ગુજરાતી ભાષામાં કોલમ લખવી હોય તો સૌથી
સહેલો વિષય કયો? ગુજરાતી શ્રોતાઓ સામે પ્રવચન આપવું હોય તો સરળતમ વિષય કયો?
લેખન હોય કે વ્યાખ્યાન, ઉત્તર એક જ છે : અધ્યાત્મ ! આધ્યાત્મિક લખવું સૌથી
સહેલું છે. રામાયણનું ગમે તે પાનું ખોલીને જુઓ, મહાભારતના ગમે તે પૃષ્ઠને
ખોલીને વાંચો, બાલકાંડ હોય કે અનુશાસન પર્વ હોય, તમારી કૉલમમાં ગમે તે
બકવાસ કરી નાખો, લોકો ચાટી જશે. પ્રવચનમાં ધર્મની વાત કરી નાંખો, બહુ
અભ્યાસની જરૂર નથી. જીવનને પવિત્ર બનાવો ! એટલે? શું અર્થ આ વાક્યનો?
આધ્યાત્મિકની આ મજા છે. આધ્યાત્મિકમાં બંધાયા વિના ગોળ ગોળ, સુષ્ટુ સુષ્ટુ
તર્કહીન વાતો કરી શકાય છે.
અધ્યાત્મની
વાતો કરવી અને રોજ સવારે કટાર ભરી નાંખવી, માત્ર સલાહો ચરક્યા કરવી, એ
કોના લાભાર્થે થઈ રહ્યું છે? કોઈ વિદ્વાન કે મુરબ્બી, જે વયસ્ક છે અને
અનુભવદગ્ધ છે, જેણે અધ્યયન કર્યું છે અને આચારમાં પ્રમાણિત કર્યું છે, એ જો
સલાહો કે માર્ગદર્શન આપે છે તો સમાજ માટે આશીર્વાદરૂપ છે, પણ દશકોથી સંગીન
ઊભા રહેલા લીમડાના વૃક્ષ અને વરસાદમાં ફૂટી નીકળેલા બિલાડીના ટોપ વચ્ચેનો
તાત્ત્વિક ફર્ક સ્પષ્ટ સમજી લેવો પડશે. બાવાસાધુઓના પ્રવચનોમાં યહૂદી તોરાહ
કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ, બૌદ્ધ ધમ્મપદ, શિન્ટો ધર્મ, કૉન્ફ્યૂશિયસ કે લાઓ
ત્ઝુની બોધકથાઓ, કુર્રાન કે ક્રિસ્ટીઅન બાઇબલ એટલે કે ઓલ્ડ અને ન્યૂ
ટેસ્ટામેન્ટની વાતો ભાગ્યે જ આવે છે. ઉપનિષદ કે ગીતા કે ગુરુ ગ્રંથસાહેબ કે
અત્યંત કુશાગ્ર જૈન તર્કવિતર્ક પણ ભાગ્યે જ હોય છે. અધ્યાત્મની બાબતમાં
કોઈની સલાહ કે ધર્મની બાબતમાં કોઈનો પરામર્શ કામ આવતાં નથી, દરેક સ્વયં
જાગૃત અને ચેતનવંત થવું પડે છે. સ્વામી વિવેકાનંદ એક હિંદુ કહેવત ટાંકે છે :
જો માણસની ગાય ખોવાઈ જાય છે તોપણ એ વેદમાં શોધવા નીકળે છે ! સત્ય શોધવા
માટે અલ્પશિક્ષિત સાધુબાવાઓની ચરણસેવા એ જ માર્ગ છે? ઘુવડની આંખે સૂર્ય
જોવા નીકળવા જેવી એ કુપ્રવૃત્તિ છે. કદાચ આ જ સંદર્ભમાં ભર્તૃહરિએ લખ્યું
હતું : જો ઘુવડ જોઈ ન શકે તો સૂર્યનો શું દોષ? (નોલૂકોSપ્યલોકતે યદિ દિવા
સૂર્યસ્ય કિં દૂષણમ) સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે માખીઓ હંમેશાં ગૂમડાં પર
બેસે છે અને મધમાખીઓ હંમેશાં ફૂલોમાંથી મધુ ચૂસતી રહે છે, માખીનો નહીં પણ
મધુમાખીનો માર્ગ અખ્તિયાર કરો...
અઢાર
અધ્યાયો સુધી જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગો ગીતામાં અંત સુધી બતાવી દીધા
પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : યથેચ્છસિ તથા કુરૂ ! તને યોગ્ય લાગે એમ જ
કર ! ભગવદગીતાની સમાપ્તિ પર છેલ્લા શ્લોકમાં સંજય કહે છે કે જ્યાં કૃષ્ણ
અને અર્જુન છે ત્યાં વિજય, વિભૂતિ, અચલ નીતિ છે. પણ એ અંતિમ શ્લોકનો અંત
મહત્ત્વપૂર્ણ છે : મતિર્મમ, એટલે કે એવો મારો મત છે! સંજયે પણ પોતાનો
વ્યક્તિગત મત પ્રકટ કર્યો છે, આત્યંતિક કંઈ જ કહ્યું નથી. ભગવાન બુદ્ધ પણ
એમના અંતિમ પ્રવચન 'પરિનિબ્બાન સુત્ત'માં સ્પષ્ટતા કરે છે : અપ્પ દીવો ભવ
અર્થાત તારો દીપક, તારો પ્રકાશ તું સ્વયં થા ! ઈસ્લામમાં ઈસ્લામમાં પણ સાફ
હિદાયત છે કે જે લોકો સ્વયં પોતાને મદદ કરતા નથી, અલ્લાહ એમને મદદ કરતો
નથી. લગભગ દરેક ધર્મમાં આ પ્રકારનો અભિગમ સ્પષ્ટ છે. અધ્યાત્મ અને ધર્મની
સલાહો, લેખન અથવા પ્રવચન દ્વારા, જો આપવી જ હોય તો એ અધ્યયનકક્ષા, એ
અનુભૂતિસિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. જો કે શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, હજરત
મહંમદ આદિ માનતા હતા કે પ્રકાશ મનુષ્યના અંતરતમમાંથી જ આવે છે. બાકી જીવન
કેમ જીવવું એ કયો બાવો આપણને શીખવશે? નલિની દલગત જલમતિ તરલમ/તદ્વજજીવનમતિશય
ચપલમ (જીવન અત્યંત અસ્થિર છે, કમળના પાંદડા પર ટકી રહેલા પાણીના બુંદ
જેવું).
અને છતાં પણ કટારિયો સોમવારે લખશે : લોભ નહીં રાખવો...! તો શૅરબજાર ચાલશે કેવી રીતે? મંગળવારે લખશે : જૂઠું નહીં બોલવું!...તો કોર્ટ-કચેરીઓ, મામલા-મુકદ્દમાઓ, વકીલોનું શું થશે? બુધવારે લખશે : માતાને પ્રેમ કરવો !...તો આટલાં વર્ષો આપણે કર્યું શું? ગુરુવારે લખશે : ભ્રષ્ટાચાર નહીં કરવો !.... તો મંત્રીઓથી મટકાવાળાઓ સુધીના લાખો માણસો બેકાર થઈ જશે, એમને રોજીરોટી કેવી રીતે આપીશું? શુક્રવારે લખશે : પુણ્યનો સંચય કરો !... પણ પુણ્યનો પણ પરિગ્રહ શા માટે રાખવો? શનિવારે લખશે : ક્રોધ ન કરવો ! આ સલાહ એ કટારિયા માટે બરાબર છે કારણ કે છ દિવસના એના બકવાસમાંથી ગુજર્યા પછી એના તરફ ક્રોધ ન થવો એ કઠિન કામ છે! બસ, ક્રોધ નહીં કરવાનો. ઓસ્કાર વાઇલ્ડે કહ્યું હતું કે સારી સલાહ ક્યારેય પોતાની પાસે રાખવી નહીં, બીજાને આપી દેવી...! અને રવિવારે લખશે: ક્ષમા વીરસ્ય ભૂષણમ !
નરસિંહ
રાવ પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે અમેરિકન કૉંગ્રેસને ઉદબોધન કર્યું હતું
અને અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ એલ ગોરના એક પુસ્તકમાંથી પ્રસંગ ટાંક્યો હતો. એક
સ્ત્રી ગાંધીજી પાસે આવી, કહ્યું કે મારો પુત્ર ખાંડ બહુ ખાય છે, એને
સમજાવો કે ખાંડ ન ખાવી જોઈએ! ગાંધીજીએ સ્ત્રીને પંદર દિવસ પછી મળી જવાનું
કહ્યું. પંદર દિવસ પછી સ્ત્રીએ આવીને પૂછ્યું : બાપુ! તમે મને પંદર દિવસ
પછી આવીને મળવાનું શા માટે કહ્યું ? ગાંધીજીએ કહ્યું : પંદર દિવસ મેં ખાંડ
બંધ કરી હતી કે જેથી હું પોતે વાત સમજી શકું ! આપણા સાધુબાવાઓ અને એમના
અંતેવાસી જેવા બની ગયેલા લેખકો-કટારિયાઓ માટે સબક નંબર એક : ગાંધીજીની જેમ
પ્રથમ પ્રશ્નને સમજો ! સબક નંબર બે : પોતાને એ સ્થિતિમાં મૂકો ! સબક નંબર
ત્રણ: ચૂપ રહો !
ભગવાન
બુદ્ધે કહ્યું એમ દરેકે પોતાનો પ્રકાશ પોતાનામાં જ શોધવાનો હોય છે. લેભાગુ
લલ્લુઓનો ધંધો છે સલાહો ચરક્યા કરવાનો. ડાયાબિટીસના દર્દીના પેશાબમાં રોજ
સવારે જેમ ચીની વહેવાની જ છે, એમ કેટલાકનો સલાહો અને દોઢડહાપણનો સ્ત્રાવ
વહ્યા જ કરશે. આ રોગ લાઇલાજ છે. પણ જેમની બુદ્ધિ સ્થિર છે, ભગવદગીતામાં
કહ્યું છે એમ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા છે, એમણે આસપાસની સૃષ્ટિમાંથી,
સમષ્ટિમાંથી જ્ઞાનપ્રાપ્તિ કરવાની છે.
(અભિયાન : ઑગસ્ટ 15, 2000)
(ગુજરાત અને ગુજરાતી)
No comments:
Post a Comment