June 20, 2013

અગ્નિ

શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ અને એમનું શરીર ચિતા પર મુકાઈ ચૂક્યું હતું. વિશ્વભરમાંથી રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિઓ, રાજાઓ ઉપસ્થિત થયા હતા. પછી એ ક્ષણ આવી, અગ્નિદાહની અને અગ્નિસંસ્કારની, જે વિશ્વના ઘણા દેશોના અધ્યક્ષો પ્રથમ વખત જ જોઈ રહ્યા હતા. સામે ચિતા પર એ શ્રીમતી ઇન્દિરા ગાંધીનું નિશ્ચેસ્ટ શરીર મૂક્યું હતું, જે શ્રીમતી ગાંધીને આમાંના ઘણા મળ્યા હતા. ઘણાએ ચર્ચાઓ કરી હતી. પછી એમના સુપુત્રે ચંદનના લાકડાની ચિત્તાની પરિક્રમા કરી - હાથમાં એક સળગતું લાકડું લઈને, બ્રાહ્મણોના ગગનભેદી મંત્રોચ્ચારોની વચ્ચે, અને પૂરું હવામાન સ્તબ્ધ થઈ ગયું. પછી અગ્નિ પેટાવ્યો, ભડભડ જલતી ચિતાની શિખાઓ અને ધુમાડાઓમાં શ્રીમતી ગાંધીનું શરીર અદ્રશ્ય થતું ગયું. કેટલાક વિદેશી સર્વેસર્વાઓને આવા 'ક્રૂર' સિનારીઓની કલ્પના ન હતી! કેટલાકનું માથું ફરવા લાગ્યું, કેટલાકને ચક્કર આવી ગયા ! હિન્દુઓમાં સગો પુત્ર માતાના શરીરને આ રીતે જલાવી નાખે છે?

અગ્નિ હિન્દુત્વનો અગ્રિમ અને અંતરંગ હિસ્સો છે. હિન્દુ અગ્નિથી ક્યારેય ગભરાતો નથી, કારણ કે એના ધાર્મિક-આધ્યાત્મિક જીવનનો અંશ છે. પૃથ્વી પર દરેક વસ્તુ ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરે છે, ફળ હોય કે ફેંકાયેલો બૉલ હોય કે વીર્ય હોય, દરેકની અધોગતિ છે, એ ઉપરથી નીચે પડે છે. ઉપર ફેંકાયેલી દરેક વસ્તુએ નીચે પૃથ્વી પર પટકાવું પડે છે. એક જ વસ્તુ છે જેને તમે નીચે ફેંકી કે ધરો કે દબાવો અને એ ઉપર જાય છે, એનો ધર્મ ઊર્ધ્વગતિ છે અને એ અગ્નિ છે. અંગતિ ઊર્ધ્વગચ્છતિ, જે ઉપર તરફ જાય છે એ અગ્નિ છે. અગ્નિ ત્રણ પ્રકારે વ્યાપ્ત છે : આકાશમાં સૂર્ય, અંતરિક્ષમાં વિદ્યુત, પૃથ્વી પર સાધારણ અગ્નિ ! ઋગ્વેદ કહે છે કે અગ્નિની 100 અથવા 1000 આંખો છે જે મનુષ્યનાં બધાં જ કર્મોને જુએ છે. ધર્મની એક પત્ની હતી વસુ અને એના દ્વારા અગ્નિનો જન્મ થયો. અગ્નિની પત્ની સ્વાહાથી એને ત્રણ પુત્રો થયા હતા અને પ્રથમનું નામ પાવક હતું. મુણ્ડકોપનિષદના વિધાન પ્રમાણે અગ્નિની સાત જીભો છે અને આ 7 જીભોનાં નામો છે : કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, સુધૂમ્રવર્ણા, સ્ફુલિંગીની અને વિશ્વરુચિદેવી ! પુરુષસુક્ત ગ્રંથમાં 17મા મંત્રમાં જણાવ્યું છે કે પરમેશ્વરે અગ્નિના પરમાણુ સાથે જલના પરમાણુઓને મેળવીને પાણીનું સર્જન કર્યું ! જલ કે પાણી માટેનો એક સંસ્કૃત શબ્દ છે : અગ્નિભૂ ! એટલે અગ્નિમાંથી પાણીનો જન્મ થયો છે?

અગ્નિ શબ્દના આરંભમાં આવી શકે છે, શબ્દના અંતમાં પણ આવી શકે છે. જઠરાગ્નિની જેમ અગ્ન્યાસ્ત્ર શબ્દ સ્વીકાર્ય છે. લગ્નની ચોરીનો અગ્નિ અને સ્મશાનની ચિતાનો અગ્નિ બે જુદા અગ્નિઓ છે. હિન્દુઓમાં પાણિગ્રહણ અગ્નિની સાક્ષીએ થાય છે અને અગ્નિ ઉચ્ચતમ પવિત્રતા છે. ખ્રિસ્તી લગ્નોમાં અગ્નિ લગભગ નથી. ઇસ્લામમાં અગ્નિ ક્યાં છે? મૌલાના સૈયદ અથરહુસેન દેહલવી સમજાવે છે : પયગમ્બર કહે છે કે એક કીડીને પણ જીવતી બાળી નાખવી એ પાપ છે, કારણ કે અગ્નિ પર માત્ર અલ્લાહનો જ સંપૂર્ણ અંકુશ છે માટે અલ્લાહે અગ્નિને દોજખમાં પૂરી દીધો છે કે જેથી એ અન્ય કોઈને ક્ષતિ ન કરી શકે ! અગ્નિ લઈને ઈરાનથી ગુજરાતના તટ પર ઊતરેલા પારસીઓ માટે અગ્નિ એ આતશ પાદશાહ સાહેબ છે, અગ્નિ દેવતા છે. ઉમરગામ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર આવેલા દવિયેર (દહેરી) ગામમાં સન 1855માં સ્થાપવામાં આવેલી એક અગિયારી છે. હમણાં આ પવિત્ર સ્થાનની 147મી વર્ષગાંઠ હતી. અહીં 147 વર્ષોથી અખંડ અગ્નિ પ્રજ્વલિત છે...! અગ્નિ પારસીઓ માટે સર્વાધિક પૂજનીય તત્ત્વ છે.

પારસીઓની જેમ હિન્દુઓ માટે પણ અગ્નિ એક અતિપવિત્ર તત્ત્વ છે. લગ્ન અગ્નિની સાક્ષીએ થાય છે. મૃત્યુ પછી મૃતકના મોઢા પર નિકટતમ આત્મીય આગ મૂકે છે, પ્રદક્ષિણા કરે છે અને અગ્નિદાહ આપે છે અને આ પૂરી વિધિ અગ્નિસંસ્કાર કહેવાય છે. અગ્નિ અને આગ વિષે કહેવતો છે. એક જાપાનીઝ કહેવત છે : અગ્નિને કાગળના પડીકામાં ન બંધાય ! ગુજરાતી કહેવતો બેશુમાર છે. અગ્નિ આગળથી ઓગળ્યા વિના રહે નહીં. લોકપ્રિય ગુજરાતી કહેવતોમાં આગનો ઉપયોગ થયો છે. આગ લાગે ત્યારે કૂવો ખોદે અથવા આગ વિના ધુમાડો ન હોય જેવી કહેવતો રોજ વપરાતી હોય છે. ચાઇનીઝ કહેવતમાં આ જ ભાવ આવે છે : તરસ લાગે ત્યારે કૂવો ખોદે અને ભૂખ લાગે ત્યારે વાવવા દોડે ! આગ વિષેની કોઈ કહેવત અત્યંત વેધક પણ હોય છે. એક ગુજરાતી કહેવત છે : આગ ખાય એને અંગાર ઓકવા પડે... ! 

(સંદેશ જૂન 9, 2002)

(દૂધમાં લોહીનાં ટીપાં)

No comments:

Post a Comment