ઈન્દિરા ગાંધી પંદર વર્ષથી પ્રધાનમંત્રી છે અને એમણે દસ હજાર પ્રવચનો આપ્યાં હશે (દિવસના સરેરાશ બેને હિસાબે) પણ ભાગ્યે જ એમનું કોઇ વાક્ય મશહૂર થયું હશે! જે માણસો એમને તરત પ્રવચનો લખી આપતા હોય એમને તરત પાણીચું આપી દેવું જોઈએ. હજી વક્તા તરીકે ઈન્દિરા ગાંધી ઇતિહાસમાં સ્થાન પામે એવું એક પણ વાક્ય બોલ્યાં નથી!
આ મતલબની વાત હમણાં એમના પ્રશંસક ખુશવંતસિંહે લખી છે, અને શ્રીમતી ગાંધીના એકકાલીન તરફદાર અંગ્રેજ જેમ્સ કેમેરોને પણ આમ જ લખ્યું છે એવો ખુશવંતસિંહે હવાલો આપ્યો છે જે લોકોએ ભારતના મહાન વક્તા-દેશનેતાઓને સાંભળ્યા છે એમને આ વાત સાચી લાગશે. ઈન્દિરા ગાંધી પાસે વક્તાની તેજસ્વી આભા કે ઝલઝલા પેદા કરે એવી ધારદાર ભાષા કે ઇતિહાસમાં પાનાં પર અંકિત થઈ જાય એવાં વાક્યો નથી! નેહરુની બેટી પાસે નેહરુની ગજબનાક વક્તૃત્વશક્તિની છાયા પણ આવી નથી એ હકીકત છે...
હિન્દુસ્તાનમાં છેલ્લાં ચાળીસ વર્ષોમાં કેટલાક મહાન રાજનેતા વક્તાઓ વ્યાખ્યાતાઓને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે રેડીઓ અને ટીવીના સમાચાર વાંચનારાઓ બોલે છે ત્યારે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના ભાષણને માટે 'સંભાષણ' કે 'અભિભાષણ' જેવા શબ્દો વાપરતા સાંભળ્યા છે. એ જમાનામાં જ્યારે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુ દેશના નેતાઓ હતા ત્યારે ફક્ત ભાષણો થતાં હતાં. હજી સુધી અભિભાષણનો અર્થ સમજાયો નથી. કદાચ રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ બોલે છે એને અભિભાષણ કહેતા હશે. ઝૈલસિંઘ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને શપથ ગ્રહણ કર્યા ત્યારે એમણે કહ્યું હતું; 'હમ પરગતિ કરેંગે! (એમનું કહેવું હતું: 'હમ પ્રગતિ કરેંગે!) પ્રગતિમાંથી પરગતિ થઈ જાય એને અભિભાષણ કહેવાય એમ લાગે છે.
1947માં ગાંધીજીને કલકત્તા પાસેના સોદપુર આશ્રમમાં સાંભળ્યા હતા. ગાંધીજીને સાંભળવાનો એ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. પ્રાર્થના સભામાં જ્યુથિકા રેએ ભજન ગાયું હતું. પછી ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું. એ 'સ'નો ઉચ્ચાર કરી શકતા ન હતા અને 'શ' સંભળાતું હતું પણ વિચારોની સ્પષ્ટતા અને સંતુલન સમજવાની ઉંમર ન હોવા છતાં એ દ્રશ્ય, એ મુદ્રા, ગાંધીજીનું આગમન અને ગમન બધું જ સ્મૃતિપટ પર અંકિત છે! પછી ગાંધીજીના પ્રવચનો વાંચ્યાં ત્યારે થયું કે વિચારની પારદર્શકતા, ભજનની સાદગી અને મહામાનવની સહજતા એમનાં વાક્યોમાં સનાતન રહેશે. એ સામાન્ય વક્તા હતા પણ એમની અસર અસામાન્ય થતી હતી... સાદાઈ અને ભાષાની સરળતામાં ગાંધીજીની યાદ આપે એવાં પ્રવચનો લાલબહાદુર શાસ્ત્રીના હતાં, જે ગાંધી જયંતિને દિવસે જ જન્મ્યા હતા! 1965ના પાકિસ્તાન યુદ્ધ પછી એમને કલકત્તામાં સાંભળ્યા હતા. રામાયણ વાંચતા હોય એ રીતે એ બોલતા પણ દરેકેદરેક શબ્દ સંભળાતો અને પ્રયત્ન વિના સમજાતો. ગરીબી, અને પોતાની ગરીબીની વાત પણ એમણે રમૂજથી કરી હતી. એમના અવાજમાં સચ્ચાઈ લાગતી હતી. વક્તા તરીકે કમજોર પણ વ્યક્તિ તરીકે વિશ્વાસપાત્ર લાગે એવો એમનો સ્વર હતો.
જવાહરલાલ નેહરુને પ્રથમ 1945 કે 1946માં કલકત્તાના ખેંગરાપટ્ટી મેદાનમાં સાંભળ્યા હતા. આજે એ મેદાન પણ રહ્યું નથી. નેહરુના અવાજની ખરાશ, નેહરુનો ગુલાબી મિજાજ, નેહરુની ઝાગદાર હિન્દુસ્તાની ભાષા, નેહરુનો ગુસ્સો એ પહેલી મિટીંગમાં જ જોઈ લીધો. પછી નેહરુને ઘણીવાર સાંભળ્યા, બે વાર તદ્દન નિકટથી દસેક ફીટના અંતરથી સાંભળવાનો મોકો મળ્યો. દરેક પ્રવચન (અંગ્રેજી) એ શરૂ કરતા: 'ફ્રેન્ડ્ઝ ઍન્ડ કૉમરેડ્ઝ!' એમના ઉચ્ચારણમાં જબરી મીઠાશ હતી: ગવર્મેન્ટનો ઉચ્ચાર 'ગમ્મેન્ટ' જેવો થતો. એ અવાજમાં પાગલ કરી મૂકે એવું ચુંબકીય ખેંચાણ હતું - ખૂબસૂરત, વિદ્વાન, સશક્ત, કરોડપતિનો એકનો એક બેટો જેણે બાર વર્ષો અંગ્રેજોની જેલોમાં ગાળ્યાં હતાં એ જવાહરલાલ આઠ વર્ષના બાળકથી એંશી વર્ષના વૃદ્ધ સુધી દરેકને હચમચાવી શક્યા હતા...ફક્ત અવાજથી! એમની પ્રવચન આપવાની સ્ટાઈલ પર એક આખું પ્રવચન આપી શકાય એટલાં પ્રવચનો નેહરુની ઝબાનથી સાંભળ્યાં છે.
સન 15 ઑગસ્ટ 1947ની રાતે એમણે દિલ્હીની સંસદસભામાં હિન્દુસ્તાન આઝાદ થઈ રહ્યું હતું એ ક્ષણે આપેલું ધબકતું પ્રવચન પાલનપુરમાં રેડિયો પર સાંભળ્યું હતું અને 30 જાન્યુઆરી 1948એ ગાંધીજીની હત્યાની રાત્રે નેહરુ બોલ્યા હતા એ આખું પ્રવચન નેહરુના રડવાના અવાજ સાથે બરાબર સાંભળ્યું છે!
1971ના યુદ્ધની શરૂઆત થઈ એ રાત્રે બારેક વાગે ઈન્દિરા ગાંધીએ જે વાયુ પ્રવચન આપ્યું હતું એ કદાચ એટલું જ યાદગાર હતું - શબ્દોની દ્રષ્ટિએ નહીં પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ!
ભુવનેશ્વરમાં 1959માં ડૉ. રાધાકૃષ્ણનને નિકટથી સાંભળ્યા હતાં. ભાષાનું પ્રભુત્વ અને અવાજનું માધુર્ય રાધાકૃષ્ણન જેવું ભાગ્યે જ કોઈનું જોયું સાંભળ્યું છે. રાધાકૃષ્ણનની વાણી માટે 'અસ્ખલિત' શબ્દ જ વાપરી શકાય. તે તદ્દન સફેદ વસ્ત્રો પહેરતા અને ગોરા હતા. ભારતે એમની કક્ષાના વક્તાઓ બહુ ઓછા પેદા કર્યા છે.
સરદાર પટેલને એમના અવસાન પૂર્વે 1949માં સાંભળ્યા હતા. એમની તબિયત અસ્વસ્થ હતી. હિંદી પણ ગુજરાતીની છાંટવાળું લાગે પણ ખરેખર સ્પષ્ટ વક્તા! અને લોકો ધ્યાનથી એકેએક શબ્દ સાંભળે. વાતો કરતા હોય એટલી નિકટતાથી એ પ્રવચન આપતા.
1945માં જયપ્રકાશ નારાયણ છૂટીને આવ્યા ત્યારે યુવાપેઢીના હીરો હતા! ખૂબસૂરત, ઊંચા અને નેહરુ પછી બીજા સૌથી લોકપ્રિય નેતા! એમને ઘણીવાર એ અરસામાં સાંભળેલા. ડૉ. રામમનોહર લોહિયા, કલકત્તાના કૉફી હાઉસમાં આવીને બેસતા, ગમે તે માણસ ખુરશી ખેંચીને જોડાઈ શકે! એ લાભ પણ મળ્યો હતો - લોહિયા એકલા જ બોલ્યા કરે બાકી બધાએ સાંભળ્યા કરવાનું - પણ મહાન, મેધાવી, તેજસ્વી માણસ! મોતના સમાચાર સાંભળીને ગળું ભરાઈ આવે એવું વ્યક્તિત્વ! અશોક મહેતા ખૂબ જ સરસ ઉર્દૂ બોલતા.
આર.એસ.એસના ગુરૂજી ગોલવાલકરને સાંભળ્યા છે અને વીર સાવરકરને પણ બે વાર સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. સાવરકર બહુ ઠીંગણા હતા પણ એમના સ્વરમાં જે રોષ અને આક્રોશ હતાં એવાં બહુ ઓછા વક્તાઓમાં સાંભળ્યાં છે! એ નાશિકની મિલિટરી સ્કૂલમાં અમને પ્રવચન આપવા આવેલા.
શેખ મુજીબ છૂટીને ઢાકા ગયા ત્યાં જે ઐતિહાસિક ભાષણ કરેલું એ રેડિયો પર સાંભળ્યું છે. એવું જ એક ભાષણ મુજીબે કલકત્તામાં આપેલું, અને શરૂઆત કરેલી: 'ભાયેરા અમારા!' (ભાઈઓ મારા!) આવાં ભાષણો અને વક્તાઓને સાંભળ્યા અને જોયા પછી ઈન્દિરા ગાંધી જરા કમજોર લાગે છે. 'ઈન્દિરા પ્રિયદર્શિની' નામ જવાહરલાલે એમની બેટી માટે પાડ્યું હતું! દર્શન આપવામાં આજે પણ શ્રેષ્ઠ છે પણ ભાષણ આપવામાં એ હજી 'પ્રિયભાષિણી' થઈ શક્યાં નથી એનો જરાક રંજ છે...!
('રાજકારણ-1'માંથી)