June 2, 2013

ફરીદા ખાનમ વિશે "મારું નામ, તારું નામ" નવલકથામાંથી...

બક્ષીબાબુની "મારું નામ, તારું નામ" નવલકથામાં ગાયિકા ફરીદા ખાનમ વિશે તેજ અને વાગ્દેવી વચ્ચે થયેલાં રસપ્રદ સંવાદના અંશો:
 
"તેજ ! તેં ફરીદા ખાનમને સાંભળી છે? સાંભળી હશે, પણ હું તને એક કેસેટ સંભળાવું છું... બિલકુલ મારા મિજાજની ચીજ છે. મને બહુ ગમે છે."

"ફરીદા ખાનમ વિશે સત્યજિત રાયે કહ્યું હતું કે..." તેજ બોલ્યો, "આ અવાજ 19મી સદીનો અવાજ છે !"

"એનો અવાજ બહુ જ હોન્ટ કરે છે !" વાગ્દેવી બોલતી ગઈ, "સત્યજિત રાયની વાત તદ્દન સાચી છે."

વાગ્દેવીએ ક્રિસ્ટલના બેઠા ગ્લાસમાં વ્હિસ્કી રેડીને, બરફના બે ક્યૂબ નાખીને, તેજને આપ્યો. એણે એક નાજુક, નાના ગ્લાસમાં શેરી લીધી, ફરીદા ખાનમની કેસેટ મ્યુઝિક સિસ્ટમ પર મૂકી. લાઈવ પ્રોગ્રામની કેસેટ હતી. શરૂમાં તાળીઓના ગડગડાટ આવ્યા. બંને ચૂપ થઈ ગયા. પછી ઘૂંટાયેલો, મંજેલો, મધુર દર્દથી તરાશેલો, ગહરાઈઓમાં ડૂબીને બહાર આવેલો અવાજ આવવા લાગ્યો અને મદ્ધિમ રોશનીમાં ફેલાઈને ગુંજવા લાગ્યો: આજ જાને કી જિદ ના કરો...યૂં હી પહલૂ મેં બૈઠે રહો...!

"ધિસ ઈઝ ફરીદા ખાનમ !...તેજ ધ્યાનથી સાંભળજે !" વાગ્દેવી ભાવુક થઈને તેજના ચહેરાને જોતી રહી.

અવાજ ફેલાતો ગયો:

યૂં હી પહલૂ મેં બૈઠે રહો
તુમ સોચો જરા ક્યું ન રોકે તુમ્હે
જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ
તુમકો અપની કસમ જાને જાં
બાત ઈતની મેરી માન લો
વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર
ચન્દ ઘડિયાં યહીં હૈ જો આઝાદ હૈ
કલ કી કિસકો ખબર જાને જાં
હૌસલા આજ કી રાત કા હૈ...

અવાજ ખોવાતો ગયો, ટેપમાંથી તાળીઓના અને વાહવાહના પડઘા ઊઠ્યા અને શમી ગયા. તેજ સ્તબ્ધ થઈને વાગ્દેવીને જોતો રહી ગયો હતો. વાગ્દેવી ફક્ત તેજ સાંભળે એમ ગુનગુનાતી હતી: 
 
વક્ત કી કૈદ મેં ઝિન્દગી હૈ મગર
ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ
કલકી કિસકો ખબર જાને જાં -

ફરીથી ફરીદા ખાનમનો અવાજ ખામોશી ફાડીને ઊભરતો ગયો: 
 

"દર્દી ઈશ્ક કી...શું કહ્યું?" તેજ બોલ્યો

"એ મને પણ સમજાતું નથી-" વાગ્દેવીએ કહ્યું, "આગળ સાંભળ !"

ટેપમાંથી અવાજ ખૂલતો ગયો: 
 
મેરે દાગે-દિલ સે હૈ રોશની ઈસ રોશની સે હૈ ઝિંદગી
મુઝે ડર હૈ મેરે ચારાગર, યહ ચિરાગ તૂ હી બુઝા ન દે
મેરા અઝમ ઈતના બુલંદ હૈ, કિ પરાયે શોલોં કા ડર નહીં
મુઝે ખૌફ આતિશે ગુલ સે હૈ, કિ કહીં ચમન કો જલા ન દે...

કેસેટ પૂરી થઈ, તેજ ચૂપ થઈ ગયો હતો. વ્હિસ્કીની એક ઘૂંટ ભરીને એ ખામોશ રહ્યો.

"ઘણીવાર એવું થયું છે...રાત્રે કલાકો સુધી ઊંઘ આવી નથી અને આ કેસેટ સાંભળતી રહી છું. વચ્ચે એકવાર વિચાર આવી ગયો હતો કે તને ભેટ આપું...પછી થયું નહીં....એમ સાંભળવાની મજા જ નહીં આવે. આપણે બંને સાથે સાંભળીશું....અને..." વાગ્દેવી અટકી ગઈ.

"હા."

"ગમી?"

"તારા મનની વાત આ અવાજે કહી દીધી છે." તેજે કહ્યું.

"હું પણ... મને લાગે છે અંદરથી 19મી સદીની સ્ત્રી છું...! બહારથી 21મી સદીની." વાગ્દેવીનો અવાજ નરમ થઈ ગયો. "આપણી જિંદગી 20મી સદીમાં બંધ થઈ ગઈ છે...વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર...ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ...

(મારું નામ, તારું નામ: પૃ.243-244)

1 comment:

  1. પાત્રાલેખન અને વિચારોની દ્રષ્ટિએ આ બક્ષીબાબુની બહુ બૌધ્ધિક અને મારી સૌથી ગમતી નવલકથા છે. આ વાંચ્યુ ન હોત તો ફરીદા ખાનમની આ ગઝલ આટલી ગમતી ન હોત.

    ReplyDelete