતરથી પણ નખ કાપી શકીએ છીએ...
(સમકાલીન: ઓગસ્ટ 1986)
(વિદેશ)
No comments:
Post a Comment