લંડનના 'ટાઈમ્સ'માં જૂન 2, 2013ના અંકમાં એક વિજ્ઞાપન હતું. એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા, જેમની આવતીકાલ અંધકારમાં ડૂબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે? આજે લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો. ઈન્ટરનેટને સર્ફ કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રૂમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપરમાર્કેટમાં ફરો. ઈલેક્ટ્રિકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો ક્રોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટિકિટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો, અને ફાદી નાખો. લોકલ ટ્રેનમાં આંટો મારી આવો. સીધા સૂઈને એક પુસ્તક વાંચો. રૂમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અનજાન સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈની કહો કે એ સરસ લાગે છે. હસો. આવતીકાલે કદાચ આંખોની રોશની ચાલી જશે ! આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. છાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે એ જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઊંઘી જાઓ! ડાબી તરફ પડખું ફેરવીને. ઘસઘસાટ.
ઘણા માણસો 85મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરતા હોય છે, ઘણાને 58મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી. રૂપિયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયાં છે. હવે જે છોકરાને તમે 6ઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઊડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડૉરબૅલ ઓછા વાગે છે. હવે ગઈકાલનો પશ્ચાતાપ અર્થહીન છે, હવે આવતીકાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વર્ષના 365 દિવસો છે અને એક દિવસના 24 કલાકો છે અને એક વર્ષના 8760 કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના 8760 કલાકોમાંથી 2900 કલાકો સૂઈ રહે છે, એટલે જાગૃત અવસ્થાના એની પાસે 5860 કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ 120 મિનિટ જેટલો લાંબો હોય છે. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર આલ્બર્ટ આઈનસ્ટાઈનને અંતિમ ઑપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતા આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે...
અને ઘણા એવા હોય છે જે જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઈંદ્રિયોની ભરપૂર મજા લૂંટતા હોય છે. ગર્દિશે-આસમાની ત્રાટકે ત્યારે બડી મહર્બાની, બડી મહર્બાની...નાં ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે. શરીરમાં સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાનાં નથી, કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર 40 વર્ષની હશે, ડાબી આંખ 60ની થઈ હશે, જમણો કાન 30 ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તિ હજી 80 ટકા ટકી રહી હશે. હિંદુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ચેતન દેહની સાથે સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. અને વિશેષણોની રાખ પડતી નથી, વિશેષણોમાંથી ધુમાડો ઊઠતો નથી...
પ્રશ્ન એક જ છે ; જિંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નિર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય એવી ફિલિંગ થયા કરે છે.
મૃત્યુ વિશેની મારી માન્યતા જુદી છે. જિંદગી ફાની છે, લા-ફાની નથી. બૅક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી 'સમકાલ' નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયિકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી વધારે પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશ્ના ! સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશ્ના ! ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી... અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે !...
જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કૈદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.
મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દ્રષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે. સન 2016 સુધીમાં દર 1000 ભારતીયોમાંથી 86ની ઉંમર 60 વર્ષની ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વસતિમાંથી માત્ર 11 ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશલ સિક્યુરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનું આયોજન એક એવો વિષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી!
અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુનો 'ડ્રાય રન' છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે 'ચિરનિદ્રા' જેવો શબ્દ અપાયો છે.
(અભિયાન, ઑક્ટોબર 4, 2003)
(નેપથ્ય/શ્વાસની એકલતા)
No comments:
Post a Comment