June 17, 2013

ગાર્ડિયનની જેમ : થોડા પ્રશ્નો, થોડા ઉત્તરો

ઈંગ્લન્ડનું એક સમાચારપત્ર "ગાર્ડિયન" એક વિચિત્ર કૉલમ ચલાવે છે જેમાં લેખક કે કલાકાર પોતે જ પોતાની જાતને પ્રશ્નો પૂછે છે અને ઉત્તરો આપે છે.

લેખક સ્વયં પોતાને પ્રશ્ન પૂછે, ઉત્તરો આપે, એ આત્માનો એક્સ-રે લેવા જેવું શુદ્ધ કામ છે. અથવા ખડખડાટ હસતા માણસનો એક્સ-રે લેવા જેવું ક્રૂર કામ છે. હસ્તા માણસના એક્સ-રેમાં કંકાલની ખોપરી અને એક એક દાંત છૂટો દેખાય છે, એ અત્યંત ભયંકર અને બીભત્સ દ્રશ્ય છે. ફક્ત કલાકાર જ સ્વયંના બે વિરોધી ટુકડા કરીને બંને ટુકડાઓને ઈમાનદાર રહી શકે છે. સત્ય અને જૂઠનો ફર્ક બહુ સ્પષ્ટ છે. સત્ય બોલવું સહેલામાં સહેલું કામ છે, જૂઠું બોલવામાં બહુ હોશિયારી જોઈએ, બહુ યાદ રાખવું પડે, પરિણામ વિશે આગાહ રહેવું પડે, દાવપેચ લડાવતાં આવડવા જોઈએ. કલાકારનો પ્રશ્ન અને કલાકારનો ઉત્તર, બંને પ્રામાણિક હોઈ શકે છે. બહરહાલ, થોડી પ્રશ્નોત્તરી :

પ્રશ્ન: અત્યારે શું વાંચો છો?
ઉત્તર : હું એકસાથે બેત્રણ પુસ્તકો વાંચતો હોઉં છું. અત્યારે સમરસેટ મોમની "ટેન નોવેલ્સ ઍન્ડ ધેર ઑથર્સ" વાંચું છું. બીજી મેક્સિકન-અમેરિકન કથાકાર સાન્ડ્રા સિસ્નેરોસની "ધ હાઉસ ઑન મેંગો સ્ટ્રીટ" નામની નુવેલા છે. ત્રીજું પુસ્તક ગાંધીજીનું છે. સંપાદન છે. પુસ્તકનું નામ છે "હિંદુ ધર્મનું હાર્દ".

પ્રશ્ન : અત્યારે કંઈ નવું લખવાનું આયોજન છે? 

ઉત્તર : હા, એક ફૅન્ટેસી પ્રકારની નવલકથા લખવાનું વિચારું છું. ત્રણ પુસ્તકો મારી નજરમાં છે : સર્વેન્ટિસની "ડોન કિહોટે", જોનાથન સ્વિફ્ટની "ગલિવર્સ ટ્રાવેલ્સ" અને લુઈ કેરોલની "એલિસ ઇન વન્ડરલેન્ડ". સાથે મારો અનુભવ, મુંબઈની હાઈ-સોસાયટીનો, મુંબઈના શેરીફ તરીકેનો, અને હૉસ્પિટલના ઑપરેશન ટેબલ પર એન્જ્યોગ્રાફી વખતે ટીવી સ્ક્રીન પર મારું પોતાનું હૃદય ધબકતું જોવાનો. શું આવશે એ ખબર નથી, પણ કંઈક ચોક્કસ આવશે એ ખબર છે.

પ્રશ્ન: તમારે માટે પૈસાનું કેટલું મહત્ત્વ છે?

ઉત્તર : પૈસા ઘણું છે, બધું નથી. પૈસાથી મજા, મસ્તી, મૌજ ખરીદી શકાય છે, કદાચ થોડો આનંદ પણ મેળવી શકાય છે, પણ સુખ માટે પૈસા ગૌણ છે. સુખ મનની સ્થિતિ છે. પણ પૈસા હોય તો આંખો ઝૂકતી નથી, ગરદન ટટાર રહે છે, આકાશ ઉપર ચાલ્યું જાય છે. સિંધીમાં કહેવત છે : ઊંટ એક પૈસે મળતો હતો ત્યારે મોંઘો હતો, અને સો રૂપિયે મળે છે ત્યારે સસ્તો છે ! કારણ કે, એ વખતે ખિસામાં એક પૈસો ન હતો, આજે સો રૂપિયા છે ! પૈસાથી ખરીદી કરનાર જો વસ્તુની કિંમત જ જુએ અને વસ્તુનું મૂલ્ય ન સમજે તો એની દયા ખાવી જોઈએ.

પ્રશ્ન : મજાની ક્ષણ?

ઉત્તર: વરસાદી સાંજ, વ્હિસ્કીનો ગ્લાસ, ફરીદા ખાનમનો અવાજ, ઉપર ઝૂલતું કટલેસનું ઝુમ્મર, રેશમી કબાબ અને ખામોશ બેઠેલી સ્ત્રી.

પ્રશ્ન : આદર્શ દિવસની તમારી કલ્પના?

ઉત્તર : પથારીની બહાર ન નીકળવું, વાંચવું, ખાવું, સૂવું. ફરીથી વાંચવું, ખાવું, સૂવું અને ટેલિફોનનું ન વાગવું. અને મરી ગયેલા એકાદ દોસ્ત સાથે ઊંઘમાં વાતો કરવી.

પ્રશ્ન: મૃત્યુનો ડર લાગે છે? 

ઉત્તર : દોસ્તોને ચિતાઓ પર જલાવી દીધા પછી 70મા વર્ષમાં પ્રવેશ કર્યા પછી, મૃત્યુ પાંચસાત વર્ષ દૂર ઊભું રહેલું દેખાઈ રહ્યું છે. કોઈ લાંબા દર્દમાં શરીર ફસાઈ જાય, અથવા શરીર અપંગ થઈ જાય અથવા જલ્દી મરી ન શકાય એવી શક્યતાઓ ક્યારેક ધ્રુજાવી જાય છે. પણ આવતી કાલના કલ્પિત ભયના પડછાયામાં આજની રોશન જિંદગી બુઝાવીને ખૂણામાં ઘૂસી જવું એ મારી પ્રકૃતિ નથી. ઝીરો-ઝીરો-સેવનના સર્જક ઇયાન ફ્લેમિંગે મરતી વખતે કહ્યું હતું : "ઇટ્સ અ લાર્ક!" (જીવવાની) બહુ મજા પડી ગઈ ! ઈચ્છું છું મને પણ એ અંતિમ ક્ષણે એવી જ કોઈ ફિલિંગ થાય !

પ્રશ્ન: ઈશ્વરમાં માનો છો? 

ઉત્તર : ના અને હા. ઈશ્વર એ માણસે કલ્પના કરેલું એક કલ્પન છે, માણસે સર્જેલું એક સર્જન છે. હું ઈશ્વરમાં માનતો નથી. પણ નિયતિ, પ્રોવિડન્સ, કિસ્મત, પ્રાક્તન, ભવિતવ્ય, ભાગ્ય, નસીબ, ફેટ... મનુષ્યનો જેના પર અંકુશ નથી એવું કંઈક ચોક્કસ છે. ગ્રીક નાયકની જેમ તમારો વિનાશ નિશ્ચિત છે, પણ તમે મૃત્યુ સાથે શતરંજ રમો છો, તમારું એકેએક મહોરું કતલ થતાં પહેલાં લડી લે છે, અને એ શતરંજના નિયમ પ્રમાણે તમે મૃત્યુથી મુકાબિલ થાઓ છો. પછી રંજ નથી રહેતો પરાજયનો. લૉસ એંજેલિસ ઓલિમ્પિક્સ વખતે જબરદસ્ત પ્રયત્ન કરવા છતાં એક સેકંડના ત્રણ અંશથી પી.ટી. ઉષા ચોથી આવી અને એને એક પણ ચંદ્રક મળ્યો નહીં ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઉષાને કહ્યું હતું : ઉષા ! તું જીતી ગઈ છે, દેશ હારી ગયો છે ! જિંદગી સમેટી લેવાનો દિવસ આવશે ત્યારે હું પણ કહી શકીશ : હું જીતી ગયો છું, જિંદગી હારી ગઈ છે...

પ્રશ્ન : તમારા વ્યક્તિત્વની સૌથી મોટી ખામી ?

ઉત્તર : બધા પર વિશ્વાસ કરવો ! 

પ્રશ્ન : તમારો સૌથી મોટો ગુણ ? અને સૌથી મોટો અવગુણ ? 

ઉત્તર : જિદ એ મારો સૌથી મોટો ગુણ છે, અને જિદ એ મારો સૌથી મોટો અવગુણ છે.

પ્રશ્ન : ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં તમે કંઈ નવીનતા લાવ્યા હો એવું તમને લાગે છે? 

ઉત્તર : મારાં પુસ્તકોમાં હું પ્રસ્તાવનાઓ લખતો નથી (152 પુસ્તકોમાંથી ચારપાંચ પુસ્તકોમાં જ પ્રસ્તાવના છે.) અર્પણ કરતી વખતે હું કોઈ વિશેષણ એ વ્યક્તિ માટે વાપરતો નથી. માત્ર નામ જ લખું છું. દરેક પુસ્તકમાં મારા દરેક પૂર્વ-પ્રકાશિત પુસ્તકનું નામ અને પ્રકાશનવર્ષ લખું છું. પુસ્તકના જૅકેટ પર મારી સહી એક "લોગો" બની ચૂકી છે. છેલ્લા પૂંઠા પર ફોટો મૂકવાનું મેં શરૂ કર્યું હતું જે હવે ઘણા બધા લેખકો પણ કરવા લાગ્યા છે. હું ક્યારેય જૂનો જવાનીનો ફોટો મૂકતો નથી. મારો લેટેસ્ટ સફેદ વાળ અને ચહેરા પર ઝુર્રીઓવાળો ફોટો છપાય એનો આગ્રહ રાખું છું. નવલકથાના દરેક પ્રકરણ અથવા કૉલમના દરેક લેખની એક શિસ્તબદ્ધ, વ્યવસ્થિત સાઈઝ હોય છે. દરેક તંત્રીને મારી સાનુરોધ વિનંતી હોય છે કે મારા વિશે એક પણ પત્ર, પુરસ્કારનો કે તિરસ્કારનો, "વાંચકોના પત્રો"માં ન છાપે. એક કૉલમના લેખ સાથે ફોટો (જે આંતરરાષ્ટ્રીય નિયમ છે), અંતે "ક્લોઝ અપ," શીર્ષકમાં એક મુખ્ય અને વિસર્ગ પછી બીજું પેટાશીર્ષક (જે અમેરિકન પ્રથા છે) છાપવાનું ગુજરાતીમાં મેં શરૂ કર્યું હતું.

પ્રશ્ન : અંતે....?

ઉત્તર : લગભગ 60 વર્ષ પહેલાં પંકજ મલ્લિકે એક ફિલ્મમાં ગાયેલા એક ગીતની લીટી હજી યાદ છે :

યહ ન પૂછો ક્યા ન પાયા
યહ પૂછો ક્યા મિલ ગયા

ક્લોઝ અપ: 

યુદ્ધસ્વ વિગતજ્વર-શ્રીકૃષ્ણ (ભગવદગીતામાં) 
(અર્થ : જ્વરા-ચિંતા છોડીને તું લડાઈ કર!) 

(અભિયાન : સપ્ટેમ્બર 22, 2001)

(મૌજ અને શોખ)

1 comment:

  1. વાંચેલું છતાં ફરીવાર વાંચતાં મૌજ આવે એવું! :)

    ReplyDelete