June 20, 2013

ઈન્ટરનેટ : તમારું સત્ય મારા સત્ય કરતાં વધારે સફેદ છે?

આઝાદીના પૂર્વ દિવસોમાં સત્યને એક જ સર્ટિફિકેટની જરૂર હતી : "મેં છાપામાં વાંચ્યું છે!" એ દિવસોમાં છાપાં પ્રતિબદ્ધ હતાં, અંગ્રેજી હુકૂમતની સામે સંઘર્ષરત હતાં, ગાંધીજી અને કૉંગ્રેસના સમર્થક હતાં, જંગે-આઝાદીના અલમબરદાર હતાં. અને નિરક્ષરતાનું પ્રમાણ બહુ ઊંચું હતું એટલે છાપાં વાંચનારા અને પોસ્ટકાર્ડ પર અંગ્રેજીમાં એડ્રેસ લખી આપનારા ઓછા હતા (પોસ્ટકાર્ડ પર એડ્રેસ અંગ્રેજીમાં કરવાથી ટપાલી પત્ર જલ્દી પહોંચાડતો હતો.). 

પછી કહેવાવા માંડ્યું : "કાલે રાત્રે રેડિયો પર સાંભળ્યું છે. પંડિતજી(નેહરુ)એ સાફ કહી દીધું છે!" રેડિયોની વિશ્વસનીયતા હતી. દીવાલ પર લાકડાના સ્ટેન્ડ પર ગોઠવેલા મેઇન્સના રેડિયોમાંથી સત્ય વિસ્તરતું હતું. અને "બી.બી.સી. પર આવી ગયું"...વાક્ય અંતિમસત્ય હતું, જે ચેલેન્જ થતું ન હતું. પછી ટેલિવિઝન આવ્યું. "ટી.વી.માં બધું બતાવી દીધું છે." વાક્યમાં જોવું, સાંભળવું અને સ્વીકારી લેવું એ થ્રી-ઇન-વન પ્રક્રિયાનો સમાવેશ થઈ જતો હતો. ટી.વી.નું બ્લેક-ઍન્ડ-વ્હાઈટ સત્ય હવે કલરમાં જોઈ શકાતું હતું. હવે સત્ય એ જોવા કે વાંચવા કે સાંભળવા કે સમજવાથી પર થઈ ગયું હતું, સત્ય એ ચાટી જવાની વસ્તુ હતી. સત્ય સ્વીકારવામાં માથાનો ઉપયોગ જરૂરી ન હતો. 

હવે સત્ય ઇન્ટરનેટ પર છે, વેબ પર આંખોથી પી જવાનું છે, અને તમે દર્શક રહ્યા નથી, તમે ક્લોન છો, ઝોમ્બી છો. તમે હવે "નેટર" છો, વેબસાઇટ એ સત્યનું સર્ટિફિકેટ છે. અસત્ય, અર્ધ-સત્ય, જૂઠનું એક આકર્ષક પેકેજ તમારે માટે ચોવીસે કલાક હાજરાહજૂર છે, હવે વિરોધ કે વિચારભેદનો પ્રશ્ન જ રહ્યો નથી, "ઇન્ટરનેટ પર આવી ગયું છે" એટલે બ્રહ્યસત્યથી પણ ઉપરથી સ્થિતિનું સત્ય તમને પ્રાપ્ત થઈ ગયું છે. અફવાથી, જૂઠથી, બ્રેઇનવૉશિંગથી હિયરસે સુધી ઇન્ટરનેટની ભયાજન રેન્જ છે, એનો વ્યાપ રાક્ષસી છે અને વ્યૂહ દાનવી છે. માટે મલેશિયાની સરકારે લોકોને ચેતવવા પડ્યા હતા કે વેબ પર જે વાંચો એ બધું માની લેવામાં જબરદસ્ત ખતરો છે! પણ હવે પસંદગી રહી નથી. 

ઝોમ્બી ગુજ્જુ પત્રકારો વેબસાઇટ પર ચોંટી પડ્યા છે, ઇન્ટરનેટે કહ્યું એ બધું જ માની લેવાનું છે, રોજરોજ, પ્રતિ કલાક...! ગલ્ફનું યુદ્ધ પ્રથમ ટી.વી. યુદ્ધ હતું. સર્બિયાનું નાટો-આક્રમણ પ્રથમ નેટ-યુદ્ધ છે. મોળા, સ્વાદહીન સત્ય પર ચટપટીદાર ગરમાગરમ જૂઠનો વિજય થઈ રહ્યો છે. ઇન્ટરનેટ એ સત્યને ખોલવાનું "ઓપન સિસેમ" છે, જે અલાદ્દીન બંધ દરવાજાઓ ખોલવા માટે બોલતો હતો એવું અરેબિયન નાઇટ્સમાં લખ્યું છે. તમારું સત્ય મારા સત્ય કરતાં વધારે સફેદ છે? તમારી પાસે ઇન્ટરનેટ છે અને મારી પાસે નથી, માટે?

(અભિયાન : જૂન 19, 1999) 

(મિડિયા, કાવ્ય, સાહિત્ય)

1 comment:

  1. 1999 માં લખાયેલું પણ હજુ એટલું જ ફ્રેશ લાગે... કલમ કાળને ભરખી જાય એ આનું નામ... :)





    (થોડી ઘણી typo error છે.પણ ઇટ્સ ઓકે! :))

    ReplyDelete