June 2, 2013

ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો

જરા વિદ્વાન દેખાવા માટે અંગ્રેજી શબ્દો લખવા કે બોલવા જોઈએ, કૉન્સેપ્ટ અને ડિસેપ્શન જેવા, અને વધારે બુદ્ધિમાન દેખાવું હોય તો પારામિટર અને બેંચમાર્ક અને કોન્સ્ટ્રેઇન્ટ્સ જેવા શબ્દો વાપરવા, જો લોકો નહીં સમજે તો બુદ્ધિમાન તરીકે તમારી ઊંચાઈ વધી જશે ! અને અંગ્રેજી ઉચ્ચારો ન આવડતા હોય એટલે ગુજરાતી કૉલમમાં અંગ્રેજી શબ્દો કે વાક્યો રોમન લિપિમાં, અંગ્રેજી અક્ષરોમાં લખવાની લુચ્ચી બદમાશી કેટલાક લેખકોમાં આવી ચૂકી છે. અંગ્રેજી લેખનમાં ક્યારેય ગુજરાતી લિપિ જોઈ છે? ફ્રેંચ કે જર્મન કે રશિયન કે ફારસી કે અરબી લિપિ જોઈ છે? તો શા માટે ગુજરાતી લેખમાં અંગ્રેજી લિપિમાં વાક્યો લખાવાં જોઈએ? આ ગુજરાતી અસ્મિતા નથી. અને કવિ રોબર્ટ ફ્રોસ્ટે લખ્યું છે એમ કેટલાક કૂતરાઓને ગળામાં ગલપટ્ટો બંધાઈ જાય છે પછી જ ભસવાનું શૂરાતન ચડે છે. જ્યારે હું ગુજરાતી કૉલમલેખનમાં અંગ્રેજી લિપિમાં વાક્યો જોઉં છું ત્યારે મને એવી ફીલિંગ, એવો અહેસાસ, એવો આભાસ થયા કરે છે કે ઝાડુ મારવા માટે રાખેલો છોકરો, ટુવાલ લપેટીને મારા માસ્ટર બેડ-રૂમના કબાટના આદમકદ બેલ્જિઅન આયનાની સામે ઊભો રહીને વાળ ઓળી રહ્યો છે... ! ગુજરાતી ગદ્યમાં અંગ્રેજી લિપિબદ્ધ શબ્દો અને વાક્યોએ આ રીતે ઘૂસી જવું જોઈએ નહીં. 

(અભિયાન: ઑગસ્ટ 15, 2000)

(ગુજરાત અને ગુજરાતી)

No comments:

Post a Comment